My 20years journey as Role of an Educator - 27 books and stories free download online pdf in Gujarati

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ 27

મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે ભાગ 27

ભૂત કેમ ભગાડવું ? (ભાગ 2)

સુપ્રિયાને મિત્ર બનાવવાનું વચન આપી, ઘરે મોકલી, !! મે બીજા શિક્ષક સાથે તાસની અદલાબદલી કરી લીધી ને સુપ્રિયા ન હતી એ સમયમાંજ બધા સાથે વાત કરવા હું મારા વર્ગમાં ગઈ, અમુક વિધ્યાર્થિનીઓ બહુ ડરેલી હતી, તો અમુક એનાથી ટેવાઇ ગઈ હતી, તે શાંતિ થી પોતાની જગ્યા એ બેસી ગઈ હતી. હવે મારે એ લોકો પાસે સુપ્રિયાનો મૂળ ઇતિહાસ જાણવો હતો તો સામા પક્ષે એ લોકોને મારી પાસે ભૂત ભગવવાનો ઇતિહાસ જાણવો હતો!! મે શાંતિથી વાત શરૂ કરી ને જાણવા મળ્યું કે સુપ્રિયાને આવું વારેવારે વર્ગમાં થી જતું.. છેલ્લા વર્ષમાં કેટલાક વાલીએ શાળામાં ફરિયાદ પણ કરેલી કે સુપ્રિયાને કારણે એમની દીકરીઓ શાળાએ આવતા ડરતી હોવાથી તેના વાલીએ સુપ્રિયાને બીજી શાળામાં લઈ જવી જોઈએ.બધી દીકરીઓની બધી વાત શાંતિથી સાંભળી પછી મે તે સહુને શાંતિથી ભૂત વિષે જણાવવા મને કહ્યું ને કોઈએસાચે જ પોતાના આખે ભૂતને જોયું હોય તો એનું વર્ણન કરવા કહ્યું..ત્યારે બધા મુંજાયા...કોઈ કહે મે ટીવીમાં જોયું છે, કોઈ કહે નાટકના પાત્રમાં, તો કોઈ કહે મે વાર્તામાં સાંભળી સ્વપ્નમાં જોયું છે! પણ કોઈ રૂબરૂ જોયાનું વર્ણન ન કરી શક્યા, ત્યારે મે હસીને સમજવ્યું કે બસ આમ જ એ કલ્પના માત્ર છે, મનનો વહેમ છે. હકીક્તમાં ભૂત જેવુ કઈ ન હોય. ત્યારે વળતો પ્રશ્ન આવ્યો કે તો પછી આ સુપ્રિયાને શું થાય છે? હવે મારે તો એ જ વાત કરવી હતી એટલે મે એ વાત સમજાવવાની શરૂ કરી ને કહ્યું કે આવું થાય ત્યારે સુપ્રિયાને શું શું થાય છે? જવાબ મળ્યા એના દાત ભીડાઈ જાય છે, શરીર ખેચાઈ જાય છે, ક્યારેક આખો ઊચે ચડી જાય, બેભાન થઈ જાય છે...વગેરે .મે સમજવ્યું કે આ બધા લક્ષણ એક રોગ ના છે જેનું નામ છે હિસ્ટેરિયા કે ખેચ .. પછી વિગતે એ રોગ વિષે સમાજ આપીને એ બધી વિધ્યાર્થિનીઓ પાસે વચન લીધું કે કાલથી બધા સુપ્રિયાને પ્રેમથી બોલાવશે ને કોઈ એનાથી ડરશે નહીં .. જો કે આટલી નાની ઉમરમાં આટલો જલ્દી ડર દૂર ન થઈ શકે, પણ પોતાના પ્રિય શિક્ષક પર વિશ્વાસ ના જોરે મોટા ભાગના એ વચન આપવા તૈયાર થયા. તાસ પૂરો થતાં, સુપ્રિયા સાથે ક્યારેક ક્યારેક જોવા મળતી તેની મિત્ર મિત્રાને રજામા મને મળવાનું સૂચન આપી, હું વર્ગ બહાર નીકળી ગઈ.

રજામાં પ્રિયા ખુશ થતી મને કહેવા લાગી બહેન તમે બહુ સારું કર્યું હું તો બધાને કહેતી પણ આ વાત કોઈ ન માનતું...તેની વાતમાં તેનો તેના મિત્ર પ્રત્યેનો પ્રેમ છલકતો હતો. હું પણ ખુશ થઈ અને પછી સુપ્રિયા વિષે વધુ વિગત એની પાસે જાણી એના કહ્યા મુજબ સુપ્રિયા પોતાના આ રોગ વિષે ક્યારેક પ્રિયાને કહેતી કે તેના મમી પાપા ઘણા ડોક્ટર પાસે દવા લેવા લઈ ગયા છે હવે તેને દવા ખાવાનો કંટાળો આવે છે.પણ ચોકાવનારી વાત એ હતી કે પ્રિયાએ કહયુકે એના એક ફઈ ને દાદીના કહેવા મુજબ તેનામાં કોઈ વળગાડ છે ને એટલે એ લોકો સુપ્રિયાને કોઈ ભુવા પાસે લઈ જાય છે ત્યારે સુપ્રિયાને બહુ બીક લાગે છે!! તે ભુવા એને બહુ મારે છે !! મારૂ મગજ બહેર મારી ગયું કે આ જમાનામાં પણ આવી અંધશ્રદ્ધા ? મે પ્રિયાને આજની અમારી વાત સુપ્રિયા કે તેના વાલીને ન જણાવવા કહ્યું અને તેને પણ વચન આપ્યું કે તેની મિત્રને હું જલ્દી સારી કરી આપીશ. તે ખુશ થતી ગઈ ને તરત મે સુપ્રિયાના મમ્મીને ફોન લગાવી તેની તબિયત વિષે પુછ્યું તો તેની મમ્મીએ કહ્યું કે અત્યારે તો દવા આપી છે ને એ સૂઈ ગઈ છે. મને થોડી રાહત મળી અને મે એની મમ્મીને બીજે દિવસે શાળામાં મને મળવા આવવા માટે કહ્યું.

બીજા દિવસે સુપ્રિયા ખુશ થતી એની મમ્મીએ સાથે આવી. મે એને કહ્યું કે વર્ગમાં જાવ, તારી ઘણી નવી બહેનપનીઓ તારી રાહ જુવે છે ત્યારે આશ્ચર્ય અને આનંદ સાથે તે વર્ગ તરફ ગઈ. પછી મે એની મમી તરફ જોયું. પ્રથમ નજરે જ ખ્યાલ આવી જાય કે અભણ અને ગરીબ પરિવારના બહેન બિચારા દીકરીની ચિંતામાં છે. હું કઈ કહું એ પહેલા જ મને કહેવા લાગ્યા : બેન, માફ કરજો કાલે એને મ્ંત્રેલુ પાણી પીવડવા ભૂલી ગઈ એટલે એને ધાંધલ કરી,તમને સહુને હેરાન કર્યા! હવે હું ધ્યાન રાખીશ આવું નહીં થાય ! હું સમજી ગઈ કે એ કયા પાણીની વાત કરતાં હતા. પણ મે એમની સાથે વિગતે વાત કરી, સુપ્રિયાની આખી હિસ્ટ્રી જાણી. તેના મમ્મીએ બધી જ વાત કરી કે કોઈ મગજના મોટા ડોક્ટરને બતાવવાનું છે પણ અમારી પાસે એટલા પૈસા નથી! ભુવા વાળી વાત પૂછતા રીતસર એ બિચારી ભોળી માં રડી પડી. કહે કે બહેન હું પણ નથી ઈછતી કે મારી દીકરી દુખી થાય પણ એક તો અમારી પાસે ડોક્ટર પાસે જવાના પૈસા નથી ને બીજું કારણ મારા નણંદ અને સાસુ પાસે મારૂ કઈ ચાલતું નથી, ને એના પાપાને કહું તો એ કહે છે કે દીકરીની જાત છે ભૂત વળગાડ કાઢવીશું નહીં તો ઘરે બેસાડી રાખવી પડશે ને ભવિષ્યમાં એને કોણ પરણશે??!!” ભોળી માને મે સાંત્વન આપ્યું ને સમજવ્યું કે આવું હવેથી કઈ જ ન કરવું પણ હું કહું એમાં સાથ આપજો ખાલી ..ને બીજા દિવસે એના પતિ સાથે આવવાનું કહ્યું. રજામાં સુપ્રિયા ખુશખુશાલ ચહેરે મારી પાસે આવીને મને કહે બેન તમે શું જાદુ કર્યો? આજે તો વર્ગમાં મારે નવી 10 બહેનપણી થઈ ગઈ ! સાથે આવેલી પ્રિયાએ થોડા મિત્રસહજ ઈર્ષ્યા ભાવે કહ્યું બેન એને કહો કે નવી બહેનપણી મળે તો મને ભૂલી ન જાય હો ! બેય મિત્રોની મીઠી મિત્રતા માણતી હું મંદ મંદ હસી રહી.

બીજા દિવસે તેના પપ્પા મમ્મી આવ્યા. ગરીબ ને ભોળો બાપ બિચારો રડી જ પડ્યો, કહે બહેન, બહુ દિવસે મારી દીકરી કાલે હસી, શાંતિથી જામી અને ખૂબ સારું ઊંઘી શકી. ને બપોરે શાળાએ થી આવીને રાતે સૂતી ત્યાં સુધી તમારા નામની માલા જ જપે છે. તમારો બહુ આભાર બહેન, મારી દીકરી કાયમ આવી જ રહે એવું કઈક કરો ને ? હવે મારે જે વાત કરવી હતી તેના મૂળ તરફ હું આવી. મે એમને સમજાવ્યું કે હવે વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે. અને આ એક જાતનો માનસિક રોગ છે તેની દવા થઈ શકે છે. મને ખબર છે કે તમારી પાસે પૈસા નથી પણ એ બધી વ્યવસ્થા હું કરી આપીશ પણ તમે મને વચન આપો કે હવે ક્યારેય પણ તમે ભુવા દોરા ધાગા માં નહીં પડો.માંડ માંડ એ વાત સમજાવી, એમને ઘરે મોકલ્યા.પછી મે એક મનો ચિકિત્સ્કનો સંપર્ક કર્યો, સુપ્રિયાની આખી વિગત સમજાવી. તેમણે સુપ્રિયા અને તેના મમ્મી પપ્પા સાથે મળવા બોલાવી. વિગતે ચર્ચા કરી, તેને યોગ્ય સૂચનો આપી મને રિપોર્ટ કર્યો. અને હસતાં હસતાં મને કહ્યું કે બહેન મારી બદલે તમારે જ એ દીકરીના ડોક્ટર બનવાનું છે! મે કહ્યું કઈ રીતે ? ડોક્ટરે કહ્યું કે સુપ્રિયા કહેતી હતી કે મારા બહેન મારી પાસે આવતા ભૂતને ભગાડવાના છે એટલે હવે મારે કોઈ ભુવા પાસે નથી જવાનું ને કોઈ દોરો નથી બંધવાનો ને કોઈ મંતરેલા પાણી નથી પીવાના તો હું તમારી દવા પણ શું કામ ખાઉ ? મારા બહેન મોટા જાદુગર છે !! અને અમે બંને દીકરીની નિર્દોષ વાતથી ખુશ થતાં હસી પડ્યા. ડોક્ટરએ વિશેષમાં સમજવ્યું કે આવા દર્દીને પ્રેમ અને સહાનુભૂતિ થી જલ્દી સાજા કરી શકાય છે તમે સારી રીતે જાણો છો. બસ તમે જે સાથે એની રીતે રહો છો એ જ એની દવા છે.શાળામાં બીજા શિક્ષકોને પણ સમજાવી દો કે આ જ રીતનું વર્તન એની સાથે રાખે.અમુક દવા છે પણ જો જરૂર પડે તો જ એ લેવાની રહેશે ને એ પણ એ તમે કહેશો તો જ એ લેશે એમ કહેતી હતી ... મે આખી વાત સમજી લીધી ડોક્ટરની ની:સ્વાર્થ સેવા બદલ આભાર માન્યો.

બીજા દિવસે શાળામાં આચાર્ય સાથે ચર્ચા કરી એમની મંજૂરીથી બીજા મિત્રો સાથે ચર્ચા કરી સુપ્રિયાનો કેસ સમજાવી દીધો ને અભ્યાસ ઓછો કરે કે ન કરી શકે અથવા કસોટીમાં નાપાસ થાય તો એની સાથે સરળતાથી પ્રેમ પૂર્વક વર્તન કરવા સહુને વિનંતી કરી.ધીમે ધીમે સહુના સહકારથી હવે ખેચ આવવાનો સમયગાળો લંબાતો ગયો ને અસમાન્ય વર્તન કરતી સુપ્રિયા સમાન્ય થતી ગઈ.મંતરેલું પાણી પીવાનું જો દાદીમા કહે તો એ ના જ પાડતી,ને ભુવા પાસે લઈ જશો તો મારા બહેનને કહી દઇશ એવી ધમકી પણ પપ્પાને આપતી થઈ ગઈ હતી !! આઠ અને નવમા ધોરણમાં ખૂબ મહેનત કરી કરીને પાસ થઈ, દશમાં માં આવેલી સુપ્રિયા હવે મને એની એક સારી મિત્ર સાથે પોતાને મારી દીકરી ગણાવી પોતાના મિત્રોમાં પોતાનો વટ પાડતી થઈ હતી!! ને બોર્ડ પરિક્ષાની શુભેછા આપવા તેના ઘરે ગઈ ત્યારે તેના મમ્મી પપ્પાએ દાદીમા સાથે ઓળખાણ કરાવી, એ મારા પર શરૂઆતમાં નારાજ હતા એવું તેમણે જાતે જણાવ્યુ, પણ આખરે તો દીકરી જાતને નોર્મલ બનાવવાની વાત હોવાથી સુપ્રિયાના નોર્મલ પણા થી એ પણ ખુશ હતા.

સુપ્રિયાએ મને આપેલ વચન મુજબ ખૂબ ધ્યાનથી મહેનત કરી પાસિંગ ગુણ લાવી પાસ થઈ, આગળ અભ્યાસ પણ પૂરો કર્યો.ત્યારે આ લખનાર શિક્ષક જીવનો રાજીપો આપ સહુ અનુભવી શકો છો એની મને ખાતરી છે.

બસ એટલી અપેક્ષા આપ સહુ પાસે... કે સમાજમાં હજુ પણ આવા બનાવો બને છે, ત્યારે માનવ ધર્મ યાદ કરી એ અંધશ્રદ્ધાને દૂર કરવાનો બનતો પ્રયત્ન સહુ કરીએ.

હું સુપ્રિયાને નોર્મલ બનાવવાની ધૂનમાં હતી ત્યારે એની મિત્ર પ્રિયાએ મને કહ્યું હતું કે, બહેન તમે એનો વળગાડ દૂર કરવા પ્રયત્ન કરશો તો એ ભૂત તમને વળગ્શે એવું બધા કહે છે !! હવે પુખ્ત થયેલ સુપ્રિયા મને કહે છે કે, બહેન તમને ભૂત તો વળગ્યું જ હો , કેવું ખબર છે ?મને નોર્મલ કરવાનું ભૂત.....!! મે કહ્યું: મારી દીકરી નોર્મલ થતી હોય તો આવા ગમે તેટલા ભૂતને ગળે લગાડવા તૈયાર છુ !!!