Hakikat - 10 books and stories free download online pdf in Gujarati

હકીકત - 10 (અંતિમ ભાગ)

Part :- 10 (અંતિમ ભાગ)


વંશ કાફે માં બેસી શિખાની રાહ જોઈ રહ્યો હતો.થોડી થોડી વારે ઘડિયાળમાં જોઈ લેતો પછી મનમાં જ બોલ્યો કાઈ ફાયદો નથી પોતે જ શિખાને મળવા વેહલો આવી ગયો હતો અને શિખા તો એના ટાઈમ એ જ આવવાની હતી. આજે વંશ થોડો ખુશ હતો કારણકે ઘણો ટાઇમ થઈ ગયો હતો તેને શિખાને મળ્યાને. મળવાની વાત તો દૂર હવે તો બંનેની ફોન પર પણ વાત બંધ થઈ ગઈ હતી. આજે ઘણા દિવસ પછી તે શિખાને મળવાનો હતો. વંશ આજે શિખા એ ગિફ્ટ કરેલ શર્ટ પેહરી ને આવ્યો હતો.
" હાય, શિખા!!! તને કેમ છે??" વંશ શિખાને જોઇને એકદમ ઉત્સાહથી બોલ્યો.
" આઈ એમ ગુડ!! " શિખા એ પણ જવાબ આપી દીધો.
ખબર નહિ પણ વંશને શિખા ના અવાજમાં કોઈ પણ પ્રકારનો ભાવ દેેેેખાઈ રહ્યો ન હતો.
વંશ ને થોડીવાર કાઈ સમજમાં આવ્યું નહિ કે શું વાત કરવી એટલે એ શિખા ના ચહેરાને જોતો બેસી રહ્યો.
" વંશ, શા કારણે મને અહી બોલાવી છે??" વંશ કાઈ બોલતો નહતો એટલે શિખા અકળાઈને બોલી.
" એવું કેમ બોલે છે??" વંશને શિખા આજે સાવ જુદી જ દેખાઈ રહી હતી.
" વંશ, તુ પણ સારી રીતે જાણે છે કે હવે આપણા સંબંધો બદલાઈ ચૂક્યા છે એટલે તુ કાઈક કારણ થી જ મને મળવા માંગતો હશું." શિખા એ પ્રત્યુતર આપ્યો.
" શિખા, ભલે તું જે વિચારતી હોય એ બાકી મારા દિલમાં તારું સ્થાન આજે પણ એ જ છે જે પેહલા હતું." વંશ શિખા નો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો.
" વંશ, હવે મારી પાસે એવી કોઈ ફાલતુ વાતો માટે સમય નથી. તારે જે કાઈ કામ હોય એ કહી દે. કલાક પછી એક ઓપરેશન છે." શિખા વંશના હાથમાંથી પોતાનો હાથ છોડાવતા બોલી.
"ઓહ......ઓપરેશન છે એમને તો હું તમારો વધારે ટાઈમ નહિ બગાડુ ડૉ.શિખા...." વંશ ડોક્ટર શબ્દ પર ભાર મૂકી બોલ્યો.
શિખા એ પણ વંશના શબ્દો માર્ક કર્યા હતા પણ એ કાઈ પણ બોલ્યા વગર ચૂપચાપ જ બેસી રહી.
"શિખા, કાલે લાસ્ટ હિયરીંગ છે અને હવે હું તને એક જ વાત સતત કેહવા નથી માંગતો. હું એટલું જ કહીશ કે તુ એ વાત પર તારી રીતે વિચાર કર.... એક વાર સીમાની જગ્યા એ પોતાને મૂકી જો કદાચ તને તેની તકલીફ નો અહેસાસ થાય તો................" વંશ આટલું બોલી અટકી ગયો. વંશ શિખા તરફ જોઈ રહ્યો હતો પરંતુ શિખા વંશ સામે નજર મિલાવવાનું ટાળતી હતી.
" સર, યોર કોફી.......હેવ અ ગુડ ડે...!!" વેઇટરે આવી કોફી મૂકી ગયો.
" કોફી.........." વંશે શિખા તરફ કપ મૂકતા કહ્યું.
" થેંક્યું.....!!" શિખા એ કપ હાથમાં લઈ કહ્યું.
બન્ને ચૂપચાપ કોફી પી રહ્યા હતા.કોઈ કાઈ બોલ્યું નહિ.
" હવે મારે નીકળવું જોઈએ...." શિખા ઘડિયાળમાં જોઈ બોલી.
"હું જે શિખાને જાણતો હતો એ શિખા કદાચ આજે હતી જ નહિ....." વંશ દર્દ ભર્યા અવાજે હસતા હસતા બોલ્યો.
"વંશ, સમય એ બહુ ખરાબ છે, ક્યારે કોને કઈ પરિસ્થિતિમાં લાવી છોડી દે એનું કાઈ નક્કી જ નહિ..........." શિખા જાણે ભૂતકાળને યાદ કરી બોલી રહી હોય એવું લાગી રહ્યું હતું.
" હા...... કદાચ....." વંશ પણ જાણે ભૂતકાળમાં સરી પડ્યો હોય એવું લાગ્યું.
" એની વે...... હવે હું નીકળું.... ગુડ બાય.. !!!" શિખા પોતાનું પર્સ લઈ નીકળી ગઈ.
વંશ શિખાને જતી જોઈ રહ્યો. વંશનું દિલ કહી રહ્યું હતું એકાદ વાર તો શિખા પાછું ફરી જોશે પરંતુ વંશ ખોટો પડ્યો.શિખા તો કદાચ ભૂતકાળને ભૂલી ને ભવિષ્ય જોઈ રહી હતી. શિખા ના ગયા પછી પણ વંશ કલાક સુધી કાફેમાં એમ જ બેસી રહ્યો અને કોલેજના દિવસો યાદ કરતો રહ્યો.
*
શિખા રાત્રે પોતાનો મોબાઈલ ઓન કરી જોયું તો એક વાગવા આવ્યો હતો પરંતુ શિખા ઊંઘી શકતી નહોતી. તેની સામે થોડીવાર પૂર્વ તો થોડીવાર વંશનો ચહેરો આવી જતો. પોતે એક એવા દલ દલમાં ફસાઈ ગઈ હતી કે એમાંથી બહાર આવવાનો રસ્તો જાણે કોઈ હતો જ નહિ. આજે વંશને જોઈ તેની આંખ જાણે પલકારો મારવાનુ ભૂલી ગઈ હતી. શિખા જાણતી હતી કે વંશ આજે પોતે ગિફ્ટ કરેલ શર્ટ પેહરી આવ્યો હતો. તે વંશને જોઇને તેના ગળે ટિંગાઈ જવા માંગતી હતી પરંતુ ખબર નહિ કાઈક તો પોતાની અંદર એવું હતું જે બદલાઈ ગયું હતું અને આવું બધું કરતા પોતાને રોકી રહ્યું હતું.શિખા વિચારી રહી હતી સવારે કોર્ટમાં જઈ પોતે શું બોલશે? આવા વિચારમાં અને હોસ્પિટલના થાકના કારણે એ ક્યારે નિંદ્રામાં સરી પડી એની એને પણ ખબર ન રહી.
*
કોર્ટમાં બધી કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી.મિ.સેન અને ગરિમા બને પોતાના થી બનતા પ્રયત્નો કરવા લાગ્યા હતા. ગરિમા કોઈ પણ ભોગે મિ.સેન ને હરાવવા જ માંગતી હતી કારણકે આખરે બે માતાઓના ન્યાયની વાત હતી એટલે ગરિમા આજે કોઈ પણ કાળે હાર માનવા તૈયાર જ નહતી.
"મિસ.ગરિમા, તમે કોઈ સબૂત કે ગવાહ રજૂ કરવા માંગો છો??" જજ સાહેબ આજે કેસ પુરો કરવા જ માંગતા હતા.
" યસ માય લોર્ડ, હું ડૉ.શિખા ને થોડા સવાલો પૂછવા માંગુ છું." ગરિમા જજ પાસેથી પરવાનગી માંગતા બોલી.
" ઓકે......"
શિખા વિંટનેસ બોક્સમાં આવી ઊભી રહી ગઈ અને ગીતામાં પર હાથ મૂકી શપથ પણ લીધા. હવે એ જોવાનું હતું કે ગીતા પર હાથ મૂકી લીધેલ વચન ને કેટલું નિભાવે છે.શિખા એ પેહલા તો વંશ તરફ નજર કરી તો વંશ એક આશા સાથે તેને જોઈ રહ્યો હતો. સીમાની આંખમાં પોતાના દીકરાના ન્યાય માટેની અરજ હતી. શિખા એ ડૉ.અગ્રવાલ તરફ જોયું તો એની આંખમાં થોડો ડર અને થોડી લુચ્ચાઈ દેખાઈ રહી હતી. શિખા અસમંજસમાં ફસાઈ ગઈ હતી આમાંથી એ કોને પસંદ કરે...... એના એક નિર્ણયથી પોતાનું ભવિષ્ય શું હશે??? જો પોતે સાચું બોલશે તો ડૉ.અગ્રવાલ તેની જિંદગી ખરાબ કરી શકે એમ છે..............
"ડૉ.શિખા, શું પૂર્વના ઓપરેશન સમયે તમે પણ ઓ ટીમાં હાજર હતા??" ગરિમા ના પ્રશ્ન થી શિખા પોતાના વિચારો માંથી બહાર આવી.
" હા.." શિખા એ ટૂંકમાં જવાબ આપી દીધો.
" તો તમે જાણતા જ હશો પૂર્વ એ ઓપરેશન પેહલા બિસ્કીટ ખાધા હતા એ??" ગરિમા સવાલ પૂછી રહી હતી.
" જી નહિ, એક તો મારી પૂર્વ સાથે કોઈ જ વાત થઈ નહોતી અને બીજું તો હું જસ્ટ ઇન્ટર્ન ડોક્ટર છું એટલે હું તો થોડી એવી હેલ્પ જ કરતી હતી.ઓપરેશન માટેની પરમિશન અમને ન હોય." શિખા એ કોઈ પણ બાબતની ભૂલમાં પોતે ન આવે એવી રીતે જવાબ આપી દીધો.
" ઓકે, સમજી શકાય કે એક ઇન્ટર્ન ડોક્ટર તરીકે તમે એક આસિસ્ટન્ટ તરીકે જ કામ કરતા હોય પરંતુ એક મેડિકલ સ્ટુડન્ટ હોવાના નાતે તમે તો જાણતા જ હોવા જોઈએ કે પૂર્વ ને વોમિટ થવાનું કારણ શું હોઈ શકે??" ગરિમા સવાલ પર સવાલ કરી રહી હતી.
" જી બિલકુલ, વોમિટ થવાના બે ત્રણ કારણ હોય શકે.." શિખા બેજીજક જવાબ આપી રહી હતી.
" તો તમે કહી શકશો કે પૂર્વ ને વોમિટ થવાનું કારણ શું હતું??" ગરિમા હવે મૂળ સવાલ પર આવી.
હવે શિખા થોડીવાર જવાબ આપ્યા વગર જ ઊભી રહી ગઈ.આ એ જ ઘડી હતી જ્યાં તેને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનું હતું. શિખા થોડીવાર આંખ બંધ કરી ઊભી રહી ગઈ.તેની આંખમાં આંસું આવી ગયા.
"ડૉ.શિખા, કોર્ટ તમારા જવાબ ની પ્રતીક્ષા કરે છે......." ગરિમા શિખાને વિચાર તંદ્રામાંથી બહાર લાવવા બોલી.
" જી........... પૂર્વ ના ઓપરેશન પછી તેના લંગ્સમાં ઇન્ફેક્શન ફેલાય ગયું હતું અને એના કારણે જ તે કોમા માં જતો રહ્યો અને પછી........... તેના લંગ ઇન્ફેક્શન નું ઓપરેશન સાથે કાઈ સંબંધ નથી." શિખા એક એક વાક્ય ખોટું બોલી રહી હતી.
"તો શું તમે એમ કહેવા માંગો છો કે ઓપરેશન પેહલા ડૉ.અગ્રવાલે પૂર્વ નું સ્ટમક ચેક કર્યું હતું અને એ ખાલી જ હતું??" ગરિમા પ્રશ્ન ને ફેરવી ફેરવી પૂછી રહી હતી.
"હા..........ડૉ.અગ્રવાલે પૂર્વ ને ચેક કર્યો જ હતો અને એ ઓપરેશન માટે એકદમ રેડી જ હતો." શિખા એકદમ બધું બોલી ગઈ.
" શું તમે બધું આ કોઈના દબાણમાં આવ્યા વગર જ કહો છો....?? ગરિમાની આશા પણ હવે પૂરી થઈ રહી હતી.
" ઓબ્જેક્શન માય લોર્ડ....!! મિસ.ગરિમા વિટનેસ પર દબાણ મૂકી રહી છે. ડૉ.શિખા એ સાફ સાફ શબ્દોમાં જણાવી દીધું છે કે ડૉ.અગ્રવાલ બધું ચેક કર્યા પછી જ ઓપરેશન શરૂ કર્યું હતું અને ડૉ.શિખા પણ ત્યાં હાજર હતા તો પછી આના પરથી એ જ સાબિત થાય છે કે ડૉ.અગ્રવાલ પર લગાવવામાં આવેલ આરોપ એ એકદમ ખોટા છે. હવે આખરી ફેસલો તમારા હાથમાં માય લોર્ડ...!!" મિ.સેન વચ્ચમાં ઊભા થઈ ગરિમા ને અટકાવતા બોલ્યા.
મિ.સેન નું વાક્ય પૂરું થયા પછી કોર્ટમાં આવેલ બીજા બધા વ્યક્તિઓ વચ્ચે ગણગણાટ શરૂ થઈ ગયો. બધા લોકો પોત પોતાના મંતવ્યો આપી રહ્યા હતા.
" ઓર્ડર......ઓર્ડર....." જજ સાહેબ પેહલા તો બધાને શાંત કરતા બોલ્યા.
"ડૉ.શિખા ની વાત ને ધ્યાનમાં રાખતા એ સાબિત થાય છે કે ડૉ.અગ્રવાલ પર લગાવવામાં આવેલ આરોપ તદ્દન બેબુનિયાદ છે.અને મિસ. ગરિમા તરફથી એક પણ સબૂત એવું રજૂ નથી થયું જેનાથી ડૉ.અગ્રવાલને આરોપી ઠેરાવી શકાય. એટલે કોર્ટ ડૉ.અગ્રવાલને બેગુનાહ જાહેર કરે છે અને મિસ. સીમા ને તાકીદ આપતા કહે છે કે કોઈ પણ બાબતની ખરાઈ કરીને પછી જ વાત કોર્ટ સુધી પહોંચાડવી. કોર્ટ ડીસમિસ......" જજ સાહેબ આખરી ફેસલો સંભળાવીને કેસની ફાઈલ બંધ કરી દીધી.
*
કોર્ટની બહાર નીકળી સીમા એક બેન્ચ પર બેસી ગઈ ગરિમા પણ સીમાના ખભે હાથ મૂકી બેઠી. વંશ સીમાની હાલત સમજી શકતો હતો પરંતુ વંશ પાસે શબ્દો નહોતા કે કેવી રીતે સીમા સાથે વાત કરી શકે.વંશે એક પાણીની બોટલ લીધી અને સીમા પાસે ગયો અને તેની તરફ પાણીની બોટલ લાંબી કરી.
"ઈટસ ઓકે વંશ, આઈ એમ ફાઇન!! તારે કાઈ પણ કેહવા ની જરૂર નથી." સીમા એક દર્દભર્યા સ્મિત સાથે વંશને સાંત્વના આપતા બોલી.
" આઈ એમ રિઅલી સોરી..!!!" વંશના આંખમાંથી આંસું પડી ગયા.
" વંશ, સોરી તો મારે તને કેહવુ જોઈએ મારા કારણે તે તારી જિંદગીમાંથી ઘણું બધું ગુમાવ્યું છે. તારું કરિયર ખરાબ થઈ ગયું તારી શિખા તારાથી દૂર થઈ ગઈ....... આઈ એમ સોરી,વંશ...." સીમા પણ ગળગળી થઈ ગઈ હતી.
*
વંશ બસમાં બારી પાસે બહાર તાકીને બેઠો હતો હજુ બસને ઉપડવાને વાર હતી.વંશ પોતાના વતન પાછો જઈ રહ્યો હતો દિલ્હીને કાયમને માટે અલવિદા કહીને.વંશ જ્યારે પેહલી વાર દિલ્હી આવ્યો હતો ત્યારથી લઈને આજ સુધી જે કાઈ પણ થયું હતું એ એક મૂવી જોઈ રહ્યો હોઈ એમ બધું એના મગજમાં ચાલી રહ્યું હતુ. બસ શરૂ થઈ અને બસ ડ્રાઈવરે જોરજોરથી ગીત શરૂ કર્યા ત્યારે વંશ પોતાના વિચારોમાંથી બહાર આવ્યો અને બસમાં જોર જોરથી ઉપકાર મૂવી નું ગીત વાગી રહ્યું હતું,
" કસમે વાદે પ્યાર વફા સબ,
બાતેં હૈ, બાતો કા ક્યા......"

આ ગીત સાંભળી વંશને જે એક ડોક્ટર બનતા પેહલા ડૉ.અગ્રવાલે શપથ લેવડાવ્યા હતા એ યાદ આવ્યું એ શપથનું તો કાઈ મૂલ્ય જ નહોતું. અને પછી શિખા સાથે જે અત્યાર સુધી પ્રેમની વાતો કરી હતી એ યાદ આવી આવી ગયું અને વંશને પોતાના પર જ હસવું આવી ગયું. વંશને સમજાયું ગયું હતું અત્યારના સમયની આજ સાચી હકીકત હતી. આ દુનિયામાં બધા પોતાના સ્વાર્થ ખાતર જીવવા વાળા છે આ જમાનો સચ્ચાઈનો બિલકુલ નથી. કદાચ પૈસા અને સત્તા ના જોર પર માણસો કાઈ પણ કરાવી શકે...........
વંશે બારી બહાર આકાશ તરફ નજર કરી તો વિશાળ અને અનંત એવું આકાશ દેખાય રહ્યું હતું જે ક્યાં પૂરું થતું હશે તેની કાઈ ખબર જ નથી વંશે બારી બહાર નજર એમ જ રાખી સીટ ના ટેકે પોતાનું માથું ટેકાવીને પોતે પણ મનમાં ગીતના શબ્દો ગણગણવા લાગ્યો......,
" કસમે વાદે પ્યાર વફા સબ,
બાતે હૈ, બાતો કા ક્યા... "

🌹The End 🌹


Thank you!!!
⭐⭐⭐⭐⭐


કહાની ના છેલ્લા ભાગ સુધી જોડાઈ રેહવા બદલ આપનો ખુબ ખુબ આભાર વાચક મિત્રો!!! આશા રાખું કે આપ સૌને મારી આ કહાની પસંદ આવી હશે, કહાની વાચ્યા પછી આપનો પ્રતિભાવ જરૂરથી આપશો........


નોંધ :- આ એક કાલ્પનિક કહાંની છે તેનો કોઈ વ્યવસાય સાથે કે કોઈની અંગત જિંદગી સાથે કોઈ સંબંધ નથી.