Solitude books and stories free download online pdf in Gujarati

એકાંતા

શાળા,કોલેજની પરીક્ષાઓમાં સિલેબસ નિર્ધારિત હોય છે. પણ જીવનની પરીક્ષાઓનું કોઈ સિલેબસ નથી હોતું. જીવનની પરીક્ષાઓમાં એક વખત નપાસ થવા પછી ભાગ્યે જ કોઈ પાસ થઈ શકે. પછી કોઈ શાસ્ત્ર, કોઈ ધર્મગ્રંથ, ઉપદેશ, પ્રાર્થના, બંદગી કંઈ જ કામ નથી આવતું. જીવનનું ગણિત ઊલટું છે, અહીંના સરવાળા, બાદબાકીઓ સમજવા સરળ નથી! મારા જીવનની પીડાઓ પણ એટલી જ છે. ઘણી વખત થાય, હું અભાગણ શુક્ર ગ્રહ છું. જેનો પડોશી સૂર્ય જેવો આકરો છે. તપ સહન કરવું બધાન બસમાં નથી હોતું. જીવન ઘણી વખત ધૂમકેતુની જેમ ભટકેલું લાગે છે. જેમ ધૂમકેતુ બ્રહ્માંડમાં ભમ્યાં કરે છે તેમ હું ઘરથી કચેરી, કચેરીથી ઘર વચ્ચે ભમ્યાં કરું છું. મારી ખુશીઓ પણ હેલીના ધૂમકેતુ જેવી છે. હેલીનો ધૂમકેતુ ભલે 76 વર્ષમાં એક વખત દેખાય છે. મારી ખુશીઓ તો મને એક પણ વખત દેખાતી નથી! જાણે મારા જીવનમાં ખુશીઓના અક્ષાંસ-રેખાંસ ભૂસાય જ ગયા છે. હું એટલે જ દિશા હીન છું. ખુશીઓથી ક્ષણભંગુર છું. જીવનમાં પીડાઓ, યાતનાઓ, દુઃખોની વેલીડિટી અનલિમિટેડ હોય છે. જેની જીવતી જાગતી ઉદાહરણ હું છું. મારી ખુશીઓ રાતો રાત ગાયબ થઈ ગઈ. રાતોરાત મારી લાઈફ ચેન્જ થઈ ગઈ. રાતોરાત મારા જીવની નવલકથામાં એવા એવા વણાંક આવ્યા જે હું સહન નથી કરી શકતી. ભગવાનને મારી એક જ પ્રાર્થના છે. હવે જીવનમાં કોઈ ટ્વીસ્ટ નથી જોઈતા. હવે એક સરળ જીવન સિવાય મારી કોઈ જ અપેક્ષાઓ નથી. ખેર એ શક્ય નથી. કારણ મને ખબર છે.

*

એકાંતા! હું એકાંતા છું અને એક પરિણિતા છું. પરિણીતા મારું ભાગ્ય છે. એકાંતા મારી મનોસ્થિતિ, મારુ નામ છે. મારા સહકર્મીઓ મારી પીઠ પાછળ મને મુગ્ધા,નવોઢા કહીને બોલાવે છે. હું આ શબ્દોના અર્થ નથી જાણતી એવું નથી! હું જાણું છું. બધું જ જાણું છું. એ શબ્દોને પણ હવે હું સમજતી થઈ ગઈ જે સ્ત્રીના અંગોને લઈને નીકળે છે. જેને આધુનિક ભાષામાં ગાળ કહે છે. હું મારી ઓફિસના ચપરાશીથી લઈને ઓફિસર સુધીના બધા જ માણસને ઓળખી ગઈ છું. સૂટબુટ પાછળ બધા નગ્ન છે. અહીં રહેવું મારી મજબૂરી છે. અહીંથી જેટલું મળે છે, તેમાંથી ત્રણ ભાગનું તો મારો પતિ મહેશ શરાબ પી જાય છે. મેં છેલ્લા પાંચ વર્ષથી કોઈ સારું કપડું નથી જોયું! મારી ઘણી સાડીઓમાં વિચિત્ર કાણાઓ પડી ગયા છે. શું કરું? ફક્ત ત્રીસ વર્ષની ઉંમરમાં હું જાણે વૃદ્ધ બની ગઈ છું. મારી જવાબદારીઓએ મને વૃદ્ધ બનવા મજબૂર કરી છે. સુંદરતાની પરિભાષા મને હવે સમજાઈ રહી છે. કદાચ મોટાભાગની સુંદર સ્ત્રીઓ તેની સુંદરતા એટલે ટકાવી શકી હશે કારણકે તેના જીવનમાં કોઈ પીડાઓ નહી હોય! હું આ વાત દાવા સાથે ન કરી શકું, કેમ કે મને એ વિષયનો અનુભવ નથી. ન હું એ વિષય પર પી.એચ.ડી કરી રહી છું. મારી આંખો નીચે કાળા કુંડાળાઓ પડી ગયા છે. હું બીમાર હોઉં એવું લાગે છે. આ ઢસરડાઓએ મને ખરેખર ચુંસી લીધી છે. એક નકામો, નિઠલ્લો પતિ જે મારા જ પૈસાથી મજા કરે છે, ફરે છે, ઐયાસીઓ કરે છે. હું સરકારી નોકર હોવા છતાં પાઈ પાઈ બચાવવાનો પ્રયત્ન કરું છું. જેટલું બંને તેટલું પગે ચાલુ છું. થાકી જવાય છે, તુટી જવાય છે, હારી જવાય છે. કચેરીમાં રોજ કેવા કેવા લોકો ભટકાતા હોય છે. જે ફક્ત ને ફક્ત મહિલા કર્મચારી તરીકે મને જોઈને મારી સાથે ટાઈમપાસ કરવા માટે આવે છે. મારી પાસે મોટા ભાગના લોકો પણ, ટાઈમપાસ માટે જ આવે છે. હું અહીંના લોકો, અહીંના કર્મચારીઓ માટે બસ ફક્ત એક ટાઈમપાસ બની રહું છું. મારા સિવાય ઓફિસ ની બીજી લેડીસ મારાથી ઉંમરમાં બમણી મોટી છે. આ કચેરીમાં મારુ યુવાન હોવું એ ગુનો છે. મારુ અહીં કંઈ જ અંગત નથી! હું અહીં જાહેર છું, જાહેર મજાક, જાહેર પ્રોપટી, જાહેર રમકડું! એવું નથી કે હું આ લોકોનો સામનો કરી શકવા સક્ષમ નથી. હવે લડવાની મારામાં હિંમત રહી નથી. મને યાદ છે કોલેજની એ ઘટના, એક લોફર રોજ બાઇક લઈને મારી પાછળ આવતો. મહીનાઓ સુધી આવું ચાલતું રહ્યું. એક દિવસે તે તમામ હદ વટાવી છેક કોલેજની અંદર આવી ગયો. મારી સામે આવીને ઊભો રહી ગયો. પછી શું? મેં એને કોલેજમાં જ જાહેરમાં માર્યો હતો. લાફાઓ, મુકાઓ, લાતો. ત્યારે મને મહેશનો આશરો હતો, સપોર્ટ હતો. કંઈ પણ થશે મહેશ છે ને, મહેશે ઊભો છે ને. બસ મહેશ...મહેશ....મહેશ....હવે એ મહેશ જ જાણે મારો નથી પણ કોઈ બીજો મહેશ લાગે છે.

મહેશ અને મારા લવ મેરેજ થયાં હતા. હું એક અનાથ આશ્રમમાં મોટી થઈ છું. મારા માતા-પિતા કોણ છે, તે હું નથી જાણતી. હું મહેશ અને ઉદયન કોલેજમાં સાથે હતા. મહેશ અને ઉદયન ભણવામાં ખૂબહોશિયાર છોકરાઓ હતા. બંને કોલેજની દરેક એક્ટીવીટીમાં અવલ રહેતા હતા. બંને દેખાવડા પુરુષ હતા, તેની કદકાઠી, તેનું કસરતી શરીર જોઈને કોલેજની કોઈ પણ યુવતી સંમોહિત થઈ જાય તેવું હતું. દેખાવડા હોય એટલું પૂરતું નથી! તેની હોશિયારી, તેની આવડત, શબ્દોની સાથે તેની ગમત, તેની બોલવાની રીત કોઈને પણ સંમોહિત કરી દે તેવું હતું. મહેશ અને ઉદયનની આસપાસ જેમ મીઠાઈ પર માખી મંડરાય, તેમ કોલેજમાં છોકરીઓ તેની આગળ પાછળ ફરતી હતી. છોકરીઓ બહાના કાઢી-કાઢી ને મહેશ અને ઉદયન સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતી. કોલજેની યુવતીઓ તો ઠીક, સારી સારી પ્રોફેસર પણ તેની આગળ પાછળ થતી. તે એવા તેજસ્વી યુવાનો હતા. બધાના દિવાના એ મારા દિવાના હતા. મહેશ મારી અવાજ પાછળ પાગલ હતો. ઉદયન ક્યારે કહેતો નહીં કે હું એને ગમું છું. મારા સંગીતના ખાલી ક્લાસમાં તેઓ કલાકો સુધી બેસીને મને સાંભળ્યા કરતા હતા. હું એક એવા અદભુત પુરુષને પરણીશ જે મને પ્રેમ કરશે, એ મને ક્યારેય દુઃખી નહીં જોઈ શકે, જે મને ક્યારે પણ તકલીફમાં ન જોઈ શકે. એક તરફ સ્વાભિમાની, ઈમાનદાર મહેશ મને પસંદ કરે છે, તે વાત જાણીને હું પાગલ થઈ ગઈ હતી. મારા શરીરમાં સરવરાટ થતો હતો, મને ગુદગુદી થઈ રહી હતી. બીજી તરફ ઓછા બોલો, અદભુત લેખક, વક્તા, દૂરદર્શી, મહેનતુ ઉદયન મને પ્રેમ કરે છે. હું એક સાથે બંનેના સપનાઓ જોતી હતી. હું જાણતી હતી કે હું બેમાંથી કોઈ એકની સાથે જ લગ્ન કરી શકીશ! કોણ મને પ્રપોઝ કરશે, કોણ મને રિજવશે એ વિચારી વિચારીને મને ગુદગુદી થતી હતી. મહેશે મને પ્રપોઝ કરી,જ્યારે મહેશે મને પ્રપોઝ કરી ત્યારે મારી દુનિયા જ બદલાઈ ગઈ. તેણે આ અમદાવાદ શહેર બતાવ્યું, આ શહેરના દરેક ખૂણા સાથે અમારી યાદો જોડાયેલી હશે. રિવરફ્રન્ટથી લઈને સિનેમા ઘરો કઈ પણ જોવાનું બાકી નથી રાખ્યું. ખૂબ ખાધું છે, પીધું છે, તેની વાતો સાથેની રખડપટીની મજા જ કંઇક અલગ હતી. તે ક્યારેક મારો માર્ગદર્શન બની જતો, ક્યારેક મારો ગાઈડ બની જતો, ક્યારેક તે પાગલો જેવી બેબુનિયાદ વાતો કરતો. ક્યારેક જાણે કોઈ તપસ્વી હોય તેવું લાગતું. અમે કોલેજમાં હતા, અને પરણી ગયા હતા! અમે ઉદયપુર, આબુ, માથેરાન જેવી જગ્યાએ એકલા ફરી આવ્યા હતા. મને આજે પણ યાદ છે, ઉદયપુરના સજ્જનગઢ મહેલ પર અમે બેઠા હતા, વરસાદ વરસી રહ્યો હતો. ઉદયપુર શહેર એકદમ આછું દેખાઈ રહ્યું હતું. ફતેહસાગરથી ઉદયપુર અને ઉદયપુરની પાછળ અરવલ્લીની પર્વતમાળામાં અમારું ભાવી ઘર બનાવવના સપનાઓ જોઈ રહ્યા હતા. હું જાણું છું કે એ એક દિવાસ્વપ્ન હતું. જે ક્યારે પણ પૂરું ન થઈ શકે! તેમ છતાં એ સપનાનાં આધારે એ તો ચોક્કસ નક્કી કરી શકાય કે મારું ભવિષ્ય મહેશ સાથે ઉજ્જવળ છે. તે મને દુઃખી ન જોઈ શકે, કે ન કરી શકે.

ક્રમશ....


અન્ય નવલકથા

મનસ્વી,

લોન્ગ ડિસ્ટન્સ

અ પરફેક્ટ બોયફ્રેન્ડ

પુનઃમિલન

પિશાચણી


સંપર્ક-૭૬૦૦૦૩૦૩૭૯