JISM KE LAKHO RANG - 15 books and stories free download online pdf in Gujarati

જીસ્મ કે લાખો રંગ - 15

જીસ્મ કે લાખો રંગ’

પ્રકરણ- પંદરમું/૧૫


ચાર દિવસ બાદ...શનિવારની સાંજ હતી..સમય હતો આશરે છ વાગ્યાની આસપાસનો... જોબમાં દેવનો આજે ડે ઓફ હતો.. અને પિતા ગણપત બેથી ત્રણ દીવસ માટે શહેરની બહાર કોઈ ટ્રીપ પર ગયા હતાં.

ત્યાં દેવના મોબાઈલ પર અજાણ્યા નબર પરથી કોલ આવ્યો..ફોન ઉઠાવતાં સામે છેડેથી અવાજ આવ્યો...

‘હેલ્લો... દેવ ?’
‘યસ.. આપ કોણ ?’
‘કંચન.. કંચન અગરવાલ, આટલું જલ્દી મને ભૂલી ગયો ?
‘ઓહ્હ...મેડમ, નામુમકીન... કંચનની ચકાચોંધ કોણ ભૂલે ? પણ આપને મારો મોબાઈલ નંબર કઈ રીતે....? દેવ આગળ બોલે ત્યાં...
‘ઘાયલ, મરહમ કા પતા ઢૂંઢ હી લેતે હૈ, સમજે.’ કંચન બોલી
‘માન ગયે..મેડમ.... બોલીયે, કૈસે યાદ કિયા ઇસ નાચીઝ કો ?
‘આગ લગાને કે લિયે ઇસ નાચીઝ કે પાસ જો માચિસ હૈ વો ઔર કહાં ? સૂન... ઔર એક કંચન કો તેરી આગમે જલના હૈ, બોલ.. લોહા ગરમ હૈ.. મારેગા હથોડા ?

બે પળ માટે દેવ વિચારમાં પડી ગયો... શું જવાબ આપવો...? ફરી એક માનસિક બળાત્કાર ? એ પછી દિવસો સુધી આત્મા પર વીંઝાતા ગ્લાનીના કોરડાના ડંખનું દખ સહન થશે ? પણ બીજી પળે બિસ્તરમાં રૂપ કરતાં રૂપિયામાં આળોટવાની ઉત્તેજના વધુ હતી. તન મસળવા કરતાં મળતાં ધન માટે વધુ લાળ ટપકતી હતી. અમીર સાથે સૂતા સૂતા અમીરાતની ઊંચાઈને આંબવાની તલબનો સળવળાટ ઉપડતાં.....
દેવ બોલ્યો...
‘કોણ છે ?’
આટલું સાંભળીને કંચન ખડખડાટ હસવાં લાગી....
‘આગનું નામ નહીં, નિમિત હોય... બેવકૂફ.... ઇસ પ્રોફેશન મેં તું અભી બચ્ચા હૈ, યહાં સિર્ફ કોડ નંબર ઔર પાસવર્ડ કી લેન્ગવેજ મેં બાત હોતી હૈ, સમજે. ઔર એક રાત કે રિશ્તે કે લિયે કૌન નામ યાદ રખતા હૈ ? બસ યહાં તો આમ છુટા ઔર રિશ્તા તૂટા.’

અચાનક અત્યંત ઉઘાડા વિચારો સાથેના વાર્તાલાપથી સ્હેજ ઝંખવાયા પછી સ્વ સાથે સળંગ સંવાદનો સિલસિલો શરુ થયો...

આ સવાયા સુખની સવારી છે તેમાં બેમત નથી....પણ હું જે ઇચ્છુ છું આ તે આ તો નથી જ...

પણ બીજી જ ક્ષ્રણે મુંડીમાં માલામાલ બનવાનો કીડો સળવળ્યો...
મન કાંચીડાએ રંગ બદલાતા, ખોપરીમાં ખટકતી ફોલોસોફીની વિચારમાળાને ફગાવતા...રૂપિયાની ગડી ગણતો હોય એમ મનોમન ગણગણવા લાગ્યો...
‘ગંદા હૈ પર ધંધા હૈ...’

અમીર બનવા કોઈના ગળા કાપવા કરતાં, ગળા સુધી ધરાઈ જાય એવા પરમતૃપ્તિના પરબનું નિમિત બની, કોઈની ઠરતી આંતરડી સાથે આવતી અર્થરાશિ સાથે જો આપોઆપ પુણ્યનું ભાથું પણ બંધાઈ જતું હોય તો તેમાં અયોગ્ય શું છે ? અને આવડા મોટા શહેરમાં કોઈ એક દેવ તો નથી ને ? મેં નહીં ઔર સહી.. ઔર નહીં ઔર સહી...અને કામ ન થાય તો લોકોના દેવ અને દેવત્વ બંને ડાયવર્ટ થઇ જતાં વાર નથી લાગતી, અને હું તો... કોમન મેન છું, બસ, નામ અને કામના પ્રાસને જોડવાનો પ્રયાસ કરું છું. બાકીનું ‘કામ’ ‘દેવ’ જાણે.


દેવની લાંબી ચુપકીદીથી અકળાઈને કંચને પૂછ્યું
‘હેલ્લો..... કેમ ચુપ થઇ ગયો...બમ્પર ઓફર સાંભળીને બેટરી ડીસ્ચાર્જ થઇ ગઈ કે ફુલ્લી લોડેડ ? બોલી હસવાં લાગી

સેકન્ડમાં સ્વસ્થ થતાં દેવ બોલ્યો..
‘ઇટ્સ એવેરરેડી... હવે કામની વાત કરો..’

‘હું તને કોન્ટેક્ટ નંબર, સમય અને સ્થળ અને રકમની ડીટેઇલ સેન્ડ કરું છું....સંતુષ્ટિના અંતિમ ઓડકાર પહેલાં તને રકમ મળી જશે... એન્ડ એન્ડ એન્ડ... ડોન્ટ બી ઓવર સ્માર્ટ... પાર્ટીનો પરિચય પૂછીને તારા એક્સ.વાય.ઝેડ. પર કુહાડો ન મારીશ... આ પ્રોફેશનમાં નામ નહીં ફક્ત કામ અને દામ જ હોય છે બસ, આટલું હંમેશ માટે યાદ રાખજે.’
‘જી, મેડમ...’

‘મેડમના સગલા.. કંચન કહેવાનો પણ ચાર્જ લઈશ કે શું ?
હસતાં હસતાં બિન્દાસ થતાં કંચન બોલી.

‘આદત નથી ને.... થોડી વાર લાગશે...’ દેવ બોલ્યો..
‘તને વાર લાગે છે... તેની જ તો મજા છે, બદમાશ...ચલ મેસેજ જોઈ લે, અને કઈ ન સમજાય તો કોલ કર.’ એમ કહી કંચને કોલ કટ કર્યો...

કોલ કટ થયાં પછી.. થોડા સમય માટે આંખો મીંચી બેડ પર સૂતેલાં દેવનું મસ્તિષ્ક બ્લેન્ક થઇ ગયું... ચાર દિવસ પહેલાંના અને હાલના દેવ વચ્ચે શરુ થયું આત્મસન્માન અને સ્વાભિમાનનું દ્વંદયુદ્ધ.....એક વાતની દેવને ખાતરી હતી કે, તે જઈ રહ્યો છે એ દિશા વન વે છે. એક તબ્બકા પછી ત્યાંથી પરત વળવું અંશતઃ અશક્ય છે. આત્માને ઉઘાડી કરી ગળાટુંપો આપવાનો, જીવન પર્યંત. મન પર પડતાં ઉઝરડાંની મરહમ પટ્ટી કરવાની, મન મારી તન વેંચવાનું, જાત વહેરીને વહેંચવાની, ખુદના વેરી બનવાનું છે કયાંક... સુધી ચિંતનચક્રના ચકડોળમાં ચડીને કરેલી ચારિત્ર્યમીમાંસાના અંતે હમેંશ માટે મનોમન મજબૂતીથી ગાંઠ બાંધી કામદેવનું કિરદાર નિભાવવાની દીક્ષા લઇ લીધી. એ પછી... ફટાક બેડ પરથી ઊભા થઈ ફ્રેશ થયાં બાદ.....


સંપૂર્ણ સભાનતા સાથે કંચનના મેસેજ મુજબની માર્ગદર્શિકાને ફોલો કરતાં શહેરથી દસેક કી.મી. દુર હાઇવે પર આવેલાં એક સ્ટાર કેટેગરીના રિસોર્ટમાં પહોંચી...એક રાત્રીના ‘તન’ તોડ. પર ‘સેવા’ થી અનુપાર્જિત રૂપિયા પાંત્રીસ હજારથી વધુની રકમ લઈ વહેલી સવારે દેવ જયારે ઘરે આવ્યો ત્યારે....સૌ પહેલાં તેના બેડરૂમના ફૂલ લેન્થના મિરરને દેવએ ઢાંકી દીધો...


થોડા દિવસો પસાર થયાં બાદ....

દેવના માંહ્યલાનો આદમખોર હીંસક પશુ હવે લોહી ચાખી ગયો હતો..સૂર્યોદયનો સમય થતાં દેવ જીવતી લાશ જેવા મન સાથે ધનના ઢગલા પર તનના ઉભારોના ચડાવ ઉતારનો આદી થઇ ચુક્યો હતો... હવે કૈંક ‘કંચન’ દેવની આગળ પાછળ કતાર લગાવી બિસ્તર ગરમ કરવાના કોડ સેવવા લાગી. એક સમયે મેલ એસ્કોર્ટની દુનિયામાં ટીનેજરથી માંડી વનપ્રવેશ પર કરી ચુકેલી છતાં તેના અકબંધ લાગતાં અંગની જીજીવિષા પૂરી કરવા દેવ સૌનો જીગરજાન ‘જીગોલો’ બની ચુક્યો હતો...

‘કંચન’ જેવી કાયા અને માયાપુંજી ધરાવતી, તેના સ્ટેટ્સના મેકઅપ પાછળ તરસને સંતાડતી એક ‘ખાસ’ આશ લઈ ભટકતી ધનવાન કોમની કુંવારી અતૃપ્ત આત્માના અભિશાપના મોક્ષ માટે ખરેખર ‘દેવ’ બનતા સુધીમાં તો તેનો આત્મા ‘દેવ’ થઇ ગયો હતો.


દેવના તબદીલ થયેલા રોજિંદા ટાઈમ ટેબલ, રહેણી કહેણી અને આર્થિક સધ્ધરતા જેવા ઉડીને આંખે વળીને દેખાતા પરિવર્તનને ધ્યાનમાં લેતાં એક દિવસ પિતા ગણપતે પૂછ્યું,

‘દેવ.. શું કોઈ નવો કામ ધંધો શરુ કર્યો છે ?’
સ્હેજ પણ વિચલિત થયાં વગર, અનુભવથી ઘડાયેલાં પિતાને ગળે ઉતરે એવો સંતોષકારક ઉત્તર આપતાં દેવ બોલ્યો..

‘જી..પપ્પા..થોડા સમય પહેલાં જ.... એક નવા મિત્ર સાથે નાના પાયે ઈમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેશ શરુ કર્યો છે. પપ્પા... હું તમને જણાવવાનો જ હતો... પછી એમ વિચાર્યું કે, સરખી રીતે સેટલ થઇ જઈશ પછી તમને જાણ કરીશ.’

‘ગૂડ ગૂડ... વેરી ગૂડ...લાગે છે, તું તારું અમીર બનવાનું સપનું પૂરું કરીને જ જંપીશ.’

જોત જોતામાં દેવ તનોરંજનની દુનિયાનો સુપર સ્ટાર બની ગયો...મોં માગી રકમ, અને પારકા પૈસે, એશો આરામ અને દોમ દોમ સુખ સાહ્યબીની સાથે સાથે દેશ વિદેશની ટુર કરવાં લાગ્યો..ઇન્ડીયાના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ખૂણે ખૂણે ફરી વળ્યાં બાદ.. સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ અને દુબઈ જેવા દેવા દેશ ફર્યો, કઈક દેહ પર ફરી વળ્યા સાથે....

સારી એવી આર્થિક સદ્ધરતા પછી દેવે જોબ પણ છોડી દીધી હતી...તેના અમીર બનવાના સમજણની સપાટી સુધીની સંપતિના શ્રુધાની સંતુષ્ઠી થઇ જતા હવે દેવ ખુદને વિધાતા સમજવા લાગ્યો હતો.... મિલકતના જોરે માંનોવાન્ચિત મનસુબા પુરા કરવાં એ દેવને ડાબા હાથના ખેલ જેવું લાગવાં લાગ્યું... સરકતી ઢાળ પર સરી જતા પાણીના રેલા જેવી જિંદગીથી દેવ સાતમાં આસમાનમાં ઉડતો હતો ત્યાં જ,
એક દિવસ...

ગંભીર માર્ગ અકસ્માતમાં તેના પિતાનું નિધન થયું એ સંદેશ મળતાં... ગગનચુંબી ઈમારત પરથી જમીન પર પટકાયા જેવો ભાસ અને આઘાત દેવને થયો...

પણ.. આ વજ્રઘાત જેવા આઘાતના મારણ માટે પણ અંતે દેવને એ રાત્રે જ ચડતું અને રાત્રે જ ઉતરતું ઝેર જ કામમાં આવ્યું. અને એક સમય એવો આવ્યો કે.. દેવ સુર્યાસ્ત પછી જ જીવતો... અને સૂર્યોદય બાદ જીવતી લાશ થઈ જતો. અને એક રાત્રે એ જીવતી લાશમાં પ્રાણ ફૂંક્યા હતા..... આરુષીએ અને એ આરુષી એ તો.....’

ભુકાલીન કથાનું અંતિમ અધૂરું વાક્ય દેવ પૂરું પૂરું કરે એ પહેલાં... દેવનું સમગ્ર અસ્તિત્વ ભાંગી પડ્યું હતું...


સળંગ દોઢ કલાક દોઝખ જેવી જિંદગીના ઝખમના દાગની શબ્દ:શ દાસ્તાન સંભળાવતા સંભળાવતા અંતે દેવના ધબકારા ધમણની માફક ધબકવા લાગ્યાં. બેલગામ અશ્વોની માફક દિશાહીન થઈ ધમપછાડા કરી તંગ થયેલી દિમાગની નસો ફાટફાટ થવાં લાગી. એકધારા રુદનથી આંખો સુઝીને લાલચોળ થઈ ગઈ હતી..

બે મિનીટ માટે ઢાળેલું માથું પકડી દેવ બેસી રહ્યો,

દેવની વિષમ મનોવેદના જોઈ, સાંભળી વિસ્મય સાથે વ્યથિત થયેલી નીલિમાએ કામીની તરફ જોતાં કામિનીએ નાક પર આંગળી મુકી ચુપ રહેવાનો સંકેત આપ્યો..

બાજુમાં પડેલી અડધી ભરેલી વોટર બોટલ ઉઠાવી એકી શ્વાસે ગટગટાવી ગયા પછી ફરી અધુરી વ્યથાનું અનુસંધાન સાંધતા દેવ આગળ બોલ્યો...

‘પણ દોઝખથી એ બદત્તર જિંદગીના અરસા બાદ....’

‘હું તન અને ધનની ગરમીથી અકળાઈ ગયો.. જે રસરંજનથી પ્રચુર રાત્રીએ મનગમતી રતી અને રકમનું નામ સાંભળતા મારી મધલાળ જરતી તેનાથી મને ઉબકાં આવવાં લાગ્યા....દેહ ચૂંથતાં ચૂંથતાં મારું દિમાગ ચારણી જેવું થઇ ગયું.. હવે મખમલી કાયા અને બિસ્તર મને ખૂંચવા લાગ્યાં હતાં. એક સમયે સાવ સહજ લાગતો શારીરિક શિષ્ટાચાર હવે માનસિક અત્યાચાર અને બળાત્કાર લાગવા લાગ્યો. પાશવી આંનદ માટે વિકૃતિની હદ વટાવતા સાંભળતી ચીસો કંઇક રાતો સુધી મને સૂવા નહતી દેતી. બિસ્તરની કરચલીઓ મને કાચની કરચના નશ્તરની માફક ખૂંચવા લાગી. ધીમે ધીમે આ દલદલ માંથી છુટકારો મેળવવા અનેક વાર ઈચ્છાઓનું હનન કરી મન વાળવાના પ્રયત્ન કરતો રહ્યો.. પરતું ..માદક દ્રવ્યની માફક મારી રગે રગમાં વાસનાનું વિષ એ હદે ફેલાઈ ગયું હતું કે, ન તો હું જીવી શકતો કે ન તો હું મરી શકતો. મનોમન હું ઈશ્વર પાસે રીતસર મોક્ષની ભીખ માંગતો.’

‘અને એ દિવસો દરમિયાન એક દિવસ અનાયસે ભેટો થયો આરુષીનો....’


‘નિસંદેહ અને નિર્દોષ વ્યક્તિત્વ. આંખના પલકારા જેવી પહેલી મુલાકાતમાં જ આરુષી મારા મન, મસ્તિષ્ક પર એવી અમીટ છાપ છોડી ગઈ કે...અગણિત સ્ત્રીના સંપર્કમાં આવ્યાં પછી પણ મારા મનમાં આરુષીની આગામી મુલાકાતની ઝંખના જગાવતી ગઈ.’

‘અને ખુબ જ ટૂંકા ગાળામાં મારા સુખ્દાશ્ચાર્ય વચ્ચે કુદરતે અમારા વચ્ચે ખૂટતી કડી જોડતા આરુષી અને હું ફરી મળ્યાં.. પણ એ બીજી મુલાકાતના અંતે...’

‘મેં તેની આંખોમાંથી મારા માટે ઝરતું પાવન પ્રેમનું ઝરણું જોઇ મારા ભુતકાલીન જિંદગીને જલાવી દેવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો...મને એવો ઠોસ એહસાસ થઈ ગયો કે.. મારા નવજીવનનો પ્રારંભ અને અંત આરુષી જ છે. પણ....’

ગળું બાજી જતાં.. દેવ બોલતા અટકી ગયો. અને ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

બે મિનીટ પછી..

‘આરુષીનું અમીભર્યું અનુબંધ એટલું પાવન હતું કે, તેના પ્રેમને પામવા મારી પાસે યોગ્ય પાત્રતા કે પાત્ર નહતું.. મારા ભૂતકાલીન અપરાધભાવથી હું એ હદે પીડાતો હતો કે, આરુષીને મારો અસલી પરિચય આપતાં પહેલાં મરી જવું વધુ યોગ્ય લાગતું હતું. જાત પર ફિટકાર વરસાવતા, વિચારતો, કે કુદરતને ક્રૂર મજાક કરવાં બીજું કોઈ ન મળ્યું ?

‘પરંતુ.. મારી હિંમતને ઠોસ આધાર મળ્યો... જયારે ગોવામાં હું પહેલીવાર કામિનીને મળ્યો....તેની દંતકથા જેવી દર્દનાક દાસ્તાન સુણી મને થયું કે, શાયદ તેના જીવનના અકલ્પનીય ચડાવ ઉતારની કોઈ પ્રેરણાથી મને મારી અવઢવનો કોઈ આસાન રસ્તો મળી જશે.’

‘એ પછીની આગળની કહાનીથી કામિની પરિચિત છે.’

એમ કહી દેવ ઊભો થઈ એ.સી. ઓન હોવા છતાં અસહ્ય ગભરામણથી થતાં ઘુટનથી છુટકારો મેળવવા વિન્ડો પાસે જતો રહ્યો.

દેવની અર્ધસત્ય કહાની જાણતી કામિની અને સાવ અજાણ નીલિમા સંજોગના શિકાર બનેલા દેવની પારદર્શક પીડાના વેદનાની મનોસ્થિતિથી વંચિત થતાં વ્યથિત થઇ ગયાં.

પણ હજુ ઘૂંટાતા રહસ્યના અંતિમ પડવાનું સત્ય દેવના શબ્દોમાં જાણવાની કામિનીને ઉત્કંઠા હતી.

એટલે બોલી..

‘દેવ.. અજાણતાં તારા અપરાધના ઉડેલા છાંટાથી સંજોગનો શિકાર થઇ નિર્દોષ આરુષીએ તારા પ્રેમ કરતાં પણ મોતને કેમ વધુ વ્હાલું કર્યું, એ કહીશ. ?

ગળું સાફ કરી દેવ આગળની કહાની બયાન કરવાનું શરુ કરતાં બોલ્યો..
‘ગઈકાલે.. મારે આરુષીને મળવા જવામાં મોડું થયું તેનું કારણ હતું...
હું તૈયાર થઇ ઘરેથી નીકળી જ રહ્યો હતો ત્યાં...કોલ આવ્યો.. એ કોલ કંચનનો હતો...

દેવ તેની અને કંચનની ટેલીફોનીક વાર્તાલાપનો અંશ સંભળાવતા બોલ્યો...

‘હાઈઈ....રાતો કે રાજ્જા.’ કંચન બોલી
‘ જી.’ દેવ બોલ્યો
‘ઓયે.. આ શું ‘જી’ ? કોઈ ઈન્ટરવ્યુ આપી રહ્યો છે કે શું ? આટલો ઠંડો કેમ છે ?
‘જી..જી.. કંઇ નહીં બસ એમ જ. કંઈ કામ હતું ?
દેવના ટોનમાં કંચનના કોલનો અણગમો સંભળાતો હતો.
‘કામદેવ’ પાસે બીજું શું કામ હોય ?
બોલતા કંચન ખડખડાટ હસવા લાગી.

કંચનને ટાળવા માટે દેવ બોલ્યો,
‘સોરી... જરા જલ્દીમાં છું... હું સાંજે તને કોલ કરું છું.’

‘અરે..રાજ્જા સાંભળતો ખરો.. એક મિનીટ, સાંજનું જ કામ છે... આજની રાત રંગીન કરવાની છે.’

‘પપ...પણ... હવે મેં આ કામ છોડી દીધું છે... સોરી. અને આજ પછી મને આ બાબત માટે ક્યારેય કોલ ન કરીશ.’
મક્કમ મનોબળ સાથે દેવે સાફ સાફ શબ્દોમાં તેનો દ્રઢ નિર્ણય કંચનને જણાવી દીધો.

‘ઓહ્હોહો..... સુલેમાન સુધર ગયા. સો ચૂહે મારકે બિલ્લી હજ કો જા રહી હૈ ક્યા ?
‘હેં દેવ...કોઈ દેવી અડકી ગઈ કે ભડકી ગઈ શું થયું ? અને મજાક બંધ કર. અરે...યાર કિસ્મત તારા કદમ ચૂમે છે અને તું તારા કદમ પાછા ઠેલે છે.’

કંચન બોલી..

કંચનને રોકતાં દેવ બોલ્યો..

‘કંચન...સોરી.. આઈ એમ રીયલી સીરીયસ. આ મજાક નથી પણ, સત્ય છે. આ ગંદકી સિવાય કોઈપણ કામ હોય તો કોલ કરજે.’

અચાનક દેવના આવા નિવેદનથી કંચનને આંચકો લાગ્યો... પણ વાતની ગંભીરતા સમજતાં કંચન બોલી..

‘ગંદકી.... ? દેવ... તારા બદન અને મોંઘાદાટ ડ્રેસમાંથી જે ઈમ્પોર્ટેડ પરફ્યુમની ફોરમ આવે છે ને, એ આ ગંદકીને જ આભારી છે એ ભૂલી ગયો ? સોરી, દેવ પણ હું તારા આ પાગલપન જેવા નિર્ણય સાથે સમંત નથી છતાં.. અચ્છા... ચલ..તારી મરજી, પણ દેવ બસ આજની આ છેલ્લી રાત માટે માની જા. ખુબ તગડી અને પહોંચેલી પાર્ટી છે, નારાજ કરીશ તો તું અને હું બન્ને મુશ્કેલીમાં મુકાઇ જઈશું. અને... પાંચ-પચ્ચીસ નહીં... પુરા એક લાખની ઓફર છે. જ્યાં આટલી રાતો ગુજારી ત્યાં એક રાતમાં તારું શું બગડી જવાનું છે ? ને તને બગાડવાના જ તો પૈસા મળે છે ને.’
અટ્ટહાસ્ય કરતાં આગળ બોલી... ‘પ્લીઝ દેવ.’


એક લાખમાં એકડા પાછળ લાગતાં કુંડાળાની ગણતરીમાં દેવ અટવાઈ ગયો. જતા જતા ગટરની ગંદકીને ગંગા સમજીને ડૂબકી મારી લેવાની લાલચને દેવ રોકી ન શક્યો...એટલે...

થોડીવાર ચુપ રહ્યાં પછી દેવ બોલ્યો...

‘ઓ.કે. ડન પણ.. આજ પછી મારા નામ અને નંબર બંને પર હંમેશ માટે ચોકડી મારી દેજે. બાકીની ડીટેઇલ મને મેસેજ કર. અને હું ન કરું ત્યાં સુધી મને કોલ ન કરીશ.’

‘દેવ... આઈ ડોન્ટ નો પણ...તું જે કંઇ નિર્ણય લે એ સમજી વિચારી ને લે જે. કેમ કે તું એન્ટર થયો છે એ માર્ગમાં યુ ટર્ન નથી. અને..ખંડિત કે દુષિત દેવની પૂજા કે આરાધના વર્જિત છે... આઈ હોપ યુ બેટર અન્ડરસ્ટેન્ડ.’
બે વાક્યમાં કંચને સચોટ અને કડવું સત્ય સમજાવી કોલ કટ કર્યો. ,,,,,

એ પછી દ્વિધામાં અટવાયેલો દેવ નીકળ્યો જવેલર્સની શોપ પર અને ત્યાંથી ડાયમંડ રીંગ લઈ આરુષી પાસે આવ્યો..ત્યાં સુધીમાં આરુષીના પાંચથી સાત કોલ્સ મિસ્ડ થઇ ગયાં હતા.


વાર્તાલાપના અંત પછી....

તેના ક્રોધિત તાસીર પર બરફ મૂકી અત્યાર સુધી ચુપચાપ દેવને સહન કરી સાંભળી રહેલી કામિનીના અંતરદાઝની અવધિનો અંત આવતાં....સોફા પરથી ઊભા થઇ દેવની નજીક આવી ત્યાં...

કયારના નીલિમાના દિમાગમાં ષટ્કોણ જેવા રચતા સવાલોના ઉત્તરનો આંશિક અંદાજ આવતાં આંચકા સાથે બોલી.

‘ઓહહહ..માય ગોડ.... ઇટ્સ મીન કે દેવ ગઈકાલે રાત્રે....’

હજુ નીલિમા તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં આરુષીના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારથી ભીતર ધરબી રાખેલી ભડાસ કાઢતાં...
એક..બે..ત્રણ.. ચાર..અને પાંચ તસતસતા તામાચા દેવના ગાલ પર ઠોકી દીધાં પછી તાડૂકીને કામિની બોલી..

‘હા..નીલિમા હા...દેવ ગઈકાલે રાત્રે લાખ રૂપિયામાં રોમીલાની ગરમી કાઢવા ગયો હતો...પણ આઆ.....આ બેશરમના બ્રાન્ડ એમ્બેસેડરને એ ખબર નહતી કે...’

કામિની આગળના શબ્દો ગુસ્સામાં ગળી ગઈ

દેવને એમ થયું કે, ધરતી મારગ આપે તો સમાય જાઉં.. આંખો બંધ કરી સમસમી ઉઠ્યો...


માથા ફરેલી કામિનીનો ઉકળાટ હજુ ઉગ્ર રૂપ ધારણ કરે એ પહેલાં નીલિમા તેણે ખેંચીને એક તરફ લઇ જતાં ઊંચાં અવાજમાં બોલી...

‘કામિની સ્ટોપ ધીઝ.... એન્ડ પ્લીઝ કૂલ ડાઉન...પ્લીઝ.. તું બેસ પહેલાં અને મારી આરુષી સાથેની છેલ્લી શું વાત થઇ એ શાંત ચિતે સાંભળ.’

‘હું..... જીવતે જીવ રોમીલાની ચામડી ઉતરડી નાખીશ.... પછી એ હવસની હાડકાઈ કૂતરીને અહેસાસ થશે કે, ગરમી કેમ નિકળે છે ?
માથું પકડી સોફા પર બેસી અગનજ્વાળા જેવા ક્રોધાગ્નીનો ઉકળાટ ઓકતા કામિની આગળ બોલી..

‘હડકાયા કૂતરાની માફક હડ્ડી સુંઘવાના આદિ થઇ ગયેલા આઆ.....આ ચામડી ચાટવામાં ખુદને ચાલાક અને ચમરબંધ સમજતા આ લેધર કરન્સીની રીઝર્વ બેન્કના ગવર્નરને મેં કીધું હતું કે, જો જે.. આરુષીને કંઈ થયું તો... હું કોઈને જીવતા નહીં મૂકુ.’

‘અરે...યાર હવે તું થોડીવાર ચુપ રહીશ. પ્લીઝ. મને કંઈ બોલવા દઈશ ?
સ્હેજ ગુસ્સે થતાં નીલિમા બોલી.

હજુ નીલિમા તેનું વાક્ય પૂરું કરે ત્યાં તેના મોબાઈલમાં આરુષીના પપ્પા વિક્રમ ઈનામદારનો કોલ આવ્યો..


વધુ આવતાં અંકે..