Dhup-Chhanv - 2 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 2

" ધૂપ-છાઁવ " પ્રકરણ-2

લક્ષ્મીબાનો અવાજ એમના આ ભવ્ય ફ્લેટમાં જાણે પડઘા પડતા હોય તેમ ગુંજી રહ્યો હતો. અને અપેક્ષા ભર ઊંઘમાંથી ઉઠી ગઈ હતી અને આંખો ખોલવાની કોશિશ કરી રહી હતી. સાટિનની રજાઈ ખસેડીને જરા બેઠી થઈ અને માંડ માંડ બંને આંખો ખોલીને તે બોલી, " શાંતિથી ઊંઘવા મળે છે તો ઊંઘતી નથી અને બીજાને પણ ઊંઘવા દેતી નથી મા,શી ખબર તને શું મળે છે આમાંથી...?? "

સેવનના લાકડામાંથી બનાવેલ સુંદર ભગવાનના કબાટની સામે એક નાની કાચની ટિપોઈ મૂકેલી હતી ત્યાં લક્ષ્મીબાએ આરતી મૂકી અને ઘંટડી પણ તેની બાજુમાં જ મૂકી અને પછી મનમાં મલકાતાં મલકાતાં અપેક્ષાના વૈભવી બેડરૂમમાં પ્રવેશ્યા.

આ બેડરૂમનો ઉપયોગ અપેક્ષા પોતાના પિયરમાં રહેવા આવે ત્યારે જ થતો હતો. બાકીના સમયમાં આ બેડરૂમ ફક્ત સફાઈ કરવા માટે જ ખોલવામાં આવતો હતો. મખમલી મરુન કલરની કાર્પેટ પાથરેલો, મોટા કાચના દર્પણના સ્લાઈડર વાળા વોર્ડડ્રોબ અને રાઉન્ડ ડબલ બેડ, આછો પ્રકાશ આપતી પી. ઓ. પી.ની લાઈટો અને સાટિનની બ્લૂ કલરની ચાદર પાથરેલો આ રૂમ અપેક્ષાને ખૂબ પ્રિય હતો. આ રૂમમાં તેને જે સુકૂન અને શાંતિ મળતી હતી તે બીજે ક્યાંય મળતી ન હતી. આ રૂમ સાથે તેની ઘણીબધી પુરાણી યાદો જોડાયેલી હતી અને માટે જ તે પોતાના ધનિક પતિનો સવા ત્રણ કરોડનો બંગલો છોડી શાંતિથી ઊંઘવા માટે પોતાના આ વૈભવી રૂમમાં, પોતાની મા પાસે આવી જતી.

લક્ષ્મીબા અપેક્ષાના રૂમમાં બૂમો પાડતા પાડતા પ્રવેશ્યા, " આઠ વાગવા આવ્યા હવે ઉઠ બેટા " અને અપેક્ષાના બેડ ઉપર અપેક્ષાની બાજુમાં જઈને બેઠા. અપેક્ષા લક્ષ્મીબાના ખોળામાં માથું મૂકીને, જાણે કેટલાય વર્ષે પોતાની માના ખોળામાં માથું મૂકતી હોય તેમ તેને ચોંટીને પાછી સૂઈ ગઈ.

ગાઢ નિંદ્રામાં પોઢેલી અપેક્ષા બ્યુટી ક્વીનને પણ ટક્કર મારે તેવી લાગતી હતી. મોટી આંખો, અણીદાર નાક, એક પણ ડાઘ વગરની તસતસતી ચામડી, પરવાળા જેવા હોઠ અને ગોલ્ડન હાઈ લાઈટ કરાયેલા ખભાથી સહેજ લાંબા વાળ અપેક્ષાના ચહેરાને એક જૂદો જ ઓપ આપતા હતા. એક એકટ્રેસને પણ શરમાવે તેવું તેનું સુડોળ શરીર અને હાઈટ બોડી હતા. કોઈપણ પુરુષ તેને જોતાવેંત મુગ્ધ થઈ જાય અને તેને તેની સાથે વાત કરવાની તેનામાં તાલાવેલી જાગે તેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી હતી અપેક્ષા.

લક્ષ્મીબાની પ્રૌઢ આંગળીઓ અપેક્ષાના વાળમાં પ્રેમથી ફરી રહી હતી અને મન ન જાણે ક્યાંક બીજે જ ભટકતું હતું. એક સાથે સો સો વિચારો તેમના માનસપટ ઉપર આવીને જેમ નાવિક હલેસા મારીને પાણીને પાછળ ધકેલે તેમ ભૂતકાળમાં ધકેલી રહ્યું હતું.

જિંદગીના અઢી દાયકા તેમણે એકલા જ ગાળ્યા હતા, બાળકોને ઉછેરવામાં અને જિંદગીની સ્ટ્રગલમાં ગાળેલા આ છેલ્લા જિંદગીના પચ્ચીસ વર્ષમાં લક્ષ્મીબાને ક્યારેય આવી અસમંજસ નહોતી થઈ. જે આજે તે અનુભવી રહ્યા હતા. તેમણે જે નિર્ણયો કર્યા તે સમજી વિચારીને, માપી તોળીને કર્યા એવું તે પોતે દ્રઢપણે માનતા હતા. તેમણે આ પચ્ચીસ વર્ષ દરમ્યાન કદી પોતાનો વિચાર નહોતો કર્યો. બાળકો,બાળકોનું હિત અને તેમના ભવિષ્યને નજર સામે રાખીને જિંદગીના આ પચ્ચીસ વર્ષ કયા બળે ખેંચી કાઢ્યા હતા તેનો અંદાજ તેમને પોતાને પણ નહોતો...પણ આજનો આ દિવસ કંઈક જુદો જ હતો...!!

હવે આટલા વર્ષે અપેક્ષાના પપ્પાએ અહીં આવવા માટે જીદ કરી છે ત્યારે તેમને અહીં આવવા દેવા કે નહિ...?? આ વાત લક્ષ્મીબાના મનને વિચલીત કરી રહી હતી.

એ વખતે જ્યારે તેમણે નિર્ણય લીધો હતો ત્યારે પરિસ્થિતિ જુદી હતી ત્યારે તેમના બાળકો નાના હતા અને આજે એ બે બાળકોમાંથી એકને તે ગુમાવી બેઠા હતા અને બીજુ બાળક એટલે અપેક્ષા જે પણ જિંદગીના કઠોર વળાંકો પસાર કરીને થાકી-હારીને, કંટાળીને હવે માંડ ઠરીઠામ થઈ પોતાની જિંદગી મસ્તીથી જીવી રહી છે તેને પોતાની આ મનની ખળભળાટનું કારણ જણાવી હેરાનગતિ આપવી...?? લક્ષ્મીબાને આ વાત ઉચિત લાગતી ન હતી.

લક્ષ્મી પોતાના મનને વિચલીત કરતી આ વાત અપેક્ષાને જણાવે છે કે નહિ જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીન