Ek Chutki Sindur ki kimmat - 1 books and stories free download online pdf in Gujarati

એક ચુટકી સિંદૂર કી કિંમત - 1

એક ચુટકી સિંદુર કી કિંમત’

પ્રકરણ-પહેલું/૧

‘ના... ના... ના.... નહીં.. કોઇ કાળે નહીં..નહીં....ને નહીં જ મળે.
‘તું જ સમજાવને આઆ આમાં ક્યાં..કોઈ શબ્દ,સરગમ કે સ્વરનો તાલમેળ બેસે છે ? કોઈ શબ્દરચનાનો બંધ બેસતો પ્રાસ નથી....અને આત્મવિશ્વાસની અનુપસ્થિતિ, સૂર સરગમની જુગલબંધીના આરોહ અવરોહને અવરોધીને અસંતુલિત કરે છે. આઆ….આ બંદિશ તો નહીં બને, પણ બંદી જરૂર બનાવશે. રીતસર આંખે ઊડીને વળગે એવી પાબંદીનો સંકેત આપે છે. આઆઆ...આ રચના સ્વરબધ્ધ નહીં થાય, કેમ કે, એ પ્રારબધ્ધથી પર છે. સિતારના તાર તૂટે છે, કેમ કે કિસ્મતમાં સિતારા ખૂટે છે. સહજીવન કઠીન બનશે કેમ કે, ધીમે ધીમે કર્મનો કંઠ કર્કશ થતો જાય છે.’

અકળામણના પરાકાષ્ઠાની પરિસીમા તૂટતાં છેવટે ઉકળાટ ઠાલવતાં યુવક બોલ્યો...


‘પણ...શું આ તારો અંતિમ નિર્ણય છે...એવું હું માની લઉં ? કે, પછી હજુ પણ કોઈ પર્યાયનો અવકાશ છે...? કોઈ અવધિ ? કે, ત્યાં હું સુધી તારી પ્રતીક્ષા કરી શકું ?
તૂટવા આવેલું મનોબળ ન્યુનત્તમ સપાટી પર આવતાં ગળગળા સ્વરમાં યુવતીએ પૂછ્યું.

‘ના...ના... આઈ નો વેરી વેલ કે, હું ધુતરાષ્ટ્ર છું જ, પણ તારે ગાંધારી બનીને એ સાબિત કરવાની જરૂર નથી. સફર (Suffer) કરવા માટે હમસફર બનવા કરતાં સૌ સૌના સ્વતંત્ર સફરનો સાર સમજી, ભાર ઊંચકી મુકદ્દરએ મુક્કરર કરેલી મંઝીલ તરફ પ્રયાણ કરવું જ મુનાસીબ રહેશે. ભાગ્ય સાથે બાથ ભીડી અંતે વિધિની વક્રતાથી વિવશ થઈ પાછા વળવું તેના કરતાં સમજણથી સમય, સંજોગ સાથે સમજૂતી કરી લેવામાં જ શાણપણ છે.’ યુવકે તેનો ટકોરાબંધ અંતિમ નિર્ણય જણાવતાં કહ્યું..
કાળજું કઠણ કરી, મન સાથે તન ભાંગી પડે એ પહેલાં ટૂંકો ઉત્તર આપતાં યુવતી બોલી.
‘જી, ઠીક છે.

અને અંતે બન્ને.....

સહજ રુદનને પણ અવગણીને ભારે ચિત્ત સાથે ચરણ ઉપાડતાં કુદરતે એકબીજાથી વિરુદ્ધ કંડારેલી નવતર અને અજાણી કેડી પર અજાણ્યાં થઈ, ડગ માંડતા...
કોઈ અચોક્કસ મુદ્દત માટે ભાગ્યએ પાડેલા ભાગલાના ભાગ અને ભોગ બની, ભારે હૈયે અને કૃત્રિમ સ્મિત સાથે જાણીતાં છતાં અજાણ્યાની ભૂમિકા ભજવવા ચાલી નીકળ્યા પોતપોતાના તકદીરના તખ્તા તરફ....ત્યાં જ....



આજથી ઠીક આશરે છએક પહેલાં...................


મુંબાદેવીની ઓળખ... એટલે સીટી ઓફ ડ્રીમ એવી માયાનગરી મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલાં ગુરુકુળ સંગીત વિદ્યાલયની ઈમારતના પાર્કિંગમાં એક દિવસ સંધ્યા કાળે આશરે સાડા છ વાગ્યાની આસપાસ અંદાજે બાવીસેક વર્ષની એક મધ્યમ કદ કાઠી,સાધારણ ઊંચાઈ, ગોરી ત્વચા, ચિતાર્ષક ચક્ષુ વાળી એક ખુબસુરત યુવતી ડાર્ક બ્લ્યુ કલરના સ્કીન ટાઈટ, ની લેન્થ સુધીના જીન્સ પર સ્લીવલેશ લાઈટ પિંક કલરના ટોપના વસ્ત્ર પરિધાનમાં તેના બાઈક પર બેસી, ગોગલ્સને તેના કપાળના ઉપરના ભાગે ટેકવી, જમણા પગને ડાબા પગના ઘૂંટણ પર મૂકી, ડાબા હાથની તર્જનીમાં ભરાવેલી તેના ટુ વ્હીલરની કી ને થોડીવાર ડાબી બાજુ અને થોડી વાર જમણી બાજુ ફેરવતી દસેક મિનીટથી મોબાઈલમાં કોઈની જોડે ચર્ચા કરવાની મસ્તીમાં મશગૂલ હતી...પણ, એ દરમિયાન તેનાથી છ ફૂટના અંતરે સ્કાય બ્લુ જીન્સ પર મરુન કલરના ઝબ્ભાના વસ્ત્ર પરિધાનમાં, ડાબી બાજુના ખભા પર એક કાપડની હેન્ડબેગ લટકાવી, ઊભા રહેલા અને વારંવાર તેની તરફ જોઈ, મંદ મંદ હસતાં આશરે ચોવીસકે વર્ષના યુવાન તરફ તેની નજર જતાં સ્હેજ શંકા સાથે એ યુવતીએ કોલ કટ કરી, પેલા યુવાનને પૂછ્યું...

‘હેલ્લો... મિસ્ટર.. એની પ્રોબ્લેમ ?
મનોમન હસતાં યુવક બોલ્યો....
‘હમમમ... છે પણ, અને નથી પણ. જો આપની વાર્તાલાપ અગત્યની હોય તો ?

‘વ્હોટ... ?
આશ્ચર્યભાવ સાથે યુવતી આગળ બોલી..’ હું કંઈ સમજી નહીં. આપ શું કહેવા માંગો છો ? જરા સ્પષ્ટ કરશો ?

‘જી, સ્યોર. મારો કહેવાનો આશય એમ છે કે... મારે જવાની ઉતાવળ છે, છતાં પણ.. મારા સમય કરતાં આપનું કન્વર્સેશન ઈમ્પોર્ટન્ટ હોય તો આપ કંટીન્યુ કરી શકો છો.’

સ્હેજ અકળાઈને યુવતી બોલી,
‘હા.. તો આપ જઈ શકો છો ને ? મારા કન્વર્સેશન સાથે આપને શું કન્સર્ટ ?


‘મેડમ, કન્સર્ટ માત્ર એટલો જ કે... આપના વાર્તાલાપમાં વિઘ્ન આવે જો, હું આપને મારી બાઈક પરથી ઊઠવાનું કહું તો.’ મંદ મંદ મલકાતાં યુવાન બોલ્યો..

‘પણ... તમે મને મારી બાબાબા........બાઈક...’
આટલું બોલતા યુવતીની નજર બાઈક પર પડી, એક જ સેકન્ડમાં સમગ્ર સિચ્યુએશનની સમજણ પડી ગઈ. એટલે ક્ષોભિત થઈ, આગળ બોલી...

‘ઓહ... હો.... આઈ એમ સો સોરી, હું મારી વાતોમાં એટલી ખોવાઈ ગઈ હતી કે, મને ખ્યાલ જ ન રહ્યો કે, હું કોઈ ભળતી જ બાઈક પર અડ્ડો જમાવીને બેઠી છું. અને આપ પણ... કશું બોલતા જ નથી... ગઝબ છો.’
એટલું બોલી, યુવતી હસવાં લાગી.

‘પણ, જુઓ આંશિક હદે મારું અનુમાન સાચું પડ્યું ? તમારો સમય અથવા સામેની વ્યક્તિ, અથવા તમારાં બન્ને વચ્ચેની ચર્ચા મહત્વની હોય તો જ કોઈ ભાન ભૂલી વાતોમાં આટલું ઓતપ્રોત થઇ જાય. અને હું કોઈ અગત્યના કારણ વગર તમારી તપ જેવી તલ્લીનતાનો તપોભંગ કરું એ કેટલા અંશે વ્યાજબી ગણાય ?
એટલું બોલી, યુવાન પણ હસવાં લાગ્યો...

યુવાન સાથે આગળના સંવાદસેતુની કડી જોડતાં યુવતી બોલી...

‘પણ.. તમે જે રીતે મારી સામું જોઇ વારંવાર મંદ મંદ હસતાં હતાં... એ જોઇ પહેલાં તો મને એવો વિચાર આવ્યો કે, કોઈ સ્વજનનું મારી સ્મૃતિસૂચીમાંથી વિસ્મરણ તો નથી થઇ ગયું ને ? પછી ખાત્રી થઇ કે, ના એવું તો નહતું જ. અને હું મારી વાણીવિલાસના આલાપમાં આટલી એકરસ એટલા માટે હતી કે, ઘણાં સમયથી એક અપરિચિતને મળવાના પ્રબળતાની આજે ઈચ્છાપૂર્તિ થશે કે નહીં ? હું એ દ્વિધામાં હતી. અને મારા ગુરુજી પણ મને છેલ્લાં દસ મિનિટથી કોલ પર ગોળ ગોળ વાતો કરી ચર્ચાના ચકડોળે ચડાવ્યા રાખે છે, અને મને તેનું ફાઈનલ કન્ફર્મેશન જોઈ’તું હતું એટલે મારું ચિત્ત ત્યાં ચોંટેલુ હતું.’
‘જુઓ...અંતે મારી ધારણા સાચી જ પડીને ? મારા સમય કરતાં આપનો સંવાદ સત્સંગ વધુ મહત્વનો હતો ને ?’ હમ્મ્મ્મ...પણ કોઈ અપરિચિત હોવા છતાં તેને મળવાની આટલી પ્રબળ ઈચ્છા ? કારણ પૂછી શકું, કોણ છે એ મહાન વિભૂતિ ?
યુવકે પૂછ્યું.


‘જી...નામ તો નથી ખબર, પણ... આ બધું હું આપની જોડે શા માટે શેર કરી રહી છું ?’ નવાઈ સાથે યુવતી બોલી.

‘કદાચ આપની એ અપરિચિત સાથેની અણધારી મુલાકાતના અનુસંધાનનું હું નિમિત બની શકું ? મનોમન હસતાં યુવક બોલ્યો..

યુવતી બોલી...
‘ હમ્મ્મ્મ.....ઇન્ટરેસ્ટીંગ. પણ એ કઈ રીતે, જરા સમજાવશો ?

‘જી, પણ અત્યારે તો હું માત્ર ચિઠ્ઠીનો ચાકર છું. પ્લીઝ, વેઇટ વન મિનીટ.’
એમ કહી યુવાને તેના મોબાઈલ પરથી કોલ જોડી યુવતીને આપતાં કહ્યું,
‘પ્લીઝ, વાત કરો.’

અતિઆશ્ચર્ય સાથે યુવતીએ ફોન હાથમાં લેતાં પૂછ્યું,
‘જી, કોણ ?
‘હેલ્લો, મકરંદ બોલું છું. મારી ઓફિસમાં આવી જા. અને ફોન આપ પેલા હેન્ડસમને.’
આટલું સાંભળતા પરમાશ્ચર્ય સાથે યુવતી ફોન પેલા યુવકને આપતાં બોલી..

‘ગજબ...છે, જેની સાથે દસ મિનિટથી લમણાઝીક કરું છું, એ મને કોલ કરીને નથી કહેતા, અને આટલો મેસેજ આપવા માટે આપને દોડાવે છે. લાગે છે, મારું માથું ભમી જાય અને ભપ્પ થઇ જાઉં એ પહેલાં ફટાફટ પહોંચું જાઉં સરફિરા સરની ઓફિસમાં,’

એમ બોલતાં પેલા યુવકની સામે જોયા વગર યુવતી ચાલવા લાગી સંગીત વિદ્યાલયના ફર્સ્ટ ફ્લોર પર આવેલી મકરંદની ઓફિસ તરફ.

મકરંદ ખેડેકર.
ચાલીસ વર્ષીય અવિવાહિત મકરંદ ગુરુકુળ સંગીત વિદ્યાલયના સર્વેસર્વા અને સંગીત મહાગુરુ. બાર વર્ષની ઉંમરથી આંખ મીંચીને તેણે સંગીતની એવી સાધના શરુ કરી કે, તન, મન અને ધન સઘળું માં સરસ્વતીના ચરણોમાંમાં સમર્પિત કરી દીધું હતું. સંગીત સાધનાની શિક્ષા માટે સમજો કે, દીક્ષા લઇ લીધી હતી.


મકરંદની ઓફીસના ડોર પર દસ્તક દઈ અંદર પ્રવેશતાં જ યુવતી બોલી..

‘શું સર, તમે પણ ? હવે ફરી શું થયું ? એ મહાન હસ્તી આવે છે કે નહીં એ કહોને ? તો મને એ ખ્યાલ આવે કે, હું રોકાઉ કે ઘરે જવા નીકળી જાઉં ?
એક સાથે યુવતીએ અનેક પ્રશ્નોનો મારો ચલાવતાં મકરંદએ પૂછ્યું.

‘કૂલ....કૂલ.... તીવ્ર નહીં.. કોમળ સ્વરમાં વાત કર. નહીં તો ગળું કર્કશ થઇ જશે.’
જેવું મકરંદે તેનું વાક્ય પૂરું કર્યું ત્યાં જ તેની બેઠકના બેક સાઈડનું ડોર ઓપન થતાં પેલા યુવકે ઓફિસમાં પ્રવેશ કર્યો. એટલે તેને સંબોધતા મકરંદ બોલ્યો..
‘પ્લીઝ.. સીટ ડાઊન.’
એ યુવક પેલી યુવતીની સામે સસ્મિત જોઇ તેની બાજુની ચેર પર ગોઠવાઈને બોલ્યો..

‘થેન્ક્સ, સર.’

‘નાઉ લિસન બોથ ઓફ યુ.’

પેલી યુવતી તરફ ઈશારો કરી તેનો પરિચય કરાવતાં મકરંદ બોલ્યો...
‘આ છે મિસ વૃંદા. વૃંદા સંઘવી... અને વૃંદા આ છે, મિલિન્દ, મિલિન્દ માધવાણી જેની તું છેલ્લાં એક વીકથી કાગડોળે ઇન્તેઝારી કરી રહી હતી.’

મકરંદનું વાક્ય પૂરું થયું ત્યાં... વૃંદા ચોંકી ગયેલા ચહેરાના ભાવ સાથે મિલિન્દના મલકાતાં મુખારવિંદને નિહાળતી રહી.

વૃંદા છેલ્લાં છ મહિનામાં મકરંદના ગુરુકુળ સંગીત વિદ્યાલયની સૌથી શ્રેષ્ઠ શિષ્યા બની ચુકી હતી. જેટલો સમય વૃંદા સંગીત ક્લાસમાં ગાયકી કે વાદ્ય પર રીયાઝ કરતી એટલો સમય તે સ્વયંને પણ ભૂલી જતી.

અને મિલિન્દ વૃંદાથી પણ ચાર ચાસણી ચડે તેવો મકરંદનો માનીતો શિષ્ય. બે વર્ષ સૂધી મિલિન્દ નિયમિત સંગીત સાધના માટે સમય ફાળવતો. બે વર્ષમાં મિલિન્દે વાદ્ય અને કંઠ્યસંગીતને એટલું આત્મસાત કર્યું હતું કે, મકરંદને લાગ્યું, એક દિવસ મિલિન્દ જરૂર તેનો ઉત્તરાધિકારી બનીને રહેશે.

ટૂંકમાં વૃંદા અને મિલિન્દ, મકરંદની સંગીત ક્લાસના માત્ર શિષ્યો કરતાં પણ વિશેષ.
અંગત આત્મીયતાના અધિકારી બની ચુક્યા હતાં.


-વધુ આવતાં અંકે...