Sapna Ni Udaan - 27 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 27

પ્રિયા આઠ વાગે સીમા ના કહ્યા મુજબ પહોંચી ગઈ હતી. તે ત્યાં થોડી વાર ઊભી રહી ત્યાં સીમા ઉપર ફ્લેટ માંથી આવી અને તેને પોતાની સાથે આવવા કહ્યું. સીમા ચોથા માળ ના ફ્લેટ માં રહેતી હતી. તે ફ્લેટ ખૂબ સુંદર હતો. સીમા પ્રિયાને પોતાના ઘર ની અંદર લઇ ગઈ. પ્રિયા એ ઘર માં જોયું તો ઘર ખૂબ સારી રીતે સજાવેલું હતું. સીમા એ પ્રિયા ને બેસવા કહ્યું અને તે ચા બનાવવા જતી રહી. આ સમયે પ્રિયા ની નજર દીવાલ પર લટકાવેલ મેડલ પર પડી. ત્યાં ઘણા ગોલ્ડ અને સિલ્વર મેડલ લટકાવેલ હતા.

પ્રિયા ઊભી થઈ તે જોવા લાગી. ત્યાં સીમા આવી . તેના આવતા જ પ્રિયા પોતાની જગ્યા પર આવી બેસી ગઈ. હવે પ્રિયા એ પૂછ્યું,
" આ મેડલ તમારા છે?"
સીમા : ના , આ મેડલ મારા નથી.
પ્રિયા : તો?
સીમા : મારા પતિ ના.
પ્રિયા : ઓહ, તમારા મેરેજ પણ થઈ ગયા છે! મને ખબર નહોતી.
સીમા : હા,
પ્રિયા : સીમા ! તમે મને બધી વાત પહેલેથી જણાવો. મારા દિમાગ માં ઘણા પ્રશ્નો છે. તમે જલદી આ પહેલી સુલજાવો.
સીમા : હા , એટલે જ મેં તમને અહી બોલાવ્યા છે.
સાંભળો, પહેલાં એક વાત નો દિલાસો આપો કે હું તમને જણાવું કે હું કોણ છુ તો તમે મારા પર શક નહિ કરો ?
પ્રિયા : એટલે ? તમે પહેલાં મને જણાવો.
સીમા : ના પહેલા પ્રોમિસ કરો!
પ્રિયા : હા પ્રોમિસ. હું તમારા પર શક નહિ કરું. હવે તમે મને જણાવો.
સીમા : હા, હું પહેલા તમને મારા વિશે જણાવી દવ. મારું આખું નામ ' સીમા ચૌધરી ' છે. મારા પતિ નું નામ છે..... ' અંકુશ ચૌધરી '
પ્રિયા : શું ? તમે અંકુશ ચૌધરી ની વાઇફ છો?
સીમા : હા
પ્રિયા : તો તમે મારી મદદ કેમ કરી રહ્યા છો?
સીમા : તમે પહેલાં મારી આખી વાત તો સાંભળો.
પ્રિયા : પણ મને કંઈ સમજાતું નથી. જો તમે મી.અંકુશ ના વાઇફ છો તો કોર્ટ માં છુપાઈ ને કેમ રહો છો? અને તમે કેમ ક્યારેય વકીલ તરીકે કેસ લડ્યો નહિ? અને જો અંકુશ ચૌધરી તમારો પતિ છે તો તે ફોટા માં તમારી સાથે છે એ કોણ છે?
સીમા : અરે ! પ્રિયા તમારા બધા પ્રશ્નો ના જવાબ મળશે . પહેલાં મને તો કંઇક બોલવાનો મોકો આપો!
પ્રિયા : હા , સોરી તમે બોલો.

સીમા : આ વાત ઘણા વર્ષ પહેલાં ની છે જ્યારે મારા લગ્ન થયા નહોતા. મારું સ્વપ્ન હતું કે હું એક સારી વકીલ બનું. આ માટે મે એલ.એલ.બી કર્યું. તે સમયે મારી સાથે જ કોલેજ કરતો એક છોકરો જેનું નામ હતું ' સમીર ' . જે તે ફોટા માં મારી સાથે હતો. અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માગતા હતા. પણ કદાચ કુદરત ને તે મંજુર નહોતું. એક દિવસે અમે વિચાર્યું કે અમે બંને પોતાના પરિવાર ને આ વાત જણાવી દેશું. હું ખૂબ ઉત્સાહ માં ઘરે ગઈ. પણ તે દિવસે ...

પ્રિયા : તે દિવસે શું થયું સીમા ?

સીમા : હું જ્યારે ઘરે પહોંચી ત્યારે મારા માતા પિતા એ મારા લગ્ન નક્કી કરી નાખ્યા હતા. છોકરા વાળા આવેલા હતા. તે લોકો મારી જ રાહ જોઈ રહ્યા હતા. તે લોકો એ તે જ દિવસે સગાઈ કરવાનું નક્કી કરી લીધું હતું. એ દિવસે મારા માતા પિતા ની ઈજ્જત બચાવવા હું કઈ બોલી શકી નહિ અને મારી સગાઈ અંકુશ ચૌધરી સાથે થઈ ગઈ.

પ્રિયા : તો પછી તમે તમારા પરિવાર ને સમીર વિશે જણાવ્યું કે નહિ?

સીમા : હા , જણાવ્યું પણ તેનો કઈ ફાયદો થયો નહિ. મારા માતા પિતા એ તેમને વચન આપી દીધું હતું . તેમની આબરૂ બચાવવા મારે અંકુશ ચૌધરી સાથે લગ્ન કરવા પડ્યા. લગ્ન પહેલા તેમને મને સપના બતાવ્યા કે તે મને એક સારી વકીલ બનાવશે. પણ લગ્ન પછી તેમણે મને એક ઓફિસ ખોલી આપી પણ કંઇક અજીબ વાત હતી કેમકે તેમાં ક્યારેય કોઈ વ્યક્તિ પોતાનો કેસ લઈ મારી પાસે આવતું જ નહિ. આ માટે મારે ઓફિસ બંધ કરી ઘરે બેસવું પડ્યું. એક દિવસ મને ખબર પડી કે આ બધું અંકુશ ચૌધરી ના લીધે થતું હતું. તે કોઈ વ્યક્તિને મારી પાસે કેસ લેવા આવવા જ દેતો નહોતો. આ બધી હકીકત ની જાણ થતાં મે તેને છોડી ને જવાનો નિર્ણય કર્યો .

પ્રિયા : તો પછી તમે તેને છોડી ને ગયા કેમ નહિ?

સીમા : એ દિવસે જ્યારે હું મારો સામાન પેક કરતી હતી ત્યારે અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ. આ માટે હું ડોક્ટર પાસે ગઈ. ત્યારે મને ખબર પડી કે હું પ્રેગનેટ હતી. હવે આ વાત ની જાણ અંકુશ ને થતાં તેણે મને જવા દીધી નહિ અને કોર્ટ ની મદદ થી તેણે બાળક અને માતા ને સાચવવા ની જવાબદારી પોતાના પર લઈ લીધી. ત્યારે બધું સારું ચાલતું હતું. તે મારું ખૂબ ધ્યાન રાખતો. પણ એક દિવસ તે મને ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા ના બહાને હોસ્પિટલ એ લઈ ગયો. તે હોસ્પિટલ કોની હતી ખબર ?

પ્રિયા : કોની ?

સીમા : ડૉ. અનિરુદ્ધ ની
પ્રિયા : ઓહ...
સીમા : તે દિવસે અંકુશ મને ડૉ.અનિરુદ્ધ પાસે ભ્રૂણ પરીક્ષણ માટે લઈ ગયો હતો.
પ્રિયા : પણ ભ્રૂણ પરીક્ષણ તો ગેરકાનૂની છે!

સીમા : હા , એટલે જ તે ડૉ.અનિરુદ્ધ ની હોસ્પિટલ એ લઈ ગયો. તેની હોસ્પિટલ માં જ આવા ગેરકાનૂની કામ થાય છે. તે વ્યક્તિ પૈસા માટે કઈ પણ કરી શકે છે. મને આ વાત ની ખબર નહોતી. જ્યારે તેને ખબર પડી કે મારા પેટ માં દીકરો નહિ પણ દીકરી છે તો તેને તે સહન થયું નહિ. તે દિવસ પછી તેનો વર્તાવ જ બદલાઈ ગયો. તેણે સરખું ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. એકવાર મારાથી સહન ન થયું માટે મેં તેને પૂછી લીધું કે તે આવો વ્યવહાર કેમ કરે છે? તો તેણે ગુસ્સામાં આવી ને મને કહી દીધું કે મારા પેટ માં દીકરા ને બદલે દીકરી છે એ માટે.

પ્રિયા : મને તો વિશ્વાસ નથી થતો કે અંકુશ ચૌધરી જેવો ભણેલો ગણેલો વ્યક્તિ આમ દીકરા અને દીકરી માં ભેદ કરે છે !!

સીમા : હા, એ પછી મારી પાસે બીજો કઈ રસ્તો નહોતો માટે મારે ત્યાં જ રહેવું પડ્યું. મારા માતા અને પિતા ની તબિયત ખરાબ રહેતી એટલે ત્યાં હું જઈ શકું તેમ હતું નહિ. એક દિવસ ફરી અંકુશ મને અનિરુદ્ધ ની હોસ્પિટલ એ તપાસ કરવા માટે લઈ ગયો. એ દિવસે મે વિચાર્યું નહોતું એવું મારી સાથે તેણે કર્યું ?

પ્રિયા : પણ શું કર્યું ?
સીમા : હું ચેકઅપ માટે બેડ પર સૂતી હતી. એવામાં મને અવાજ સંભળાયો. અંકુશ અને અનિરુદ્ધ અબોર્શન વિશે કંઇક વાત કરી રહ્યા હતા. આ જાણતા જ મને એકદમ શોક લાગ્યો. મે વિચાર્યુ નહોતું કે અંકુશ આવું કરી શકે. હું ત્યાંથી ભાગવા જતી જ હતી ત્યાં તે લોકો આવી ગયા. તેમણે મને પકડી લીધી અને બેડ સાથે બાંધી દીધી. પછી તે અનિરુદ્ધ એ મને બેહોશી નું ઇન્જેક્શન આપી દીધું. અને જે હું ક્યારેય સપના માં પણ કરવા નહોતી માંગતી તે તેમણે એક પળ માં કરી નાખ્યું. મારી દીકરી જેણે હજી જન્મ પણ લીધો નહોતો , આ બહાર ની દુનિયા પણ જોઈ નહોતી તેને મારા પેટ માં જ મોત ને ઘાટ ઉતારી દીધી.

આ સમયે સીમા અને પ્રિયા બંને ની આંખો માંથી આંસુ વહી રહ્યાં હતા. સીમા પ્રિયા ને ભેટી પડી અને જોરજોર થી રડવા લાગી. પ્રિયા એ તેને સંભાળી અને આશ્વાસન આપી શાંત કરી.

પ્રિયા : મે ક્યારેય વિચાર્યું નહોતું કે અનિરુદ્ધ અને અંકુશ આવા નીચ માણસો છે. અરે ! માણસ શું આ તો ઢોર પણ કેવાને લાયક નથી .

સીમા : ( પોતાના આંસુ લૂછતાં ) એ દિવસે હું ખૂબ તૂટી ગઈ હતી. મને કઈ ભાન નહોતી. ઘણા દિવસો મે આવી રીતે જ કાઢ્યા. તે દિવસ નું મારે બીજું પણ મોટું પરિણામ ભોગવવું પડ્યું. એ પછી મે માતા બનવાની ક્ષમતા પણ ખોઇ દીધી. આ વાત થી પણ હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી. અંકુશ મને ક્યારેય કોર્ટ માં જવા દેતો નહિ. તે દિવસ પછી મારું મન પણ ઉઠી ગયું હતું. એક દિવસ મારે સમીર નો ફોન આવ્યો. તેની સાથે વાત કરી મને થોડી હિંમત મળી. તેની સાથે વાત કરી હું મારા બધા દર્દ ભૂલી જતી. પછી હું છુપાઈ ને કોર્ટ જવા લાગી . બધા કેસ જોતી તેનું નિરીક્ષણ કરી મારી ડાયરી માં લખતી. ક્યારેક રાત્રે અંકુશ સૂતો હોય ત્યારે તેની બધી ફાઈલ વાંચતી. મે તારા કેસ ની ફાઈલ પણ આ રીતે વાચી હતી. તેથી હું તે બધું જાણું છું.

To Be Continue.........