The key value of a pinch of vermilion - 5 in Gujarati Novel Episodes by Vijay Raval books and stories PDF | એક ચુટકી સિંદૂર કી કિંમત - 5

એક ચુટકી સિંદૂર કી કિંમત - 5

પ્રકરણ-પાંચમું/૫

એક દિવસ રવિવારની સવારે નવ વાગ્યાની આસપાસ તૈયાર થઈ મિલિન્દ ફ્લેટની બહાર નીકળી કમ્પાઉન્ડમાં આવ્યો, ત્યાં સોસાયટીના ગેઇટ પાસે જ કેશવ તેની કારના ફ્રન્ટ ગ્લાસને સાફ કરી રહ્યો હતો. કેશવની નજર મિલિન્દ પર પડતાં જ બૂમ પાડી...

‘ઓયે.. ચલ આવી જા. આજે તારી બોણીથી સન્ડેની શુભ શરૂઆત કરીએ.’
‘અરે યાર શું કામ ફોગટમાં ડીઝલનો ધુમાડો કરે છે. ? હું જતો રહીશ ટ્રેઈનમાં.’
નજીક આવતાં મિલિન્દે જવાબ આપ્યો.
‘અરે... તું મને ચા નહીં પીવડાવે ? તો ફોગટનો ધુમાડો શાનો ? ચલ આવ બેસ કારમાં.’
હસતાં હસતાં કેશવ બોલ્યો.

કેશવ, કેશવ કાપડીયા.

ત્રીસ વર્ષીય અપરણિત કેશવ મૂળ ગુજરાતનો વતની પણ ફિલ્મીજગતની ચકાચૌંધથી અંજાઈને હીરો બનવાની લાયમાં ભરાઈ પડ્યો મુંબઈમાં. બાપદાદાની જમીન વેંચીને પાંચ વર્ષમાં દસ લાખનું આંધણ કર્યા પછી સી ગ્રેડની ફિલ્મોમાં માંડ માંડ બે થી પાંચ મીનીટની ભૂમિકાના રોલ મળ્યા. રંગબેરંગી પડદા પાછળની બેરંગ દુનિયાની વાસ્તવિકતાનું ભાન થયાં પછી એક્ટિંગનું ભૂત ઉતરતાં ખુદની ટેક્ષી વસાવી મુંબઈને જ કર્મભૂમિ બનાવી લીધી. મુંબઈ આવ્યો ત્યારથી જ મિલિન્દના ફ્લેટની બાજુની ખોલીમાં જ રહેતો અને પહેલાં જ દીવસથી મિલિન્દ અને કેશવની મિત્રતા એવાં ગાઢ ઋણાનુબંધમાં બંધાઈ ગઈ કે પૂરી સોસાયટીના લોકો તેમની દોસ્તીની મિશાલ આપતાં. જોગાનુજોગ જે દિવસે કેશવ રહેવા આવ્યો અને તે દિવસે મિલિન્દને તેના એક નજીકના સંબંધી માટે ઈમર્જન્સીમાં ઓ નેગેટીવ બ્લડની જરૂર પડી અને મિલિન્દને રઘવાયો થતાં જોઇને મિલિન્દનું નામ સુદ્ધાં ન જાણતો હોવાં છતાં કેશવે પૂછ્યું, ‘આપની તકલીફમાં હું કંઈ મદદ કરી શકું એમ છું ?

મિલિન્દે પરિસ્થિતિનું વર્ણન કર્યું. એટલે કેશવે કહ્યું કે ચાલો ઝટ.

એટલે મિલિન્દે પૂછ્યું ‘ક્યાં ?’
‘જ્યાં બ્લડ આપવાનું છે ત્યાં મારું બ્લડ ગ્રુપ ઓ નેગેટીવ છે.’
તે દિવસની ઘડીને આજનો દિવસ મિલિન્દ કેશવનો પડ્યો બોલ ઝીલે છે.

‘અલ્યાં આજે રવિવારે વ્હેલી સવારમાં ? રાજાસાહેબની સવારી માધવાણી પરિવાર માટે કોઈ રાણીની શોધમાં તો નથી નીકળીને ? હસતાં હસતાં કેશવે પૂછ્યું

‘એલા અહીં રાજા કોકના સાલિયાણા પર તેનું ગાડું ચલાવે છે, ત્યાં રાણીને ક્યાં માથે બેસાડવી ? મિલિન્દે જવાબ આપ્યો.
‘જો મિલિન્દ, રાધા-કૃષ્ણ, સીતા-રામ અને ઉમા-શંકર જેમ આ નામોમાં પત્નીને પ્રાથમિકતાનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તો ઈશ્વરે તારા માટે પણ કોઈ આવાં પાત્રનું નિમિત ઘડ્યું હશે એવું ન બની શકે ?
મિલિન્દના સવાલનો સકારાત્મક ઉત્તર સાથે પ્રશ્ન પૂછ્યો.

‘તથાસ્તુ, પણ દોસ્ત હું કિસ્મતની રેખા કરતાં કર્મની રેખા વધુ વિશ્વાસ રાખું છું.’
મિલિન્દે તેની પ્રકૃતિનો પરિચય આપતાં કહ્યું.

એટલે કેશવ બોલ્યો..
‘કંઇક અંશે તારી વાત કબૂલ, પણ મારા અનુભવ પરથી એટલું ચોક્કસ માનું છું કે,
સંસારમાં ભાગ્યેજ કોઈ અપવાદ હશે કે, જે સમય અને સંજોગનો શિકાર ન બન્યો હોય. હું એવું માનું છું કે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સામા પ્રવાહે તરવા કરતાં સમય, સંજોગની હસતાં મોઢે શરણાગતિ સ્વીકારી લેવી શાણપણનુ કામ છે.’
અત્યારે કઈ તરફ ? કંઈ ટેન્શન છે ? કેશવે પૂછ્યું.

‘અરે.. ના એવું કંઈ નથી. જશવંત અંકલને મળવા જાઉં છું. આવીને પછી રાત્રે તને મળું. બસ..બસ મને અહીં ડ્રોપ કરી દે.’ મિલિન્દ બોલ્યો.

‘ચલ ચા પી ને પછી છુટા પડીએ.’ બોલ્યા પછી કેશવ વિચારવા લાગ્યો
મિલિન્દના શબ્દો અને બોડી લેન્ગવેજ પરથી કેશવને લાગ્યું કે મિલિન્દ કંઇક મુંઝવણમાં છે, પણ કહી નથી શકતો. પછી વિચાર્યું કે રાત્રે મળશે ત્યારે ભાર દઈને પૂછી લઈશ.
મિલિન્દ રવાના થતો હતો ત્યાં જ કેશવ બોલ્યો,
‘સાંભળ રાત્રે ભૂલ્યા વગર મળવાનું છે, કેમ કે મારે તારું એક ખાસ કામ છે.’
‘હાં શ્યોર મળીએ છીએ રાત્રે.’ એમ કહીને મિલિન્દ સ્ટેશન તરફ ચાલવા લાગ્યો.


ઠીક સાડા દસ વાગ્યાની આસપાસ દાદર સ્થિત જસવંતલાલના બંગલા પર જઈ ડોર બેલ પ્રેસ કરતાં નોકરે ડોર ઉઘાડ્યું. જસવંતલાલ ડ્રોઈંગરૂમમાં જ બેઠાં હતાં. મિલિન્દને જોતાં વેત જ બોલ્યા,

‘આવ આવ દીકરા આવ... બેસ.’

જસવંતલાલ ઠક્કર.

બે વર્ષ પહેલાં ઘણાં લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા તેના પત્ની ગિરજાબેન અંતિમ શ્વાસ લઇ ફાની દુનિયાને અલવિદા કહી ચુક્યા હતાં. જશવંતલાલના બન્ને પુત્રો છેલ્લાં પાંચેક વર્ષથી સહ પરિવાર સાઉથ આફ્રિકામાં પોતાનો સ્વતંત્ર બિઝનેશ સંભાળતા હતા. જશવંતલાલ ગર્ભશ્રીમંત એટલે જન્મથી જ પૈસે ટકે ખમતીધર. મસ્ત મોજીલો જીવડો. હસતાં હસતાં જિંદગીની દરેક પળ માણી લેવી એ તેનો મહામંત્ર. મિલિન્દના પિતા કનકરાયના તેમના ક્લાસમેટ. નાની ઉમરથી જ પ્રેક્ટીકલ. પણ તેના ગણતરી બાજ પ્રકૃતિથી તેમણે કનકરાયને હંમેશ માટે બાકાત રાખ્યાં હતાં. કનકરાય ભણવામાં ખાસ હોશિયાર નહીં પણ તેનો નિખાલસ સ્વભાવ અને પ્રમાણિકતાથી જસવંતલાલ પ્રભાવિત હતાં. અને કયારેય જસવંતલાલ તેને કહેતા પણ ખરા કે આ તારા પ્લસ પોઈન્ટ જ આગળ જતાં કયારેક તારા માટે માઈનસ પોઈન્ટ સાબિત થશે. દસમાં ધોરણથી છુટા પડ્યા પછી વર્ષો વિતતા બન્નેએ તેમના સિદ્ધાંતને વળગી રહેતાં જસવંતલાલ તેના બાપદાદાની શાખ અને સંપતિને દસ ગણી કરવામાં સફળ રહ્યાં અને કનકરાય પાસે રહ્યાં વર્ષો જુની કટાઈ ગયેલી બુઠ્ઠી તલવાર જેવા પ્રમાણિકતા અને સિદ્ધાંતના એવા હથિયાર કે જે ન તો મારવામાં કામ લાગે છે મરવામાં. છતાં જસવંતલાલે કોઈપણ સંજોગોમાં કનકરાયનો સાથ નહતો છોડ્યો. પણ જસવંતલાલ મિત્ર કનકરાય કરતાં મિલિન્દને વધુ માનતા. મિલિન્દ જેવા પુત્ર વરદાનથી ઈશ્વરે જાણે કે કનકરાયના કર્મોનું એકસામટું સાટું વાળી દીધું હતું.

‘બોલ દીકરા.. શું ફાવશે, ચા-કોફી કે કૈંક સોફ્ટ ડ્રીંક ? જશવંતલાલે પૂછ્યું
‘અંકલ, થોડીવાર પછી.’ જસવંતલાલની બાજુમાં સોફા પર બેસતાં મિલિન્દ બોલ્યો. ‘અચ્છા ઠીક છે, હવે બોલ કેમ આજે અંકલ યાદ આવ્યાં ?’
થોડીવાર ચુપ રહી મિલિન્દ બોલ્યો,

‘અંકલ, ઘણાં દિવસોથી દિમાગમાં એક ગડમથલ ચાલી રહી છે. આપ કોઈ માર્ગદર્શન આપો તો કંઇક રસ્તો સુજે.’

‘અંકલ....’ મિલિન્દ આગળ બોલે એ પહેલાં જસવંતલાલે ઈશારો કરતાં મિલિન્દ અટકી ગયો.

‘જો મિલિન્દ તારા ફેમીલીની કોઈપણ અવદશાથી હું અજાણ નથી. અને તારી દરેક દશાના દરવાજાના તાળા ઉઘાડવાની એક જ કુંચી છે, પૈસો. તારી કોઈપણ ચર્ચાના અંતે વાત આવીને અટકશે પૈસા પર જ. તેના માટે મેં તને ઘણીવાર કોઈ બીઝનેસ માટે નાણા ધીરવાની પણ ખુલ્લી ઓફર કરી છે પણ, તારી પ્રમાણિકતા તો તારા બાપને પણ આંટી મારે તેવી છે. હવે બોલ શું પ્રોબ્લેમ છે ? ક્યાં ગાડી અટકી છે ?’

મિલિન્દ કોઈપણ ચર્ચા ખુલ્લાં દિલે, નિસંકોચ કરી શકે એટલે જસવંતલાલે પૂર્વભૂમિકા બાંધી દીધી.

‘છેલ્લાં છ એક મહિનાથી સતત જે રીતે પપ્પાનું સ્વાસ્થ્ય કથળતું જાય છે તે જોતાં હવે તેમની પાસે જોબ કરાવડાવવી હિતાવહ નથી. અને તેમની ચિંતામાં ને ચિંતામાં મમ્મીની તબિયત છાશવારે લથડતી જાય છે. અને ગોવિંદની તો તમને ખબર છે કે, સાવ ખોટો સિક્કો જ છે. એક તરફ મિતાલીને પરણાવવાની ફિકર. તેની અવસ્થા જોતા તેના તગડા દહેજની પણ વ્યવસ્થા કરવી જ રહી. તો હું એમ વિચારું છું કે, મારી ફાઈનાન્સ કંપનીમાં જે અમારી થોડી ઘણી બચત છે, તે રકમ હું આપને આપી દઉં તો તે આપ આપના વ્યાજવટાવના ધંધામાં લાગવી દો તો એકાદ બે વર્ષમાં સારું એવું રીટર્ન મળી શકે.’

મિલિન્દની વાત સાંભળીને જસવંતલાલ હસવાં લાગ્યા...એટલે મિલિન્દને નવાઈ લાગતાં પૂછ્યું,
‘કેમ અંકલ ? આ વિચાર યોગ્ય નથી ?
‘કેટલી રકમ છે ?
‘બે લાખ.’ મિલિન્દે જવાબ આપ્યો.
‘હું તને ચાર લાખ વગર વ્યાજે આપું.. તું કોઈ બિઝનેશ કરને.’
‘પણ, સાચું કહું અંકલ મને કોઈ રિસ્ક નથી લેવું. અને મારે અમીર પણ નથી બનવું.
આ તો ફક્ત હું મારા પરિવારની જવાબદારી નિભાવી શકું તેના માટે જહેમત કરું છું બસ’

‘એક વાત કહું, મિલિન્દ. આપણે શ્વાસ લઈએ છે, એ પણ એક રિસ્ક છે. તું મને મારા ભરોસે બે લાખ આપે, અને આવતીકાલ સવારે આ દુનિયામાં મારું જ અસ્તિત્વ ન રહે તો એ પણ એક રિસ્ક જ છે ને ?

‘અરે... અંકલ આવું અશુભ શા માટે બોલો છો ? અને આ તો કેલ્ક્યુલેટેડ રિસ્ક છે. અને રહી વાત નિયતિની તો તેની પાસે કોઈનું શું ગજું ચાલવાનું.’

‘ઠીક છે. બે લાખ કોના છે ? તારા કે પપ્પાના ? જસવંતલાલે પૂછ્યું.
‘પપ્પાના ના જ હોય ને.’
‘ઠીક છે પહેલાં પપ્પાને પૂછી લે. અને હું ખાતરી પૂર્વક કહું છું, કનિયો આ વાત મંજૂર નહીં જ કરે. એ ગાંધીજીનો’ય બાપ છે.’ હસતાં હસતાં જસવંતલાલ બોલ્યા.

‘પણ હું મમ્મી અને મિતાલી ત્રણેય શાંતિથી સમજાવીશું તો કદાચ માની જશે અને આપ વચ્ચે છો પછી તો ના પાડવાનું કોઈ કારણ નથી ને.’ મિલિન્દ બોલ્યો..

‘અમને એકબીજાથી નહીં પણ અમારા સિદ્ધાંતને એકબીજાથી બાપે માર્યા વેર છે. ઠીક છે, છતાં પણ તું પૂછી લે મને કોઈ જ પ્રોબ્લેમ નથી.’ જશવંતલાલ બોલ્યાં

‘પણ અંકલ આશરે મંથલી કેટલું રીટર્ન મળે ? અધીરાઈથી મિલિન્દે પૂછ્યું.

‘અરે.. ફાઈનાન્સ કંપનીમાં તું જોબ કરે છે, તો માર્કેટ રેટની તને સારી રીતે જાણકારી હોવી જોઈએ.’ જસવંતલાલે પૂછ્યું

‘નોર્મલી મને બે થી ચાર ટકાનો આઈડિયા છે.’ મિલિન્દ બોલ્યો.
‘જો દીકરા અમારું ગણિત, વળતર અને જોખમ ધિરાણની અવેજીની મત્તા પર આધારિત હોય છે. બે ટકા થી લઈને દસ ટકા.’
‘મંથલી......દસ ટકા ? !! આશ્ચય સાથે મિલિન્દ બોલ્યો

‘અને કયારેક કોઈ યુધિષ્ઠિર જેવા જુગટુંમાં ઈજ્જત સાથે બધું અને બૈરું પણ હારી જાય તો પંદર ટકા પણ આપવા તૈયાર હોય છે. પણ હું તને દસ ટકા આપીશ બસ,’

‘ઓહ્હ.. દસ ટકા મંથલી મતલબ કે... બે લાખના મહીને વીસ હજાર રૂપિયાનું વળતર અને એ પણ હાથ પગ ચલાવ્યા વગર ? અને બે વર્ષમાં... ચાર લાખ એંસી હજાર તો માત્ર વ્યાજ થયું, અને સામે મૂડી તો અકબંધ જ રહેવાની. તો,,, તો.. અંકલ હું આજે જ પપ્પાને મનાવવાની કોશિષ કરીશ. પણ.. તો અંકલ તમને શું નફો મળે ?

હસતાં હસતાં જશવંતલાલ બોલ્યા..

‘જો સ્વભાવે હું સો ટકા પ્રોફેશનલ ખરો, પણ કનકરાય માધવાણીનો પરિવાર મારા વ્યાપારી સ્વભાવથી અલગ અને અપવાદ રૂપ છે. મારા પ્રત્યે તમારા સૌનો આદર અને પ્રેમ એ જ મારો પ્રોફિટ છે. પણ, જો જે ક્યાંય એ ભોલેનાથ રિઝવાની જગ્યાએ રીસે ભરાઈને તાંડવનૃત્ય ન કરવાં લાગે.’
આટલું બોલીને જસવંતલાલ ખડખડાટ હસતાં આગળ બોલ્યા,

‘પણ હવે તો થોડા દિવસો પછી જ મેળ પડશે કેમ કે, આવતીકાલે હું સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યો છું.’
‘કેમ સૌરાષ્ટ્ર બાજુ? કંઇ ઈમ્પોર્ટન્ટ કામ છે ? મિલિન્દે પૂછ્યું.
‘ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ. કેમ કે મારા એક ગાઢ મિત્ર જગન રાણાની એકની એક પુત્રીના ટૂંક સમયમાં લગ્નની તડામાર તૈયારી કરવાની છે.
‘તમારા ગાઢ મિત્ર, અને એ પણ સૌરાષ્ટ્રમાં ? નવાઈ સાથે મિલિન્દએ પૂછ્યું
‘હા, એ વાત થોડી લાંબી છે, નેક્સ્ટ ટાઈમ નિરાંતે મળીશું ત્યારે કહીશ. અચ્છા ઠીક છે તું કનકને સાથે શાંતિથી વાત કરીલે પછી મળીયે.’
એ પછી થોડી ઔપચારિક વાતચીત કરી ખુશખુશાલ મિલિન્દ રવાના થયો.
એ જોઇને જસવંતલાલ પણ મનોમન હસવાં લાગ્યા.

રાત્રે ડીનર લઈ કેશવને કોલ કરી મળવાનું પૂછતાં તેણે ટેરેસ પર આવવાનું કહ્યું.

બન્ને બેઠાં ટેરેસ પર..
‘શું ચક્કર છે મિલિન્દ ? કઈ ગડમથલમાં ગૂંચવાયો છે ? કંઇક કહીશ ?
કેશવે મિલિન્દની આંખમાં જોતાં પૂછ્યું.
‘એ જ યુનિવર્સલ પ્રોબ્લેમ ? જેની પાછળ સવારથી જ પ્યુનથી લઈને પ્રાઈમ મીનીસ્ટર સુધીના સૌ આંધળી દોટ મુકે છે. પૈસા...પૈસા..અને પૈસા.’
‘હું કંઈ મદદ કરી શકું ? મને ન કહેવાય ? કેશવે પૂછ્યું.

‘જરૂર લાગે તો કહીશ પણ તું બોલ.. શું ખાસ વાત કરવાનો છે ?’ મિલિન્દે પૂછ્યું.

‘મિલિન્દ તારા ભાઈ ગોવિંદની હિલચાલ કંઇક ઠીક નથી. તેને સમજાવ નહીં તો...’
‘નહીં તો શું કેશવ ?’ અધીરાઈથી મિલિન્દે પૂછ્યું,

‘ગોવિંદને તો તમે ખોઈ બેસશો પણ, તારું પરિવાર એવા ચક્કરમાં ફંસાઈ જશે
કે...કોઈનો પત્તો નહીં જડે.’ ગંભીરતાથી કેશવ બોલ્યો..

આટલું સાંભળાતા તો મિલિન્દના હોંશ ઉડી ગયાં.

-વધુ આવતાં અંકે.


Rate & Review

Chitra

Chitra 1 year ago

Vadhavana Ramesh
Rakesh

Rakesh 1 year ago

Kitu

Kitu 1 year ago

Falguni Shah

Falguni Shah 1 year ago