THE CURSED TREASURE - 36 - last part books and stories free download online pdf in Gujarati

શ્રાપિત ખજાનો - 36 - અંતિમ પ્રકરણ

પ્રકરણ - 36

"નો...." રેશ્માના મોઢામાંથી રાડ નીકળી ગઇ. દિવાલ માંથી છૂટા પડેલા એક મોટા પથ્થરે એમનો બહાર નીળવાનો આખરી રસ્તો બંધ કરી દીધો હતો. રેશ્મા વિક્રમને ભેટીને રડવા લાગી. વિક્રમ પણ ભાવુક થઇ ગયો હતો. એક તો રાજીવ મરી ગયો અને હવે એમનો બહાર નીકળવાનો રસ્તો પણ બંધ થઇ ગયો હતો. વિજય પણ દુઃખી થઇ ગયો હતો. એ અહીંયા મરવા માંગતો ન હતો.

"આ બધું તારી લીધે થયું છે વિક્રમ." વિજયે ગુસ્સામાં કહ્યું. "આપણે અહીંયા પાછા આવવાની જરૂર જ ન હતી. દુનિયાને આ અર્ધજીવીઓથી બચાવવાના ચક્કરમાં આપણે જ અહીંયા ફસાઇ ગયા."

"આઇ એમ સોરી." વિક્રમે ધીમાં અવાજે કહ્યું.

"આ સમય આ બધી વ્યર્થ વાતો કરવાનો નથી." રેશ્માએ કહ્યું, "હવે એ વિચારો આગળ શું કરીશું."

"બહાર જવાનો બીજો કોઈ રસ્તો નથી. આ દિવાલ એટલી ઊંચી છે કે આપણે બીજી બાજુ ઠેકડો પણ ન મારી શકીએ. અને આપણી પાસે એટલી લાંબી રસ્સી પણ નથી. હવે આપણે આ શહેરમાં જ આ અર્ધજીવીઓની વચ્ચે મરવાના છીએ. હું મરી જઇશ પણ અર્ધજીવી નહીં બનું." વિજયે માયુસ અવાજે કહ્યું.

"મારા ખ્યાલથી આપણે મહેલમાં ચાલ્યા જવું જોઇએ." રેશ્માએ કહ્યું.

"તારી વાત સાચી છે." વિજયે કહ્યું, "ત્યાં જઇને પણ આપણે મરવાના તો છીએ જ. પણ એટલિસ્ટ અર્ધજીવીઓ સામે રક્ષણ મળશે."

ફરી અર્ધજીવીઓથી બચતા બચાવતા અને કેટલાકને મારીને એ લોકો મહેલમાં આવી ગયા. આવીને સીધા રાજ સભામાં આવ્યા. ધનંજય, દર્શ, રાજા જયવર્ધન, રાજીવનો એક માણસ અને બે અર્ધજીવીઓની લાશો હજુ પણ ત્યાં જ પડી હતી. હવે એમની સાથે બીજી ત્રણ લાશો પણ સમયના અંત સુધી આ જ ખંડમાં પડી રહેશે, વિક્રમે વિચાર્યું.

વિક્રમ અને રેશ્મા બંને એક સોનાના આસન પાસે હાથમાં હાથ નાખીને બેઠા હતા. વિજય થોડો અલગ બેઠો હતો. બધાના ચહેરા પર એક જ સરખા ભાવ હતા. અહીં બેસીને મોતની રાહ જોવાની હતી. વિજયને ખૂબ જ દુઃખ થયું હતું. એના પિતાની લાશ એની સામે જ પડી હતી. અને હવે એ પોતે પણ અહીં જ રહેવાનો છે. જો એક વાર એણે હિંમત કરીને એના પપ્પા સામે અવાજ ઉઠાવ્યો હોત તો આજે સંપૂર્ણ પરિસ્થિતિ કંઇક અલગ હોત. માણસ જ્યારે મરવા આવે ત્યારે જ એને બધી ભૂલો યાદ આવતી હોય છે.

રેશ્માની હાલત એનાથી પણ વધુ ખરાબ હતી. એ પોતે પોતાની બીમારીનો ઇલાજ મેળવવા માટે સંબલગઢની શોધ કરવા નીકળી હતી. એનું પરિણામ હવે એની સાથે સાથે વિક્રમને પણ ભોગવવું પડશે. જો એણે સમયસર વિક્રમને બધી વાતો જણાવી દીધી હોત તો કદાચ પરિણામ કંઇક બીજું આવત.

વિક્રમને જરાપણ સમજમાં આવતું ન હતું કે હવે શું કરવું. એના મનમાં એના પિતાને લઇને ઘણા પ્રશ્નો હતા જેનો જવાબ એને હવે ક્યારેય નહીં મળે. જ્યારથી એણે આ મનહુસ શ્રાપિત ખજાનો શોધવાની શરૂઆત કરી હતી ત્યારથી બસ એની સાથે ખરાબ જ થતું આવ્યું હતું. જ્યારે પહેલીવાર એ સંબલગઢના ખજાનાની શોધ કરવા નીકળ્યો ત્યારે એની પાછળ એની માતાનું અવસાન થઇ ગયું. અને એના પપ્પા પણ સંબલગઢ સાથે જોડાયેલા હતા. શું ખબર કદાચ સંબલગઢના રહસ્યને લીધે જ કોઇએ એમની હત્યા કરી હોય તો.... અને હવે એની રેશ્મા પણ આ જ ખજાનાને લીધે અહીં આવી હતી. અને હવે એ બંને મરવાના હતા. વિક્રમે વિચાર્યું, "આ શ્રાપિત ખજાનાએ એક એક કરીને મારા બધા પ્રિયજનોને મારાથી દૂર કરી દીધા."

"આઇ એમ વેરી વિક્રમ." રેશ્માએ પ્રેમાળ અને ખેદ ભર્યા અવાજે કહ્યું, "જો મે સંબલગઢ શોધવાની જીદ ન પકડી હોત તો આપણે બધા જીવતા હોત."

"આમાં તારો જરાય વાંક નથી રેશ્મા," વિક્રમે કહ્યું. "તને થોડી ખબર હતી કે આ શહેરમાં આવી બધી ઘટનાઓ બની જશે."

"વિક્રમની વાત સાચી છે રેશ્મા," વિજયે કહ્યું, "એવી જ રીતે વિક્રમને પણ ખબર ન હતી કે બોમ્બને લીધે દિવાલ તૂટીને સુરંગ વાળા મકાન પર પડી જશે. આઇ એમ સોરી વિક્રમ."

"પ્લીઝ આ સોરી બોલવાનું રહેવા દો."

"અહીંયા જો.." વિજયે સિંહાસન તરફ નજર કરીને કહ્યું, "આ રાજમહેલમાં કેટલું બધુ સોનું છે. સોનાના સિંહાસનો છે. હીરા મોતી છે. પણ બધા જ આપણા માટે કંઇ કિંમતના નથી.."

અચાનક વિક્રમને એક વિચાર સુઝ્યો. એના ચહેરા પર મોટી સ્માઇલ પથરાઇ ગઇ. એણે તરત જ રેશ્મા અને વિજયને કહ્યું, "દોસ્તો... કદાચ એક રસ્તો છે બહાર નીકળવાનો."

"ક્યો રસ્તો?" બંનેએ પુછ્યું.

"આપણે અત્યારે એક રાજમહેલમાં છીએ રાઇટ? અને તમે બંને ઇતિહાસ જાણો છો કે પ્રાચીન કાળમાં બે રાજાઓ વચ્ચે અવારનવાર યુદ્ધ થતાં રહેતા હતા. એ યુદ્ધના સમયે દરેક રાજા ભાગવા માટે એક બેકઅપ પ્લાન રાખતો હતો."

"વિક્રમ તું કહેવા શું માંગે છે?" રેશ્માએ પુછ્યું.

"હું એમ કહેવા માંગુ છું કે દરેક મહેલમાં એક એવો ગુપ્ત રસ્તો હોય છે જે મહેલની અને શહેરની બહાર જતો હોય છે. જે યુદ્ધ દરમિયાન જ્યારે એવું લાગે કે હવે જીતવાના નથી રાજ પરિવારના સભ્યો અને ખાસ કરીને રાજ પરિવારની મહિલાઓ એ ગુપ્ત રસ્તાનો ઉપયોગ કરીને સુરક્ષિત નીકળી જતા હોય છે. તો એવો એક રસ્તો આ મહેલમાં પણ હોવો જોઇએ."

રેશ્મા અને વિજયે એકબીજા સામે જોયું. બંનેના ચહેરા પર એક પહોળું સ્મિત પથરાઇ ગયું. એ બંને એક સાથે વિક્રમને ભેટી પડ્યા. આવો ફર્સ્ટ ક્લાસ આઇડિયા શોધીને વિક્રમે કમાલ કરી દીધી હતી. હવે એક આશા જન્મી હતી કે એ લોકો આ મનહુસ શહેરમાંથી જીવતા બહાર નીકળી શકશે.

"પણ આપણે એ કરીશું કેવી રીતે?" વિજયે પુછ્યું, "એવો કોઇ ગુપ્ત રસ્તો ગુપ્ત જગ્યાએ છુપાએલો હશે. એને શોધવો એટલે લોઢાના ચણા ચાવવા જેવું અધરું થઇ પડશે."

"આપણી પાસે બીજો કોઇ ઓપ્શન પણ નથી વિજય." રેશ્માએ કહ્યું, "અને આમેય એ સ્વિચ ક્યાંય ખુલ્લામાં નહીં હોય. કાં તો એ કોઇ એક રૂમમાં હશે અથવા તો કોઇ કોરીડોરમાં હશે."

વિક્રમે જોશ બતાવતા કહ્યુ, "તો ચાલો આખો મહેલ ખુંદી વળીએ. આપણી પાસે બીજું કામ પણ શું છે." એમ કહીને એ લોકો નીકળી પડ્યા.

લગભગ આઠ કલાક સુધી સખત મહેનત કરીને એમણે આખો મહેલ ફંફોળી નાખ્યો. બધી જ ગુપ્ત દેખાય એવી સ્વિચો, બધી મૂર્તિઓ, બધી જ દિવાલો. પણ કંઇ ન મળ્યું. હવે મહેલના પશ્ચિમી ભાગમાં આ એક લાસ્ટ રૂમ બાકી હતો.

વિક્રમ અને રેશ્મા બંને દિવાલો પર હાથ ઠપકારીને ચેક કરી રહ્યા હતાં કે દિવાલ પાછળ કોઇ રસ્તો છે કે નહી. જ્યારે વિજય મૂર્તિઓ અને બીજું બધું ચેક કરી રહ્યો હતો.

થોડો થાક લાગ્યો હોવાથી વિજય એક સ્ત્રીની સુંદર મૂર્તિને પકડીને થાક ખાવા ઉભો રહ્યો. એ મૂર્તિ એના જેટલી જ ઉંચી હતી. જેવી એણે મૂર્તિ પકડી કે તરત જ એ મૂર્તિ આગળ તરફ ખસી ગઇ. વિજય પડતાં પડતાં રહી ગયો. એ સાથે જ એક મોટા અવાજ સાથે સામેની દિવાલ ખસી ગઇ. અને એક રસ્તો દેખાયો. વિક્રમ અને રેશ્મા બંને વિજય પાસે આવી ગયા. ત્રણેયની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. એ લોકો ધીરેથી આગળ વધવા લાગ્યા. સૌથી આગળ વિક્રમ, એની પાછળ રેશ્મા અને એની પાછળ વિજય આવ્યો. અંદર અંધારુ હતું એટલે ત્રણેય ખૂબ જ ધ્યાનથી આગળ વધી રહ્યા હતા.

શરૂઆતમાં નીચે ઉતરતી સીડીઓ આવી. પછી લગભગ બે અઢી કિલોમીટર સુધી સળંગ સુરંગ આવી. અને એના પછી ફરી ઉપર તરફ જતી સીડીઓ આવી. સીડીઓ ચડ્યા બાદ વિક્રમને ખબર પડી કે એ લોકો ઉપર એક દરવાજો છે. બે ત્રણ પ્રયાસો બાદ એક ઝાટકા સાથે એ દરવાજો ખુલી ગયો. એ લોકોએ બહાર આવીને આસપાસનો નજારો જોયો. એ લોકો જંગલમાં પહોચી ગયા હતા. એ ત્રણેયે રાહતનો શ્વાસ લીધો. અંતે એ જીવિત બચી ગયા.

"વિજય," વિક્રમે કહ્યું, "ચાલ મોટા મોટા પથ્થરો ભેગા કરીને આ સુરંગ બંધ કરી દઇએ. કોઇપણ વ્યક્તિ ક્યારેય અહીંયા ભૂલથી પણ અહીં આવી જાય તો પણ એને આ સુરંગ દેખાવી ન જોઇએ."

બંનેએ પથ્થરોની મદદથી સુરંગ દાટી દીધી.

સૂર્યોદય થઇ ગયો હતો. થોડા કલાકોનો આરામ કર્યા બાદ વિક્રમ, રેશ્મા અને વિજય ચાલવા લાગ્યા હતા. એ લોકો કઇ જગ્યાએ હતાં એ તો એમને ખબર ન હતી. પણ આગળ જલ્દી જ કોઇ માનવ વસ્તી મળી જશે એ આશાએ એ લોકો ચાલી રહ્યા હતા.

"તું હવે શું કરીશ વિજય?" વિક્રમે પ્રશ્ન કર્યો.

વિજયે કહ્યું, "વેલ... અહીંથી જઇને સૌથી પહેલાં તો મારે એક આઉટ ઓફ ઇન્ડિયા ટ્રીપ કરવી છે. એની ખૂબ જ જરૂર છે.... પછી મારે મારા પિતાને લગતા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા છે. અને મારા ખ્યાલથી તારે પણ એ જ કરવાનું છે. કે નહીં?"

"હાં.." વિક્રમે કહ્યું, "હું પણ મારા પિતા વિશે વધુ જાણવા માંગુ છું. અને આ રહસ્યમય કમિટી પાછળ કોણ છે એ પણ જાણીશ. પણ એ બધું પછી. હવે તો હું બસ રેશ્મા સાથે જ રહીશ." એણે રેશ્માનો હાથ પકડીને કહ્યું. રેશ્માએ એની તરફ એક સ્માઇલ કરી.

વિજયે કહ્યું, "રેશ્મા તારે તારા ઇલાજ માટે ખર્ચાની ચિંતા કરવાની જરાય જરૂર નથી. મારા પપ્પાની તિજોરી તમારા બંને માટે ખુલ્લી જ છે."

"ખરેખર...?" વિક્રમે કહ્યું. જવાબમાં વિજયે કહ્યું, "હાં બિલકુલ.. તમે બંને મારા મિત્રો છો. અને હું મારા મિત્રો માટે બધું કરવા તૈયાર છું."

"થેંક્સ યાર..."

વિક્રમે રેશ્મા તરફ નજર કરી. એ કંઇક વિચારમાં હોય એવું લાગતાં એણે પુછ્યું, "શું વિચારે છે રેશ્મા?"

"હેં!" ફરી વર્તમાનમાં આવીને રેશ્માએ કહ્યું, "હું વિચારી રહી હતી કે મહારાજ જયવર્ધન જે ત્રીશૂળ વિશે વાત કરી રહ્યા હતા... શું સાચે જ એવું કોઇ ત્રીશૂળ છે? કે જેના લીધે સંસાર પર ખતરો મંડરાઇ શકે છે?"

"હાં કદાચ રહ્યું હશે." વિક્રમે કહ્યું, "વ્યક્તિ મરતાં પહેલાં ક્યારેય ખોટું નથી બોલતો."

"મને લાગે છે બે હજાર વર્ષ પહેલાં કદાચ એવું એકાદ ત્રીશૂળ રહ્યું પણ હોય." વિજયે કહ્યું, "પણ હવે નહીં હોય લગભગ."

"અને હોય પણ શકે છે." વિક્રમે કહ્યું, "આપણે જાણવું પડશે એના વિશે." રેશ્મા અને વિજય એની વાત સાથે સહમત થયા.

વિક્રમે કહ્યું, "બીજુ કંઇ નહી પણ મે એક વાત તો સીખી લીધી."

"એ કઇ વાત?"

"આર્કિયોલોજીસ્ટ તરીકે મે એક વાત સીખી હતી કે કોઇ પણ વસ્તુ હંમેશાં માટે ખોવાયેલી નથી રહેતી. કંઇપણ જે ખોવાય છે એ કાલે, એક મહિને, એક વર્ષે કે હજાર વર્ષ પછી પણ મળી જાય છે. આજે આપણે અહીંથી ચાલ્યા જઇશું પછી સંબલગઢ ફરી રહસ્યના અંધારામાં ખોવાઇ જશે. પણ ક્યાં સુધી? એકના એક દિવસે ફરી કોઇ અહીંયાં આવી ચડશે. પણ એક વાત તો છે. કેટલીક વાતો હંમેશાં છુપાએલી અને કેટલીક વસ્તુઓ હંમેશા ખોવાએલી રહે એમાં જ બધાની ભલાઇ છે. માણસે જ્યારે જ્યારે કુદરત સાથે છેડખાની કરી છે ત્યારે હંમેશા એના ભયંકર પરિણામો જ આવ્યા છે. જયવર્ધને લાંબું જીવન જીવનાનો પ્રયત્ન કરીને કુદરત સાથે છેડછાડ કરી અને પરીણામ સ્વરૂપે એક આખું શહેર તબાહ થઇ ગયું. એટલે આપણા માટે એ જ સારું છે કે કુદરતે આપણને જેટલુ આપ્યું છે એનાથી વધારેની લાલચ ક્યારેય ન કરવી."

* * * * *

(આઠ મહિના બાદ)

જામવાળી ગામ જામજોધપુર તાલુકાનું એક નાનકડું ગામ હતું. જામનગરથી બસમાં બેસીને બે કલાક પછી વિક્રમ ગામના પાટીયા પાસે ઉતર્યો. એક રિક્ષામાં બેસીને એ ગામના ગાંધીચોક સુધી આવ્યો. ત્યાંથી સીધો આગળ આવીને એક દુકાન પાસેથી જમણી તરફ વળી ગયો. બપોરનો સમય હતો એટલે ગામ સુમસાન ભાસતું હતું. વિક્રમને જોઇને જ ગલીના કુતરા ભસવા લાગ્યા. પણ વિક્રમે એમને ઇગ્નોર કર્યા. સામે પીળો ડેલો જોઇને એ ઘરની અંદર આવી ગયો. સામે જ ઓસરીમાં એક હીંડોળો બાંધેલો હતો. હીંડોળે એક વ્યક્તિ બેઠો હતો. વિક્રમને જોઇને એ બાજુના રૂમમાં ચાલ્યો ગયો. વિક્રમ એની પાછળ ગયો.

"આવ બેસ." એ વ્યક્તિએ કહ્યું. એકવાર વિક્રમ બેસી ગયો પછી એણે ફરી પુછ્યું, "રેશ્માને કેમ છે?" જવાબમાં વિક્રમે કહ્યું, "હાં એને હવે બેટર છે. લોહીની ઉલ્ટીઓ બંધ થઇ ગઇ છે. ફોરેનના ફેમસ ડોક્ટરો એની સારવાર કરી રહ્યા છે. એના માટે તારો આભાર." પછી વિક્રમ થોડો સીરિયસ થઇને બોલ્યો, "તે મને આ ગામડામાં મળવા માટે કેમ બોલાવ્યો વિજય?"

જવાબમાં વિજયે કહ્યું, "કારણ કે ગુપ્તતા જાળવવી જરૂરી હતી. એ લોકો મારી પાછળ પડી ગયા છે."

"કોણ લોકો?" વિક્રમે પુછ્યું.

"એ જ જેના વિશે મારા પપ્પા વાત કરી રહ્યા હતા."

"તારો મતલબ કમિટી?"

"હાં વિક્રમ. એ લોકો ખૂબ જ ખતરનાક સાબિત થયા છે. મે એમના વિશે ઘણું જાણી લીધું છે." વિક્રમને વિજયની આંખોમાં ભય દેખાઇ આવ્યો.

"એવું બધું શું છે એમના વિશે?" વિક્રમે આશ્ચર્ય સાથે પુછ્યું.

"કમિટી એ કાઉન્સિલના હાથની કઠપૂતળી છે. કાઉન્સિલને નવ લોકો હેન્ડલ કરે છે. એ નવ લોકો કોણ છે એ કોઇ નથી જાણતું. પણ એમનું એક વિશાળ સંગઠન છે જે આખી દુનિયામાં ફેલાયેલું છે. એ લોકો પોતાને 'ન્યુ વર્લ્ડ ઓર્ડર' કહીને બોલાવે છે. પણ એમનું એક બીજું પણ કોમન નામ છે જે વધારે ફેમસ છે."

"ક્યું નામ?" વિક્રમે ઉત્સુકતાથી પુછી નાખ્યું.

થોડીવાર રહીને વિજયે કહ્યું, "ઈલ્યુમિનાતી."

વિક્રમ આભો બનીને એની સામે જોઇ રહ્યો. પછી અકળાઇને બોલ્યો, "અરે યાર.... આ ઈલ્યુમિનાતી ફક્ત એક કલ્પના છે. આવું કોઇ સંગઠન છે જ નહી. કેવી અફવાઓ ઉડે છે ખબર હશે જ તને. એક સિક્રેટ સોસાયટી જેના સદસ્યો આખી દુનિયામાં ફેલાયેલા છે. એ લોકોએ પોતાની આત્મા શૈતાનને વેચી દેધી હોય છે અને શૈતાન એમને શક્તિ પુરી પાડે છે. બધું બકવાસ છે."

"આ બકવાસ નથી વિક્રમ..." વિજયે કહ્યું, "હાં.. ઓલી આત્મા શૈતાનને વેચી દેવા વાળી વાત બકવાસ હોઇ શકે છે પણ ઈલ્યુમિનાતી છે એ એક નરવી વાસ્તવિકતા છે."

"તને પાક્કી ખાતરી છે કે આ સંગઠન છે?" વિક્રમને હજુ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો.

"હાં મને વિશ્વાસ છે અને એના સબૂત રૂપે આ જો." વિજયે એને એક તસવીર બતાવી. એ તસવીર બોવ જુની હોય એવું લાગતું હતું. તસવીર જોઇને વિક્રમના પગ તળેથી જમીન ખસી ગઇ. એ ફાટી આંખે એ તસવીરને જોઇ રહ્યો. એ તસવીરમાં ચાર વ્યક્તિઓ એકસાથે ઉભા હતાં. પછી એણે અચંબા સામે વિજય સામે જોયું. વિજયે પુછ્યું, "ઓળખે છે ને આ લોકોને?"

"હાં.." વિક્રમે કહ્યું, "આ જમણી તરફ સૌથી પહેલા પ્રો.આદિત્ય નારાયણ છે. અને એની બાજુમાં તારા પપ્પા ધનંજય મહેરા છે. અને એની બાજુમાં.." વિક્રમનો હાથ એ માણસની તસવીર પર ફર્યો. મોટો ગોળ ભરાવદાર ચહેરો અને વાંકડિયા ચડાવેલ મૂછો. વિક્રમે કહ્યું, "આ તો મારા પપ્પા છે."

"કીધું હતું ને તને?" વિજયે પુછ્યું. વિક્રમને એનો પ્રશ્ન અવગણીને તસવીરમાં દેખાતા ચોથા વ્યક્તિને જોયો. વિક્રમ એને પહેલીવાર જોઇ રહ્યો હતો. એણે પુછ્યું, "આ કોણ છે?" જવાબમાં વિજયે કહ્યું, "એનું ફક્ત નામ ખબર છે. રતનસિંહ. બીજું કંઇ નથી જાણતો. હાં પણ એટલું જાણું છું, આ ચારેય વ્યક્તિઓ કમિટીના સદસ્યો હતા. અને હવે એમાંથી ત્રણ તો મરી ગયા છે. કદાચ આ રતનસિંહ જીવતો હોઇ શકે છે.."

"આ સંગઠનને જોઇએ છે શું?"

"પાવર..." વિજયે કહ્યું, "ઈલ્યુમિનાતી આખી દુનિયાને કાબુમાં કરવા માંગે છે. આખી દુનિયા એમના નિયમો મુજબ ચાલવી જોઇએ એ એમનો એજન્ડા છે. અને એ પુરો કરવા માટે એ ગમે તે હદ સુધી જઇ શકે છે."

"પણ સંબલગઢના રહસ્યમાં એમને આટલી દિલચસ્પી કેમ છે?"

"એ લોકો પણ ત્રણસો વર્ષ જીવી શકવાનો મોકો છોડવા નહીં માંગતા હોય." વિજયે કહ્યું, "પણ એક વાત તો સાફ છે. ઈલ્યુમિનાતી દુનિયાનું સૌથી ખતરનાક સંગઠન છે. અને હવે એ લોકોની ટાર્ગેટ લિસ્ટમાં હું, તું, અને રેશ્મા આવી ગયા છીએ." વિજયના ચહેરા પર ભયની લકીરો તણાઇ આવી.

"મતલબ?" વિક્રમે આશ્ચર્ય સાથે પુછ્યું.

"છેલ્લા બે ત્રણ મહિનાથી કેટલાક ઉંચી ઓથોરિટી વાળા વ્યક્તિઓ અમારા ઘરે મારા પપ્પા વિશે પુછપરછ કરવા આવતાં હતાં. મારા પપ્પાના ગાયબ થવા પાછળ એ ખૂબ જ વધારે રસ લઇ રહ્યા છે. મે એમને જણાવ્યું હતું કે મારા પપ્પા જંગલમાં ટ્રેકિંગ માટે ગયા હતા અને ત્યાં જ એમને અકસ્માત નડતાં એ મૃત્યુ પામ્યા હતા. પણ એ લોકો આ વાત સ્વીકારવા તૈયાર નથી. એટલે હવે આપણે ત્રણેયે સાવચેત રહેવું પડશે."

"આ તો ખૂબ જ ગંભીર બાબત છે." વિક્રમે કહ્યું. એને સમજાતું નહોતું કે ફક્ત એ ત્રણ લોકો દુનિયાના સૌથી શક્તિશાળી સંગઠન સામે કઇ રીતે ટકી શકશે. એણે વિજયને પુછ્યું, "તે કંઇ વિચાર્યું છે?"

"હાં." વિજયે કહ્યું, "થોડા સમય માટે અન્ડરગ્રાઉન્ડ થઇ જવામાં ભલાઇ છે. પછી જોઇએ. તું ટચમાં રહેજે."

"ઓ.કે." કહીને વિક્રમ ઉભો થયો. પછી કંઇક યાદ આવતા એણે વિજયને પુછ્યું, "બાય ધ વે ઓલા ત્રીશૂળ વિશે કંઇ લીડ મળી કે?"

વિક્રમના અણધાર્યા પ્રશ્નથી વિજય જરા થોથવાયો. શું જવાબ આપવો કંઇ ખબર ન પડી. પછી વિક્રમ સામે જોયા વગર જ એણે નકારમાં માથું હલાવી દીધું. વિક્રમ ત્યાંથી નીકળી ગયો.

જામનગર જતી બસમાં બેસીને એ બહાર દેખાતી પવનચક્કીઓ નીહાળી રહ્યો હતો. અને એનો મગજ બીજી જ દિશામાં ચાલી રહ્યો હતો. એની પાસે ચિંતા કરવા માટે ઘણાં કારણો હતા. રેશ્માની તબિયત, અને આ ઈલ્યુમિનાતીના લોકોથી કઇ રીતે બચવું, એના પપ્પા સાથેનું રહસ્ય વધારે ગહેરાઇ રહ્યું હતું. અને ઉપરથી આ ત્રીશૂળ.. એનો આ બધા સાથે કોઇ સંબંધ ન હોય તો સારું....

* * * * *

વિજય એ વસ્તુ તરફ જોઇ રહ્યો જે એને સંબલગઢ માંથી મળી હતી. જેના વિશે એણે વિક્રમ અને રેશ્માને જણાવ્યું ન હતું. જણાવી પણ શકે એમ ન હતો. આ એક એવું રહસ્ય હતું જે જેટલા લોકોને ખબર હશે એ બધાનો જીવ જોખમમાં મુકાઈ જશે. એટલે એણે મનોમન નક્કી કર્યું, "આ રહસ્ય મારી સાથે જ દફન થવું જોઇએ. હું વિક્રમ અને રેશ્મા પર આનો પડછાયો પણ નહીં પડવા દઉં."

{સમાપ્ત}