The key value of a pinch of vermilion - 4 in Gujarati Novel Episodes by Vijay Raval books and stories PDF | એક ચુટકી સિંદૂર કી કિંમત - 4

એક ચુટકી સિંદૂર કી કિંમત - 4

પ્રકરણ- ચોથું/૪

સ્હેજ નિરાસાના સૂર સાથે વૃંદા બોલી,
‘આઈ નો... મિલિન્દ બટ યુ સે ગૂડબાય. મતલબ કે હવે આપણે ફરી કયારેય નહીં મળીએ, તું એમ કહેવાં માંગે છે ?

મિલિન્દ થોડીવાર ચુપ રહ્યા પછી બોલ્યો,

‘વૃંદા તારા જવાબમાં મને ગુલઝારની એક ખુબ ગમતી ગઝલના શબ્દો સ્મરે છે.

‘વક્ત રહેતા નહીં કહીં ટીક કર, ઉસ કી આદત ભી આદમી સી હૈ.’

‘વૃંદા, મકરંદ સરના આજ્ઞાની હું કોઈપણ સંજોગોમાં અવગણના ન જ કરી શકું. કારણ કે, મકરંદ સરના ઉપકારની બાદબાકી કરું તો મિલિન્દ માધવાણી શૂન્ય વગરના એકડા જેવો છે. બાકી સત્ય કહું તો મને મારા ખુદ માટે સમય નથી. મારો પૂરો પરિવાર મારા પર નિર્ભર છે. અને મારો પરિવાર મારી પહેલી પ્રાથમિકતા છે. યુ કાન્ટ બિલિવ...બટ મારા મધર છેલ્લાં બે દિવસથી બીમાર છે. છતાં સરની જવાબદારી ફૂલફીલ કરવા માટે હું પીછેહઠ ન જ કરી શકું.’

‘ઓહ્હ.. પણ મિલિન્દ તારા ચહેરા પરથી મને સ્હેજે અણસાર સુદ્ધાં ન આવ્યો કે તું આટલો ટેન્સમાં છે. હસતો ને હસતો જ રહે છે, રીયલી તું ખરેખર ગઝબ છો.’
હાઉ શિ ઈઝ નાઉ. ? આશ્ચર્યભાવે વૃંદાએ પૂછ્યું.

‘લીટલ બીટ બેટર. એટલે હવે આપણે ફરી ક્યાં, કયારે, કેમ, કઈ રીતે મળીશું તેનો મને કોઈ જ આઈડિયા નથી એટલે એક રીતે જુઓ તો વન ટાઈપ ઓફ ગૂડબાય જેવું જ કહેવાય ને ?
હસતાં હસતાં મિલિન્દે જવાબ આપ્યો.

‘અને માની લે મિલિન્દ, હું એમ કહું કે મારે તને મળવું છે તો ? અને તે મને પ્રોમિસ આપ્યું હતું કે, મારી સંગીત સાધનાનું સમાપન તું જ કરાવડાવીશ. યાદ છે ને ? તો તે પ્રોમિસ નું શું ? મિલિન્દની સામે જોઇને વૃંદાએ પૂછ્યું.

‘આઈ નો. બટ તેના માટે આપણે મળવું જરૂરી છે ? અને આજકાલ તો ઓનલાઈનનો જમાનો છે. દિવસમાં કોઈ એક ટાઈમ ફિક્સ કરી હું તને ટીપ્સ આપીને પછી રીવ્યુ લઇ લઈશ. ઇટ્સ ઇઝી. એકલવ્ય પણ દ્રોણાચાર્યની અનુપસ્થિતિમાં તેની વિદ્યામાં પારંગત નીવડ્યો જ હતોને ને.’
મિલિન્દે ઉત્તર આપ્યો.

જવાબ સાંભળીને વૃંદાને મનોમન મિલિન્દ પ્રત્યે થોડી રીસ તો ચડી છતાં શાંતિથી પૂછ્યું.

‘ એટલે તું ગર્ભિત ભાષામાં ઓલરેડી મારો અંગૂઠો બૂક કરી રહ્યો કે, આડકતરી રીતે મને અંગૂઠો બતાવી રહ્યો છે એ કહીશ, ?’

‘માય ગોડ. અરે.. વૃંદા તને એવું લાગે છે ? હું તારા માટે આવું વિચારી શકું એમ ?’
મિલિન્દે હસતાં પૂછ્યું.

‘જો, મિલિન્દ મને કોઈ ડીપ્લોમેટીક અન્સર નથી જોઈતો. અને મેં તારી પાસે કોઈ ખાસ્સો એવો સમય પણ માંથી માંગ્યો. અને આઈ થીંક જે કંઈપણ માંગી રહી છું એ આપણી મિત્રતાના હકથી પર નથી એવું હું માનું છું.’
વૃંદા બોલી.

સ્હેજ ગંભીર થતાં મિલિન્દ બોલ્યો..

‘જો વૃંદા, હક્ક ને ફરજ એક જ સિક્કાની બે બાજુ છે. અને સામજિક કે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આપણે બન્ને એકબીજાની વિરુદ્ધ દિશામાં પોતપોતાના અંતિમ પર ઊભાં છીએ. એક ટોચ પર અને એક ખીણમાં. મારી વર્તમાન અને ભવિષ્યની સચોટ પરિસ્થિતિની વાસ્તવિકતાથી વાકેફ થવાંની ચર્ચા માટે આપણે એક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો પડે તો જ તને મારા ઉત્તરનું તથ્ય સમજાશે,’

કોઈ પીઢને શોભે તેવી પરિપક્વતા સાથે ગંભીર અને ભારોભાર ભાવાર્થસભર મિલિન્દના શબ્દચિતારથી વૃંદાનું ચિત્ત પણ થોડીવાર માટે થંભી ગયું.

‘મિલિન્દ તને જયારે લાગે કે, તારી વાસ્તવિકતાની સમજણ માટે હું કાબિલ છું, યા તારી વ્યથાકથા ઠાલવવા માટે હું યોગ્ય પાત્ર છું તે દિવસે મને અચૂક કોલ કરજે.
એ બહાને હું પણ મારો આટલાં વર્ષોનો બળાપો બાળી શકું ?
હવે વૃંદા ગંભીર હતી.

‘તારો બળાપો ? તને શું તકલીફ હોઈ શકે ? નવાઈ સાથે મિલિન્દે પૂછ્યું,
માર્મિક હાસ્ય સાથે મિલિન્દની આંખમાં જોઇને વૃંદા બોલી...

’તને શું લાગે છે સંપતિથી સંસારના સઘળાં સુખ ખરીદી શકાય છે એમ ? તો તો દુઃખના ડુંગરા સામે ધનના ઢગલા ઓછા પડે.’

‘મિલિન્દ...વ્યથા,બળાપો,યાતના,પરીતાપ,ઉત્પીડન,આંસું, ચિત્કાર, ડૂસકાં, અને અંધકારમય ભવિષ્ય લઈને જે અવતરે ને, ત્યારે દાઢમાંથી અભિનંદન આપવાં એમ કહેવાય છે કે,
‘બધાઈ હો.....બેટી હુઈ હૈ.’
‘દુઃખના આ બધાં વિશેષણો તો સ્ત્રી તેની સાથે લઈને જ જન્મે છે.’

હવે મિલિન્દ થીજી ગયો. આટલા દીવસોમાં પહેલીવાર મિલિન્દ વૃંદાના મુખેથી આવા શબ્દપ્રયોગ સાંભળી રહ્યો હતો. મિલિન્દના ફેસ એક્સપ્રેશન અને ચુપકીદી જોઇ વૃંદા બોલી...

‘મિલિન્દ જયારે કોઈ મેજરમેન્ટ લઈને તેના દુઃખની લંબાઈ, ચોડાઈ અને ઊંડાઈ માપવા બેસે ત્યારે મને મારો પસંદીદા સંવાદ યાદ આવે..કે,

‘બસ અપના હી ગમ દેખા હૈ ? તૂને કિતના કમ દેખા હૈ.’
વૃંદાના ગુઢાર્થ શબ્દોની ગહનતાની મિલિન્દે ગંભીરતાથી નોંધ લીધી. પણ વિષમ વિષયના વિશેષ અને વિસ્તૃત વાર્તાલાપ માટે યોગ્ય સમય, સંયમ અને સંજોગ અનિવાર્ય હતાં. એટલે મિલિન્દ બોલ્યો..

‘વૃંદા આટલી ગહન ચર્ચાના અંતે, મારી એવી ધારણા છે કે, આપણે બન્નેને એક ક્વોલિટી ટાઈમ માંથી પસાર થવાની જરૂર છે. એમ આઈ રાઈટ ?’

સ્હેજ ખુશ થતાં વૃંદા બોલી,
‘એબ્સોલ્યુટલી રાઈટ બટ, એ ટાઈમ કોણ નક્કી કરશે ?’

‘એ પણ હું જ કહીશ. શક્ય એટલા ટૂંકા સમયગાળામાં પણ ક્યારે એ નહીં કહી શકું. એન્ડ સોરી ફોર નાઉ વૃંદા. મને ઘરે પહોંચવાની સ્હેજ ઉતાવળ છે. તો હવે હું રજા લઈશ.’ આટલું બોલીને મિલિન્દે હસ્તધૂનન માટે વૃંદા તરફ હાથ લંબાવ્યો.
મિલિન્દના શબ્દસંકેત પરથી વૃંદાને આગામી સંગમસંધિનું અનુસંધાન મળતા તેના ચહેરા સાથે આંખોમાં પણ એક આશાના કિરણની આછેરી ચમક ઉતરી આવી. મિલિન્દના આટલા શબ્દોના હૈયાધારણથી વૃંદાનું હૈયું હળવું થઇ ગયું. ગર્મજોશીથી હાથ મિલાવતા બોલી.

‘ઓ..શ્યોર. યુ શૂડ ગો. મને ખ્યાલ નથી કે હવે પછીની આપણી મુલાકાતમાં સમય તને લઈને આવશે કે તું સમય લઈને આવીશ બટ, આઈ હોપ કે ફરી મળીશું ત્યારે....’ આગળ બોલતાં વૃંદા અટકી ગઈ. એટલે બહાર નીકળતાં નીકળતાં મિલિન્દ બોલ્યો..

‘અરે.. વાક્ય તો પુરું કર. ત્યારે... શું ? આ અલ્પવિરામની આવરદા કેટલી ?

‘આપણા સંગત ને અંગત બનવામાં અવરોધરરૂપ બનતા સઘળાં શબ્દોને શબ્દકોશ માંથી હું પર્મેનેન્ટલી ડીલીટ કરી નાખવા ઈચ્છું છું.’
એવું મનોમન બોલ્યા પછી વૃંદા બોલી..

‘એ તો તું કેટલો સમય લઈને આવે છે તેના પર આ અલ્પવિરામની અવધિ નક્કી થશે.’ આટલું બોલી વૃંદા હસવાં લાગી.
‘પણ વૃંદા હું અલ્પવિરામનો હિમાયતી અને આદિ છું. કયારેક કલ્પનાવિહારનો રોમાંચ વાસ્તવિકતાથી ચડિયાતો હોય. સફર દરમિયાન રોમાંચિત કરી દેતી આનંદની અનુભૂતિ મંઝીલનો અંત આવતાં ઓસરી પણ જાય. અચ્છા ફિર મિલેંગે.
સી યુ એન્ડ ટેક કેર યોર સેલ્ફ. બાય.’
એમ કહી ઊંચો કરેલો હાથ હલાવતા મિલિન્દ રવાના થયો.

અને... વૃંદા ચુપચાપ હાથ હલાવતા, દ્રષ્ટિથી ઓઝલ ન થયો ત્યાં સુધી મિલિન્દને નિહાળ્યા કરી.

નેક્સ્ટ ડે થી વૃંદા અને મિલિન્દ જોડાઈ ગયા એઝ ઈટ ઈઝ તેમની રોજિંદી લાઈફમાં.
બધું જ નિત્યક્રમના ટાઈમ ટેબલ મુજબ સરળતાથી પર પડી રહ્યું હતું. પણ કયારેક કોઈ સ્પાર્ક થાય એમ વૃંદાને ભાસ થતો કે, કંઇક ખૂટે છે ? પછી મનોમન હસીને હલકા રંજ સાથે હળવા રજ જેવા ખ્યાલને ખંખેરી ખુદ જ હળવી થઇ જતી.

પણ ક્યારેક કલાસીસ પર એ સત્સંગના દસ દિવસ દરમિયાન ખૂણે ખાંચરે વિખરાયેલી સ્મરણની સોય ભૂલેચૂકે વૃંદાને ભોંકાઈ જતી ત્યારે તે એકલતાની તીવ્ર પીડા ટાળવા મિલિન્દ સાથે બે-પાંચ મિનીટ ફોન પર વાત કરી સ્વને સંતોષની સાંત્વના આપી સમજાવી લેતી.

તો કયારેક દૂર સુધી જઈ, ભૂલી પડી જતી ઘનઘોર વિચારવનમાં......
પણ આવું કેમ ? કોલેજકાળના અભ્યાસ દરમિયાન, એ પછી જોબ રીલેટેડ મુલાકાત દરમિયાન પણ અનેક સમવયસ્ક પુરુષમિત્રના સંપર્કમાં આવ્યાં પછી પણ કોઈની ગેરહાજરી આટલી નહતી ખૂંચતી. જે રીતે સહેલાઇથી માખણમાં છરી ઉતરી જાય એ રીતે મિલિન્દની સાફ સુથરી અને સરળ છબી વૃંદાના મસ્તિષ્કમાં ઉતરી ગઈ હતી.
પણ એવું તે શું હતું મિલિન્દના વ્યક્તિત્વમાં કે વૃંદાની શાંત સ્મરણ સરિતામાં મિલિન્દના શૂન્યાવકાશના આભાસ માત્રથી થતો કાંકરી ચાળો અસંખ્ય અંનત વિસ્મયના વમળો ફરી વળતાં હતા. ? કેમ મિલિન્દની અનુપસ્થિતિના અભાવ પ્રત્યે આટલો લગાવ ? શા માટે ભૂતાવળના વળગાળ જેવું વળગણ ?

પછી ખડખડાટ હસતાં માથા પર ટપલી મારતાં મનોમન ‘પાગલ’ બોલી આગળની વિચારશ્રુંખલાની કડી સાથે જોડાતા મનગમતી મનોમંથનની માળાના મણકા ફેરવવવા લાગતી.

પારકા છતાં મહદ્દઅંશે પોતીકા અને વ્હાલાં એવા કમ્ફર્ટ ઝોન જેવા મનગમતાં મિલિન્દ સાથેના નિસ્વાર્થ સ્નેહ સાનિધ્યમાં વૃંદાને રાચવું ગમતું. સંબંધોના જે સમીકરણો સમજવામાં વૃંદાએ જિંદગીને જે સમય આપ્યો, તેના પરથી વૃંદાને એવું લાગતું હતું કે હવે એ અસમંજસ ભર્યા સમીકરણોની ગુત્થી સુલઝાવાનો સમય મિલિન્દના નિમિત સ્વરૂપે આવી ગયો છે. હવે સમય કેટલો સમય લે છે એ આવનારા સમય પર નિર્ધારિત હતું.

પણ ઊંડે ઊંડે વૃંદાને એવા ભયના ભીતિની ભ્રાંતિ થતી હતી કે, કદાચ મિલિન્દ તેના જીવનસફરનો માઈલ સ્ટોન સાબિત થશે. પછી એ ટોચ પર હોઈ કે તળમાં, પણ જીવન ઘટનાચક્રનું મધ્યબિંદુ તો મિલિન્દ જ હશે એવી આહટના ભણકારાનો અણસાર વૃંદાને આવી રહ્યો હતો.


તો આ તરફ ત્રણ દિવસ બાદ જોબ અને ફેમીલીના વ્યસ્ત રૂટીન શેડ્યુલમાંથી તેના દિમાગને નિરાંતે વિચારવાનો સમય મળતાં રાત્રિના અગિયાર વાગ્યાં પછી ટેરેસ પર ટહેલતાં ટહેલતાં મિલિન્દ વિચારી રહ્યો હતો કે, સારી એવી આર્થિક સદ્ધરતા, નાની વય, બેહદ ખુબસુરત સૌન્દર્ય, કુશાગ્ર બુદ્ધિધન, અવિવાહિત, સપૂર્ણ સ્વસ્થ નીરોગી કાયા, આવા બધાં જ પ્લસ પોઈન્ટ હોવાં છતાં વૃંદાને કઈ વાતનું દુઃખ હોઈ શકે ? પ્રથમ દ્રષ્ટીએ જોતાં તો એવું જ લાગે કે તેને ઈશ્વરે ચાર નહીં પણ આઠ હાથે અવિરત આશીર્વાદ આપ્યાં છે.

બસ, આ વાતનું રહસ્ય જાણવા મિલિન્દને વૃંદાને મળવાની તીવ્ર ઈચ્છા હતી.


-વધુ આવતાં અંકે
Rate & Review

D Patel

D Patel 10 months ago

Krishvi

Krishvi Matrubharti Verified 1 year ago

Rakesh

Rakesh 1 year ago

Kitu

Kitu 1 year ago

Gor Dimpal Manish