Dhup-Chhanv - 7 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 7

વિજય સસુરપક્ષ તરફથી કરોડોની મિલકતનો માલિક બન્યો અને ન્યૂયોર્કનો ટોપનો બિઝનેસમેન બની ગયો.

આટલા બધાં વર્ષો વીતી ગયા છતાં પણ પોતાની પત્ની લક્ષ્મી અને બાળકોને મળવાની તડપને વિજય રોકી શક્યો ન હતો અને માટે જ તે આટલા વર્ષે ઈન્ડિયા આવ્યો હતો.

અને તેની સાથે તેની નાની દીકરી રુહી પણ જીદ કરીને આવી હતી. જ્યારથી તેને ખબર પડી હતી કે,ડેડ ઈન્ડિયા જવાના છે ત્યારથી તે કહ્યા કરતી હતી કે," ડેડ, આ વખતે આપણે ઈન્ડિયા જવાનું જ છે અને હું તમારી સાથે ઈન્ડિયા આવવાની જ છું કારણ કે મારે ઈન્ડિયા જોવું છે."‌ અને વિજય ચાહવા છતાં પણ ઈન્કાર કરી શક્યો ન હતો.

વિજયે નિલીમા સાથે લગ્ન કર્યા પછી નિલીમાએ બે સુંદર દીકરીઓને જન્મ આપ્યો હતો. મોટી દીકરી રીધમ, જે ન્યૂયોર્કમાં જ લગ્ન કરીને સેટલ થઈ હતી અને નાની દીકરી રુહીને ભણવાનું પૂરું થઈ ગયું હતું તેથી ફ્રી હતી એટલે પપ્પા સાથે ઈન્ડિયા જોવા માટે આવવાની જીદ કરી રહી હતી.

નિલીમા નાની દીકરી રુહીને જન્મ આપીને ડીલીવરી સમયે જ મૃત્યુ પામી ચૂકી હતી પછી વિજયે બંને દીકરીઓને ખૂબજ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી. બંને દીકરીઓને સાચવવા માટે વિજયે એક ગુજરાતી ઉંમરલાયક બાઈ કપીલાબેનને પોતાના ઘરે આયા તરીકે રાખ્યા હતા. જેમણે બંને દીકરીઓની પરવરીશ પોતાની દીકરીઓની જેમજ કરી હતી. અને ખૂબ જ પ્રેમ આપી મોટી કરી હતી.
*********************
વિજય આતુરતાપૂર્વક લક્ષ્મીના જવાબની રાહ જોઈ રહ્યો હતો. અને તેની આતુરતાનો અંત આવ્યો...

લક્ષ્મી વિજયને મળવા માટે આવી. પણ, આટલાં વર્ષો પછી મળીને શું વાત કરવી તે બંનેમાંથી જાણે કોઈને સમજમાં ન આવતું હોય તેમ
એક વજનદાર મૌન બન્નેની વચ્ચે ધુમ્મસ થઈને આજે ઘુમરાઈ રહ્યું હતું. બંનેમાંથી વાત પહેલી કોણ શરૂ કરે તેની જ રાહ જોવાઈ રહી હતી.

અને છેવટે મૌન તોડીને લક્ષ્મી બોલી, " જાણું છું તમારા વિષે બધું જ, પરંતુ હજી પણ તમને ખૂબજ પ્રેમ કરું છું.... તમારા ગુણ, તમારા દોષ, તમારી નબળાઈ અને તમારી આકાશને ઉડીને વળગી જાય તેવી ઉંચાઈઓ વિશે..."

વિજયની આંખમાં ઝળઝળિયા આવી ગયાં. ગળું ભરાઈ આવ્યું, "લક્ષ્મી " એટલું જ બોલી શક્યો વિજય. પથ્થરના બાવલાની માફક બેસી રહી હતી લક્ષ્મી, શું બોલવું તે જાણે તેને કંઇ સમજણ પડતી ન હતી.
વિજયે લક્ષ્મીના બંને હાથ પોતાના હાથમાં લીધાં અને જાણે ખાલી હોઠ ફફડાવતો હોય તેમ બોલ્યો, " આઈ લવ યુ, લક્ષ્મી "વિજય લક્ષ્મીની આંખમાં આંખ પરોવીને લક્ષ્મીને જાણે વાંચવાની કોશિશ કરી રહ્યો હતો અને તેની આંખોમાં દેખાતો પોતાને માટેનો અકબંધ પ્રેમ જોઈ રહ્યો હતો.

લક્ષ્મીના મનમાં અચાનક જાણે કંઈ કેટલાય વિચારોનું ઘમાસણ તોફાન ચાલી રહ્યું હતું. તેના માટે તો વિજયનું નામ કેટલાંય વર્ષોથી જાણે જીવનની પ્રત્યેક પળમાં વણાઈને, જોડાઈને જીવતું હતું. વિજયના શબ્દો " આઈ.લવ.યુ." તેના કાને પડતાં જ તેનું હૃદય એક થડકારો ચૂકી ગયું અને આંખમાંથી આંસુના બે ઉના ટીપાં વિજયના હાથ ઉપર સરી પડ્યા જાણે અત્યાર સુધીની લક્ષ્મીની દર્દનાક પરિસ્થિતિની ચાડી ખાતાં હોય તેમ...

વિજય બોલી ઉઠ્યો, " આટલાં બધાં વર્ષો વીતી ગયા છતાં તારી આંખોમાં હજી પણ મારે માટે એ નો એ જ પ્રેમ અકબંધ છે જે પહેલાં હતો. તું મને ભૂલી શકી નથી...!! "

લક્ષ્મીએ એક ઊંડો શ્વાસ લીધો અને ભીનાં અવાજે બોલી, " નથી જ ભૂલી, તમે જ કહો ને કોઈ ભૂલી શકે..?? તમારા બે બાળકોની માતા છું હું, અત્યાર સુધી ફક્ત "મા" બનીને જીવી છું. બાળકોને મારા ભાગના પ્રેમની સાથે-સાથે તેમને પિતાના ભાગનો પણ પ્રેમ આપ્યો છે. મારી ફરજોની સાથોસાથ પિતાના ભાગની ફરજો પણ અદા કરી છે. કોઈ ઉપકાર નથી કર્યો મેં, મારી ફરજ હતી તે, પણ હવે તમને આજે નજર સમક્ષ જોઇને જાણે જિંદગીનો બધો જ થાક ઉતરી ગયો છે. " અને લક્ષ્મી વિજયના ખભા પર માથું ઢાળી રડી પડી... આટલાં વર્ષો પછી જાણે તેને પોતે એક પત્ની હોવાનો અહેસાસ અનુભવ્યો હતો...!! ઘણી બધી સંવેદનાઓનો ઢગલો હૃદયના ઊંડાણમાં ધરબીને રાખ્યો હતો તે લક્ષ્મીએ આજે જાણે એક સાથે જ બધું ઠાલવી દીધું. અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. વિજયે પણ તેને એકદમ પ્રેમપૂર્વક પોતાના બાહુપાશમાં જકડી લીધી....

એટલામાં અચાનક રુહી, " ડેડ, ડેડ " કરતી, બૂમો પાડતી પાડતી, વિજયના રૂમમાં પ્રવેશી... તે આ દ્રશ્ય જોઈને જાણે ડઘાઈ જ ગઈ...!!

રુહીને વિજય કઈરીતે સમજાવે છે અને રુહી શું રીએક્ટ કરે છે...?? વાંચો આગળના પ્રકરણમાં....

~જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ