Dhup-Chhanv - 20 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 20

આપણે પ્રકરણ-19 માં જોયું કે
ઈશાનને જોઈને અક્ષતના મનમાં અચાનક એક વિચાર આવ્યો કે અપેક્ષાને તેના સ્ટોર ઉપર કામ કરવા માટે મોકલી શકાય તો બહાર બીજે ક્યાંય મોકલવાનું ટેન્શન પણ નહીં અને ઈશાનને અપેક્ષાની માનસિક પરિસ્થિતિ સમજાવી પણ શકાય.

તેથી તેણે ઈશાનને પોતાની બહેન અપેક્ષાની હાલની પરિસ્થિતિની જાણ કરી અને તેના સ્ટોર ઉપર બેસાડવા માટે પૂછ્યું..??

ઈશાનને અપેક્ષાની માનસિક પરિસ્થિતિની જાણ થતાં જ તેને અપેક્ષા માટે લાગણી થઇ તેમજ તે અત્યારે કેવી નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તે જાણીને દુઃખ પણ થયું, પોતાની બહેનની આવી ખરાબ હાલત જોઈને અક્ષતની શું હાલત થતી હશે..?? તે વિચાર માત્રથી ઈશાન હચમચી ગયો હતો.

તેણે પોતાના મિત્ર અક્ષતના ખરાબ સમયમાં મદદ કરવાના ઈરાદાથી તરત જ "હા" પાડી અને અક્ષતની જ્યારથી ઈચ્છા હોય ત્યારથી જ તે અપેક્ષાને તેના સ્ટોર ઉપર મોકલી શકે છે તેમ જણાવ્યું.

અપેક્ષાને સમજાવીને ઈશાનના સ્ટોર ઉપર મોકલવાની જવાબદારી અક્ષતે પોતાની પત્ની અર્ચનાને સોંપી હતી.

અર્ચના રાત્રે અપેક્ષાની બાજુમાં જ સૂઈ જતી હતી, તે દિવસે રાત્રે અર્ચના અપેક્ષાને પ્રેમથી કામ ઉપર જવા માટે સમજાવી રહી હતી.

અપેક્ષા અર્ચનાની વાતનો કંઈજ જવાબ આપી રહી ન હતી અથવા તો આપવા માંગતી ન હતી.

ખૂબજ બોલકણી અને મસ્તીખોર અપેક્ષાને આમ ચૂપચાપ જોઇને અર્ચનાની આંખમાં આંસુ આવી ગયાં પરંતુ તે પોતાના આંસુ છુપાવતી હોય તેમ વાતને વાળી લીધી અને અપેક્ષાને પોતાની બાથમાં ભીડી લીધી અને બોલી કે, " મારી અપેક્ષા તો હું જેમ કહું તેમ જ કરશે. હેં ને અપેક્ષા..?? " અને "હા" ના જવાબની રાહ જોયા વગર તે અપેક્ષાનો જવાબ "હા" જ સમજતી હતી.

અપેક્ષાને પહેલા જેવી નોર્મલ કરવાનું બીડું અર્ચનાએ હાથ ધર્યું હોય તેમ બીજે દિવસે સવારે તે અપેક્ષાને લઈને ઈશાનના સ્ટોર ઉપર પહોંચી ગઈ અને કઈરીતે ઈશાનને તેની સાથે વર્તન કરવું તે ઈશાનને ઈશારામાં સમજાવવા લાગી અને અપેક્ષા સાથે થોડું પ્રેમથી બિહેવ કરવું તેમ જણાવી ત્યાંથી નીકળવા માટે જેવી ઉભી થઈ કે તરત જ અપેક્ષા પણ ઉભી થઈ ગઈ અને કોઈ અજાણી જગ્યાએ આવી ગઈ હોય અને અહીં પોતે એકલી રોકાવા માંગતી ન હોય તેમ અર્ચનાનો હાથ તેણે કસોકસ પકડી લીધો અને તેની સાથે પોતે પણ ચાલવા લાગી.

અર્ચનાની આંખમાં ફરીથી આંસુ આવી ગયાં તે પણ જાણે અપેક્ષાને અહીં એકલી છોડવા માંગતી ન હતી પરંતુ અપેક્ષાની માનસિક પરિસ્થિતિ સુધારવા માટે આ પગલું ભરવું જરૂરી હતું તેથી તે નાના બાળકને સમજાવતી હોય તેમ અપેક્ષાને સમજાવવા લાગી કે, " હું હમણાં થોડું કામ પતાવીને તને લેવા માટે આવું જ છું, ત્યાં સુધી તું અહીં શાંતિથી બેસ. " અને તેણે અપેક્ષાના માથા ઉપર એક માતા પોતાના બાળકને વ્હાલ કરે તેમ વ્હાલપૂર્વક પ્રેમથી હાથ ફેરવ્યો અને અપેક્ષાને ત્યાં ઈશાનના સ્ટોર ઉપર બેસાડીને પોતાના હ્ર્દયને જાણે કઠણ કરવા માંગતી હોય તેમ અર્ચનાએ પોતાની કાર હંકારી મૂકી હતી અને અપેક્ષા નિસ્તેજ નજરે તેને જતી જોઈ રહી હતી.

ઈશાન આ બધું જ જોઈ રહ્યો હતો અને હવે અપેક્ષાની સાથે કઈરીતે વાત કરવાની શરૂઆત કરવી તે વિચારી રહ્યો હતો.

સૌ પ્રથમ તે પોતાની જગ્યાએથી ઉભો થયો અને તેણે અપેક્ષાને પાણીનો ગ્લાસ ધર્યો. અપેક્ષાને પણ જાણે ગળામાં ડૂમો બાઝી ગયો હોય તેમ તેણે ઈશાનના હાથમાંથી પાણીનો ગ્લાસ લઈ લીધો અને બધું જ પાણી ફટાફટ ગટ ગટાવી ગઈ પછી તેણે ઈશાનની સામે ગ્લાસ પાછો ધર્યો. ઈશાને ગ્લાસ તેની જગ્યાએ મૂક્યો અને એક સ્ટુલ લઈ તે અપેક્ષાની સામે બેસી ગયો અને બોલ્યો કે, " અપેક્ષા,‌ ફ્રેન્ડ બનીશ મારી..?? "

અપેક્ષા ઈશાનના પ્રશ્નનો શું જવાબ આપશે..?? જવાબ આપશે કે ચૂપ રહેશે..?? વાંચો આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
13/3/2021