Dhup-Chhanv - 1 in Gujarati Social Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ  - 1

ધૂપ-છાઁવ  - 1

" ધૂપ-છાઁવ " પ્રકરણ-1

" જય સદ્દગુરૂ સ્વામી પ્રભુ,

જય સદ્દગુરૂ સ્વામી..

‌ સહજાનંદ દયાળુ,

સહજાનંદ દયાળુ,

બળવંત બહુનામી પ્રભુ,

‌ જય સદ્દગુરૂ સ્વામી...."

લક્ષ્મીની સવાર રોજ આમજ પડતી. તમે ઘડિયાળ પણ મેળવી શકો એટલી નિયમિતતાથી સવારે 6.00 વાગે લક્ષ્મીના અવાજમાં પ્રભુની પ્રાર્થનાના સૂર રેલાઈ જતાં..

આજુબાજુ વાળાને પણ એલાર્મ ની જેમ 6.00 વાગે પ્રભુ ભક્તિમાં લીન લક્ષ્મીના ભજન-કીર્તન અને ઘંટડીના અવાજ ઉઠાડી દેતા હતા.

લક્ષ્મીને પરણીને આવ્યે અઢી દાયકા વીતી ચૂક્યા હતા. પણ આ ઘરમાં તે છેલ્લા દશ વર્ષથી રહેતી હતી. વસ્ત્રાપુર લેક જેવા પોશ એરિયામાં, લેકનો ખુબસુરત અને આહલાદક વ્યુ દેખાય તે રીતે તેની દીકરી અપેક્ષાએ તેને માટે અફલાતુન, વિશાળ ત્રણ બેડરૂમ, હોલ, કીચનનું પેન્ટ હાઉસ ખરીધ્યુ હતુ.પહેલા અપેક્ષા અને લક્ષ્મી બંને સાથે જ આ ઘરમાં રહેતા હતા પણ અપેક્ષાએ અમદાવાદ શહેરના એક ખ્યાતનામ પણ ઉંમરમાં તેનાથી દશ વર્ષ મોટા બિઝનેસ મેન શ્રી ધીમંત શેઠ સાથે લગ્ન કરી લીધા હતા ત્યારથી લક્ષ્મી અને તેની કામવાળી બાઈ સુખી બંને સાથે આ વિશાળ સુંદર ઘરમાં એકલા જ રહેતા હતા. સુખીનું પણ લક્ષ્મીબા સિવાય કોઈ ન હતું, ઘણી દવાઓ કરવા છતાં સુખીને બાળક થયું ન હતું અને પતિનું કોરોના જેવા જીવલેણ રોગને કારણે મૃત્યુ થયું હતું તેથી તે લક્ષ્મીબાની સાથે તેમના ઘરે જ રહેતી હતી, લક્ષ્મીબાના આખા ઘરનું કામકાજ કરતી અને લક્ષ્મીબા માટે નીત નવું સારું સારું જમવાનું પણ બનાવી લેતી. હવે તો લક્ષ્મીબાને પણ સુખી વગર ચાલતુ ન હતુ અને સુખીને પણ લક્ષ્મીબા વગર ચાલતુ ન હતુ.
છેલ્લા દશ વર્ષમાં અમદાવાદ શહેરની રોનક તેમજ વસ્ત્રાપુર લેકની રોનક જેમ બદલાઈ ગઈ હતી તેમ અપેક્ષાના અને લક્ષ્મીબાના જીવનમાં ઘણુંબધું બદલાઈ ગયું હતું પણ નિયમિતપણે વહેલા ઉઠીને પ્રભુભક્તિમાં ગુંજતો લક્ષ્મીબાનો અવાજ તેનો તે જ હતો.

પછી એ શહેરના ધમધમતા એરિયા શામળાની પોળમાં રહેતા લક્ષ્મીબા હોય કે વસ્ત્રાપુરના આદિત્ય ગ્રીન્સમાં રહેતા લક્ષ્મીબા હોય...!! ખાદીની ઈસ્ત્રી કરેલી સાડી, કોણી સુધીનો લાંબી બાંયનો બ્લાઉઝ, બંધ ગળાના એ બ્લાઉઝમાં પણ એમની લાંબી ગરદનની ચારૂતા અછતી નહોતી રહેતી. ગળામાં મંગળસૂત્રની કાળાં મોતીની બે સેર એમની ગરદનની સુંદરતામાં વધારો કરતી હતી. મોટો અંબોડો, ટટ્ટાર શરીર, કોઈ યુવતીને પણ શરમાવે તેવી દેહયષ્ટિ અને ત્રીસ-બત્રીસથી મોટી નહિ હોય એવી કમર, બે ભાવવાહી આંખો અને સતત સ્મિત વેરતા બે હોઠ, લાલ ચટ્ટક ચાંદલો અને સુંદર અવાજ.

બસ, આમજ થતી રોજ લક્ષ્મીબા ની સવાર. આદિત્ય ગ્રીન્સના આખા બિલ્ડીંગવાળા હવે આ અવાજથી ટેવાઈ ગયા હતા. પણ અપેક્ષા જ્યારે પોતાનો સવા ત્રણ કરોડનો બંગલો છોડી અહીં લક્ષ્મીબા સાથે બે-ત્રણ દિવસ રહેવા આવતી ત્યારે તેને આ અવાજ ખમાતો નહિ અને તે જોરથી બૂમા બૂમ કરી દેતી, " મા, હું રાત્રે બે વાગ્યે સૂતી છું, આ સવારના પહોરમાં વહેલા ઉઠીને રાગડા ન તાણે તો ન ચાલે...?? બંધ કરને અવાજ બિચારા ભગવાનને શાંતિથી ઊંઘવા દે." રેશમી રજાઈ ખસેડીને આંખો ચોળતાં અપેક્ષા થોડી અકળાઈને બોલી. ગઈકાલે રાતનો મેકઅપ રીમુવ તો કર્યો હતો પણ હજી ક્યાંક ક્યાંક તેની નિશાનીઓ રહી ગઈ હતી. લાઈટ પીંક કલરની સેક્સી નાઈટીમાંથી અપેક્ષાનું શરીર દેખાઈ રહ્યું હતું. સાટિનની રજાઈ ખસેડીને જરા બેઠી થઈ અને માંડ માંડ બંને આંખો ખોલીને તે બોલી, " શાંતિથી ઊંઘવા મળે છે તો ઊંઘતી નથી અને બીજાની પણ ઊંઘ બગાડે છે. શી ખબર એને શું મળતું હશે આમાંથી...?? "
સેવનના લાકડામાંથી બનાવેલ સુંદર ભગવાનના કબાટની સામે એક નાની કાચની ટિપોઈ મૂકેલી હતી ત્યાં લક્ષ્મીબા એ આરતી મૂકી અને ઘંટડી પણ તેની બાજુમાં જ મૂકી અને પછી મનમાં મલકાતાં મલકાતાં અપેક્ષાના વૈભવી બેડરૂમમાં પ્રવેશ્યા...
લક્ષ્મી બા એકલા શા માટે રહેતા હતા. અપેક્ષાએ તેનાથી દશ વર્ષ મોટા શ્રી ધીમંત શેઠ સાથે લગ્ન શા માટે કર્યા હતા...?? જાણવા માટે વાંચતાં રહો....


Rate & Review

Pradyumn

Pradyumn 1 week ago

Shilaba Rana

Shilaba Rana 3 weeks ago

yog viyog

Lata Patel

Lata Patel 1 month ago

Bijal Patel

Bijal Patel 2 months ago

Roshni Joshi

Roshni Joshi 2 months ago