Shivarudra .. - 20 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 20

20.

(શિવરુદ્રા, શ્લોકા અને આકાશ પેલાં કિલ્લા પાસે આવી પડેલ આફતમાંથી હેમખેમ બચી જાય છે, ત્યારબાદ તે બધાંને ખ્યાલ આવે છે કે હાલ તેઓ ફરી ફરીને પેલી રહસ્યમય ગુફામાં આવી પહોંચે છે. તે રહસ્યમય ગુફામાં તપાસ કરતાં તેઓને ખ્યાલ આવે છે કે આ ગુફામાં એકસરખા કુલ 12 દરવાજાઓ આવેલ છે, પરંતુ આ દરેક દરવાજા પર અલગ અલગ આકૃતિઓ બનાવેલ હતી, જે આકૃતિઓમાં ક્રમશ: ઘેટું, આખલો, યુગલ, કરચલો, સિંહ, યુવતી, ત્રાજવા, વીંછી, ધનુષ્ય, બકરી, ઘડો અને માછલી વગેરેની આકૃતિઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. ગાઢ વિચારણા કર્યા બાદ તે લોકોને માલૂમ પડે છે કે દરવાજા પર રહેલ આકૃતિઓ વાસ્તવમાં રાશિ ચિન્હો છે, આ 12 અલગ - અલગ ચિન્હો બારે બાર રાશીઓનાં પ્રતિક સમાન હતાં, લાંબી વિચારણાને અંતે સર્વાનુમતે તેઓ સિંહ રાશિવાળા દરવાજામાં પ્રવેશવાનું નક્કી કરે છે.)

શિવરુદ્રા, શ્લોકા અને આકાશ હાલ પેલાં સિંહ રાશીવાળા દરવાજા તરફ આગળ વધી રહ્યાં હતાં, તેઓમાં મનમાં કઈક અલગ જ પ્રકારનો ડર પોતાનું સ્થાન જમાવી રહ્યો હતો. આ ડરને કારણે તે લોકોનાં શ્વાસોશ્વાસ અને હ્રદયનાં ધબકાર વધી ગયેલાં હતાં. તે બધાનાં ચહેરા પર ડરને લીધે ઉપસી આવેલી રેખાઓ સપષ્ટપણે જોઈ શકાતી હતી. તે બધાનાં ચહેરા પર પરસેવાનાં બુંદો છવાય ગયેલાં હતાં. બધાનાં પગમાં બીકને કારણે થોડીઘણી ધ્રૂજારીઓ પણ આવી રહી હતી.

તે બધાં ચાલતાં - ચાલતાં સિંહ રાશિવાળા દરવાજાની એકદમ નજીક પહોંચે છે, ત્યાં પહોંચ્યા બાદ તેઓ આ દરવાજો કેવી રીતે ખોલવો, તેનો ઉપાય શોધવાં માટે આ દરવાજાનું બારીક નિરીક્ષણ કરે છે, ખૂબ જ બારીકી ભર્યું નિરીક્ષણ કરવાં છતાંપણ તેઓને આ દરવાજો ખોલવાં માટેનો કોઈ ઉપાય સૂઝતો નથી, આથી તે લોકોની ચિંતાઓમાં સતત વધારો થઈ રહ્યો હતો.

“શિવા ! શું આ વખતે આપણે કોઈ મોટી મુશ્કેલીઓમાં ફસાય ગયાં છીએ ?” - શ્લોકા દુખી ભરેલાં અવાજે શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“હા ! સર ! મને પણ એવું જ લાગે છે.” આકાશ શ્લોકાની વાતમાં સૂર પુરાવતા બોલે છે।

“ગાયઝ ! મુસીબત ભલે ગમે તેટલી મોટી કેમ નાં હોય ! પરંતુ એક વસ્તુ જીવનમાં હમેશાં માટે યાદ રાખજો, કે કોઈપણ મુસીબત જીવનપર્યંત નથી રહેવાની, જો ઈશ્વર આપણાં જીવનમાં મુસીબત, આફતો કે મુશકેલીઓ આપે છે, તો તેની સાથો - સાથ તે મુસીબતો, આફતો કે મુશકેલીઓ માંથી બહાર નીકળવા માટેનો કોઈને કોઈ રસ્તો કે હલ પણ આપે જ છે !” શિવરુદ્રા આકાશ અને શ્લોકની હિંમતમાં વધારો કરતાં - કરતાં બોલે છે.

“તો ! હવે આપણે શું કરીશું ?” શ્લોકા શિવરુદ્રાની આંખોમાં આંખ નાખીને પૂછે છે.

“સર ! શું ? આપણને આ મુસીબતોમાંથી બહાર નીકળવાં માટેનો ઉપાય પેલાં પૌરાણિક પુસ્તકમાંથી મળી રહેશે ?” આકાશ પોતાનું મંતવ્ય જણાવતાં પૂછે છે.

“લેટ્સ ! સી !” શિવરુદ્રા ખભે લટકાવેલ બેગમાંથી પેલું પૌરાણિક પુસ્તક બહાર કાઢતાં બોલે છે.

બરાબર એ જ સમયે આકાશનાં હાથમાં રહેલ પેલી ડાયરી જમીન પર પડે છે, આથી આકાશ જમીન પર પડેલ ડાયરી લેવાં માટે નીચેની તરફ ઝૂકે છે, એવામાં આકાશની નજર ડાયરીની બાજુમાં રહેલ લોખંડની એક ગોળાકાર પ્લેટ કે જે અડધી જમીનની અંદર ડટાયેલ હતી, માત્ર તેની ઉપરની જ સપાટી જમીનની બહાર જોઈ શકાતી હતી. આ લોખંડની પ્લેટ જોતાં એવું લાગી રહ્યું હતું કે તે માત્ર લોખંડની પ્લેટ હશે પરંતુ વાસ્તવમાં તે પ્લેટ પંચ ધાતુઓ ભેગી કરીને બનાવવામાં આવેલ હતી, જેથી આ પ્લેટને સારી એવી મજબૂતી આપી શકાય. આ પ્લેટની ઉપર સુર્યનારાયણ ભગવાનની આકૃતિ અને અગ્નિની આકૃતિઓ દોરેલ હતી. આ જોઈ આકાશ ઉત્સુકતાવશ શિવરુદ્રાને આ પ્લેટ વિશે જણાવે છે.

આ પ્લેટ જોઈ શિવરુદ્રાની આંખોમાં અલગ પ્રકારનો આનંદ છવાય જાય છે, શ્લોકા પણ જાણે આ દરવાજો ખોલવાં માટેનો કોઈ ઉપાય મળી ગયો એવું વિચારીને મનોમન ખુશ થાય છે, જ્યારે આ બાજુ શિવરુદ્રા આકાશને પેલી લોખંડની પ્લેટ જમીનની બહાર નિકાળવા માટે ઈશારો કરે છે, આથી આકાશ તરત જ જમીન પર બેસીને પેલી લોખંડની પ્લેટ બહાર કાઢવાં માટે પોતાનો હાથ લગાવે છે.

જેવો આકાશ પેલી લોખંડની પ્લેટને હાથ લગાવે છે, એ સાથે જ તેઓ પહેલાં જે જગ્યાએ ઉભેલાં હતાં, બરાબર તે જ જગ્યાએ એક ધડાકા સાથે ત્રણ ફૂટ લંબાય ધરાવતો એક સ્તંભ જમીન ફાડીને બહાર આવે છે, આ ધડાકો સાંભળતાની સાથે તે બધાં ખૂબ જ ગભરાય જાય છે, તે બધાંના હ્રદયમાં એક મોટો ધ્રાસકો પડે છે, એવામાં બારે-બાર દરવાજા ફરતે અગ્નિ પ્રકટે છે, બધાં દરવાજા પાછળથી જાણે કોઈ કદાવર માનવ, દાનવ કે ખૂંખાર જાનવર જોર - જોરથી બધાં જ દરવાજાઓ ઠપકારી રહ્યું હોય, તેમ ઠપ - ઠપ અવાજ આવવાં માંડે છે. ધીમે ધીમે આ દરવાજો ઠપકારવાનો અવાજ એટલો તીવ્ર બની જાય છે કે જાણે બે જ પળમાં આ બધાં જ દરવાજા આપોઆપ ખૂલી જશે અને તેની પાછળ રહેલ દાનવ કે ખૂંખાર પ્રાણીઓનો તે બધાં કોળિયો બની જશે.

આથી શિવરુદ્રા, શ્લોકા અને આકાશ એકબીજાની સામે જોવે છે, અને માત્ર આંખો - આંખોનાં ઇશારાથી જાણે એકબીજાનાં મનની વાત સમજી ગયાં હોય તેમ, પોતાનાં શરીરમાં રહેલ તમામ તાકાત કે બળ લગાવીને તે દરવાજાથી માંડીને પેલો સ્તંભ હતો ત્યાં સુધી દોટ મૂકે છે.

પેલાં સ્તંભ પાસે પહોંચ્યા બાદ તે બધાંનો તાળવે ચોંટેલો જીવ હેઠો બેઠો, તે લોકોએ રાહતનો શ્વાસ લીધો, તે લોકોનાં વધી ગયેલાં શ્વાસોશ્વાસ અને હ્રદયનાં ધબકારા નોર્મલ બની ગયાં. બરાબર આ જ સમયે પેલાં સ્તંભ પર રહેલ ચોરસ તકદી પર શિવરુદ્રાની નજર પડે છે, તો તે તકદી પર લોખંડનું ગોળ એક તાવીજ રહેલ હતું જેનાં પર સ્ટાર જેવો સિમ્બોલ હતો, અને એ સ્ટારની બરાબર વચ્ચોવચ ત્રિશુળ અને રુદ્રાક્ષ લોખંડનું ગોળ એક તાવીજ લગાવેલ હતું જેમાં સ્ટાર જેવો સિમ્બોલ હતો, અને એ સ્ટારની બરાબર વચ્ચોવચ ત્રિશુળ અને રુદ્રાક્ષનાં ચિન્હો દોરેલાં હતાં, જેની બાજુમાં એટલાં જ કદનું એક ખાનું ખાલી હતું. આ જોઈ શિવરુદ્રાનાં મનમાં ઝબકાર સાથે વિચાર આવ્યો કે આ જ સિમ્બોલ અઘોરીબાબાએ પોતાને આપલે લોખંડનાં ગોળ તાવીજ પર પણ હતું.

આથી શિવરુદ્રા એકપણ સેકન્ડનો વ્યય કર્યા વગર, પોતાનાં બેગમાંથી અઘોરીબાબાએ પોતાને આપલે લોખંડનું ગોળ તાવીજ બહાર કાઢે છે અને પોતાની હથેળીમાં રાખે છે.

“શિવા ! આ શું છે ?” શ્લોકા આશ્ચર્ય સાથે શિવરુદ્રાને પૂછે છે.

“શ્લોકા ! આ લોખંડનું તાવીજ મને પેલાં અઘોરીબાબાએ આપેલ હતું, જો આ તાવીજ પર રહેલ આકૃતિઓ અને આ સ્તંભ પર રહેલાં લોખંડની તકદી પર રહેલાં નિશાન એકસરખા જ છે !” શિવરુદ્રા શ્લોકને પોતાનાં હાથમાં રહેલ તાવીજ બતાવતાં જણાવે છે.

“તો ! સર ! આ તાવીજ આપણે પેલી તકદી પર લગાવીશું ?” આકાશ શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“હા ! કદાચ ! આપણને આ મુશ્કેલીઓ માંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળી જશે !” શિવરુદ્રા આત્મવિશ્વાસ સાથે બોલે છે.

“એ બધું તો બરાબર છે, પણ આ તાવીજ પર રુદ્રાક્ષનું ચિન્હ છે, તો તારી પાસે રુદ્રાક્ષ તો છે જ તે…એ બાબત હું ખૂબ જ સારી રીતે જાણું છું, પણ ?” શ્લોકા થોડું ખચકાતાં બોલે છે.

“પણ ! શું ! શ્લોકા ?” શિવરુદ્રા શ્લોકની મૂંઝાયેલી આંખો સામે જોઈને પૂછે છે.

“આ તાવીજ પર જે “ત્રિશુળ” નું ચિન્હ છે એ ત્રિશુળ આપણે ક્યાંથી લાવીશું ?” શ્લોકા પોતાનાં મનમાં રહેલ મૂંઝવણ જણાવતાં બોલે છે.

“તારી મૂંઝવણ વ્યાજબી છે, પણ હાલ મારી પાસે તારા પ્રશ્નનો કોઈ જ ઉત્તર નથી !” શિવરુદ્રા લાચારીભર્યા અવાજે બોલે છે।

“તો ! સર ! જોઈએ આગળ શું થાય છે ? બરાબર ને ?” આકાશ શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“યસ ! આકાશ !” શિવરુદ્રા પોતાનું માથું ધૂણાવતાં બોલે છે.

બરાબર એ જ સમયે પેલાં દરવાજા પાછળથી જે “ધડાધડ” અવાજ આવી રહ્યો હતો, તે અવાજ વધુ તીવ્ર બની ગયો, જાણે દરવાજા પાછળ રહેલ માનવ, દાનવ કે ખૂંખાર પ્રાણી આ દરવાજા ખોલવાં માટે મરણીય પ્રયાસ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું, જોત - જોતમાં દરવાજાની નજીક રહેલ આગ વધુને વધુ વિકરાળ બની રહી હતી, એવામાં એકાએક પહેલો દરવાજો કે જેનાં પર “ઘેટા” ની આકૃતિ દોરેલ હતી એટલે કે જે દરવાજો મેષ રાશિનાં પ્રતિક સમાન હતો, તે દરવાજો એક ધડાકા સાથે ખૂલી જાય છે.

જોત - જોતામાં એ દરવાજામાંથી એક ભયાનક, ભયંકર અને એકદમ ડરામણો ચહેરો ધરાવતો એક કદાવર દાનવ બહાર આવે છે, જેનો ચહેરો ઘેટાં જેવો હતો, જ્યારે બાકીનું શરીર માનવ જેવુ હતું, તેનાં માથે બે મોટાં - મોટાં ધારદાર શિંગડાઓ આવેલ હતાં. તેની બંને આંખો ગુસ્સાથી લાલઘૂમ હતી. હાથ અને પગમાંથી અગનજવાળો નીકળી રહી હતી. તે દાનવ ગુસ્સાને લીધે એકદમ બિહામણી અને હ્રદય બેસાડી દે તેવી ત્રાડ પાડી રહ્યો હતો.

આ જોઈ શિવરુદ્રા, શ્લોકા અને આકાશનાં શરીરમાંથી પરસેવો છૂટી ગયો. ડરને લીધે તે બધાનાં શરીરનાં રૂવાડા ઊભાં થઈ ગયાં, તે બધાનાં હ્રદય કબૂતરની માફક ફફળાટ કરવાં લાગ્યાં. બીકને કારણે તે બધાનાં પગમાં ધ્રૂજરીઓ આવવાં માંડી. ધીમે - ધીમે એ દાનવ હાલ તેઓ જે જગ્યાએ ઉભેલાં હતાં તે તરફ આગળ ધપવાં માંડયો, તેનાં ભારે અને દળદાર પંજા જમીન પર પડવાને લીધે જમીન “ધબ - ધબ” અવાજ સાથે ધ્રૂજવાં લાગી.

“પ્લીઝ ! શિવરુદ્રા ! ડુ સમથિંગ વેરી ફાસ્ટ..!” શ્લોકા ડરેલાં અવાજે ચીસ પડતાં બોલી ઉઠે છે.

જ્યારે આ બાજુ શિવરુદ્રા આકાશનાં હાથમાં રહેલ પેલું લોખંડનું તાવીજ તકદીમાં રહેલ ખાલી જગ્યા પર એકદમ ઝડપથી લગાવી દે છે..! જેવુ શિવરુદ્રા પેલું તાવીજ તકદીમાં લગાવે છે, એ સાથે જ તે તાવીજ પોતાની જગ્યાએ ગોળા ગોળ ફરવાં લાગે છે. જોતજોતામાં એ બંને તાવીજ અને સિંહ રાશીવાળા દરવાજા સામે રહેલ તાવીજમાંથી એક તેજસ્વી રોશની નીકળે છે, જે ત્રણેય તાવીજની રોશની ભેગી મળીને “ત્રિશુળ” આકાર બનાવે છે, અને આ ત્રિશૂલની રોશની એટલી તેજસ્વી હતી કે તે રોશની જેવી પેલાં દાનવ પર પડી એ સાથે જ પેલો દાનવ અસહ્ય પીડા અને વેદનાને લીધે ચીસો પાડવાં માંડયો, એવામાં બધી જ રોશની એક ઝબકાર સાથે દાનવનાં શરીરમાં સમાય ગઈ, પોતાનો જીવ બચાવવા માટે તરફડિયાં મારવાં લાગ્યો, જેવી રીતે આપણે દશેરાનાં દિવસે રાવણ દહન કરીએ અને ત્યારબાદ એ રાવણનાં શરીરમાં રહેલ ફટાકડા જેવી રીતે ફૂટે, તેવી જ રીતે આ દાનવનું શરીર પણ સળગવા માંડયું અને જોત - જોતમાં એ દાનવ ભસ્મમાં ફેરવાઈ ગયો. આ સાથે જ બધાં દરવાજામાંથી “ઠક - ઠક” આવતો અવાજ આપમેળે જ બંધ થઈ ગયો

આ જોઈ શિવરુદ્રા, આકાશ અને શ્લોકાનાં જીવને પરમશાંતિ થઈ, તેઓએ શાંતિનો શ્વાસ લીધો, વધી ગયેલાં હ્રદયનાં ધબકાર અને શ્વાસોશ્વાસ ફરી પાછા નોર્મલ બની રહ્યાં હતાં.આ સાથે જ તે લોકોને હાલ એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે, “આ દુનિયામાં જો ખરાબ કે અસુરી શક્તિઓ પોતાનું અસ્તિત્વ ધરાવતી હોય, તો તે અસુરી કે ખરાબ શક્તિઓની સાથોસાથ ચમત્કારી અને ઈશ્વરીય શક્તિઓ પણ પોતાનું આસિતવ ધરાવે જ છે, જેને અલગ અલગ પેરાનોર્મલ એક્સપર્ટે “સુપર નેચરલ પાવર” તરીકે ઓળખાવેલ છે. અત્યાર સુધી તેઓ સામે ઘણી બધી આફતો કે મુશકેલીઓ આવી, આ દરેક આફતો કે મુશકેલીઓ માંથી દર વખતે તેઓનો આબાદ બચાવ થયો તે માત્રને માત્ર આવી જ “સુપર નેચરલ પાવર”ને આભારી હતું.

“થેન્ક ગોડ !” - શ્લોકા રાહતનો શ્વાસ લેતાં બોલે છે.

“યસ ! શ્લોકામેમ ! આપણે સહીસલામત છીએ, બાકી મને તો એવું લાગી રહ્યું હતું કે હું આવતીકાલનો સૂરજ હવે ક્યારેય નહીં જોઈ શકીશ !” આકાશ શ્લોકાની વાત સાથે સહમત થતાં બોલે છે.

“યસ ! આપણાં પર અગાવ આવી પડેલ મુસીબતોમાંથી આપણો આબાદ બચાવ થતાં મને શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે આ કોઈ જોગાનુજોગ કે ઇતેફાક હશે, પરંતુ હરેકવાર આપણો આવી રીતે બચાવ થતાં મને એવું લાગી રહ્યું છે કે કોઈ “સુપર નેચરલ પાવર” આપણી આસપાસ રહીને આપણને રક્ષણ આપી રહી હોય, જેમાં મોટામાં મોટો ફાળો પેલાં અઘોરીબાબાનો ગણી શકાય જો એ અઘોરીબાબા મને મળ્યાં જ ન હોત તો હાલ આપણાં ત્રણમાંથી કોઈપણ જીવીત નાં હોત ! દરેક વખતે આપણો આવો આબાદ બચાવ થવાં પાછળ કુદરતનો જ કોઈ સંદેશો હોય તેવું પણ બને કદાચ ઈશ્વર કે ભગવાને કોઈ સારા કે નેક કામ માટે આપણી પસંદગી કરેલી હોય તેવું પણ બને, જે આપણને સમય આવ્યે જ ખ્યાલ આવશે” મનોમન શિવરુદ્રા અઘોરીબાબાનો આભાર માનતાં બોલે છે.

“યસ ! શિવા ! જો આપણે આ ગુફામાંથી કદાચ જીવિત બહાર નિકળીશું તો તે અઘોરીબાબાનો આભાર માનવા આપણે ચોક્કસ તેમને એકવાર રૂબરૂ મળીશું !” શ્લોકા પોતાની મનોઇચ્છા જણાવતાં બોલે છે.

“શ્લોકા ! પણ તું આવી રીતે હિમત કેમ હારી રહી છો ? આપણે કદાચ નહીં.. પણ ચોક્કસ આ ગુફામાંથી બહાર નિકળશું જ તે.. અને અઘોરીબાબાને પણ ચોક્કસ મળવાં પણ જઈશું !” શિવરુદ્રા શ્લોકાને હિમ્મત આપતાં બોલે છે.

“હા ! મેમ ! ભગવાન પર તો ભગવાન પર અથવા “સુપર નેચરલ પાવર” પર તો “સુપર નેચરલ પાવર” પર વિશ્વાસ રાખો તે આપણને આ ગુફામાંથી બહાર નીકળવાં માટેનો કોઈને કોઈ તો રસ્તો બતાવશે જ તે !” આકાશ દ્રઢ મનોબળ સાથે બોલે છે.

“એ ! બધું તો ઠીક છે, પણ હવે પેલો સિંહ રાશિવાળો દરવાજો આપણે કેવી રીતે ખોલીશુ ?” શ્લોકા મૂળ વાત પર આવતાં પૂછે છે.

“સર ! પેલાં લોખંડનાં તાવીજ પર રહેલાં ચિન્હો મુજબ જો આપણે વિચારીએ તો આપણી પાસે હાલ બધી જ વસ્તુઓ છે, અને આમપણ સિંહ રાશિનો સ્વામી ગ્રહ સુર્ય છે, જેનો મતલબ થાય અગ્નિ, એવી જ રીતે સિંહ રાશીનાં તત્વમાં અગ્નિનો સમાવેશ થાય છે, તો આ બંને બાબતોમાં અગ્નિ કોમન છે, તો હું માનું છું કે આ સિંહ રાશિવાળો દરવાજો ખોલવામાં “અગ્નિ” આપણને ઉપયોગી નીવડે !” આકાશ પોતાની વાત રજૂ કરતાં બોલે છે.

“જો ! તેવું જ હોય તો શિવાં તારા હાથમાં જે મશાલ છે, તે પણ અગ્નિનું જ એક સ્વરૂપ જ ગણાય.” શ્લોકા શિવરુદ્રાનાં હાથમાં રહેલ મશાલ તરફ ઈશારો કરતાં બોલે છે.

“આઈ થિંક બોથ ઓફ યુ આર રાઇટ !” શિવરુદ્રા બંનેની વાત સાથે સહમત થતાં બોલે છે.

આ બાજુ શિવરુદ્રા આકાશ અને શ્લોકની વાત માનીને પોતાનાં હાથમાં રહેલ પેલી મશાલ, સ્તંભ પર રહેલી તકદીમાં કે જ્યાં પેલાં લોખંડનાં તાવીજ લગાવેલા હતાં તેની સાથે સ્પર્શ કરાવે છે, જેવી મશાલની અગ્નિ લોખંડનાં તાવીજને સ્પર્શે છે, એ સાથે જ ફરીપાછા પેલાં લોખંડનાં તાવીજ પોતાની ઘરી પર ગોળ ગોળ ફરવાં માંડે છે, બરાબર એ જ સમયે તે બધાંનાં કાને “કરરડ - કરરડ” એવો મોટો અવાજ સંભળાય છે. આ જોઈ તે બધાની આંખોમાં ચમક આવી ગઈ, તે બધાં જ ખુશખુશાલ બની ગયાં, અંતે તેઓ “સિંહ રાશી” વાળો દરવાજો ખોલવામાં સફળ રહ્યાં અને તેઓએ લગાવેલો તુક્કો કામ કરી ગયો. હાલ તે બધાનાં ચહેરા પર આનંદની લકીરો છવાય ગઈ હતી, પરંતુ તે ત્રણેયમાંથી એકપણને એ બાબતનો ખ્યાલ નહોતો કે તેઓનાં ચહેરા પર હાલ જે આનંદ છવાયેલો છે, તે માત્ર ક્ષણિક જ છે, હજુ તો તે લોકોને આથી પણ મોટી મુશકેલી, આફતો, પડાવો, પડકારો કે વિઘ્નોનો સામનો કરવાનો બાકી જ હતું.

જ્યારે આ બાજુ શિવરુદ્રા, આકાશ અને શ્લોકા ખુશ થતાં - થતાં સિંહ રાશીવાળા દરવાજામાં પ્રવેશવા માટે આગળ ચાલવાં માંડે છે, જોત - જોતામાં તેઓ આ સિંહ રાશીવાળા દરવાજાની અંદર પ્રવેશે છે.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"