Kudaratna lekha - jokha - 25 in Gujarati Fiction Stories by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 25

કુદરતના લેખા - જોખા - 25


આગળ જોયું કે મયુર અને સાગર તેમના બંને મિત્રો વિપુલ અને હેનીશને ગામડે જવા માટે બસ સ્ટેશન સુધી મુકવા જાય છે. પાછા વળતાં મયુર સાગરને કહે છે કે ચાલને આપણે કંઇક એવા પ્રયત્નો કરીએ કે આ સ્થળની દુરી જ ના આવે. જો સ્થળની દુરી જ નહિ આવે તો સબંધોમાં પણ દુરી નહિ જ આવે.
હવે આગળ........

* * * * * * * * * * * *

મયૂરને લાગણીશીલ થતો જોય સાગર પણ તેની વાતોમાં ભીંજાવા લાગ્યો. વિપુલ અને હેનીશ ભલે સંપર્કમાં ના રહે પણ હું તો તારા સંપર્કમાં જરૂર રહીશ. અને તે કહ્યુંને કે સ્થળની દુરી આવી જાય તો આપો આપ સબંધમાં દુરી આવી જાય. પરંતુ હું એ વાત ને નથી માનતો દોસ્ત. દિલમાં જેના પ્રત્યે સ્થાન હોય એ વ્યક્તિ કદાચ માઈલો દૂર પણ જતો રહેને તો પણ તેમના પ્રત્યેનો પ્રેમ ઓછો નથી થતો અને એ સ્થાન તે મારા દિલમાં જમાવેલું જ છે. તે કહ્યુંને કે આ સ્થળની દુરી આવે જ નહિ એવું કંઇક કરીએ તો એના માટે તો આપણે ચારોને એક જ કંપનીમાં નોકરી મળે તો જ શક્યતા છે કે આપણે સાથે રહી શકીએ. પરંતુ એની શક્યતા પણ નહીંવત છે કારણ કે તારી કાબેલિયત સામે અમારી કાબેલિયત ક્ષીણ છે. અમને તો કોઈ નોકરી પર રાખશે કે નહિ એ વિશે પણ શંકાશીલ છીએ. સાગરે શંકા વ્યક્ત કરતા મયૂરને કહ્યું.

નોકરી તો મળી જ જશે એની ચિંતા ના કર. હવે તો રિઝલ્ટ આવે તેની રાહ જોવાની છે. ત્યાં સુધી તો સાગર તું પપ્પાની દુકાને જ મદદરૂપ થઈશ કે કોઈ બીજું કામ કરીશ? મયુરે ગાડીને પોતાના ઘર પાસે પાર્ક કરતા કહ્યું.

હમણાં તો આરામ કરવો છે જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી. આમ પણ એકવાર નોકરીએ લાગી જઈશું પછી ક્યાં આટલી રજા મળવાની પણ છે. સાગરે ગાડીમાંથી નીચે ઉતરી મયુરના ઘર તરફ આગળ વધતા કહ્યું.

હા બેટા તું આરામ કરી લે પછી તો આરામ કરવો હશે તો પણ આપણા પર આવેલી જવાબદારી આપણને આરામ નહિ કરવા દે. દરવાજાનો લોક ખોલીને અંદર પ્રવેશતા મજાકના સ્વરમાં મયુરે કહ્યું.

તું શું કરીશ આટલા દિવસ? સાગરે પૂછ્યું.
બસ કંઈ નહિ, હું પણ આરામ જ કરીશ. સાગરની બાજુમાં બેસતા મયુરે કહ્યું. ચાલ તો હું હવે ઘરે જાવ! હું પણ ઘણા દિવસોથી ઘરે નથી ગયો. તારે કંઇ કામ હોય તો કહેજે હું આવી જઈશ અને હા પાછો તું કોઈ બીજા કામે ના વળગી જતો થોડો આરામ કરી લેજે. ચિંતાના સ્વરમાં સાગરે કહ્યું. ના ભાઈ મારે બીજું કંઈ કામ કરવું પણ નથી આરામ જ કરવો છે. તું ચિંતા ના કર મારે કંઇક કામ હશે તો હું તને બોલાવી લઈશ.

બંને મિત્રો ગળે મળે છે. બંને એકાબિજાને ખૂબ સારી રીતે સમજી શકતા હતા. મયૂરને તો કહેવું જ હતું કે તું અહિયાં જ રોકાઈ જા પરંતુ મયુર સમજતો હતો કે પરિવારથી વિખૂટાં થવાનું દર્દ કેટલું હોય છે માટે મયુર કંઈ કહી ના શક્યો. એની જગ્યા પર એટલું જ કહી શક્યો કે અહી આવતો રેજે. સાગરે પણ હકારાત્મક જવાબ આપતા કહ્યું કે હા ભાઈ હું તને હેરાન કરવા આવીશ જ એમાં તારા આમંત્રણ ની મારે જરૂર નહિ પડે. બંને આ વાત પર હસી પડ્યા. સાગર પોતાની ગાડીને શરૂ કરી પોતાના ઘર તરફ જવા નીકળી ગયો. જ્યાં સુધી સાગર દેખાતો હતો ત્યાં સુધી મયુરે તેની પીઠ તરફ જોતો રહ્યો. જ્યારે એ આકૃતિ અલિપ્ત થઈ ત્યારે મયુર ઘરમાં પાછો ફર્યો. આવીને પોતાના સોફા પર લંબાવે છે.

ઘરમાં પાછો ખાલીપો છવાઈ ગયો. અત્યાર સુધી મિત્રોના શોર બકોરથી ઘરના દરેક ખૂણામાં પરિવારની જૂની યાદો જે અદૃશ્ય થયેલી હતી એ આજે સફાળી બેઠી થઇ ને મયૂરને વિચલિત કરી રહી હતી. મયુર પણ એક એક યાદમાં દુઃખી થઈ રહ્યો હતો. મયુરના પિતા મયુરના આદર્શ હતા. મયુર તેમની અનકહી વાત પણ સમજી જતો. તેના પિતાના શબ્દો કાને અફલાયા કે બેટા ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની જાતને સંભાળવી જોઈએ જો તમે તમારી જાતને સંભાળી લેશો તો પરિસ્થિતિ આપોઆપ બદલાતી જશે. મયુર ક્યાં પોતાની જાત ને ક્યાં કંટ્રોલમાં રાખી શક્યો હતો! એ તો બસ દરેક વાતે દુઃખ અનુભવી રહ્યો હતો. અત્યાર સુધી તો મિત્રોના સાથના કારણે એ બધી યાદો પર કન્ટ્રોલ હતો પરંતુ જેવા મિત્રો છૂટા પડ્યા તરત જ એ જૂની યાદો મનોમસ્તિસ્ક પર હાવી થઈ ગઈ. મનોમન જ એવું નક્કી કર્યું કે હવે એ આ યાદોથી વિચલિત નહિ થાય. તેના પિતા એ કહેલ વાક્યને અનુસરશે. અચાનક જ એક નિર્ણય લીધો. એ નિર્ણયને એક વ્યક્તિને કહેવો જરૂરી લાગતા એક નંબર પર ફોન જોડ્યો.

મયુર :- હેલ્લો મીનાક્ષી, થોડા દિવસો માટે હું ગામડે જાવ છું. સામે છેડે ફોન ઊપડતા જ એકીશ્વાસે બીજી કોઈ પ્રસ્તાવના વગર મયુરે કહ્યું.

મીનાક્ષી :- કેમ, આમ અચાનક? આંચકા સાથે પૂછ્યું.

મયુર :- મને આ ઘર હવે કરડવા દોડે છે. અત્યાર સુધી મિત્રો સાથે હતા ત્યાં સુધી કંઈ વાંધો નહોતો પણ હવે......
ડૂમો બાજી ગયો આગળ ના બોલી શક્યો મયુર.

મીનાક્ષી :- અરે ખોટી ચિંતા ના કર હું તારી સાથે જ છું. હા થોડા દિવસો જઇ આવ ગામડે વાતાવરણ ફરશે એટલે તને પણ સારું લાગશે. ક્યારે નીકળીશ?

મયુર :- થોડી તૈયારી કરીને હમણાં નીકળું જ છું આતો તને જણાવવા માટે જ ફોન કર્યો. હું ગામડેથી આવીશ ત્યારે રૂબરૂ મળીશ.

ફોન મુક્યા પછી મયુરે થોડા દિવસ ત્યાં રહી શકાય એટલો સામાન એક બેગમાં ભરી નાખ્યો. એને સાગરને સાથે લઈ જવાની ઈચ્છા થઈ આવી પરંતુ અંદરથી એનું મન એ કરવા માટે ના પાડી રહ્યું હતું. કારણ કે સાગર આમ પણ ઘણા દિવસથી તેની સાથે જ હતો તેના પરિવારને હજુ સરખો મળ્યો પણ નહિ હોય ત્યાં પાછો હું તેને ગામડે લઈ જાવ. ના! એને પાછો એના પરિવારથી દૂર નથી લઈ જવો. એનો પરિવાર પણ એને ઝંખતો જ હશે ને! સારું હું એકલો જ જઈ આવું. મયુર મનોમન જ વાતો કરતો ઘરની બહાર નીકળે છે. ઘરને લોક મારી તેનો સામાન તેની ગાડીમાં મૂકે છે.

સવારનો ૧૦.૩૦ નો સમય થઈ રહ્યો હતો. શિયાળાનો મીઠો તડકો આખા અમદાવાદને શીતળતા બક્ષતો હતો. મયુર ટ્રાફિક ને ચીરતો અને આસપાસના દૃશ્યોને જોતો આગળ વધી રહ્યો હતો. મયુરે જોયું કે કોઈ પોતાની દુકાન ખોલી રહ્યું છે તો કોઈ ઇન્શર્ટ, ટાઈ અને ફોર્મલ કપડાં પહેરેલાં વ્યક્તિ પોતાની નોકરી પર જવા કંપનીની બસની રાહ જોતા એક સ્ટેશન પર ઊભા હતા. અમુક દુકાનોની આગળ ચાં ના રસિયાઓ ચાની રંગત માણી રહ્યા હતા. એક દુકાન આગળ એક છોટુ ચાઈ ગરમ ચાઈ ગરમ બોલી પોતાના ગ્રાહકોને આકર્ષિ રહ્યો હતો. અમુક પોતાના બિઝનેસ ના સ્થળ સુધી જલ્દી પહોંચવા પોતાની કારને ઓવરટેક કરી આગળ નીકળી જતા હતા. મયુરે આ બધી વ્યક્તિઓને જોતા એક વસ્તુ માર્ક કરી કે બધાના ચહેરા પર ના કળી શકાય તેવી એક ચિંતા વ્યાપેલી હતી. પોતે પણ આવી જ કોઈ નોકરી કરશે અથવા બિઝનેસ કરશે ત્યારે શું પોતાના પર આવો જ મુખવટો વ્યાપેલો હશે!? એ વિચારે જ મયુર હલબલી જતો.

મયુરે એક હોટેલમાં જમ્યા પછી જામખંભાળિયા તરફ ગાડી હાંકી મૂકી. તેના ચહેરા પર ઉત્સુકતા વ્યાપેલી હતી. ઉત્સુકતા કેમ ના હોય! ઘણા સમય પછી તેની જન્મભૂમિમાં જઈ રહ્યો હતો. જ્યાં તેનું નાનપણ વીત્યું હતું. તેને નાનપણના એક પછી એક બધા દૃશ્યો આંખો પાસેથી પસાર થતા હતા. તે રખડતો એ બધી ગલીઓ, પ્રાથમિક શાળા, પોતાનું ખેતર, ખેતરમાં ઉભેલા આંબાના ઝાડ, પોતે રહેતો હતો તે સાદું નળીયા વાળું મકાન જાણે એ બધી જ વસ્તુઓ મયૂરને પોતાની પાસે આવવા બોલાવી રહી હોય.

ક્રમશ:
પ્રમોદ સોલંકી

શું મયુર પરિવારની યાદો ભુલાવી શકશે?
શું મયુર તેમના પપ્પાએ કહેલું વચન નિભાવી શકાશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏

Rate & Review

Sejal Patel

Sejal Patel 22 hours ago

Heena Suchak

Heena Suchak 2 months ago

Jalpa Navnit Vaishnav
Yogesh Raval

Yogesh Raval 2 years ago

Jalpa

Jalpa 2 years ago