Dhup-Chhanv - 8 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 8

આપણે પ્રકરણ-7 માં જોયું કે,
લક્ષ્મીએ એક ઊંડો શ્વાસ લીધો અને ભીનાં અવાજે વિજયને કહ્યું, " નથી જ ભૂલી, તમે જ કહો ને કોઈ ભૂલી શકે ભલા..?? તમારા બે બાળકોની માતા છું હું, અત્યાર સુધી ફક્ત "માં" બનીને જીવી છું. બાળકોને મારા ભાગના પ્રેમની સાથે-સાથે તેમને પિતાના ભાગનો પણ પ્રેમ આપ્યો છે. મારી ફરજોની સાથોસાથ પિતાના ભાગની ફરજો પણ અદા કરી છે. કોઈ ઉપકાર નથી કર્યો મેં, મારી ફરજ હતી તે, પણ હવે તમને આજે નજર સમક્ષ જોઇને જાણે જિંદગીનો બધો જ થાક ઉતરી ગયો છે. " અને લક્ષ્મી વિજયના ખભા પર માથું ઢાળી રડી પડી... આટલાં વર્ષો પછી જાણે તેને પોતે એક પત્ની હોવાનો અહેસાસ અનુભવ્યો હતો...!! ઘણી બધી સંવેદનાઓનો ઢગલો હૃદયના ઊંડાણમાં આટલાં વર્ષોથી ધરબીને રાખ્યો હતો તે લક્ષ્મીએ આજે જાણે એક સાથે જ બધું ઠાલવી દીધું. અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એટલામાં અચાનક વિજય અને નીલિમાની દીકરી રુહી, " ડેડ, ડેડ " કરીને બૂમો પાડતી પાડતી વિજયના રૂમમાં પ્રવેશી, તે આ દ્રશ્ય જોઈને જાણે ડઘાઈ જ ગઈ હતી અને વિસ્મયમાં મૂકાઈ ગઈ હતી..!!

રુહીને આમ અચાનક આવેલી જોઈને વિજય પણ સ્તબ્ધ થઈ ગયો..!! પણ, પછી તેણે પોતાની જાતને સંભાળી લીધી અને રુહીને પોતાની પાસે બોલાવી, " કમ હીઅર માય ડૉલ, કમ, હું તારી ઓળખાણ કરાવું આ લેડી સાથે. " અને પછી લક્ષ્મીની ઓળખાણ કરાવતાં બોલ્યો, " આ લક્ષ્મી છે બેટા, યોર સ્ટેપ મધર " લક્ષ્મી રુહી વિશે કંઈજ જાણતી ન હતી પરંતુ વિજયના મિત્રએ એકવાર તેને સમાચાર આપ્યા હતા કે વિજયે યુ.એસ.એ. માં બીજા લગ્ન કરી લીધાં છે અને તેને બે દીકરીઓ છે તે સમાચાર ઉપરથી તેણે અંદાજ લગાવી લીધો હતો કે આ કદાચ વિજયની જ દીકરી હશે.

અને પછી લક્ષ્મીએ આંસુઓથી ભરેલી પોતાની આંખોને કોરી કરી અને રુહીને સ્વિકારવા માટે પોતાની જાતને તૈયાર કરી. અને રુહીને પોતાની બાજુમાં બેસાડી અને જાણે તે પોતેજ તેની સગી માં હોય તેમ વ્હાલપૂર્વક તેને માથે હાથ ફેરવ્યો.

"માં" નો પ્રેમ શું છે તેનો રુહીને અત્યાર સુધીમાં ક્યારેય અનુભવ થયો ન હતો. રુહીએ ફક્ત ફોટામાં જ પોતાની માંને જોઈ હતી, આજે નજર સમક્ષ જાણે તેને પોતાની માં જ દેખાઈ રહી હોય તેવો તેણે પ્રત્યક્ષ અનુભવ કર્યો.

પછી વિજયે રુહીને બાજુના રૂમમાં જવા માટે કહ્યું અને આંખોમાં એક અજબ ભાવ સાથે લક્ષ્મીની સામે જોતાં, પોતાની જીવનકહાનીની શરૂઆત કરતાં કહ્યું કે, " લક્ષ્મી, હું પણ તને ક્ષણવાર માટે પણ ભૂલી શક્યો નથી, તું અને મારાં બંને બાળકો મને જીવથી પણ વધારે વ્હાલાં છો. બસ, પરિસ્થિતિનો સામનો ન કરી શક્યો અને માટે ભાગી છૂટયો હતો તારો અને મારાં બંને બાળકોનો હું ગુનેગાર છું. વિચાર્યું હતું કે થોડાઘણાં પૈસા કમાઈ લ‌ઈશ પછી તમારી લોકોની પાસે પાછો ચાલ્યો આવીશ, પણ તકદીરે મારું ધાર્યું થવા ન દીધું, મારું તકદીર મને છેક ક્યાંથી ક્યાં ખેંચી ગયું..!! અને હું તેની પાછળ બસ ખેંચાતો જ ગયો, ખેંચાતો જ ગયો. તેણે મને જેમ દોડાવ્યો તેમ હું દોડતો જ રહ્યો બસ દોડતો જ રહ્યો, ખૂબ દોડ્યો, ખૂબ દોડ્યો. બસ, હવે થાકી ગયો છું. જીવનની આ સંધ્યાએ તને અને છોકરાઓને જોવાની એક તીવ્ર ઈચ્છા હતી. અને એ તમન્ના દિલમાં લઈને બસ ઈશ્વરે જેમ જીવાડ્યો તેમ જીવતો ગયો..!! કદાચ,‌ હવે મૃત્યુ પણ આવે તો કોઈ ગમ નથી. " અને એકજ શ્વાસે વિજય આ બધુંજ બોલી ગયો. તેણે વર્ષોથી ભીતરમાં દટાયેલી પોતાની લાગણીઓને આજે જાણે વાચા આપી હોય તેમ..!!

ત્યારબાદ વિજયે પોતાના જીવનની આખી વાત લક્ષ્મીને જણાવી અને
પોતાના બંને સંતાનો અપેક્ષા અને અક્ષત અત્યારે ક્યાં છે..?? અને શું કરે છે..?? તેમ પૂછ્યું... વધુ આગળના પ્રકરણમાં...