Firefighting Week books and stories free download online pdf in Gujarati

અગ્નિશમન સપ્તાહ

૧૪ થી ૨૦ એપ્રિલ-અગ્નિશમન સપ્તાહ:

બીજા વિશ્વ યુધ્ધ દરમ્યાન લશ્કર માટે દારૂગોળો હેરફેર કરવાનું મુખ્ય મથક બનેલ મુંબઈમાં આવેલ એસ.એસ. સ્ટીક્ન નામના જહાજમાં રણ નીતિને કારણે ગુપ્ત રાખેલ દારૂગોળો અને બોમ્બ ભરેલ હતા.જેમાં 14 એપ્રિલ 1944 ના બપોરે 12.30 વાગ્યે શરૂ થયેલ આગ દ્વારા બપોરે 4.06 મિનિટે તથા 4.41 મિનિટે બે ભયંકર વિસ્ફોટ થયા. જેનાથી આખું મુંબઈ ધ્રુજી ઉઠ્યું. સાગર નજીકના મકાનોના તો ભૂકકા જ બોલી ગયા, આસપાસના 26 જહાજોએ તો ઉછળીને જલસમાધિ લીધી, આગના કાળા ડિબાંગ ધુમાડાથી મૂંબઈમાં 6 થી 7 દિવસ સૂર્યપ્રકાશ નહોતો દેખાયો! આ વાતથી આગની મહાભયંકરતા સમજી શકાય છે! જો કે આગ બુઝવવા લશ્કરને બોલાવવામાં આવ્યું. . 6 હજાર ભારતીય અને 2 હજાર બ્રિટિશ સૈનિકોએ, 46 બંબા દ્વારા, 45 દિવસ સુધી સતત પાણીનો મારો ચલાવ્યો. યુધ્ધ જહાજમાં લાગેલી આ એક ભીષણ આગને બુઝાવતા 83 ફાયર બ્રિગેડના ફાયરમેન ઘવાયા અને ૬૫ જવાનો માર્યા ગયા હતા. મુંબઇને ખંડેર બનતું અટકાવવા પોતાના જીવની પરવા કર્યા વગર,ફરજ બજાવનાર આ જવાનોને શ્રધાંજલિ રૂપે અને હાલમાં અગ્નિશામક દળના સભ્યોને ફરજ નિષ્ઠાને પ્રેરણા આપવા દર વર્ષે દેશમાં ૧૪ થી ૨૦ એપ્રિલ અગ્નિશમન સપ્તાહ ઉજવાય છે.આ દરમ્યાન લોકોને આગ ન લાગે તે માટે સાવચેતી અને લાગે તો બચાવના તાત્કાલિક પગલાઓ અંગે વિવિધ કાર્યક્રમો દ્વારા સમજુતી અપાય છે.તે ઉપરાંત શાળા મહાશાળાઓમાં ફાયર બ્રિગેડ દ્વારા અગ્નિશમન નિદર્શનના પ્રાયોગિક કાર્યક્રમો રાખી આ અંગે જાગૃત કરવામાં આવે છે.

18 મી સદી પહેલા અગ્નિ શમન દળ ન હતું,ત્યારે આગ સમયે કૂવામાં થી પાણી ખેચી,ચામડાની મશકમાં પાણી ખભે ઊચકી લોકો આગ બુઝાવતા. 1887 માં ફાયરબ્રિગેડની સ્થાપના થઈ,પણ તેની નિમણૂક લંડનથી થતી.19મી સદીની શરૂઆતમાં ફાયર બ્રિગેડની સ્થાપના થઈ,ત્યારે પાણીની ટાંકી બળદ ગાડાંમાં રાખી આગ ઠારવામાં આવતી. મોટર ની શોધ બાદ બંબામાથી પાણી ખેચવા સ્ટીમ એંજિન વાપરવામાં આવતું. મૂંબઈમાં ફાયર બ્રિગેડની સ્થાપના પછી 20 વર્ષ સુધી આગળ 2 ઘોડાઅને લાલ ટાંકી જોડી અગ્નિ સેવા બજાવતા.1907 થીપ્રથમ વાર આગ બૂઝવવા પેટ્રોલથી ચાલતો બંબો વાપરવાનું શરૂ થયું. હવે તો અનેક આધુનિક સાધનો સાથે આગ બિઝવવાનું કામ અગાઉ કરતાં સરળ અને સુલભ બન્યું છે.

આગ સામે સાવચેતી રાખવા આપણે સહુએ આટલું જરૂર ધ્યાને લેવા જેવુ છે :

આગ ન લાગે તે માટે સાવચેતી ::

· આગ લાગવા અંગેના કારણોથી માહિતગાર રહેવા સાથે સ્થાનિક ફાયર ઓફિસના સંપર્ક નંબર તથા સરનામું ખાસ નોંધી રાખો.

· શક્ય હોય તો ફાયર સેફ્ટીની તાલીમ યોગ્ય તજજ્ઞ પાસે લઈ, તમામ બાબતો અંગે જાણકારી મેળવી,તે અંગેની પૂરી તકેદારીના સાધનો પોતાની સંસ્થા અને ઘરે પણ વસાવી રાખવા.

· નુકસાન પામેલ વીજળીના ઉપકરણો તરત બદલી નાખવા, વાયરિંગમા ખુલ્લા છેડા ક્યારે પણ ન રાખવા.

· જ્યાં જ્વલનશીલ પદાર્થો (પ્રવાહી ગેસ, કેમિકલ્સ)નો ઉપયોગ થાય છે, ત્યાં હવાની યોગ્ય અવર જવરની ખાસ તકેદારી રાખો. તથા એ સ્થળ આસપાસ ધૂમ્રપન ન થાય એની કાળજી લેવી જરૂરી છે.

· ઘરમાં ગેસના સિલિન્ડર માટે ખાસ અલગ વ્યવસ્થા રાખો અને જરૂર ન હોય ત્યારે તેનો નોબ તથા સિલિન્ડરનો વાલ્વ બંધ જ કરવાની ટેવ પાડો.એ જ રીતે વીજળીના સાધનોના વપરાશ બાદ તરત સ્વિચ બંધ કરી,પ્લગ સોકેટમાંથી કાઢી નાખવાની પણ ટેવ પાડો.

· અગ્નિ શમન સિલિન્ડર સમયસર ભરાવીને રાખો.

· આઈ.એસ.આઈ. અધિકૃત સાધનો જ વાપરો.

· રસોઈ કરતી વખતે સિન્થેટીક કે બહુ ખૂલતાં કપડાં ન પહેરવા.

· દિવસળી,લાઇટર અને ફટાકડાથી બાળકોને દૂર રાખવા.

આગ લાગે ત્યારે રાખવાની સાવચેતી :

· આગના સ્થળે વીજળી પુરવઠો બંધ કરો, શક્ય તેટલા સલામત સ્થળે ખસીને તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કરી,આગ લાગી છે એ જગ્યાની વિગત અને સરનામું સ્વસ્થતાપૂર્વક જણાવી બોલાવો.

· આગ ઉપર કે નજીક જઇ કોઈ વસ્તુ બચાવવા પ્રયત્ન ના કરશો.

· બચાવવા આવેલ ફાયરમેન ની સૂચનાઑનું પૂરું પાલન કરો અને તેને પૂરો સહકાર આપો.

· બહુમાળી ઇમારતમાં આગ હોય તો તે વખતે લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરશો, ને ખોટી દોડધામ ન કરશો કે બિલ્ડીંગ પરથી કુદકા મારવા જેવુ વધુ નુક્સાનકારક કૃત્ય ન કરશો.

· જરૂર લાગે તો ફર્સ્ટ એઈડ સાધનોનો ઉપયોગ કરો અથવા આગથી વધુ દાઝેલા હોય તેમના પર કોઈ પણ જાતના જાતે અખતરા ન કરતાં તાત્કાલિક નજીકના દવાખાને પહોચાડવા.જરૂર પડ્યે 108ને ફોન કરી બોલાવી લેવું અને દર્દીને તતકાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવી.