STUTI books and stories free download online pdf in Gujarati

સ્તુતિ

વાર્તા- સ્તુતિ લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643
ગુપ્તેશ્વર મહાદેવ ના મંદિરનો ઘંટ વાગ્યો અને પુજારી શંભુ મહારાજની આંખ ખૂલી ગઇ.પોષ મહિનાની કાતિલ ઠંડીની રાત હતી.સુસવાટા મારતો પવન હાડ થીજાવી દેતો હતો.વળી મંદિર ગામથી બે માઇલ જેટલું દૂર વગડામાં હતું એટલે પ્રમાણમાં ઠંડી વધુ હતી.શંભુ મહારાજે રજાઇમાંથી મોં બહાર કાઢીને સામે ભીંત ઉપર ઘડિયાળમાં જોયું તો રાત્રીના સાડા બાર થયા હતા.આવી કડકડતી ઠંડીમાં કોણ આવ્યું હશે ઘંટ વગાડવા? તેમને નવાઇ લાગી અને પછી થોડી બીક પણ લાગી કારણકે ચોરો મંદિરમાં પણ ચોરીઓ કરવા આવેછે.થોડીવાર થઇ ત્યાં ફરી ઘંટ વાગ્યો.શંભુમહારાજે રજાઇ ખસેડી અને ખાટલામાંથી ઊભા થયા.વિચાર્યુ કે બારણાની તિરાડમાંથી જોઉં તો ખરો અત્યારે કયો ભકત આવ્યો છે!
' હે પ્રભુ! વર્ષોથી એકનિષ્ઠ થઇને આપની ભક્તિ કરૂં છું, ઉપવાસ એકટાણાં કરૂં છું, કર્મકાંડ કરૂં છું, દાન દક્ષિણા આપું છું, આપનાં નિત્ય ગુણગાન ગાઉં છું,આપની અનેક પ્રકારની સ્તુતિઓ અને પ્રાર્થના ઓ કરૂં છું, યાત્રાઓ પણ ઘણી કરીછે છતાં પણ મારા માથેથી સંકટોનાં વાદળ કેમ વિખરાતાં નથી? જો ખરેખર ઇશ્વર હોયતો મને મદદ કેમ નથી કરતો?' શંભુમહારાજે બારણાની તિરાડમાંથી જોયું તો એક પચીસેક વર્ષનો સીધો સાદો યુવાન મહાદેવજી ના શિવલિંગ સામે જોઇને આવી આજીજી કરી રહ્યો હતો.તેમનો ભય દૂર થયો.કોઇ દુખિયારો માણસ ભગવાન સમક્ષ ફરિયાદ કરી રહ્યો છે.તેમને એ માણસ ઉપર દયા પણ ઉપજી અને હસવું પણ આવ્યું કેમકે ભગવાનને ફરિયાદ કરવા રાત માથે કરવાની શું જરૂર હતી? શંભુમહારાજે થોડું પાણી પીને ફરી ખાટલામાં લંબાવ્યું અને રજાઇ ઓઢી લીધી.
લગભગ પંચોતેર વર્ષના શંભુમહારાજ ભોળાનાથના અનન્ય ભક્ત હતા.વીસ વર્ષની યુવાન વયથી તેઓ ગુપ્તેશ્વર મહાદેવ ના પુજારી તરીકે સેવા કરી રહ્યાછે.ગામના લોકોને પણ એમના ઉપર ખૂબજ માન અને શ્રદ્ધા.થોડું દેશી દવાનું અને વનસ્પતિઓનું પણ જ્ઞાન હોવાથી લોકોને દવાઓ પણ બનાવી આપતા.ગામના લોકો એમને સીધુસામાન આપતા અને એમનો ગુજારો ચાલતો.પવિત્ર તહેવારો દરમિયાન તેઓ ગામમાં જઇને ભજનો તથા આખ્યાનો પણ કરતા.ગઇકાલે રાત્રે અજાણ્યા યુવાનને ભોળાનાથ આગળ આજીજી કરતો જોઇ એમને બહુ દુઃખ થયું હતું અને પોતાને પસ્તાવો પણ એ વાતનો થતો હતો કે પોતે બહાર આવીને એને આશ્વાસન કેમ ના આપ્યું? એમનો આખો દિવસ બેચેનીમાં પસાર થયો.સવારની આરતી વખતે એમણે ભોળાનાથને મનોમન પ્રાર્થના પણ કરીકે પેલા દુખિયારા માણસને મદદ કરજો પ્રભુ.
આ વાતને દસેક દિવસ વિતી ગયા.શંભુમહારાજ પણ આ ઘટના વિસરી ગયા હતા.
આજે અડધી રાત્રે ફરી ઘંટ વાગ્યો અને શંભુ મહારાજની ઊંઘ ઉડી ગઇ.સફાળા ખાટલામાં થી ઊભા થઇને બારણાની તિરાડમાંથી જોયું તો એ જ અજાણ્યો યુવાન ભોળાનાથને બે હાથ જોડીને વરસતી આંખે વિનવી રહ્યો હતો.આજેતો શંભુ મહારાજ દરવાજો ખોલીને એને મળવા જ માગતા હતા.ઝડપથી દરવાજો ખોલ્યો પણ ખરો પણ પેલો ભાઇ એ પહેલાં જ મંદિરની બહાર નીકળી ગયો.તેના છેલ્લા શબ્દો શંભુમહારાજે સાંભળ્યા હતા ' જો મને સંતોષકારક સમાધાન કાલ સુધીમાં નહીં મળે તો કદી આપના દર્શન કરવા માટે આવીશ નહીં.' શંભુમહારાજ નિરાશ થઇ ને પથારીમાં પડ્યા.
પંદર દિવસ પછી બાજુના ગામમાં શંભુમહારાજને ભજન કરવા માટે જવાનું થયું.જે યજમાન ના ત્યાં ભજન રાખવામાં આવ્યા હતા એના ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી કે બાર દિવસ પહેલાં એમના દીકરાએ ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કર્યો હતો.આ ભજન તેની સદગતિ થાય એ માટે રાખ્યાં હતાં.શંભુમહારાજને જાણીને ખૂબ દુઃખ થયું.તેમણે યજમાનને આશ્વાસન આપ્યું.પણ જ્યારે મૃતક પુત્રનો ફોટો જોયો ત્યારે શંભુમહારાજ ચમક્યા.અરે! આ તો અડધી રાત્રે ભોળાનાથને આજીજી કરવા આવતો હતો એ યુવાન હતો.શંભુમહારાજને ઊંડો આઘાત લાગ્યો.
આ ઘટના ને વર્ષોના વ્હાણા વહી ગયાં.આ ઘટના મહારાજની સ્મૃતિપટ પરથી પણ ભુ઼સાઇ ગઇ હતી.અને હવે એમની તબિયત પણ નરમગરમ રહેતી હતી.સત્યાશી વર્ષ ની ઉંમર થઇ ગઇ હતી.મંદિરની બહાર પણ જઇ શકતા નહોતા.પથારીમાં પડ્યા રહીને ભક્તિ કરતા હતા.ગામ લોકો મહારાજને બહુ સાચવતા હતા.
આજે સવારે એક સરકારી ગાડી મંદિરના દરવાજા આગળ ઊભી રહી.ડ્રાઇવર અંદરથી ઉતર્યો અને દર્શન કરીને પછી મહારાજ ને મળવા ગયો.પગે લાગીને આશીર્વાદ લીધા પછી એણે મહારાજ ને કહ્યું કે ' દાદા, આવતીકાલે બાજુના ગામમાં કલેકટર સાહેબ પધારવાના છે તેમની આગતાસ્વાગતા અને સમસ્ત ગામનો ભોજન સમારંભછે.હું સવારે આપને લેવા આવીશ.સરપંચ સાહેબે ખાસ આપને આમંત્રણ આપ્યું છે.મહારાજ અવારનવાર ગામડે ભજન કરવા જતા એટલે સરપંચ સારી રીતે ઓળખતા હતા.મહારાજની તબિયત બરાબર નહોતી છતાં પણ ના ન કહીં શક્યા.
સવારે મહારાજ ને લેવા ગાડી આવી ગઇ.સરપંચ મહારાજના પગે પડ્યા.સરપંચ સાહેબ ને રડતા જોઇ મહારાજ ને નવાઇ લાગી.પણ સરપંચ સાહેબે ખુલાસો કર્યો' દાદા, દસ વર્ષ પહેલાં મારો દીકરો ટ્રેન નીચે પડીને આપઘાત કરીને મૃત્યુ પામ્યો છે એવું અમે માનતા હતા એ દીકરો તો કલેકટર બની ગયો છે.ભોળાનાથે અને આપ જેવા સંતની કૃપાથી મારૂં જીવતર સુધરી ગયું.
એટલામાં કલેકટર સાહેબ ની પધરામણી થઇ.ગામલોકોએ ભવ્ય સ્વાગત કર્યુ.લોકો પ્રેમથી જમ્યા.
સાં‌જે નીકળતી વખતે મહારાજે સરપંચ ને કહ્યું કે મારે તમારા કલેકટર દીકરાને એકાંતમાં મળવું છે.એક રૂમમાં બંનેને બેસાડ્યા.કલેકટર સાહેબને સમજાતું નહોતું કે મહારાજને મારૂં શું કામ હશે.
' બેટા, ગુપ્તેશ્વર મહાદેવ ના મંદિરમાં વર્ષો પહેલાં તું આજીજી કરવા આવ્યો હતો અને છેલ્લે એવું કહીને ગયો હતો કે મારૂં કામ નહીં થાયતો કદી મંદિરમાં પગ નહીં મુકું.તું બિલકુલ નાસીપાસ થઇ ગયો હતો તો પછી કલેકટર કેવી રીતે બની ગયો?'
' દાદા, છેલ્લી વાર હું રાત્રે મંદિરમાં આવ્યો અને ભોળાનાથને એવું કહ્યું કે પ્રભુ હું વર્ષોથી આપની સ્તુતિ કરૂં છું,‌આપના ગુણગાન ગાઉં છું, આપના વખાણ કરૂં છું તો પણ તમે મારી વિનંતી કેમ સાંભળતા નથી?'
' પછી શું થયું બેટા?' મહારાજે જિજ્ઞાસા થી પૂછ્યું.
કલેકટર થોડીવાર અટક્યા અને સામેથી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે 'દાદા હું કહું એ માનશો?'
મહારાજે હા પાડી.એટલે કલેકટર સાહેબે કહ્યું દાદા, મેં ઉપરોક્ત શબ્દો કહ્યા એટલે એક ચમત્કાર થયો.શિવલીંગમાં થી અવાજ આવ્યો' દીકરા, મેં તને પૃથ્વી ઉપર એટલા માટે નથી મોકલ્યો કે તું મારી સ્તુતિઓ કરે, મારા ગુણગાન ગાય અને મારા વખાણ કરે બલ્કે મેં તને પૃથ્વી ઉપર એટલા માટે મોકલ્યો છે કે તું કંઇક એવું કરી બતાવ કે હું તારી સ્તુતિ કરૂં, હું તારા ગુણગાન ગાઉં અને હુું તારા વખાણ કરૂં.'
આ સાંભળીને મારી આંખો ખુલી ગઇ અને મારૂં જીવન બદલાઇ ગયું.
શંભુમહારાજ ગદગદ થઇ ગયા.ભોળાનાથ નો જયજયકાર કરીને મંદિર તરફ જવા પ્રયાણ કર્યુ.