Shivarudra .. - 19 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 19

19.

(શિવરુદ્રા, શ્લોકા અને આકાશ ત્રણેવ પેલાં રહસ્યમય દરવાજાની અંદર પ્રવેશે છે, દરવાજાની અંદર પ્રવેશતાંની સાથે તેઓની આંખો આશ્ચર્ય અને નવાઈને કારણે પહોળી થઈ જાય છે, કારણ કે તે લોકો હાલ એક પૌરાણિક કિલ્લાની સામે આવીને ઊભાં રહી ગયાં હતાં, જે કિલ્લો લાલ રંગનાં પથ્થરમાંથી બનવડાવેલ હતો, તે દિવાલની ઉપરની તરફ શિવજીનું એક નાનું એવું મંદિર આવેલ હતું, તેની નીચે બંને બાજુએ સિંહોની પ્રતિકૃતિઓ આવેલ હતી, ત્યારબાદ તેઓ સાથે એક પછી એક અજીબ અને અવિશ્વસનીય ઘટનાઓ ઘટવાં લાગે છે, ત્યારબાદ શિવરુદ્રા પોતાનું મગજ દોડાવીને આવી પડેલ આવી મુસીબતમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો શોધી કાઢે છે, એવામાં બરાબર તે કિલ્લાની દિવાલમાં ધડાકો થાય છે, અને પછી તે દિવાલનાં પથ્થરો એક પછી એક નદીમાં ફેકવવા માંડે છે, જેમાંથી બે ત્રણ પથ્થરો તે લોકોની નૌકા સાથે જોરદાર ધડાકા સાથે અથડાય છે, જેથી તે બધાં બેભાન થઈ જાય છે.)

શિવરુદ્રા, આકાશ અને શ્લોકા બેભાન હાલતમાં જમીન પર પડેલાં હતાં, એવામાં શ્લોકા પોતાની આંખો ખોલે છે, આંખો ખોલતાંની સાથે જ તે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે, કારણ કે હાલ તેઓ ફરી ફરીને પેલી ગુફામાં જ આવી ગયેલાં હતાં, આથી શ્લોકા તરત જ આકાશ અને શિવરુદ્રાને વારાફરતી જગાડે છે. શિવરુદ્રા અને આકાશ આંખો ખોલતાની સાથે જ જોવે છે કે હાલ હજુપણ તે બધાં પેલી રહસ્યમય ગુફાની અંદર જ ક્યાંક ફસાયેલાં હતાં, હજુસુધી તેઓને આ ગુફામાંથી બહાર જવાં માટેનો રસ્તો મળેલ હતો નહીં, ત્યારબાદ શિવરુદ્રા બેઠા થવાં માટે પોતાનો હાથ નીચે જમીન પર રાખે છે, જેવો શિવરુદ્રા પોતાનો હાથ જમીન પર રાખે છે, એ સાથે જ કોઈ ધાતુની વસ્તુ પોતાનાં હાથની હથેળીને સ્પર્શી હોય તેવું લાગ્યું, આથી શિવરુદ્રા આતુરતાપૂર્વક પોતાનો હાથ હટાવતાં - હટાવતાં જમીન તરફ જોવે છે, તો તેનાં હાથની નીચે અઘોરીબાબાએ આપેલ પૌરાણિક સિક્કો હતો, જે જોઈને શિવરુદ્રાની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક આવી જાય છે, હાલ શિવરુદ્રાને એ બાબતનો ખૂબ જ સારી રીતે ખ્યાલ આવી ગયેલો હતો કે, હાલ તે બધાં જો હેમખેમ હોય તો માત્રને માત્ર એ સિક્કાને આભારી હતું, જેણે સમયે આવ્યે નૌકાનું સ્વરૂપ લઈને તે લોકોને આવી પડેલ આફતમાંથી હેમખેમ આબાદ બચાવ કર્યો હતો.

“શિવરુદ્રા ! હાલ, આપણે કઈ જગ્યાએ આવી પહોંચ્યા છીએ ?” શ્લોકા શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“વેલ ! મને એ બાબતનો ચોક્કસ ખ્યાલ નથી, પરંતુ હાલ આપણે હજુપણ પેલી રહસ્યમય ગુફામાં જ ક્યાંક ફસાયેલા હોઈએ એવું મને લાગે છે.” શિવરુદ્રા શ્લોકાનાં પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે.

“સર ! પણ આપણે અહી કેવી રીતે આવી પહોંચ્યાં ?” આકાશ શિવરુદ્રાની સામે જોઈને હેરાનીભર્યા અવાજે પૂછે છે.

“વેલ ! ડિયર આકાશ, આ બાબત વિશે જેટલું તું જાણે છો, હાલ હું પણ એટલું જ જાણું છું, પણ છેલ્લે મને એટલું યાદ છે કે જ્યારે આપણે પેલી નૌકામાં બેસેલાં હતાં, ત્યારે પેલી નદીમાં ઊંચા - ઊંચા મોજા ઉછળવાં માંડયા હતાં, અને કિલ્લાની દીવાલો પરથી પાણીનો જે ધોધ વહી રહ્યો હતો તે એકાએક વેગવંતો બની જાય છે, અને જોતજોતામાં કિલ્લાની દિવાલમાં એક ધડાકો થાય છે, અને તે દિવાલનાં પથ્થરો એક પછી એક નદીમાં ફેંકવા માંડે છે, જેમાંથી બે - ત્રણ પથ્થરો આપણી નૌકા સાથે ધડાકાભેર અથડાય છે, અને આપણી નૌકા વેર વિખેર બની જાય છે, બરાબર આ જ સમયે તું અને શ્લોકા મારી નજર સમક્ષ જ બેભાન બની ગયેલાં હતાં, આથી તમને લોકોનો બચાવવા માટે મે મારુ સમગ્ર બળ લગાવી દીધેલ હતું, બરાબર એ જ સમયે કિલ્લાની દિવાલમાંથી મારા તરફ ઘસમસ્તો પથ્થર આવ્યો, જેનાથી બચવા માટે મે મારુ માથું પાણીમાં ડૂબાવી દીધું, ત્યારે પેલી નૌકાનું એક પાટીયું મારા માથાનાં ભાગ સાથે અથડાયું, ત્યારપછી મારી કે તમારી સાથે શું થયું એ મને કાંઈ જ યાદ નથી.

“તો ? તેનો અર્થ એવો થયો કે આપણે પેલી વિકરાળ નદીમાં ડૂબ્યાં બાદ સીધાં જ અહી આવી પહોંચ્યા?” - શ્લોકા ખાતરી કરતાં શિવરુદ્રાને પૂછે છે.

“સર ! સામે જુઓ !” - આકાશ હાથનો ઈશારો કરતાં નવાઈ પામતાં બોલી ઉઠે છે.

“ઓહ ! માય ગોડ, વ્હોટ અ સરપ્રાઈઝ?” શ્લોકા આકાશ જે દિશા તરફ ઈશારો કરી રહ્યો, ત્યાં જોઈને આશ્ચર્ય પામતાં બોલે છે.

“યસ ! ઈટ ઇસ રિયલી અ બિગ સરપ્રાઈઝ વિથ સસ્પેન્સ !” શિવરુદ્રા આવી પડેલ નવી આફતનો અણસાર લગાવતાં બોલી ઉઠે છે.

આથી શિવરુદ્રા પોતાનાં પેન્ટનાં ખિસ્સામાં રહેલ રૂમાલ બહાર કાઢે છે, અને તેની બાજુમાં પડેલ એક લાકડાનાં ટુકડા પર વિટાળીને મશાલ બનાવે છે, અને બેગમાંથી લાઇટર કાઢીને તેમાં અગ્નિ પ્રગટાવે છે. ત્યારબાદ તે બધાં ગુફામાં આગળ વધે છે.

થોડીવારમાં તે લોકો આકાશ જે દિશા તરફ ઈશારો કરી રહ્યો હતો, ત્યાં પહોંચી જાય છે. ત્યાં જઈને તે લોકો જોવે છે કે તેમની સમક્ષ બાર મોટા મોટા પૌરાણિક દરવાજા આવેલ હતાં. આ બધાં જ દરવાજા એક સરખા લાગી રહ્યાં. આ દરવાજા જોતાં તે લોકોને એવું લાગી રહ્યું હતું કે જાણે આ દરવાજા કોઈ મોટી ભુલભુલામણી હોય. આ સરખાં દેખાતાં બધાં જ દરવાજાની ઊંચાય, પહોળાય, લંબાય, બંધારણ, રચના, કારીગરી એક સમાન જ હતી. આ બધાં જ દરવાજા પર એકસમાન જ શિલ્પીકામ કરવામાં આવેલ હતું. આ બધાં દરવાજા વર્ષોથી પોતાની ભીતર જાણે કોયડો કે રહસ્ય છુપાવીને બેસેલાં હોય તેવું લાગી રહ્યું હતું. આ બારે બાર દરવાજાની આગળ પથ્થરને કોતરીને બનાવવામાં આવેલ એક નાનો સ્તંભ આવેલ હતો, આ બધાં જ સ્તંભ ની બરાબર સામે વચ્ચોવચ એક મોટો સ્તંભ આવેલ હતો.

“સર ! સામે જુઓ !” આકાશ શિવરુદ્રાની સામે જોઈને બોલે છે.

“શું થયું આકાશ ?” - શિવરુદ્રા આકાશની સામે જોઈને પૂછે છે.

"સર ! પેલાં દરવાજા પર, બરાબર વચ્ચેનાં ભાગે કોઈ આકૃતિ બનેલી છે !” આકાશ દરવાજા તરફ ઈશારો કરતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા તરત જ આકાશ જે તરફ ઈશારો કરી રહ્યો હતો, તે બાજુએ મસાલ ફેરવે છે, જેથી દરવાજાનાં ઉપરનાં ભાગે આવેલી પેલી આકૃતિ સ્પષ્ટ જોઈ શકાય. જ્યારે આ આકૃતિ સ્પષ્ટ દેખાય એ જોઈને શિવરુદ્રા, આકાશ અને શ્લોકાની આંખો વિસ્મયતા પામી, કારણ કે તે દરવાજાની ઉપરની બાજુએ બરાબર વચ્ચે “ત્રાજવા” જેવી આકૃતિ દોરેલ હતી, આ જોઈ બધાં અચરજમાં પડી ગયાં, તેઓ વિચારી રહ્યાં હતાં કે આ દરવાજાની ઉપરની બાજુએ આ આકૃતિ શાં માટે બનવડાવેલ હશે..? આ આકૃતિનો મતલબ કે અર્થ શું થતો હશે ? આ દરવાજા પર આવી આકૃતિ બનાવડાવવા પાછળ શું પ્રયોજન હશે ? શું આ આકૃતિનાં સ્વરૂપમાં હાલ તે લોકો સમક્ષ નવી કોઈ ચેલેન્જ તો નહીં આવી પડી હશે ને ? જો આ કોઈ કોયડો હશે તો તેમનો સામનો કેવી રીતે કરી શકીશું ?”

“શિવા ! આ તરફ જુઓ !” બરાબર એ જ સમયે શ્લોકા શિવરુદ્રાને પોતાની કોણી મારતાં બોલી ઉઠે છે.

“ઓહ ! માય ગોડ ! આટલાં બધાં એકસરખા દરવાજા ?” શિવરુદ્રા આશ્ચર્ય પામતાં બોલે છે.

“યસ ! સર ! આવા એકસરખાં એક નહીં.. બે નહી....પરંતુ કુલ બાર દરવાજાઓ છે !” - આકાશ મનમાં દરવાજાની સંખ્યા ગણ્યાં બાદ બોલે છે.

“તો ! શું ! હાલ આપણે ફરી કોઈ નવી ભુલભુલામણીમાં ફસાય ગયાં છીએ ?” - શ્લોકા હતાશાભર્યા અવાજે પૂછે છે.

“યસ ! શ્લોકા ! મને અત્યાર સુધી એવું હતું કે આપણે માત્ર એક જ દરવાજા પાછળ રહેલ રહસ્ય કે કોયડો ઉકેલવો પડશે, પરંતુ હાલ આ બાર દરવાજા જોઈને મને એટલું તો સારી રીતે સમજાય ગયું છે કે હાલ આપણે ચારે બાજુ એથી કોયડાઓથી ઘેરાય ગયાં છીએ અને આપણે એક, બે નહીં પરંતુ બાર કોયડાઓ ઉકેલવાં પડશે !” શિવરુદ્રા લાચારીભર્યા અવાજે જણાવે છે.

“તો ! આ બધાં દરવાજા પાછળ શું રહસ્ય છુપાયેલ હશે ? શું દરવાજા પાછળ કોઈ મોટી આફતો કે મુશકેલીઓ તો નહીં છુપાયેલ હશે ને ?” શ્લોકા ગભરાયેલાં અવાજે પૂછે છે.

“આ દરવાજા પાછળ શું અને કેવાં રહસ્યો છુપાયેલાં હશે ? મને એ બાબતનો જરાપણ અંદાજો નથી, પણ હું એટલું તો ચોક્કસ કહીશ કે આ બાર દરવાજામાંથી કોઈ એક દરવાજો તો ચોક્કસ આપણને આપણી મંઝીલ સુધી લઈ જશે?” શિવરુદ્રા થોડોક તર્ક કર્યા બાદ શ્લોકા સામે જોઈને પૂછે છે.

“પણ ! સર ! કદાચ, માનો કે આપણે આ બાર દરવાજામાંથી યોગ્ય દરવાજો ખોલવામાં નિષ્ફળ નિવડશું તો ?” આકાશ પોતાનાં મનમાં રહેલ વિચાર રજૂ કરતાં શિવરુદ્રાને પૂછે છે.

“તો..! શું થશે..? એ બાબતે મારે હવે તને સમજાવવાની જરૂર હોય એવું મને નથી લાગી રહ્યું, કારણ કે આપણે અહી સુધી કેવી રીતે ? અને કેટ કેટલી આફતો કે મુશકેલીઓ વેઠીને પહોંચ્યા છીએ..? એ તો તું ખૂબ જ સારી રીતે જાણે જ છો, બરાબર એ જ મુજબ આપણને જો યોગ્ય દરવાજો પસંદ કરવામાં નિષ્ફળતાં મળશે, તો પછી આપણે અત્યાર સુધી જે મુશ્કેલીઓ વેઠેલ છે, તેવી અથવા તેનાં કરતાં પણ ભયંકર અને મોટી મુસીબતોનો આપણે સામનો કરવાની નોબત આવશે ! શિવરુદ્રા વાસ્તવિકતાનો ચિતાર જવાતાં આકાશની સામે જોઈને બોલે છે.

“તો ! હવે આપણે શું કરીશું ?” શ્લોકા હિમ્મત હારતાં શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“એ ! બાબતનો તો હાલ મારી પાસે કોઈ ઉપાય નથી, પણ એટલું તો કહીશ કે, “હાલ ! આપણી સમક્ષ આવી પડેલ મુશ્કેલીઓ કે આફતોમાંથી બહાર નીકળવાં માટે જે કાંઈ પણ યુક્તિ કરીશું. એ એકવાર નહિ પરંતુ હજાર વાર વિચાર કર્યા બાદ જ એ યુક્તિ અમલમાં મૂકીશું ! નહિતર..!” શિવરુદ્રા થોડું ખચકાતાં બોલે છે.

“નહિતર ! સર ?” આકાશ ગભરાયેલાં અવાજે પૂછે છે.

“નહિતર ! આપણે આપણાં જીવથી હાથ ધોઈ બેસવાની નોબત આવશે !” - શિવરુદ્રા આકાશને હકીકતથી વાકેફ કરાવતાં જણાવે છે.

“શિવા અને આકાશ ! આ બધાં દરવાજા ભલે એકસમાન હોય, પરંતુ તે દરેક દરવાજામાં એવી એક તો ખાસીયત છે કે જે આ બધાં દરવાજાને એકબીજાથી અલગ તારવે છે !” શ્લોકા જાણે આ દરવાજામાં રહેલ ભેદ પામી ગઈ હોય તેવી રીતે શિવરુદ્રા અને આકાશ તરફ ફરીને બોલે છે.

“હે ! કઈ બાબત ?” - શિવરુદ્રા અને આકાશ અચંભિત થતાં પૂછે છે.

“તમે ! સૌ પ્રથમ આપણી સામે રહેલ દરવાજો ધ્યાનપૂર્વક જુઓ.. તમને એવી કોઈ બાબત ધ્યાનમાં આવે છે ?” - શ્લોકા બંનેની સામે જોઈને કહે છે.

ત્યારબાદ શિવરુદ્રા અને આકાશ વારાફરતી બધાં જ દરવાજા ધ્યાનપૂર્વક નિહાળવા માંડે છે, થોડીવાર બાદ બધાં જ દરવાજાનું ધ્યાનપુર્વક બારીક અવલોકન કર્યા બાદ શિવરુદ્રા શ્લોકની સામે જોઈને બોલે છે કે, 

“અમને તો બધાં જ દરવાજા દરવાજા એકસમાન જ લાગી રહ્યાં છે.. તને આ બધાં દરવાજા વચ્ચે શું વિસંગતતા કે અલગપણું જોવાં મળ્યું હતું..?”

“જી ! તમે બંનવે દરવાજાનું ઓઝર્વેશન તો બારીકીથી કર્યું પરંતુ તેની ઉપરની તરફ બરાબર વચ્ચોવચ રહેલ પેલી આકૃતિ ધ્યાનપૂર્વક નથી જોઈ લાગતી !” શ્લોકા ધીમે - ધીમે પોતાની મૂળ વાત પર આવતાં - આવતાં જણાવે છે.

ત્યારબાદ શિવરુદ્રા અને આકાશ ફરીથી પેલાં દરવાજાનું ઓબસર્વેશન કરવાં માંડે છે, બીજી વખત તે બધાં દરવાજાનું બારીકાઈથી ઓબસર્વેશન કરતાં તે બંને આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે, કારણ કે આ બધાં જ દરવાજાની ઉપરની તરફ એક ખાસ પ્રકારની આકૃતિ બનેલ હતી. આ બધી આકૃતિ જોઈને ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર્યા બાદ શિવરુદ્રા આકાશ અને શ્લોકા સામે જોઈને બોલે છે.

“મને ! હાલ એવું લાગી રહ્યું છે કે હાલ આપણને આ દરવાજા સાથે સંકળાયેલ કોયડો મળી ગયો છે, જે માત્રને માત્ર શ્લોકાનાં શાર્પ ઓબસર્વેશન પાવરને આભારી છે. આ દરેક દરવાજામાં એક ચોક્કસ આકૃતિ રહેલ છે, જે કોઈને કોઈ અણસાર આપી રહી છે. હું માનું છું ત્યાં સુધી આ બધી આકૃતિઓ જ આપણને આ દરવાજા પાછળનું રહસ્ય ઉકેલવામાં મદદરૂપ થશે..!”

ત્યારબાદ શિવરુદ્રા પોતાનાં ખભે લટકાવેલ બેગમાંથી એક ડાયરી અને પેન બહાર કાઢીને આકાશને આપે છે, ત્યારબાદ તેઓ એકપછી એક એમ વારાફરતી બધાં જ દરવાજા પાસે જાય છે, જ્યારે આ બાજુ શિવરુદ્રા આકાશને અમુક બાબતોની પેલી ડાયરીમાં નોંધ કરાવડાવે છે. બધાં જ દરવાજા પાસે ચક્કર લગાવ્યાં બાદ તેઓ અગાવ જે જગ્યાએ ઉભેલાં હતાં, ત્યાં આવીને ઊભાં રહે છે.

“સર ! તમે ડાયરીમાં લખેલ નોંધ મુજબ દરેક દરવાજા પર અલગ - અલગ કુલ બાર આકૃતિઓ આવેલ છે, જે ક્રમશ: ઘેટું, આખલો, યુગલ, કરચલો, સિંહ, યુવતી, ત્રાજવા, વીંછી, ધનુષ્ય, બકરી, ઘડો અને માછલી છે, હું માનું છું ત્યાં સુધી આ બધી આકૃતિઓ વચ્ચે કોઈને કોઈ સંગતતા કે જોડાણ હોવું જોઈએ !” આકાશ ડાયરીમાં જોઈને બોલે છે.

“એક મિનિટ ! આ બધાં ચિન્હો તો મે ક્યાંક જોયેલાં હોય તેવું મને લાગી રહ્યું છે !” - શ્લોકા પોતાની યાદશક્તિ પર બળ આપતાં બોલે છે.

“યસ ! શ્લોકા ! યુ આર રાઇટ..!” શિવરુદ્રા શ્લોકાની વાત સાથે સહમત થતાં બોલે છે.

“હાવ ?” - આકાશ અને શ્લોકા શિવરુદ્રાની સામે જોઈને આશ્ચર્ય સાથે પૂછી ઉઠે છે.

“જોવો ! આ બધાં ચિન્હો વાસ્તવમાં જોવાં જઈએ, આપણાં જીવનથી મૃત્યુ સુધી આપણે આ ચિન્હો સાથે જોડાયેલા રહીએ છીએ !” - શિવરુદ્રા પોતાનું મગજ દોડાવતાં બોલે છે.

“સર ! સોરી ! બટ મને કાંઈ સમજાયું નહીં, કે આપ શું કહેવાં માંગો છો ?” આકાશ મૂંઝાયેલાં અવાજે પૂછે છે.

“જો ! આકાશ ! તે હમણાં ડાયરીમાંથી જે આકૃતિઓ વિશે જણાવ્યું, તે આકૃતિઓ વાસ્તવમાં બાર રાશીઓનાં ચિન્હો છે, જેમાં ઘેટું એ મેષ રાશિનું, આખલો એ વૃષભ રાશિનું, યુગલ એ મિથુન રાશિનું, કરચલો એ કર્ક રાશિનું, સિંહ એ સિંહ રાશિનું, ત્રાજવા એ તુલા રાશિનું, વીંછી એ વૃશ્વિક રાશિનું, ધનુષ્ય એ ધન રાશિનું, બકરી એ મકર રાશિનું , ઘડો એ કુંભ રાશિનું, જ્યારે માછલી એ મીન રાશિનું પ્રતિક છે.

“ઓહ ! માય ગોડ ! યુ આર સો ઇન્ટેલિજન્ટ ! આર યુ “આર્કિયોલોજીસ્ટ” ઓર “એસ્ટ્રોલોજીસ્ટ” - શ્લોકા ખુશ થતાં થતાં આશ્ચર્ય સાથે બોલે છે.

“બાય બોર્ન આઈ એમ “એસ્ટ્રોલોજીસ્ટ” એન્ડ બાય પ્રોફેશન આઈ એમ “આર્કિયોલોજીસ્ટ”” શિવરુદ્રા પોતાની જાત પર ગર્વ અનુભવતાં સસ્મિત બોલે છે.

“તો ! સર ! આ બારે બાર દરવાજા પર આ રાશિ ચિન્હો બનાવડાવવાં પાછળ શું હેતુ રહેલો હશે ? અને આપણે આમાંથી કયાં દરવાજામાં પ્રવેશ કરવાનો થશે ? અને કયો દરવાજો આપણાં માટે સુરક્ષિત રહેશે અને કયો દરવાજો આપણાં માટે ખતરનાક કે ખતરારૂપ સાબિત થશે ? અને આ દરવાજા કેવી રીતે ખુલશે ?” આકાશ શિવરુદ્રાને મૂંઝાયેલાં અવાજે એક જ શ્વાસમાં ઘણાં બધાં પ્રશ્નો પૂછે છે.

“હા ! શિવા આકાશની વાત સાચી છે, આપણે એ બાબતે ચોક્કસથી વિચારવું જોઈએ !” શ્લોકા આકાશની વાત સાથે સહમત થતાં બોલી ઉઠે છે.

“સી ! હાલ આપણી સામે બાર દરવાજા છે, જે રાશિ ચિન્હો મુજબ જ ગોઠવાયેલાં છે. હું હાલ એ જ વિચારી રહ્યો છું કે આમાંથી આપણે કયાં રાશિ ચિન્હવાળા દરવાજામાં પ્રવેશ કરીશું !” - શિવરુદ્રા પોતાની મૂંઝવણ જણાવતાં બોલે છે.

“સર ! હું જેટલું જાણું છું એ મુજબ તે મુજબ બધી રાશિઓમાંથી એકમાત્ર “સિંહ” રાશિ જ એવી છે કે જેનો સ્વામીગ્રહ “સુર્ય” છે. જ્યારે બાકીની બધી રાશિઓનાં સ્વામીગ્રહ અલગ - અલગ છે. સુર્યએ સમગ્ર સૌરમંડળ પર પોતાનો પ્રભાવ અને સ્વામિત્વ ધરાવે છે. આ ઉપરાંત સૌરમંડળમાં રહેલાં બધાં જ ગ્રહો પોતાની ધરી પર સૂર્યની ફરતે પ્રદિક્ષણા કરે છે. જેમાં આપણી પૃથ્વીનો પણ સમાવેશ થઈ જાય છે.!” આકાશ પોતાનું જનરલ નોલેજ જણાવતાં જણાવતાં બોલે છે.

“યસ ! ડિયર ! આકાશ.. તારી વાતમાં દમ તો છે !” શ્લોકા આકાશનાં જનરલ નોલેજ અને તર્કબુધ્ધિ જોઈને પ્રભાવિત થતાં બોલી ઉઠે છે.

“તો ! સર ! તમારું આ બાબતે શું માનવું છે ?” આકાશ શિવરુદ્રાને નિર્દોષતા સાથે પૂછે છે.

“આકાશ ! તારી વાતમાં લોજીક તો છે જ તે ! તે જે માહિતી આપી એ સો ટકા સાચી અને સચોટ છે અને હું તારી વાત સાથે સહમત છું !” - શિવરુદ્રા આકાશની પીઠ થબ - થબાવતાં ગર્વની લાગણી અનુભવતાં બોલે છે.

“ તો ! “મીન” રાશિવાળો દરવાજો ફાઇનલ.. ને ?” - શ્લોકા ખાતરી કરતાં - કરતાં પૂછે છે.

“યસ ! ફાઇનલ !” - શિવરુદ્રા અને આકાશ પોત પોતાનાં અંગૂઠા દ્વારા “થમ્સ અપ” કરતાં કરતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા, શ્લોકા અને આકાશ પેલાં બાર દરવાજામાંથી જે દરવાજા પર “સિંહ” નું ચિન્હ આવેલ હતું, તે દરવાજા તરફ અલગ પ્રકારનાં ઉત્સાહ અને જોશ સાથે ચાલવાં માંડે છે. હાલ ભલે તેઓનાં શરીરમાં એક અલગ પ્રકારનો જોશ હતો, પરંતુ તે બધાંનાં હ્રદયનાં કોઈ એક ખૂણામાં ડર પણ ઉદભવી રહ્યો હતો, જેને લીધે તે લોકોનાં શ્વાસોશ્વાસ અને હ્રદયનાં ધબકાર પણ હાલ વધી ગયેલાં હતાં, થોડી જ ક્ષણોમાં પોતાની સાથે શું ઘટનાં ઘટશે એ બાબતથી તેઓ એકદમ અજાણ જ હતાં.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"