The key value of a pinch of vermilion - 7 in Gujarati Novel Episodes by Vijay Raval books and stories PDF | એક ચુટકી સિંદૂર કી કિંમત - 7

એક ચુટકી સિંદૂર કી કિંમત - 7

પ્રકરણ-સાતમું/૭

‘પ્લીઝ ચિત્રા બોલ, ડોન્ટ ક્રિએટ મોર સસ્પેન્સ. આઈ કાન્ટ વેઇટ.’
વૃંદાને કોયડા જેવું કુતુહલ જાણવાની અધીરાઈ હતી.

‘એ મેગેઝીનના પ્રકાશનનો પ્રારંભ આપણી દિલ્હીની નવી ઓફીસની સાથે થશે એટલે, તારે દિલ્હી શિફ્ટ થવું પડશે.’ ચિત્રાએ ખુલાશો કરતાં કહ્યું.

‘ઓહ... નો.’ સ્હેજ નિરાશાના ભાવ સાથે આટલું બોલી ચુપ થઇ ગઈ.
વૃંદાના ચહેરા પર અસંતુષ્ટિની સંજ્ઞા જોઇ ચિત્રાએ પૂછ્યું,
‘કેમ શું થયું વૃંદા ? આ તો તારું મેગા ડ્રીમ હતું ? તો પછી કેમ આટલી નારાજગી ?

‘હતું નહીં, હજુ પણ છે જ. પણ આ શહેર સાથે મારા રૂટ્સ જોડાયેલા છે. યુ નો વેરી વેલ. મારી એકલતાનો એક જ સાથીદાર છે. આ મારું મુંબઈ. અહીંનો સન્નાટો પણ મને સાંત્વના આપે છે. મારા ગહન મૌનની ગહેરાઈ જાણે છે. ખબર નહીં કુદરતે મારી દરેક ખુશી ૯૯.૯૯% કેમ લખી છે. ૧૦૦% કેમ નહીં ?

‘ચલ છોડ થેન્ક્સ ફોર શેરીંગ ફોર વન્ડરફુલ ગ્રેટ ન્યુઝ.’
ભાવનાવશ થતાં ચિત્રાને ભેટી પડી.

‘તો શું તું આ ઓફર એક્સેપ્ટ નહીં કરે ? ચિત્રાએ કુતુહલવશ થઈને પૂછ્યું
થોડી ક્ષ્રણો ચુપ રહ્યા પછી વૃંદા બોલી.

‘રાઈટ નાઉ આઈ ડોન્ટ નો.’

‘અરે.. વૃંદા આર યુ મેડ ? આટલી નાની ઉંમરમાં એઝ એ ચીફ એડિટર ઇટ્સ એ બીગ એચીવમેન્ટ યુ નો. અને આ કેવો રીપ્લાઈ.. આઈ ડોન્ટ નો ? હેય વોટ્સ પ્રોબ્લેમ. અને યાર એક સારા બ્રાઈટ ફ્યુચર અને કેરિયર માટે તો ડેસ્ટીની જ્યાં લઇ જાય ત્યાં જવું જ પડે માય ડીયર.’ અચરજ સાથે ચિત્રા બોલી

‘અચ્છા ઠીક છે, એ સમય આવે ત્યારે જોઈશું, પણ અત્યારે તો મારું સૌભાગ્ય મારું સામયિક લખવા જઈ રહ્યું છે. જો.... એ પ્રકાશિત થઇ ગયું તો...માનીશ કે, ઈશ્વરે પ્રારબ્ધનું પરફેક્ટ પ્રૂફ રીડીંગ કરીને મારા લેખ લખ્યા છે.’

‘કયું સામાયિક ? કંઇક સમજાય એવું બોલ ને ? નવાઈ ચિત્રાએ પૂછ્યું

હજુ વૃંદા જવાબ આપવા જાય ત્યાં જ મિલિન્દનો કોલ આવ્યો એટલે હસતાં હસતાં બોલી,
‘ચલ, હું મારી કેબીનમાં જાઉં છું, મારા એડિટરનો કોલ આવી ગયો.’
કહી ફોન રિસિવ કરતાં ચિત્રાની ચેમ્બરમાંથી બહાર નીકળતા બોલી.

‘શું વાત છે, આજે તો સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ. એકઝેટ લંચ ટાઈમ પર કોલ.’

‘તે શેડ્યુલના મેસેજ સામે રીપ્લાઈ આપ્યો કે, ‘એઝ યુ વિશ.’ તો પછી શાંતિથી વિચાર્યું કે, પ્રયત્ન તો કરું કે મારું કેટલું ઉપજે છે ?’ મિલિન્દ બોલ્યો.

‘મિલિન્દ બાબૂ, એક વાત કાયમ યાદ રાખજો, વૃંદાનું વચન એટલે બ્લેન્ક ચેક. એકવાર રકમની રજૂઆત તો કરો તો કેટલું ગજુ છે, એ ખબર તો પડે.’
મિલિન્દએ ચગાવેલી પ્રયત્નની પતંગને બિન્દાસ ઢીલ આપતાં વૃંદાએ જવાબ આપ્યો.

હવે વાત વટ પર ગઈ એટલે કંઈપણ વિચાર્યા વગર મિલિન્દ બોલ્યો.
‘આજનું ડીનર મારી સાથે છે. શાર્પ એઈટ થર્ટી. તું મલાડ વેસ્ટમાં જે ફૂડ સ્ટુડીઓ છે ત્યાં આવી જજે.’
‘વન મિનીટ મિલિન્દ, પૂછી શકું કઈ ખુશીમાં ?
‘અરે.. ખુશી તો સાહજિક હોય તેના કારણ ન હોય. એની પ્રોબ્લેમ ?
‘એની ઓપ્શન ઓર ચોઈસ ફોર મી. ? વૃંદાએ પૂછ્યું.
‘ઓલ ચોઈસ ઈઝ યોર્સ, બોલ.’ મિલિન્દ બોલ્યો.
‘બીકોઝ કે, મને જે જોઈએ છે, એ કોઈ મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં નહીં મળે એટલે.’
વૃંદા બોલી.

‘ઓહ્હ એવું તે શું છે ? મિલિન્દએ પૂછ્યું
‘તારો પ્રાઈઝલેસ ક્વોલીટી ટાઈમ. અને મારું માનવું છે કે, તેના માટે રેસ્ટોરન્ટમાં જવાની જરૂર ખરી ?’ વૃંદાએ પૂછ્યું
‘તો ક્યાં જઈશું, તું કહે ? મિલિન્દે પૂછ્યું.
‘તું ઓફિસેથી ક્યાં સમયે નીકળીશ ?
‘એટ એઈટ પી.એમ.’ મિલિન્દ બોલ્યો
‘હું શાર્પ એઈટ ઓ ક્લોક તને પીક અપ કરવા આવું છું. ડેસ્ટીનેશન હું ફાઈનલ કરીશ. ઓ.કે.’ વૃંદાએ કહ્યું.
‘ઓ.કે. ડન.’
વૃંદાએ કોલ કટ કર્યો.

સમય સંજોગ પર આધારિત સંગમના સબબથી બન્ને અવગત હતાં. બંનેનો દ્રષ્ટિકોણ એક જ હતો. પણ પૃષ્ઠભૂમિ વિપરીત હતી. મિલિન્દ અને વૃંદા બન્ને પ્રથમ વખત તેમની એક અલાયદી અભાવિત અનુમાનિત ઉર્મિઓ સાથે મળી રહ્યા હતાં.

ઠીક ૭:૫૫ એ વૃંદાએ મિલિન્દની ઓફીસની સામે કાર પાર્ક કરી, કોલ કરી તેના આવ્યાંની જાણ કરી.

પોની ટેઇલ હેયર સ્ટાઈલ અને બ્લેક કલરના જીન્સ પર લાઈટ મરુન કલરના મલ્ટી પ્રિન્ટેડ સ્લીવલેશ ટોપના પહેરવેશમાં વૃંદાના ચહેરા અને આંખોની ચમક સાથે સમગ્ર અસ્તિત્વ તાજા મોગરાના ફૂલોની મહેંકની માફક તેની ફોરમ ફેલાવી રહ્યું હતું.


૮:૦૫ વાગ્યે મિલિન્દ આવીને ફ્રન્ટ ડોર ઉઘાડીને કારમાં બેસતાં બોલ્યો.
‘હાઈ’

‘હાઈ.....ઓફિસ ડ્રેસ કોડમાં તને પહેલીવાર જોયો...બાકી ક્લાસ પર તો તું જાણે કોઈ કવિ સંમેલનમાં આવ્યો હોય એમ કાયમ ઝબ્ભો પહેરીને જ આવતો. પણ આ ડ્રેસમાં પરફેક્ટ જેન્ટેલમેન લાગે છે.’

‘થેન્ક્સ, આ તો જોબ માટે ના છૂટકે પહેરવું પડે. બાકી ઝભ્ભા જેવું ક્મ્ફોરટેબલ ફીલિંગ્સ મને કોઈ પહેરવેશમાં ન આવે.’

હાઇવે પર કાર લેતાં વૃંદા બોલી..
‘સારું છે તને કયાંય તો ફીલિંગ્સ આવે છે.’ કારની ગતિ તેજ કરતાં હસવાં લાગી.

‘આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ ?’
મિલિન્દે તેની ઓફીસ બેગ બેક સીટ પર મુકતા પૂછ્યું,

મ્યુઝીક સીસ્ટમ પર તેના પસંદીદા કલેક્શનમાંથી સોંગ સિલેક્ટ કરીને પ્લે કર્યું...

‘કંઈ બાર યું ભી દેખા હૈ.. યે જો મનકી સીમા રેખા હૈ.. મન તોડને લગતાં હૈ....’
પછી વૃંદા બોલી..

‘મારા ઓલ ટાઈમ ફેવરીટ ડેસ્ટીનેશન... મરીન ડ્રાઈવ પર.’


મરીન ડ્રાઈવ પહોંચતા...
કારને સેઈફ જગ્યા એ પાર્ક કરી બન્ને....

અફાટ સાગર સામેની મરીન ડ્રાઈવની પાળ પર ગોઠવાયાં. સમય મહત્તમ ભરતીનો હતો એટલે કોઈ પ્રેમાંધ અલ્લડ કાચી કુંવારી નવયૌવના જોબનની માફક ઉછળતાં દરિયાના મોજાંના ખારા પાણીની આછેરી છાલકથી બન્નેના ચહેરા પરની ભીનાશ ભીતરની ભીનાશને એક મીઠાસ અને ઠંડક આપી રહી હતી.

‘મિલિન્દ, એક વાત પૂછું ?

‘ના, એક નહીં. બે પૂછ. એકથી મારું પેટ નહીં ભરાય અને કંઈપણ પૂછ્યા વગર પૂછ.’ મિલિન્દ બોલ્યો.

‘મેં તને આટલા મેસેજીસ કર્યા પછી, તે કોલ ન કર્યો તેના વિશે મજાકમાં તને ટોક્યો પણ ખરો, તેથી કોઈ એક્સક્યુઝ માટે મારી જોડે આવ્યો છે કે ? તને ખરેખર મારી સાથે આવો કોઈ ફુરસતનો સમય પસાર કરવાની ઈચ્છા હતી ? તું સમજી ગયો હું શું કહેવા માંગું છું ?’
વૃંદાએ પૂછ્યું.

વૃંદા સામે જોઇને મિલિન્દ બોલ્યો.

‘સાવ સાચું કહું તો, હું પણ આવો ફુરસતનો સમય વિતાવી શકું એવો અહેસાસ મને પહેલીવાર થયો છે. જેમ કોઈ પુષ્પને પાંગરવા માટે તેની માવજત કરતાં પણ વધુ મહત્વનો આધાર છે, તેના છોડને રોપાયેલા માટીની ફળદ્રુપતા પર. માનવજાતિનું પણ કંઇક આવું જ છે. તેને અનુકુળ અને મનગમતાં મનુષ્યના સાનિધ્યમાં જ તેની પરિચયનો પમરાટ પ્રસરે. અને એ આત્મપરિચય માટે જ હું આવ્યો છું. ખુદને મળવા આવ્યો છું, અને સાથે સાથે તારા સંપૂર્ણ પરિચય માટે પણ.’
સહર્ષ સ્મિત સાથે વૃંદા બોલી,
‘હમમમ...દો મુસાફિર એક હી કસ્તી કે.’

‘હા, પણ શાયદ બની શકે કે સફર સાહિલ સુધીની જ હોય.’ મિલિન્દ બોલ્યો.

મિલિન્દની આંખમાં જોઇને વૃંદા બોલી,

‘એ તો સફરનો સ્વાનુભવ પર આધરિત છે. આપણા પ્રથમ પરિચય પછી આપણે ફર્સ્ટ ટાઈમ આ રીતે ફુરસતથી હળી, મળી રહ્યા છીએ. પણ આપણા પરસ્પરની વિચારધારાનું પરામર્શ જ આજે આ મુલાકાતનું નિમિત બની છે ને ? મિલિન્દ આઈ ડોન્ટ નો વ્હાય બટ, આઈ ફીલ સ્ટ્રોંગલી કે.... મારી પ્રસન્નતા તારા સાનિધ્યમાં જ પાંગરે છે.’

‘આઆ...આઈ ફીલ માય સેલ્ફ ઇન ફુલ્લી કમ્ફોરટેબલ ઝોન વિથ યુ. બીકોઝ કે તારામાં કોઈ દંભ નથી. અને મેં હમણાં કહ્યું કે, ‘દો મુસાફિર એક હી કસ્તી કે.’
તેનો અર્થ કે... શાયદ પ્રાથમિક પરિચયના પડદા પાછળ બન્નેનું કિરદાર એક સિક્કાની બે બાજુ જેવું હોય ?’

મિલિન્દને લાગ્યું કે, સમાંતર ચાલી આવતી તેની સઘળી સમસ્યાને હાલ પુરતી થોડો સમય હાંસિયામાં હડસેલીને એક મુખ્યધારા તરફ ફંટાઈ રહેલા તેના જીવનચક્રની ધરીની ગતિને ધ્યાન ધરીને સમજવાની જરૂર છે. એટલે મિલિન્દ બોલ્યો..

‘પણ..વૃંદા સિક્કાની બન્ને બાજુ ઉજળી હોય તો જ તેના ચલણમાં તેનું ખરું મુલ્ય અંકાઈ.’

‘પણ..તું એ વાત ભૂલી ગયો મિલિન્દ કે,ચલણી સિકકા કરતાં સંઘરેલા દુર્લભ સિક્કાનું મુલ્ય અનેક ગણું હોય સમજ્યો.’

‘એટલે... યુ મીન ટુ સે કે.. હું એન્ટીક છું એમ જ છે.’ આટલું બોલતા મિલિન્દ હસ્યો.
‘અરે...ના ના હોય કંઈ. આટલું જ મુલ્ય આંકુ ? માત્ર એન્ટીક જ નહીં... રેર ઓફ ધ રેર એન્ટીક.’ હસતાં હસતાં વૃંદાએ જવાબ આપ્યો.


હવે ફેન્ટસી અને કાલ્પનિક વાતચીતની વિચારધારાના દૌરને વાસ્તવિકતાની કેડી તરફ વાળતાં ગંભીર થતાં મિલિન્દ બોલ્યો,

‘તો ચલ, વૃંદા આજની આપણી સંધ્યાસફરને એ અંતિમ સુધી લઇ જઈએ કે આ સંયોગિક વિચારસંગતિના અંતે ભવિષ્યના કોઈ સંધાનના સંકેતનું અનુસંધાન મળે છે કે નહીં ?’

થોડી ક્ષ્રણો ચુપ રહીને વૃંદા બોલી.
‘મિલિન્દ ઈચ્છું છું કે, તું શરૂઆત કર.’

‘વૃંદા, બેઝીક પરિચયની આપ લે ના આધારે તું મારી ઈકોનોમી અને સોશિયલ પોઝીશનથી સારી રીતે અવગત છે. મારી લાઈફમાં અનિશ્ચિત અને અંતહીન ગણિતના અઘરા પ્રમેય જેવા અનેક યક્ષપ્રશ્ન છે. દરેક મોરચાના યુદ્ધનો સામના માટે હું એકલો જ છું. અને આ સ્ટેજ પર મારી પ્રાથમિકતા મારું પરિવાર છે. જીવનની રેસમાં દોડવું તો દૂરની વાત છે, સ્થિર થવું પણ કઠીન છે. એટલે મારી અંગત આકાંક્ષા કે ઈચ્છાશક્તિનો વિચારમાત્ર પણ મને હાસ્યાસ્પદ લાગે છે.’

વાતને આગળ વધારતાં મિલિન્દ બોલ્યો...
‘એક નાની વાત કહીને મારા સળંગ સમસ્યાનો સારાંશ સમજાવવાની કોશિષ કરું.’
આ દેશમાં જીવવા રહેવા માટે શું જોઈએ ?’
‘ખાવું, પીવું, હવા અને માથા પર છત’

જીવંત રહેવા માટે શું જોઈએ ?
‘ડાયરી,પેન, ખિસ્સાને પરવડે એવું બીનહાનીકારક વ્યસન અને એક પ્રેમી.

‘પણ, મરી મરીને જીવવાં રહેવા માટે શું જોઈએ ?
‘બસ, એક મધ્યમ પરિવારમાં જન્મ લેવો.’

‘હું માનું છું કે, હવે મારા પ્રત્યેના તારા ઊર્મિસભર ઉમળકાના પ્રત્યુતરમાં મારી નરી નિષ્ક્રિયતા અને અવગણનાના અર્થનો અનુવાદ તું સારી રીતે કરી શકીશ. અને ખરી તકલીફ શું છે કહું.... આ બધું જ સમજાવા અને સ્પર્શતા હોવા છતાં હસતાં મોઢે આંખ આડા કાન કરીને નજરઅંદાજ કરવું પડે છે, તેનો ખેદ છે બસ. હું જીવું છું, હું ઈચ્છું તો પણ જીવંત ન રહી શકું.’

આટલું બોલતાં તો મિલિન્દની આંખોમાં ખારાશ અને ગળામાં ખરાશ ઉતરી આવી.

-વધુ આવતાં અંકે.


Rate & Review

Krishvi

Krishvi Matrubharti Verified 1 year ago

છોડને રોપાયેલા માટીની ફળદ્રુપતા ક્યાં લઇ જાય છે જોઇએ

Rakesh

Rakesh 1 year ago

Kitu

Kitu 1 year ago

Yogesh Raval

Yogesh Raval 1 year ago

Falguni Shah

Falguni Shah 1 year ago