Long distance books and stories free download online pdf in Gujarati

લોન્ગ ડિસ્ટન્સ

પ્રસ્તાવના

મનસ્વીને ભવ્ય સફળતા મળી. વાંચકોનો ઉત્સાહ અને ટિપ્પણીઓએ મને સતત સારું લખવામાં મદદ કરી. ખુશીની વાત એ છે કે મનસ્વી પુસ્તકનું આકાર લઈ રહી છે. મનસ્વીની ઈ-બુક રૂપે ભવ્ય સફળતા પછી પુસ્તકને પણ તમે આવકારી લેશો તેવી આશા છે. "લોન્ગ ડિસ્ટન્સ" એક ડોક્ટરની વાત છે. તેની લાગણીઓની વાત છે. તેના અનુભવો, ઈચ્છાઓ,મિત્રતા, સબંધ જેમાં ડિસ્ટન્સ એટલે જ આ નવલકથા!

- અલ્પેશ બારોટ




પ્રકરણ-૧ લોન્ગ ડિસ્ટન્સ

દરવાજો ખુલ્યો, ઓરડામાં ઉજાસ ભરાઈ ગયો. બહાર વરસાદી પવન હતો. હું બાલ્કનીમાં આવી ઊભી રહી. વરસાદી નાની બુંદો ચહેરા પર પડી રહી હતી. રાતની તુટક ઊંઘના કારણે માથું ફાટી રહ્યું હતું. મેં હવામાં હાથ ફેલાવી બગાસું ખાધું! મમ્મીએ મને આવી રીતે ઊઠીને બાલ્કનીમાં બગાસાઓ ખાવાની , અંગળાઈઓ લેવાની ના કરી હતી. એ મને કહેતી આ તારુ બરોડા નથી. 'તારું બરોડા' શબ્દ સાંભળી મારાથી હસાઈ જતું. ચશ્મા વગર મને હમીરસર ધુંધળો લાગતો. મેં એક લાબું મોટું બગાસું ખાધું! મારી નજર બારીમાં બેઠેલાં બે કબૂતર પર ગઈ. મારા આ બહુમાળી ઘરની બારીમાં તે જોડું વરસાદથી બચવા બેઠું હતું. કબૂતરી કબૂતરમાં ભરાઈ ગઈ હતી. આ વરસાદી પવનમાં એને ટાઢ લાગી રહી હશે? હું તેને જોઈ રહી. તે બંને પ્રેમ કરી રહ્યા હતા. મને કૌસ્તુભની યાદ આવી ગઈ. વરસાદનો જોર વધ્યો. કબૂતર જ્યાં ભરાઈને બેઠા હતા ત્યાં હવે વરસાદના મોટા ફોરાંઓ પડી રહ્યા હતા. કબૂતર પાંખ ફફડાવતો ઊડી ગયો. કબૂતરી બારીમાં ભરાઈ રહી. તેની પાંખો ભીંજાઈ ચુકી હતી. તે ઊડવામાં અસમર્થ હતી. તે ધ્રુજી રહી હતી. મને તેની પર દયા આવી. મેં તેને પકડવાની કોશિશ કરી. તે ડરીને કૂદી ગઈ. નીચે તેની રાહ જોઈને બેઠેલા કૂતરાએ તેને મોઢામાં દબોચી, સામેની ગલીમાં અદ્રશ્ય થઈ ગયો.

સવાર ખરાબ રહી. મારી સામે એક જીવ ગયો. કાશ હું તેને બચાવી શકી હોત. મને આજે નાસ્તો કરવાનો મૂડ નોહતો. નીચે જવાની પણ બિલકુલ ઈચ્છા ન હતી. હું મારી લાકડાની ખુરશી પર બેઠી. કોફી આવી ગઈ હતી. મમ્મીએ આજે મારા માટે એકદમ સ્ટ્રોંગ કોફી બનાવી હતી. ઉપરથી છાંટેલા તજની સુગંધ નસકોરામાં ભરાઈ ગઈ. મેં ઊંડો શ્વાસ લીધો. હોસ્પિટલ જવામાં હજુ વાર હતી. ટેબલ પર એનાટોમી સાથે અન્ય મેડિકલ અભ્યાસની કિતાબો ગોઠવેલી હતી. એક કિતાબ પવનમાં નીચે પડી પક્ષીની જેમ ક્ષણ એકવાર માટે તેની પાંખ ફૂટી, શાંત થઈ ગઈ. મેં તેને ઉઠાવી તે નવલકથા હતી. "રોમા" જેના લેખક ચંદ્રકાંત બક્ષી હતા. મને યાદ આવ્યું! તે મને ભણેશ્રીએ આપી હતી. તે મેડિકલની પુસ્તકો વાંચી કંટાળતી તો નવલકથાઓ વાંચતી! એણે મને આ નવલકથા આપી હતી. કહ્યું હતું તું વાંચજે, પણ મેં વાંચી નથી. હવે વાંચીશ!

મનમાં દરિયા જેવી ભરતી હતી. વિચારો પવન સાથે મોજાઓ બની કિનારા સુધી આવી તૂટી જતા હતા. મોજાઓના તુટવાનો અવાજ સાંભળવાની હવે આદત પડી ગઈ હતી. મેજ પર મારો ફોન પડ્યો હતો. રાતના ડેટા ઓન રહી ગયો હતો. ઘણા બધા નોટિફિકેશન સ્ક્રીન પર દેખાઈ રહ્યા હતા. મેં ઓપન ન કર્યા! મને કૌસ્તુભ સાથેની ચેટ ફરી યાદ આવી ગઈ. વરસાદ હજુ ચાલુ હતો. હવે વરસાદ જામ્યો હતો. મને બરોડાનો વરસાદ યાદ આવી જતો. જ્યારે જ્યારે વરસાદ આવતો ત્યારે ત્યારે અમે ચારે જણી બંક મારતી. અમે વરસાદમાં ભીંજાતા ભીંજાતા લગભગ નવ કિલોમીટર ચાલી છેક બરોડાના રેલવે સ્ટેશન સુધી જતા! અમને ત્યાંના ભજીયાં બહુ ભાવતાં! હું વિચારતી વિચારતી જ દાદરા ઊતરી.

"મોનલ...તારો ટિફિન પેક કરી દીધો છે."
"હમ્મ"
મોબાઈલમાં જ ડોકિયું હતું.
દેશ-દુનિયામાં શું ચાલી રહ્યું છે તે જાણ્યા વગર મને ચેન ન પડે! મોબાઈલમાં ન્યુઝની એપ મને જોઈએ જ.

"બહાર વરસાદ છે. તારા પપ્પા તને મુકવા આવે?"
"ના મમ્મી! મેં કેબ બુક કરી છે."
મેં મમ્મી સામે જોયું તેનો ચેહરા પરની રેખાઓ જોઈને લાગતું હતું તેને મારા આ નિર્ણયથી અણગમો હતો.

"વી.આઈ.પી...હુંહ !"
"પપ્પા! મમ્મીને સમજાવો સવાર સવારમાં દિવસ ન બગાડે!"
પપ્પાએ ન્યૂઝપેપરમાંથી મોઢું ઊંચું કરી
"તમારી સાપ નોળીયાની લડાઈમાં મને ઇન્વોલ્વ ન કરો તો સારું !"
"કોણ સાપ? " મમ્મીએ પપ્પા પર રીતસરની રાડ કરી.

કેબનો હોર્ન વાગ્યો.. હું દોડી બહાર નીકળી ગઈ.

"તારો ટિફિન તો લઈ જા...."
"અરે યાર" હું બબડતી
ફરીને છેક કારના દરવાજેથી ઘરમાં પાછી આવી.
" કોણ સાપ?"
"મમ્મી પ્લીઝ યાર..!"

હું કારમાં બેઠી. ઘરમાંથી મમ્મીનો અવાજ આવી રહ્યો હતો. મેં કાંચ ચડાવી લીધો! કારમાં વિચિત્ર શાંતિ હતી. મને ગમી! ડ્રાઈવરે ઘરની આગળથી યુ-ટર્ન લઇ કાર હમીરસર તળાવ રોડ પર લીધી! મેં તેનો ચહેરો વચ્ચેના અરીસામાંથી જોયો. લાગે છે આ પણ પત્ની કે ગર્લફ્રેંડ સાથે ઝઘડીને આવ્યો છે! હું બારી બહાર જોઈ રહી હતી. બહાર બધું જ ધુંધળૂ દેખાઈ રહ્યું હતું. હમીરસરમાં નવું પાણી આવ્યું હતું! આકાશમાં કાળા ડિબાંગ વાદળો મંડરાઈ રહ્યા હતા. વીજળીના કડાકાઓ સાથે ગાજણ થઈ રહી હતી. કારે વળાંક લીધો! પાવડીમામાના મંદિરથી અમે પરેશ્વરચોકથી હમીરસર સર્કલ પોહચ્યા! જૂની કિલ્લાની દિવાલ હું જોતી રહી! જ્યારે હમીરસર ઓગનતો ત્યારે બાળપણમાં પપ્પા મને અહીં લઈ આવતા હતા. અહીં મકાઈના ડોડા ખાવાની બહુ મજા આવતી. મકાઈના ડોડાને શેકી તેની પર લીંબુ, મરચાનો છંટકાવ કરીને ખાવામાં આહાહાહાહા અદ્ભુત મજા આવતી. મેં મકાઈવાળાની સાઇકલ જોઈ, મોઢામાં પાણી આવી ગયું. હું એ બુઢ્ઢા કાકાને જોતી રહી! કાર આગળ વધી ગઈ. થોડી આગળ કચ્છ મ્યુઝિયમ પણ આવ્યું! કાર બહુમાળી ભવન રોડ ચડી. કેટલીક નવી દુકાનો બની ગઈ હતી. સ્વામિનારાયણ મંદિર,બહુમાળી ભવનથી આગળ કોર્ટ તરફથી ટર્ન લઇને કાર જ્યુબિલિ પોહચી. કેટલો સરસ વરસાદ છે! કાશ આ વરસાદમાં હું બરોડા હોત! માંહી, દિશા, અંકિતા મારી સાથે હોત. કેવી મજા પડત! મસ્ત નાતા નાતા બરોડાની ગલીઓમાં ફરવાનું, ભજીયાં ખાવાના, મજાની લાઈફ.

મેં અંકિતાને કોલ મળાવ્યો! ઘણા દિવસથી વાત થઈ ન હતી. મારે અંકિતા સાથે કેટલીય વાતો કરવી હતી. અંકિતા જાણે મારો પતિ હોય એમ કાળજી રાખતી. મારા જીવનમાં ચાલતી તમામ ઘટનાઓ હું એને કહું, એના ખોળામાં રડી લઉં. આજકલ તે સુરત શહેરમાં વ્યસ્ત છે.

રિંગ વાગી...." અંકુ...અંકુ કોલ ઉપાડ.. સાલી ભણેશ્રી.." હું મનમાં બબડી! ફોન ન ઊપડ્યો, મેં ફરી કર્યો!

"હૈ...હાય...મોના ડાર્લિંગ..! કેમ આજે મને યાદ કરી?"
"બે હોશિયારી નહિ માર! રોજ કોલ કરું છું એન્ડ તું હાંફે કેમ છે?"
"અરે યાર શું કહું!? રોજની જેમ આજે પણ હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ ગયું. ચાલ હું તને પછી ફોન કરું. કંઈ કામ હતું?"

"ના હવે બસ એમ જ"

"ઓકે બાય! મળીએ!"

"હા મળીએ"

હોસ્પિટલ આવી ગઈ હતી. તે કંઈ જ બોલ્યા વગર તેની કેબિનમાં જતી રહી! તેનું એપ્રોન કાઢ્યું.
સ્ટેથોસ્કોપ ગળે પહેરી ચેર પર બેસી ગઈ. ટેબલ પર પાણીની બોટેલ, એક ફાઇલ પડી હતી. તે નામ વાંચી ગઈ.
રિસેપ્શનિસ્ટ આવી!

"મેમ... ત્રણ પેશન્ટ છે."
"કોઈ ઇમરજન્સી?"
"નહિ!"
"ઓકે દસ મિનિટ પછી મોકલો. હું જોઈ લઉં છું."

બારીનો પરદો ખુલ્યો. વરસાદ ચાલુ હતો. દસ વાગ્યા હતા. તેમ છતાં અંધારું હતું. ઈશાન ખૂણે વીજળી થઈ રહી હતી. ભુજિયો ડુંગર હવે ઘાટો ભૂખરો લાગતો હતો.વીજળી થઈ. વીજળીના કડાકાઓ બહુ નઝદીકથી સંભળાઈ રહ્યા હતા. આજે જિંદગીમાં પણ ઘણું ખોયું હતું, ઘણું પાછળ રહી ગયું હતું, ઘણું છૂટી ગયું હતું. આજે દિલ ખોલીને રડવું હતું. દિલ ખોલી પ્રેમ કરી શકાય તો રડી કેમ ન શકાય? ખેર! મનની ઊંડાઈએ ઘણું દફન હતું. ઘણું દફન થઈ ગયું હતું. નવો વિચાર જન્મતો હતો, મરતો હતો. થાકી ગઈ હતી. મેજ પર ગોઠવેલાં કેલેન્ડર માં જોયું લાલ રંગની રજાઓ...હું જોઈ રહી! થાકી ગઈ છું. આ બધાથી...બસ હવે જીવનમાં દિવસો ખૂટે છે. મેં બેલ મારી અને એક પેશન્ટ અંદર આવ્યું.

ક્રમશ


અન્ય નવલકથાઓ


મનસ્વી,

એકાંતા,

અ પરફેક્ટ બોયફ્રેન્ડ

પુનઃમિલન

પિશાચણી


સંપર્ક-૭૬૦૦૦૩૦૩૭૯