My Better Half - 3 books and stories free download online pdf in Gujarati

My Better Half - 3

My Better Half

Part - 3

Story By Mer Mehul

”જય શ્રી કૃષ્ણ ભાભી” અંકલે મારી મમ્મીને ઉદ્દેશીને કહ્યું, “આ છે મારાં પત્ની વર્ષા અને આ મારી નાની દીકરી રોશની”

‘ઓહહ..નાની દીકરી છે’ હું મનમાં હસ્યો. ધરમશીભાઈએ પણ વારાફરતી મારાં ફેમેલીનો ઇન્ટ્રો આપ્યો અને છેલ્લે વાતની સોય મારાં પર આવીને અટકી,

“અનિરુદ્ધે બીકોમ પૂરું કર્યું છે, મેં એને એમબીએ કરવા સલાહ આપી પણ તેને હવે ધંધામાં રસ છે. આજ નહિ તો કાલે મારો ધંધો તેને જ સંભાળવાનો છે એટલે મેં પણ વધુ દબાણ ના કર્યું”

અંકલે ડોકું ધુણાવ્યું અને મારાં પર ઊડતી નજર ફેરવી. મેં જવાબમાં માત્ર સ્મિત વેર્યું.

એકબીજાનાં ઘરની થોડી વાતચીત થઈ પછી નવનીત અંકલે કહ્યું, “ચા બની ગઇ હોય તો લઈ આવો”

હવે જ ખરાખરીને સમય આવ્યો હતો, થોડીવાર પછી કન્યાપક્ષ તરફથી છોકરી હાથમાં ચા લઈને આવવાની હતી. ચાનો કપ લેતાં સમયે મારે ચહેરા પર સ્માઈલ રાખીને તેની સાથે નજર મેળવવાની હતી અને તેનાં રિએક્શનની રાહ જોવાની હતી.

નવનીત અંકલની નાની દીકરી રોશની ઉભી થઇ અને રૂમમાં જતી રહી. અહીં મારી ધડકનો આપમેળે વધવા લાગી. છોકરીને પસંદ કરવાની વાત તો બાજુમાં રહી પણ અત્યારે તેને ફેસ કરવામાં ફાંફાં પડતાં હતાં. મારાં પગ, પગ પણ આપમેળે ધ્રુજવા લાગ્યાં. મને ચાર છોકરી જોવાનો અનુભવ હતો પણ આ ચાર ઘટનાં પરથી હું મારી આ કમજોરી દૂર નહોતો કરી શક્યો.

થોડી ક્ષણો બાદ,

ઝાંજરી ઝણકાવાનો અવાજ મારાં કાને પડ્યો. હું ટટ્ટાર થઈ ગયો અને નીચું જોઈ ગયો. ધીમે ધીમે અવાજ મોટો થવા લાગ્યો. અવાજ થોડીવાર માટે બંધ થઈ ગયો, ફરી આવ્યો, ફરી બંધ થઈ ગયો…બે-ત્રણવાર આવું થયું. વૈભવી લાઈનમાં બધાને ચા આપતી આવતી હતી. આખરે જે માટે આ બધું ગોઠવવામાં આવ્યું હતું એ સમય આવી ગયો. એ મારી સામે આવીને ઉભી રહી. મારું ધ્યાન હજી મારાં પગનાં અંગૂઠા પર જ હતું.

“લે બેટા, શરમાઈશ નહિ” નવનીત અંકલે કહ્યું.

મેં હિંમત એકઠી કરીને નજર થોડી ઊંચી કરી. મને તેનાં પગ દેખાય રહ્યાં હતાં. એ સુંવાળા પગ પર ચાંદીની ઝાંજરી શોભી રહી હતી. મારાં મનમાં વિચારોનું ઘોડાપુર આવ્યું હતું, વૈભબી દેખાવે કેવી હશે ?, સુંદર હશે કે નહીં ?, કદરૂપી તો નહીં હોય ને !

જો કે મારે તેને રીજેક્ટ જ કરવાની હતી પણ છોકરા સહજ સ્વભાવે આવા વિચારો આવે જ. બધું ઝડપથી બની રહ્યું હતું. મારે સેકેન્ડની ગણતરીમાં તેને જોવાની હતી. થોડે ઊંચે નજર કરતાં મને તેની વાઈટ લેગીસ અને ગોઠણ સુધીનું બોડીફિટ આછા પીળા રંગનું કુર્તુ દેખાયું. સમયની પાબંધીને કારણે મેં એક ઝટકે ઊંચી નજર કરીને તેની આંખોમાં જોયું. ઓહહ !!!

ચશ્માં પાછળ છુપાયેલી તેની આંખોમાં જોયા પછી તેનો ચહેરો, તેનાં પગ, તેની કમર, કાન, ગાલ, નાક….હું બધું જ ભૂલી ગયો. નિલમનાં પાણી જેવી તેની આંખોમાં હું ખોવાઈ ગયો. આવું પહેલાં મારી સાથે કોઈ દિવસ નહોતું થયું. મારાં મગજમાં કરંટ સ્વરૂપે આવેગ પ્રગટ્યો અને પુરા શરીરને ધધણાવીને પસાર થઈ ગયો. તેની આંખો ગજબ હતી, હું વર્ણન ન કરી શકું એટલી ગજબ.

બાજુમાં બેસેલા મોટાભાઈ મને કોણી મારી એટલે મારી તંદ્રા તૂટી. આપોઆપ મારાં ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે નજરો ઝુકાવી લીધી. નજરો ઝુકાવવામાં પણ તેની એક અદા હતી. મેં ચાનો કપ હાથમાં લીધો અને નજર નીચે કરી લીધી.

થોડીવાર મને શું થયું એ મને ખુદને ખબર નહોતી પણ જયારે હું ભાનમાં આવ્યો ત્યારે વાતાવરણ હતુંને એવું જ હતું. આ બધું ઝડપી બન્યું હતું, લગભગ અડધી મિનિટમાં.

“બેસ અહીં” આખરે વૈભવીનાં મમ્મી વર્ષા આંટીએ કહ્યું. વૈભવીએ ચાની પ્લેટ ટીપોઈ પર રાખી અને આંટીની બાજુમાં રહેલી ખાલી ખુરશી પર એ બેસી ગઈ. એક ખુરશી વધારે શા માટે ગોઠવવામાં આવી હતી એ હવે મને સમજાય રહ્યું હતું.

“ખૂબ જ સુંદર છે દીકરી !” મમ્મીએ વૈભવીનાં વખાણમાં બે શબ્દો કહ્યાં.

‘બરોબર છે મમ્મી, લગે રહો’ મનમાં હું બબડ્યો.

“મને પણ દીકરી પસંદ છે” ધરમશીભાઈએ કહ્યું. આજે પહેલીવાર ધરમશીભાઈનાં મોઢામાંથી મધ ટપકતું હોય એવું મને લાગ્યું.

“અમને પણ તમારો દીકરો પસંદ છે” અંકલ અને આંટીએ ક્રમશઃ કહ્યું.

પેરેન્ટ્સની હા-ના થઇ ગઇ હોય તો અમને તો કોઈ પૂછો !, અમારે બંનેને પુરી જિંદગી સાથે પસાર કરવાની છે. જો કે મારું મન તો અંદરથી રાડો પાડીને કહી રહ્યું હતું, ‘હા મને આ છોકરી પસંદ છે’

“આપણી બધાની હા હોય તો બાળકોને એકાંતમાં વાત કરી લેવા દઈએ, છેલ્લે તેઓની હા પર જ વાત આગળ વધવાની છે” ધરમશીભાઈએ સોના જેવી કિંમતી વાત કહી.

એક..એક..મિનિટ…, શું કહ્યું ધરમશીભાઈએ..!!

મારે તેની સાથે વાત કરવાની છે અને એ પણ એકાંતમાં !

જેને જોઈને હું સુધબુધ ખોઈ બેઠો હતો તેની સાથે વાતચીત કેવી રીતે કરી શકું ?

“જા બેટા, અનિરુદ્ધને આપણું ઘર બતાવી દે” આદર્શ મમ્મીનો ઇલખાબ જીતવા મથતાં વર્ષા આંટીએ કહ્યું. વૈભવી તો હુકમની ગુલામ હોય એવી રીતે ઉભી થઇ ગઇ. અહીં મારી હાલત ફાટેલા કપડાં જેવી થઈ ગઈ હતી, અરે..! ફાટેલા કપડાં જેવી શું, રીતસરની….

એ ચાલીને મારી તરફ આવી. નાછૂટકે મારે ઉભું થવું પડ્યું.

“આ બાજુ..” તેણે હાથ વડે ઈશારો કરીને કહ્યું. તેની નજર હજી નીચે હતી. ઝુકેલી નજર બેકરાર હતી કે નહીં એ મને નથી ખબર પણ મારાં શરીરમાં ન સમજી શકાય એવા તરંગો છૂટી રહ્યાં હતાં. એક તરંગ આ બધું છોડીને ભાગી જવા મથતું હતું તો બીજું મને જ સવાલ કરતું હતું કે તું અહીં છોકરી રિજેક્ટ કરવા આવ્યો હતો કે તેનાં પ્રેમમાં પડવા..!

પ્રેમ..! પહેલી નજરનો પ્રેમ. શક્ય છે ?

મારો જવાબ છે, ના. લોકો પહેલી નજરનાં પ્રેમમાં વિશ્વાસ કરતાં હશે. હું નહિ..!

મેં મારાં મગજ સાથે થોડી વાટાઘાટો કરી,

‘છોકરી સુંદર હોય એનો મતલબ એવો નથી કે સર્વગુણસંપન્ન જ હોય. અતિ સુંદર છોકરીનાં સ્ક્રુ હંમેશા ઢીલા હોય છે. અત્યારે સારો મોકો મળ્યો છે, હિંમત કરીને વાત કરી લે જેથી તેનાં સ્વભાવ વિશે પણ થોડી જાણકારી મળી જાય. જો સ્વભાબ તેનાં ચહેરા જેવો સુંદર હોય તો કરો કંકુના’

એ આગળ ચાલી, હું તેની પાછળ ગયો. આગળ ચાલીને એ જમણી તરફ વળી, હું પણ. ત્યાં સામસામે બે દરવાજા હતાં. એક રસોડા તરફ પડતો અને બીજો કદાચ વૈભવીનો રૂમ હશે. વૈભવી એ રૂમમાં પ્રવેશી.

એકવાત જણાવી દઉં, આજ સુધી મેં જેટલી છોકરીને રિજેક્ટ કરી હતી તેની સાથે હું કોઈ દિવસ રૂમમાં વાતો કરવા નહોતો ગયો. દૂરથી ‘આવજો’ કહેવાની વૃત્તિ દાખવેલી. આજે પહેલીવાર હું કોઈ છોકરી સાથે એકલાં રૂમમાં જતો હતો. કેવી રીતે વાત કરવી એનો મને કોઈ અનુભવ નથી.

રૂમમાં પ્રવેશ્યો એટલે મારી આંખો પહોળી થઈ ગઈ. અંદરનું દ્રશ્ય જ કંઈક એવું હતું. દરવાજાની સામે મોટી બાલ્કની હતી. જેમાં બે મોટા કાચનાં દરવાજા હતાં. જમણી બાજુ ખૂણામાં મોટો ડ્રેસિંગ કાચ હતો. મુખ્ય દરવાજાની જમણી બાજુએ એક ટેબલ હતું, જેનાં પર વ્યવસ્થિત ગોઠવેલા પુસ્તકો હતાં. પુસ્તકોની બાજુમાં લેપટોપ પડ્યું હતું. મુખ્ય દરવાજાની ડાબી બાજુએ એક અલમારી હતી. બેડ પર ગુલાબી રંગની ડોરેમોનનાં ચિત્રવાળો ઓસાડ પાથરેલો હ ડ્રેસિંગ કાચ અને ટેબલ વચ્ચે જે દીવાલની જગ્યા હતી તેનાં પર મોટી ફ્રેમવાળો ફોટો હતો, જેમાં વચ્ચે વૈભબી અને રોશની ઊભાં હતાં અને બંને બાજુએ અંકલ-આંટી.

મારી નજર ફરીને વૈભવી પર અટકી. એ અદબવાળીને મને જોઈ રહી હતી.

“તું..તું..તમે..” મારી પાસે કોઈ શબ્દો નહોતાં.

“તું કહીને બોલાવીશ તો ચાલશે” તેણે હસીને કહ્યું. દાડમની કળી જેવાં તેનાં સફેદ દાંત તેનાં સુંદર ચહેરાને વધુ સુંદરતાં આપી રહ્યાં હતાં. હવે હું થોડું કામ ફિલ કરી રહ્યો હતો. એ મને કમ્ફર્ટઝોનમાં લાવવાની કોશિશ કરતી હતી. કદાચ એણે મારી સ્થિતનો અંદાજ લગાવ્યો હશે અથવા અનુભવી હશે. મેં હિંમત કરીને તેને ચૅક આઉટ કરવાની ગુસ્તાખી કરી.

તેનાં રેશન જેવાં સોનેરી બદન પર પીળો રંગ સ્યુટ થતો હતો, લંબગોળાકાર ચહેરો, ચંપાનાં ફૂલની પંખુડી જેવું નાક, નાક પર કાળી ફ્રેમવાળા ગોળ ચશ્માં, લાંબી સપ્રમાણ ગ્રીવા, ગ્રીવા પાછળ કમરેથી સહેજ ઉપર સુધીનાં ખુલ્લાં સ્ટ્રેટ વાળ, પાતળી કમરને ઓપે એવું વક્ષ:સ્થળ, ગુલાબની પાંખડી જેવા રસમલાઈ જેવા કંડારેલા એનાં હોઠ અને ગુલાબી ઢોળ પાથર્યો હોય તેવો ઉરપ્રદેશ… હું ખૂબ જ આસક્તિથી તેને જોઈ રહ્યો. તેણે તૈયાર થવામાં પુરી બે કલાક લીધી હશે એ તેને જોઈને લાગી રહ્યું હતું.

તેણે ખોંખારો ખાયને મારું ધ્યાન ભંગ કર્યું. મેં ભોંઠપ અનુભવી.

“બોલીશ કે ખાલી જોયા જ કરીશ” તેનો મીઠો-મધુર, કર્ણપ્રિય અવાજ મારાં કાનનાં પડદાને ચીરીને સીધો દિલમાં.ઉતરી ગયો.

“મારી જેવી જ બધાની હાલત થઈ હશે” હું પણ ગેલમાં આવી ગયો હતો.

“તું પહેલો છોકરો છે” તેણે કહ્યું.

“સિરિયસલી…!, આટલી સુંદર છોકરી પર આજ સુધી કોઈની નજર નથી પડી” મેં ‘સુંદર છોકરી’ પર મણ એકનો વજન આપીને કહ્યું.

“નજર તો ઘણાં બધાની પડી છે પણ આજ સુધી કોઈનાં નજરમાં નથી વસી” તેણે કહ્યું અને સાથે ઉમેર્યું, “કોમ્પ્લીમેન્ટ માટે થેંક્સ”

“તો શરૂઆતથી શરૂ કરીએ” મેં ચહેરા પર મોટી સ્માઈલ સાથે શેકડેન્ડ માટે હાથ લંબાવ્યો, “હાય, મારું નામ અનિરુદ્ધ છે, અનિરુદ્ધ વઘાસીયા”

તેણે પોતાનો કોમળ હાથ મારાં હાથમાં રાખ્યો, કોઈએ મારાં હાથમાં મખમલનો ગાલેચો રાખ્યો હોય એવું મને ફિલ થયું,.”મારું નામ વૈભવી, વૈભવી ભૂત”

“અચ્છા” હું હસ્યો, “પેલાં સપનામાં આવીને ડરાવે એ ભૂત”

“ના…” એ પણ હળવું હસી, “સપનામાં આવીને સુવા ન દે એ ભૂત”

એ હેડ શોટ પર હેડ શોટ મારતી હતી, હું અહીં નૉક થઈ જતો હતો. થોડીવાર હું મૌન રહ્યો. તેણે સમજીને મને બેડ પર બેસવા કહ્યું. હું બેડ પર બેઠો એટલે દોઢેક ફૂટનું અંતર રાખીને એ બેઠી.

“સો…શું પૂછવાનું છે તારે” મેં પૂછ્યું.

“અમમમ…” તેણે લાંબો લહેકો લીધો, “એવા કોઈ પ્રોપર સવાલ નથી વિચાર્યા પણ માઇન્ડમાં આવે એ પૂછી લઈશ”

મેં માત્ર ડોકું ધુણાવ્યું. વૈભવી એનાં બંને પગનાં અંગુઠાને એકબીજા સાથે ઘસતી હતી. મને લાગ્યું તેની હાલત પણ મારા જેવી જ હશે.

“ફરવાનો શોખ છે ?” તેણે પૂછ્યું.

“બોઉ જ..” મેં કહ્યું, “અમે કોલેજનાં દોસ્તો વર્ષમાં બે વાર લોન્ગ ટ્રીપનું પ્લાનિંગ કરીએ છીએ. હું ત્રણવાર માઉન્ટ આબુ જઇ આવ્યો છું, બે વાર કેદારનાથ અને મનાલી અને ગોવા તો મારું ફેવરિટ પ્લેસ છે”

“મને પણ ટ્રાવેલ કરવામાં મજા આવે” તેણે કહ્યું, “ટ્રાવેલમાં બે બાબત મહત્વની છે, એક સાથી મુસાફર અને બીજું પુસ્તક”

“ઓહ..તો તને વાંચવાનો પણ શોખ છે” મેં તેની જ વાતને ધ્યાનમાં રાખીને કહ્યું.

“હા…, હું ચેતન ભગતની બિગ ફેન છું. તેની નોવેલ્સનું પૂરું કલેક્શન મારી પાસે છે. ત્યારબાદ અશ્વિન ભટ્ટ થતા કનુ ભગદેવની રોમાંચિત અને જાસૂસી વાર્તા વાંચવી મને ગમે”

આ ત્રણેય લેખક છે એ વાત મને ખબર હતી પણ મેં જિંદગીમાં ક્યારેય તેઓનાં પુસ્તકો હાથમાં નહોતાં લીધાં એટલે તેમાં ડીપમાં જવામાં મેં મુનાસિફ ન સમજ્યું.

“વાંચવા સિવાય બીજા ક્યાં ક્યાં શોખ છે ?” એ જ વર્ષો પુરાણો, ઘસાય ગયેલો મેં સવાલ પૂછ્યો. અત્યારે એ સવાલ મને કોઈ તાજા ખીલેલાં ફૂલ જેવો લાગતો હતો.

“ફિલ્મો જોવાનો…, હું એક્ઝામની આગળની રાત્રે પણ ફિલ્મ જોતી હોઉં છું અને હોરર ફિલ્મ મને વધુ પસંદ. એ ફિલ્મો હું રાત્રે જ જોવાનું પસંદ કરું છું. જો કે તેમાં ડર લાગે પણ એ ડરનો રોમાંચ જ જુદો હોય છે”

આપણે પણ રાત્રે ફિલ્મ જોઈશું, બ્લ્યૂ. હું મનમાં હસ્યો.

“ક્રિકેટ ?” મેં પૂછ્યું.

“ક્રિકેટ મારી ફેવરિટ ગેમ છે, હું એમ.એસ.ધોનીની એક પણ મેચ મિસ નથી કરતી”

ચાલો એક હોબી તો મેચ થઈ. જો કે મને મહેન્દ્રસિંહ ધોની એટલો બધો પસંદ નહોતો. એ સારો ક્રિકેટર છે. હેલિકોપ્ટર શોટ મારે ત્યારે એને જોવાની મજા જ કંઈક અલગ છે પણ ક્રિકેટીઝમને કારણે મને તેનાં પ્રત્યે અરુચિ આવી ગઈ છે.

મેં વાત આગળ ધપાવી,

“કેવો હસબન્ડ જોઈએ, એનાં વિશે કોઈ વિચાર ?”

તેણે પહેલીવાર નજર ઊંચી કરીને મારી સામે જોયું. તેની વેધક નજર મને હલાલ કરી રહી હતી. મારાં ચહેરા પર આપોઆપ સ્માઇલ આવી ગઇ.

“એવી કોઈ કન્ડિશન તો નથી પણ જેની સાથે હું પુરી લાઈફ રહેવાની છું એને પહેલાં સારી રીતે ઓળખી લઉં એવી મારી ઈચ્છા છે” તેણે મૃદુતાથી કહ્યું. તેનાં આ શબ્દોએ મારાં મનની વાત છીનવી લીધી. હું પણ સુહાગરાતનાં દિવસે બેડ પર જ વાતની શરૂઆત થાય એવી જીવનસાથી નહોતો ઇચ્છતો.

“એનાં માટે તો સમય જોઈએ” મેં કહ્યું, “લગભગ એક મહિનાનો”

“તને લગ્ન કરવાની ઉતાવળ છે ?” તેણે હસીને કહ્યું. મેં પણ હળવું હસી લીધું.

“સાચું કહું તો હું અહીં તને રિજેક્ટ કરવા આવ્યો હતો, એવું નથી કે તને જ રિજેક્ટ કરવા આવ્યો હતો પણ હાલ લગ્ન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. મારી ફેમેલી પ્રેશર કરીને મને અહીં ખેંચી લાવી છે. પણ….” મેં વાત અધૂરી છોડી દીધી.

“પણ શું..” તેણે કુતુહલવશ પૂછ્યું.

“મારાં વિચારો પણ તારી જેવા જ છે. લગ્ન પહેલાં જો એકબીજાનાં સ્વભાવ વિશે જાણ ન થાય તો લગ્નજીવનમાં પ્રેમ ઓછોને ઝઘડા વધી જાય છે. જો આપણે પહેલાં એકબીજાને સારી રીતે ઓળખી લઈએ તો આગળ જતાં ઓછી તકલીફ પડે”

તેણે મારી વાતને સહમતી આપતાં ડોકું ધુણાવ્યું. પછી મારી સામે જોઇને તેણે કહ્યું,

“હું અહીં તને એકવાત ક્લિયર કરી દઉં છું, જો એક મહિના પછી મને યોગ્ય ન લાગે તો હું પ્રામાણિકતાથી ના કહી દઈશ”

એ ઓપ્શન તો મારી પાસે પણ હતો જ. એ એવી રીતે જતાવી રહી હતી જાણે તેની નાથી મારું સર્વસ્વ લૂંટાઈ જવાનું હોય.

મેં હાથનો અંગૂઠો બતાવીને ડન કર્યું. અમે રૂમમાં આવ્યાં તેને પંદર મિનિટ જેટલો સમય થઇ ગયો હતો. બહાર બેઠેલા લોકોનાં મનમાં વિકૃત વિચાર ન આવે એ માટે મેં વહેલી તકે બહાર નીકળવાનું નક્કી કર્યું.

“નાઇસ ટુ મીટ યુ” મેં વાતોનાં દોરને અંત આપવાનાં ઈરાદાથી હાથ લંબાવ્યો, ફરી એનો મખમલી હાથ મારાં હાથમાં આવ્યો.

“મી ટૂ…” તેણે કહ્યું, “પહેલાં હું બહાર જઉં કે તું ?”

“હું જ જઉં છું” કહેતાં હું ઉભો થયો. ઊડતી નજરે છેલ્લીવાર તેનાં રૂમનું નિરક્ષણ કર્યું અને હું બહાર નીકળી ગયો.

હું બહાર આવ્યો ત્યારે બધાં પોતાની વાતોમાં વ્યસ્ત હતાં. ધરમશીભાઈ અને અંકલ બંને એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતાં. મોટાભાઈ ધ્યાન આપીને તેઓની વાતો સાંભળી રહ્યાં હતાં. વંશ મારી ખુરશી પર બેઠો હતો. બીજી તરફ મહિલા પક્ષમાં પણ આવો જ માહોલ હતો. હું બહાર આવ્યો એટલે બધાએ મારા તરફ જોયું. ખરેખર હું સુપરસ્ટાર હોઉં તેવી મને ફિલિંગ આવી. બીજી જ ક્ષણે મેં નજર ઝુકાવી, વંશ પાસે જઈ, તેને ઊંચકીને હું ખુરશી પર બેસી ગયો અને વંશને ખોળામાં બેસારી દીધો.

ત્યારબાદ ભાભી ઊભા થયાં અને વૈભવીનાં રૂમમાં જતાં રહ્યાં. બે મિનિટ પછી વૈભવી સાથે એ બહાર આવ્યાં.

સરાસર અન્યાય…!!

મને લેવા માટે તો કોઈ સામે ચાલીને નહોતું આવ્યું. વૈભવીને લેવા માટે ભાભી તરત દોડી ગયાં. છોકરીઓ પણ શરમાતાં જ હોય છે ને…!

વૈભવી આવીને તેની ખુરશી પર બેસી ગઈ. હવેનો સમય નાજુક હતો, મારી અને વૈભવીની મુલાકાતનો સુખદ અંત આવ્યો હતો. હવે ઘરનાં સભ્યોની ટર્ન હતી. તેઓ વારાફરતી અમને સવાલ પૂછવાના હતાં અને અમે કોર્ટમાં ઊભા હોય એવી રીતે જવાબ આપવાનાં હતાં.

(ક્રમશઃ)