Hakikat - 9 books and stories free download online pdf in Gujarati

હકીકત - 9

Part :- 9

"એટલે તુ એમ કહેવા માંગે છે કે ગરિમા અને મિ.સેન એ બન્ને મળેલા છે?" મેહુલ આશ્ચર્ય સાથે પૂછી રહ્યો હતો. વંશે આવીને સીમા અને મેહૂલને બધું જણાવી દીધું હતું.
"મને શક તો હતો જ એટલે મેં ગરિમા નો પીછો કર્યો અને મારો શક સાચો જ પડ્યો." વંશ એકદમ વિશ્વાસથી બોલી રહ્યો હતો.
"પણ તને એવું કેમ લાગ્યું??" હવે સીમાએ પ્રશ્ન કર્યો.
"કારણકે મે કોર્ટમાં નોટિસ કર્યું હતું કે ગરિમા હંમેશા હોસ્પિટલ ને જ ખોટી સાબિત કરવા ની કોશિશ કરી રહી હતી જ્યારે આપણે તો ડૉ.અગ્રવાલ સામે કેસ કર્યો છે. અને ગરિમા એ અત્યાર સુધી ડૉ.અગ્રવાલને ગુનેગાર સાબિત કરવા માટેના કોઈ જ સબૂત રજૂ કર્યા જ નથી અને એટલે જ મને ગરિમા પર શંકા હતી." વંશે એકદમ નાની નાની વાત પર ધ્યાન આપ્યું હતું.
સીમા ઊભી થઈ અને પોતાનું પર્સ અને ગાડીની ચાવી લઈ ચાલતી થઈ.
"સીમા, ક્યાં જઈ રહી છે?" સીમા ક્યાંક બહાર જતી હોય એવું લાગ્યું એટલે મેહુલે પૂછ્યુ.
" ગરિમા ના ઘરે........." સીમા થોડી ગુસ્સામાં હોય એવું લાગી રહ્યું હતું.
" અમે બન્ને પણ સાથે આવીએ છીએ." મેહુલ અને વંશ પણ સીમા સાથે નીકળી ગયા.
*
ગરિમા ના ઘરે પહોંચી વંશે ડોરબેલ વગાડી.પરંતુ અંદર થી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહિ. વંશે બે ત્રણ વાર દરવાજા પર પણ ટકોરા મારી જોયા પરંતુ સામેથી કાઈ પ્રત્યુતર મળ્યો નહિ. વંશ જેવો જોરથી દરવાજો ખખડાવવા ગયો એટલે થોડો ધક્કો લાગ્યો ત્યાં દરવાજો ખુલી ગયો. વંશ, મેહુલ અને સીમા ત્રણેય ગરિમા ના ઘરની અંદર ગયા. ગરિમા ના નામની બૂમ પણ પાડી પરંતુ ગરિમા ન દેખાઈ. સીમા ગરિમાને શોધવા માટે કિચન તરફ ગઈ.
" વંશ....મેહુલ....ફટાફટ અહી આવો....." સીમા એ કિચન તરફ જઈ જોરથી બુમ પાડી.
વંશ અને મેહુલે જઈ જોયું તો ગરિમા કિચનમાં પડી હતી અને તેના મોં માંથી સફેદ ફીણ નીકળેલા હતા.
*
સીમા અને મેહુલ હોસ્પિટલમાં બેઠા હતા.ગરિમાને ડોક્ટર ચેક કરી રહ્યા હતા અને વંશ પણ ડોક્ટર સાથે જ હતો.
" નાઉ શી ઇઝ ફાઇન!! " વંશે બહાર આવી સીમા અને મેહુલ ને જણાવ્યું.
" ગરિમાને શું થયું હતું??" મેહુલે પૂછ્યુ.
" તેણે એક મેડિસન લીધી હતી તેનું રીએકશન આવી ગયું હતું." વંશે મેડિસન ની સાઈડ ઈફેક્ટ વિશે કીધું.
" ગરિમા એ શેની દવા લીધી હતી??" સીમા આશ્ચર્યથી પૂછી રહી હતી.
"અબોર્શન માટેની.........." વંશે દવા વિશે માહિતી આપતા કહ્યું.
ગરિમા હોંશમાં આવી ગઈ હતી એટલે ડોકટરે મળવા માટેની મંજૂરી આપી.ત્રણેય રૂમમાં ગરિમા પાસે ગયા. સીમા ગરિમા પાસે જઈ બેઠી અને વંશ તથા મેહુલ બન્ને બાજુમાં ઉભા હતા.
સીમા એ ગરિમા ના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને બોલી,
" બાળક ખોવાનું દુઃખ શું હોય એ મારે હવે તને સમજાવવાની જરૂર નથી. હવે કદાચ તને મારા દુઃખનો સાચો અંદાજ આવી જ ગયો હશે."
ગરિમા કાઈ પણ બોલ્યા વગર બાજુ પર માથું કરી રડતી રહી.
*
સીમા,ગરિમા,વંશ અને મેહુલ ચારેય ગરિમા ના ઘરે બેઠા હતા અને સબૂત ગોતવાની કોશિશ કરી રહ્યા હતા.
" વંશ, પૂર્વ ને ઓપરેશનમાં લઈ ગયા એ સમયે કઈ નર્સ ડ્યુટી પર હતી એ ખબર પડે તો કદાચ એની પાસેથી કાઈક માહિતી મળી શકે..." ગરિમા કાઈક યાદ કરી બોલી.
" એની ચિંતા ન કરો. એ હું જાણી લઉં છું કે તે દિવસે કોની ડ્યુટી હતી." વંશે પોતાનો મોબાઇલ લઈ હોસ્પિટલમાં કોલ કર્યો અને નર્સ વિશેની માહિતી મેળવી લીધી.
"કાઈ ખબર પડી નર્સ વિશે??" વંશે ફોન મૂક્યો એટલે મેહુલે પૂછ્યું.
" હા , તે દિવસે ડ્યુટી પર નેના હતી અને પૂર્વના ઓપરેશન પછીથી એ રજા પર જતી રહી છે અને હજુ પણ રજા પર જ છે." વંશે નેના વિશે જણાવતા કહ્યું.
"ઓહ, તો એનો મતલબ એમ થયો કે નેના કેસની સાચી હકીકત જાણે છે અને એટલે જ ડૉ.અગ્રવાલે તેને રજા પર મોકલી દીધી છે. નેના ને મળવું પડશે."ગરિમા વકીલ બુદ્ધિથી અંદાજ લગાવી રહી હતી.
*
વંશે નેના વિશે બધી માહિતી બીજી નર્સ પાસેથી મેળવી લીધી હતી. વંશ અને ગરિમા નેના ને મળવા માટે તેના ગામડે પહોચી ગયા હતા. નેના નું ઘર શોધી વંશે બારણું ખખડાવ્યું. નેના જ બારણું ખોલવા આવી સામે વંશને જોઈને નેના ગભરાઈ ગઈ એ કાઈ જ બોલી શકી નહિ.
"કોણ છે બેટા,??" અંદરથી અવાજ આવ્યો.અવાજ પરથી તેના પપ્પા હોય એવું લાગ્યું.
" અંદર આવો ને, સર!!" નેના હજુ ઊંચી નજર કરી વંશ સામે જોઈ શકતી નહતી.
વંશે અંદર આવી જોયું તો નેના ના પપ્પા વ્હીલ ચેર પર બેઠા હતા. તેમને પેરાલિસિસ હતો. સામે દીવાલ પર એક નેના ની મમ્મીની તસવીર ટીગાડેલી હતી અને તેની પર સુખડ નો હાર હતો.વંશ અને ગરિમા બેઠા. નેના એ બન્નેને પાણી આપ્યું અને એ પણ માથું નીચું કરી બેસી ગઈ.
"નેના, તે દિવસે શું થયું હતું એ તુ બધું જ જાણે છે એ મને ખબર છે...." વંશે સીધી જ મૂળ વાત શરૂ કરી દીધી.
" ના, હું કાઈ જ નથી જાણતી. મને કાઈ જ નથી ખબર..." નેના આટલું બોલતા રડવા લાગી.
" નેના, તારે ડૉ.અગ્રવાલ થી ડરવાની કોઈ જ જરૂર નથી. ડૉ.અગ્રવાલની એક ભૂલના કારણે કોઈકે જિંદગી ગુમાવી છે એની સજા તો તેને મળવી જ જોઇને............." વંશ નેના ને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો.
કેટલા પ્રયત્ન પછી વંશ અને ગરિમા નેના ને સમજાવવામાં સફળ થયા. નેના એ જણાવ્યું કે તે દિવસે ઓપરેશન પેહલા પૂર્વ એ બિસ્કીટ ખાઈ લીધા હતા એ ડૉ.અગ્રવાલ ને તેણે જણાવી દીધું હતું.
"શું તો હવે તુ આ જ હકીકત કોર્ટમાં પણ બોલવા તૈયાર થઈશ??" ગરિમા પૂછી રહી હતી.
" હા....." થોડીવાર તો નેના કાઈ જ ન બોલી પરંતુ વંશે વિશ્વાસ અપાવ્યો કે કાઈ જ નહિ થાય એટલે નેના ગવાહી આપવા માટે તૈયાર થઈ ગઈ.
*

નેના વિટનેસ બોક્સમાં આવી ઊભી રહી અને ગીતા પર હાથ રાખી શપથ લીધા. પછી ગરિમા એ નેના ને સવાલ પૂછવાનું શરૂ કર્યું. બે ત્રણ સવાલ પછી ગરિમા મૂળ સવાલ પર આવી.
" તો મિસ.નેના કોર્ટને એ બતાવો કે જ્યારે પૂર્વ ને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યો ત્યારે પૂર્વ એ તમને કહ્યું હતું કે તેણે બિસ્કીટ ખાધા છે અને એ વાત તમે ડૉ.અગ્રવાલને ઓપરેશન પેહલા જણાવી હતી કે નહિ ??" ગરિમા એકદમ વિશ્વાસ સાથે પૂછતી હતી. કારણકે એ જાણતી હતી કે નેના નો જવાબ શું હશે એ.
નેના કાઈ પણ બોલ્યા વગર હજુ એમનેમ જ ઊભી હતી. તેણે સામે જોયુ તો ડૉ.અગ્રવાલ તેના જ જવાબની રાહ જોઈ રહ્યા હતા. વંશ એક વિશ્વાસ સાથે નેના સામે જ જોઈ બેઠો હતો.જો નેના સાચું બોલી જાય તો કેસ અહીં જ પૂરો થઈ જાય અને ડૉ.અગ્રવાલને સજા થઈ શકે એમ હતું.
" મિસ. નેના કોર્ટ તમારા ઉતરની રાહ જોઈ રહી છે. તમારે કોઈથી પણ ડરવાની જરૂર નથી.ફક્ત સાચું જ કોર્ટને કેહવાનું છે." ગરિમા નેના ના ડરને સમજતી હતી એટલે હિંમત આપતા કહ્યું.
"આઈ એમ સોરી, પણ હું આ વિશે કાઈ જાણતી નથી." નેના આટલું બોલી ચૂપ થઈ ગઈ.
" શું પૂર્વ ને ઓ ટી માં લઈ જવામાં આવ્યો ત્યારે તેણે તમને કીધું નહોતું કે તેણે બિસ્કીટ ખાઈ લીધા છે??" ગરિમા નેના નો જવાબ સાંભળી થોડીવાર ચોંકી ગઈ એટલે ફરી એ જ સવાલ કર્યો.
" ના, ઓપરેશનમાં લઈ જતા સમયે મારી પૂર્વ સાથે કોઈ જ વાત થઈ નહોતી." નેના એ તો ચોખ્ખી ના જ પાડી દીધી.
"નેના, પ્લીઝ તું ખોટું ન બોલ.તારે કોઈથી ડરવાની જરૂર નથી. તે કાલે જ તો બધું સાચું કહ્યું હતું તો અત્યારે કોર્ટમાં કેહવામાં શું વાંધો છે??" નેના નો જવાબ સાંભળી વંશ પોતાની જગ્યા પર ઊભો થઈ સાચું બોલવા માટે નેના ને વિનંતી કરી રહ્યો હતો. વંશે ડૉ.અગ્રવાલ સામે જોયું તો એ ખંધુ હસી રહ્યા હતા.
" ઓર્ડર......ઓર્ડર......." જજ સાહેબ વંશને નીચે બેસી જવા માટે કહ્યું.
"મિસ.ગરિમા તમે કોર્ટનો ઘણો સમય બરબાદ કરી ચૂક્યા છો, હજુ સુધી તમે એક પણ સબૂત એવું રજૂ નથી કર્યું કે જેથી સામે વાળા અસીલ ગુનેગાર સાબિત થઈ શકે." જજ સાહેબ ગરિમા ને કહી રહ્યા હતા.
"સોરી સર, મને હવે થોડા દિવસની મોહલત આપો હું જરૂર તમારી સામે ઠોસ સબૂત રજૂ કરીશ." ગરિમા એ થોડા દિવસનો વધારે સમય માંગ્યો.
"હવે પછીની એ છેલ્લી હિયરિંગ હશે જો તમે ગુનો સાબિત નહિ કરી શકો તો અસીલ પરથી બધી જ ફરિયાદ હટાવી દેવામાં આવશે." જજ સાહેબ કોર્ટને ડીસમિસ કરતા કહ્યું.
*
" એ તો સારું થયું હું રિસેપ્શન પર નર્સ વાત કરી રહી હતી એ સાંભળી ગયો એટલે મને નેના વિશે ખબર પડી ગઈ કે વંશ નેના ને શોધી રહ્યો છે." ડૉ.અગ્રવાલ મિ.સેન સામે સોફામાં બેસતા બોલ્યા.
" એ તો ઠીક પણ તમે નેના ને સાચું બોલતા રોકી કઈ રીતે??" મિ.સેન એ જાણવા આતુર હતા.
"મિ.સેન કદાચ તમે જાણતા જ હશો કે લાચારી એ બહુ ખરાબ વસ્તુ છે. નેના એના પપ્પાને પોતાના પગ પર ઉભા કરવા માંગતી હતી. બસ મે કહી દીધું કે તેના પપ્પાનું ઓપરેશન એકદમ મફતમાં હું કરી આપીશ અને એ માની ગઈ." ડૉ.અગ્રવાલ જાણે નેના ની લાચારી પર હસી ને બોલી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું.
"ચિયર્સ..............." મિ.સેને શરાબ ના બે ગ્લાસ ભર્યા અને એક ગ્લાસ ડૉ.અગ્રવાલને આપતા કહ્યું.
*
વંશ, મેહુલ અને ગરિમા એ સીમાના ઘરે બેઠા હતા.વંશ આમથી તેમ આંટા મારી રહ્યો હતો.તેને કાઈ સમજમાં આવતું નહોતું.
"વંશ, થોડીવાર શાંતિથી બેસી જા." ગરિમા વંશે ને જોઇને બોલી. તેણે સીમા સામે નજર કરી તો એ ચૂપચાપ બેઠી હતી.સીમા જાણે હિંમત હારતી જતી હોય એવું લાગી રહ્યું હતુ.
"શાંતિ થી કેમ બેસું?? મને એ સમજમાં નથી આવતું કે છેલ્લી ઘડી એ કોઈ કેમ આટલું બદલી જઈ શકે??" વંશના મનમાં હજુ નેના એ જે કહ્યું હતું એ ઘુમતું હતું.
"હવે એ વિચારવાનો સમય નથી પરંતુ હવે આપણે એ વિચારવું જોઈએ કે હવે આગળ આપણે શું સબૂત રજૂ કરવું ?" ગરિમા એ સીમા સામે જોઈ તેના હાથ પર પોતાનો હાથ મૂકી જાણે હિંમત આપી રહી હોય એમ બોલી.
"પરંતુ હવે તો આપણી પાસે એવું કોઈ સબૂત નથી કે કોઈ ગવાહ નથી જેનાથી ડૉ.અગ્રવાલને ગુનેગાર સાબિત કરી શકીએ." મેહુલ અકળાઈને બોલ્યો.
"છે, હજુ આપણી પાસે એક વ્યક્તિ છે જો એ ચાહે તો આપણી મદદ કરી શકે." ગરિમા કાઈક ઊંડો વિચાર કરી બોલી.
"કોણ છે એ....??" ક્યારની ચૂપચાપ બેઠેલી સીમા એક ઉમ્મીદ સાથે ગરિમા સામે જોઇને પૂછી રહી હતી.
"એ માટે ફક્ત વંશ જ આપણી મદદ કરી શકે એમ છે." ગરિમા વંશ સામે જોઈ બોલી.
" હું..... હું કેવી રીતે?? પૂર્વ માટે તો હું કાઈ પણ કરી શકીશ. શું કરવાનું છે મારે??" વંશને સમજાણું નહિ ગરિમા શું કેહવા માંગે છે.
" શિખા.........હવે શિખા એક જ બચી છે જો એ કોર્ટમાં સાચું કહી દે તો ડૉ.અગ્રવાલને સજા આપતા કોઈ રોકી ન શકે." ગરિમા શિખાને યાદ કરતા બોલી.
"શિખા???" વંશ એકદમ આશ્ચર્યથી બોલ્યો.
" હા, શિખા.... વંશ તારે શિખાને સાચું બોલવા માટે મનાવી પડશે.તુ શિખાને ખૂબ જ સારી રીતે ઓળખે છે તારાથી બેહતર તેને કોઈ જાણી જ ના શકે." ગરિમા વંશને શિખા સાથે વાત કરવા માટે મનાવી રહી હતી
"પરંતુ એ મારી સાથે વાત નહિ કરે. અમારા સંબંધો તો ઘણા સમય પહેલાં જ પૂરા થઈ ગયા છે.........." વંશ શિખાને યાદ કરી એક ઊંડો નિસાસો નાખી બોલ્યો.
"વંશ, એક વાર શિખા સાથે વાત કરવાની કોશિશ તો કરી જો..." સીમા વંશને આજીજી કરી રહી હતી.
" સારું, હું શિખા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ.." વંશ સીમાને વિશ્વાસ અપાવતા બોલ્યો.


કોર્ટનો છેલ્લો ચુકાદો કોણ પક્ષમાં હશે?? શું ડૉ.અગ્રવાલની બેઈમાની ની જીત થશે કે વંશ ની સચ્ચાઈની??? છેલ્લો ચુકાદો શિખા પર આધાર રાખે છે કે શિખા કોનો સાથ આપે છે??

(ક્રમશઃ)

. Thank you
*****