Ascent Descent - 15 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 15

આરોહ અવરોહ - 15

પ્રકરણ – ૧૫

આધ્યા જે રીતે મલ્હારની વાત સાંભળીને ઉભી થઈ અને ફટાફટ નીચે તરફ ભાગી એ જોઈને અકીલા તો સ્તબ્ધ જ થઈ ગઈ. એવું પણ નથી કે મલ્હાર ઘણીવાર પહેલાં આવેલો હોય, બંને વચ્ચે એવાં કોઈ નજદીકી સંબંધો હોય. એ ફક્ત પહેલીવાર આવ્યો અને એ પણ એક રાત રહ્યો એ પણ એની તબિયત ખરાબ હતી એવી સ્થિતિ જ, તો પછી શું કારણ હશે આધ્યાનું આમ જવાનું? અકીલા આધ્યાની મનોભાવના સમજવા મથા રહી.

અકીલા પણ આધ્યાની પાછળ પાછળ ગઈ. સીડી ઉતરતાં કદાચ અશક્તિને કારણે એકવાર પડતાં પણ રહી ગઈ પણ અકીલા એની પાછળ આવી ગઈ હોવાને કારણે એ બચી ગઈ. આધ્યાને અકીલાને જોતાં જ ફરી એકવાર જાણે શરમ આવી ગઈ કે એ એક અજાણ્યા વ્યક્તિ માટે આ શું કરી રહી છે. એક કોલગર્લ તરીકે જે સપનાં જોવાનો એને હક નથી એનાં માટે જ કદાચ હું કેમ સપનાં જોઇ રહી છું. કદાચ એણે મારાં માટે ફક્ત સહાનૂભૂતિ હોય તો... હું એનામાં ખોટી મોહાઈ રહી છું.

એ વિચારોમાં અટવાઈને ત્યાં જ ઉભી રહી ગઈ ત્યાં જ અકીલાએ એના ખભા પર હાથ મૂકતાં જ એ વર્તમાનમાં આવી ગઈ. છતાં આધ્યા પોતાના મનને આજે રોકી ન શકી. સામે સોના કંઈ બેસીને લખતી દેખાઈ. એ નીચે ઉતરીને ફટાફટ સોના બેઠી છે એ તરફ પહોંચી. એણે ચારેકોર નજર દોડાવી પણ મલ્હાર ક્યાંય દેખાયો. એક ઊંડી નિરાશા એનાં ચહેરાં પર ઘેરી વળી.

આધ્યાને જોતાં જ સોના બોલી," આધ્યા તું કેમ નીચે આવી? તારી તબિયત ઠીક નથી ને? આજે તો શકીરા ન આવે ત્યાં સુધી તું આરામ કર‌. પછી તો એ આરામ નસીબમાં આવવાં જ નહીં દે."

આધ્યાને થયું કે મલ્હાર ક્યાં છે એ વિશે પૂછે પણ એની જીભ ઉપડી જ નહીં. પુછે તો પણ કયા સંબંધે, કઈ રીતે પૂછે. પણ એને મનમાં એટલું દુઃખ થઈ રહ્યું છે કે એટલી તકલીફ તો કદાચ એને આટલી શરીરની તકલીફ પણ નથી લાગી‌ રહી. આખાં દેહમાં આવેલી ચેતના જાણે પળવારમાં સંકોરાઈ ગઈ.

આધ્યાને ઉદાસ જોઈને સોના બોલી, " શું થયું ફરી તને સારું નથી લાગતું કે શું? મેં એટલે હમણાં એક કસ્ટમર હતો એને તારાં માટે સ્પષ્ટ ના કહી દીધી. પણ ખબર નહીં યાર સાચું કહું તો તારાં માટે જેલસી થાય છે કે એણે ફક્ત તારાં માટે કહ્યું, આજે પહેલીવાર કોઈએ મારી સામે મને મોંઢા પર ના કહી. ના તો કહી મેં પણ એ રીતસરનો પાછો જતો રહ્યો‌. પણ અકીલા કહેતી હતી કે એ બે દિવસ પહેલી વાર નિયમની વિરુદ્ધ આખી રાત રોકાયો હતો. "

આધ્યાને પોતાનાં માટેની આ સારી વાત જોઈને ખુશ થવું કે દુઃખી એ જ સમજાયું નહીં. એ કંઈ જ બોલી નહીં. પણ અકીલા આધ્યાના ચહેરાની બદલાયેલી રૂપરેખા સમજી ગઈ.

"ઠીક છે હું જાઉં છું ઉપર" કહીને આધ્યા માંડ માંડ હવે પગથિયાં ચડતી હોય એમ ઉપર જતી રહી...ઉપર જતાં જ વોશરૂમમાં જઈને રીતસરની રડી પડી. એ અરીસામાં પોતાની જાતને જોવા લાગી એનું મલ્હાર ને મળવા કેમ અધીરું બન્યું છે સમજાતું નથી‌.

આધ્યા મનને સમજાવવાની મથામણ કરવા લાગી કે આધ્યા, શું કામ મૃગજળની પાછળ પડી છે જે સુખ તારાં નસીબમાં જ નથી એનાં પાછળ પડવાનો કોઈ મતલબ? મલ્હાર કોઈ એવો થોડો નવરો હશે કે જે સામાન્ય જીવન છોડીને કોઈ કોલગર્લને પ્રેમ કરવા આવે. આધ્યા આ તારી ટીનેજ નથી તું હવે મેચ્યોર બની ગઈ છે આ બધાં પાગલપનને છોડી દે‌. જે વર્તમાન છે એને તું અપનાવ. તારાં નસીબમાં જે પતિ, માતાપિતા પરિવારનું સુખ હોત તો તને મળ્યું જ હોત ને? પણ હવે એ બધું કંઈ શક્ય જ નથી‌. બસ તારી જિંદગી આ જ છે. અહીં જ મૃત્યુ પણ થશે કદાચ...

આ બધું એનું મન એને સમજાવી રહ્યું છે પણ દિલ તો હજું પણ પાગલની જેમ એનાં માટે દોડી રહ્યું છે‌. થોડીવાર પછી મહાપરાણે એણે પોતાની જાતને સંભાળી...પછી એણે મોઢું ધોયું ને ફ્રેશ થઈને બહાર નીકળી પણ એનાં ચહેરાં પર રડીને આંખો થોડી સૂઝી ગઈ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એ સીધી બહાર નીકળી ગઈ કે જેથી કોઈને ખબર ન પડે પણ ત્યાં સાઈડમાં ઉભેલી અકીલાએ આ વાત ચોક્કસપણે નોંધી લીધી. એ ફટાફટ એ તરફ પહોંચી પણ એ પહોંચી એ પહેલાં જ આધ્યા પથારીમાં લંબાઈને ઓઢીને કદાચ પોતાના ડૂસકાં શમાવવા કે પછી છૂપાવવા બ્લેન્કેટ ઓઢીને આડી પડી ગઈ હતી...!

***********

સોના રાતે ત્યાં નીચે બેઠાં બેઠાં જ આડી પડી ગઈ હતી. શકીરા હજું સુધી ક્યાં હશે એ વિચારે એનું મન ચકડોળે ચડ્યું છે. આ પહેલાં એની જાણમાં તો ક્યારેય આવી રીતે અને આટલો સમય શકીરા શકીરાહાઉસ છોડીને બહાર ગઈ નથી. એ ક્યારે પણ અહીં પાછી આવી શકે એ વિચારે એનું મન તો સતર્ક રીતે ચાલી રહ્યું છે‌.

એટલામાં જ ઘડિયાળમાં લગભગ સાડા અગિયાર થયાં છે એ જ સમયે ધીમે પગલે આવી રહેલી શકીરાને સોનાએ જોઈ.

શકીરાને આ રીતે બિલ્લીપગે આવતાં જોઈને સોના પોતે ઉંઘી રહી હોય એવો ડોળ કરતાં અધખુલ્લી આંખે શકીરાને જોઈ રહી. એનાં કપડાં પણ ચોળાયેલા છે. આખાં દિવસમાં એનો મેકઅપ ઉતરીને બરાબર થાકી ગઈ હોય એવું લાગી રહ્યું છે. સોના વિચારવા લાગી કે શકીરા તો અહીંની માલકિન છે એને કોની બીક ? એ શું કામ આમ બિલ્લીપગે પોતાનાં જ શકીરા હાઉસમાં પ્રવેશી રહી છે. બાકી આ જગ્યાએ એનાં સ્વભાવ મુજબ એની પાસે તો એવી જ અપેક્ષા હોય કે હમણાં જ એ સોનાને ઉંઘતી ઝડપીને એને ખખડાવી દે. જરુર કંઈક તો વાત છે જ.

એ ફટાફટ પોતાનાં રૂમમાં સરકી ગઈ અને તરત જ અંદરથી દરવાજો લોક કરી દીધો. એનાં અંદર જતાં જ સોના ઉભી થઈ. એણે વિચાર્યું ફ્રેશ થઈને ચેન્જ કરીને થોડીવારમાં બહાર આવશે‌. એણે આજની થયેલી કમાણી ફટાફટ ઘણીને બધું તૈયાર કરી દીધું. સાથે જે યુવાન પાછો ગયો છે એની ખબર ન પડે એ રીતે જ એની સાથે વાત કરવાનું નક્કી કરી દીધું.

લગભગ દોઢેક કલાક થયો પણ શકીરા બહાર ન આવી‌. સોનાને જવાબદારી સોંપી હોવાથી એ ત્યાંથી એની અપોઈન્ટમેન્ટ પૂરી થતાં પણ સુવા જઈ શકે એમ નથી. એ રાહ જોતી રહી પણ શકીરા આખી રાત બહાર જ ન નીકળી. સોનાને હવે ઉંડે ઉંડે દાળમાં કંઈક કાળું હોય એવું ચોક્કસ લાગવા માંડ્યું. હવે એને પણ થઈ રહ્યું છે કે આધ્યાની ચિંતા ખોટી તો નથી જ. પણ શું કરવું હવે એ સમજાયું નહીં.

છેલ્લે લગભગ બધું કામ પૂર્ણ થતાં એ થાકીને શકીરાને મળ્યાં વિના જ ઉપર રૂમમાં સૂવા ગઈ એણે જોયું કે કોઈનો ધ્રુજવાનો અને કણસવાનો અવાજ આવી રહ્યો છે. લાઈટ બંધ હોવાથી અને રૂમ પણ મોટો હોવાથી એ મોટાં રૂમમાં કોણ આવું કરી રહ્યું છે‌ એ પણ દેખાયું નહીં‌. નાછુટકે એણે લાઈટ ચાલું કરીને જોયું તો આધ્યાનું ટોપ બ્લેન્કેટની બહાર આવેલું દેખાયું એ પરથી ખબર પડી કે આ તો આધ્યા જ છે. પણ એને શું થઈ રહ્યું છે કેમ આમ થથડી રહી છે. સોના ચિંતામાં આવીને ફટાફટ ત્યાં પહોંચી.

એ ફટાફટ ત્યાં એની પાસે ગઈ. સોના વિચારવા લાગી કે રૂમમાં બીજાં પણ ઘણાં લોકો સૂતા છે કોઈને એનો અવાજ સંભળાયો નહીં હોય? આટલો મોટો અવાજ કોઈને ખલેલ નથી કરી રહ્યો?

એણે આધ્યા પાસે જઈને જોયું તો એનું શરીર ફરીવાર તાવથી ધગધગી રહ્યું છે. એ રીતસરની ધ્રુજી રહી છે. એની સાથે આંખો પર સૂઝેલી છે‌. સોનાને આધ્યાની તબિયત ખરાબ હોવાને કારણે એવો અંદાજો ન આવ્યો કે એ રડીને એની આંખો આવી સૂઝેલી છે.

એ ફરીવાર ફટાફટ પાણીનાં પોતા મૂકવા લાગી અને દવા લાવીને એને આપી દીધી. સોનાને પણ હવે ચિંતા થવા લાગી કે એને કોઈ સિરીયસ તો નહીં હોય ને? એ ભગવાનને મનોમન પ્રાર્થના કરવાં લાગી કે આધ્યાને સાચેમાં કોઈ મોટી તકલીફ કે બિમારી નહીં હોય ને? તાવ ઉતર્યો નહીં ત્યાં સુધી સોના એની પાસે બેસી રહી.

આધ્યાને મનમાં થયું કે હજું પણ સોનાને એકવાર પૂછી લે કે મલ્હાર ખરેખર જતો રહ્યો છે. ફરી એકવાર એને મળવું છે, પણ કોણ જાણે સ્ત્રી સહજ અસુરક્ષિતતાની ભાવના કે હજું પણ એટલી ગાઢ મિત્રતાનો અભાવ હોવાને કારણે પણ એ સોનાને કંઈ કહી ન શકી..! ફક્ત બંધ આંખોએ મનોમન મલ્હારનાં પ્રેમાળ ચહેરાને યાદ કરતી રહી...!

હવે આધ્યા અને મલ્હાર ફરી કદી મળશે ખરાં? આધ્યાને ખરેખર કોઈ બિમારી હશે? શકીરા ક્યાં ગઈ હશે? શું બદલાશે હવે શકીરાહાઉસની સકલ? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ – ૧૬

Rate & Review

Bharat Patel

Bharat Patel 4 weeks ago

it's me

it's me 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 months ago

Reena

Reena 10 months ago

Shefali

Shefali Matrubharti Verified 11 months ago