Rajkaran ni Rani - 50 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૫૦

રાજકારણની રાણી ૫૦
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૫૦

જનાર્દને હિમાનીને સુજાતાબેનનું રહસ્ય પૂછતાં પહેલાં પણ પૂછ્યું હતું કે એ રહસ્ય કોણે કહ્યું? અને એ રહસ્ય જાણ્યા પછી પણ એને કોણે કહ્યું હતું એ જાણવાની ઉત્સુક્તા વ્યક્ત કરી હતી. સુજાતાબેન કોઇના પ્રેમમાં અગાઉ હતા એની તો જાણ ના હોય એ સ્વાભાવિક હતું. પરંતુ જતિનથી અલગ થયા પછી એ પ્રેમમાં આગળ વધ્યા એનો અમને બંનેને ખ્યાલ કેમ ના આવ્યો? એમ વિચારી જનાર્દન વધુ નવાઇ પામી રહ્યો હતો. સુજાતાબેન દરેક કામ સાવધાનીથી અને ચતુરાઇથી કરી રહ્યા છે એનો અનુભવ ડગલે ને પગલે થતો જ હતો. એમની પાસે આટલી બધી બુધ્ધિ અને ક્ષમતા હતી એનો જતિનને મળવા જતો ત્યારે અંદાજ આવ્યો ન હતો.
જનાર્દનને તેનું જ મન જવાબ આપવા લાગ્યું:"તને હિમાનીની આટલી કાર્યક્ષમતાનો પણ અંદાજ ન હતો ને? એ તો તારી અર્ધાંગિની છે. એને સુજાતાબેને એમની સાથે જોતરી પછી એણે ઘર બહાર પગ મૂક્યો અને એમને સાથ આપવા લાગી. થોડા જ દિવસોમાં એ પરિપકવ સ્ત્રી તરીકે ઉભરી આવી છે. તારા કરતાં એ રાજકારણને વધારે જાણવા લાગી છે. સ્ત્રીમાં ખરેખર અદભૂત શક્તિઓ છુપાયેલી છે. પુરુષ એને જાણે- અજાણે બહાર આવવા દેતો નથી. પુરુષના મનમાં એક પ્રકારની ગ્રંથિ બંધાયેલી છે. એ વારસાગત હોય શકે અથવા તો એ જે વાતાવરણમાં હોય એની અસર હોય શકે. પુરુષના મનમાં એવી ગેરમાન્યતા હોય છે કે પછી સહાનુભૂતિ હોય છે કે આ કામ સ્ત્રી કરી ના શકે કે આ કામ તેના માટે નથી. સ્ત્રીઓએ આજે દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બનવાનો પ્રયત્ન કર્યો છે. એ પુરુષોથી આગળ નીકળી શકે એમ છે."
જનાર્દનને એના મનની વાતનું સમર્થન મળી રહ્યું હતું. સુજાતાબેન આગળ નીકળી જ ચૂક્યા છે. એમને તક આપવામાં આવી ન હતી. તકને એમણે ઊભી કરી. અને એ તકને સફળતામાં પલટાવી દીધી છે. પોતે આજ સુધી સુજાતાબેનને એક સામાન્ય ગૃહિણીના રૂપમાં જ જોતો રહ્યો છે. જતિને પણ એને એટલું જ મહત્વ આપ્યું હતું. એણે ક્યારેય એની શક્તિઓને વિકસાવવા પ્રોત્સાહન આપ્યું ન હતું. સ્ત્રીએ ઘર સંભાળીને જ બેસી રહેવાનું એવી પરંપરાને આગળ ધપાવી હતી. જતિનના પાંજરામાંથી બહાર આવીને સુજાતાબેને ધીમે ધીમે પોતાની પાંખોને ફેલાવી છે. આજે તે મુક્ત ગગનમાં ઊડી રહ્યા છે. એમને આટલી સારી સફળતા મળી છે ત્યારે ધારેશ સાથેનો પ્રેમ એમને ફરી એ જ જૂના સ્થાન પર લાવીને ના મૂકી દે તો સારું છે. જનાર્દનને સુજાતાબેન માટે ચિંતા થવા લાગી. એમણે જતિનને છોડીને એક નવા જ માર્ગ પર સફર શરૂ કરી અને હવે ફરી કોઇના પ્રેમમાં પડીને એ ચક્કર એક પત્ની કે ગૃહિણીના રૂપમાં પૂરું કરી દે એ યોગ્ય નથી. સારું છે કે આ વાતની ખબર જલદી પડી છે. એમને હવે સમજાવવા જોઇશે કે રાજકારણમાં લોકોની સેવાનો ભેખ લીધો છે ત્યારે પ્રેમમાં અંધ બનીને જીવન વિશે કોઇ નિર્ણય ના લેવો જોઇએ. તે રાજીનામું આપી દેશે તો એક ચળવળ જે નાનાપાયે શરૂ થઇ છે એ શમી જશે. તે ભલે પોતાના પ્રેમનો ભોગ ના આપે પણ રાજકારણને છોડવું ના જોઇએ.
હિમાની એ વિચારમાં હતી કે પોતાને જેના દ્વારા સુજાતાબેનના ધારેશ સાથેના પ્રેમની ખબર પડી છે એનું નામ જનાર્દનને આપવું કે નહીં? ત્યારે જનાર્દનને જ એકદમ વિચારમાં ડૂબેલો જોઇને નવાઇ લાગી. "જનાર્દન, શું વાત છે? બહુ વિચાર કરે છે? સુજાતાબેનના પ્રેમ વિશે જાણીને તને ખુશી થઇ કે ચિંતા?"
"હં...સાચું કહું તો બંને!" વિચારધારામાંથી બહાર આવતાં જનાર્દન બોલ્યો. તેણે પોતાના મનના વિચારો હિમાની સમક્ષ વ્યક્ત કરી દીધા. એ જાણી હિમાની કહે,"તારી વાત સાચી છે. સ્ત્રીને તક આપાવામાં આવે કે એ પોતે તકને ઝડપી લે તો આગળ વધી શકે છે. પરંતુ સ્ત્રીએ બધી બાજુંનું જોવાનું હોય છે. કુદરતે અને સમાજે પુરુષ કરતાં સ્ત્રીને વધુ જવાબદારી અને વધુ સન્માન આપ્યું છે. એક સ્ત્રીએ વિવિધ ભૂમિકાઓ ભજવવાની હોય છે. એ ભૂમિકા માટે અપેક્ષા હોય છે. પોતાની જવાબદારીઓ સાથે સ્વવિકાસ કરી શકે એવી શક્યતાઓ અને શક્તિ એનામાં કુદરતે ભરી છે. એનો ઉપયોગ એ ક્યારે અને કેવી રીતે કરે છે એના પર આધાર છે. ખરેખર તો એ માટે એણે મનને તૈયાર કરવું પડે છે. સુજાતાબેનના મનમાં એક વિચાર આવ્યો હશે અને એ આજે એના પર અમલ કરીને આ સ્થાન પર પહોંચી ગયા છે. તમારી વાત સાચી છે. એમને આપણે સમજાવવા પડશે. પરંતુ ન જાણે કેમ મને એમ લાગે છે કે આપણા કરતાં એ વધુ સમજદાર છે. અત્યાર સુધીનો અનુભવ કહે છે કે એ વધુ સારો નિર્ણય લેવા સક્ષમ છે. બે વખત પાટનગર એમની સાથે જઇને આવી અને એમણે મોટા મોટા રાજકારણીઓ જ નહીં સીએમ સાથે જે ગંભીરતાથી વાતો કરી એ જોઇને તો હું કહી શકું કે સમય અને સંજોગ માણસને વધુ પરિપકવ બનાવે છે. મને તો લાગે છે કે આપણે એમના સ્વવિવેક અને લાગણી પર બધું છોડી દેવું જોઇએ...."
જનાર્દનને હિમાનીની વાત યોગ્ય લાગી. એને આશ્ચર્ય થયું કે પોતાને આવો વિચાર કેમ ના આવ્યો? હિમાની ખરેખર પરિપકવ થઇ ગઇ છે!
"ઓકે, આપણે સુજાતાબેન સાથે એમના અંગત જીવન કે રાજકારણના નિર્ણય અંગે કોઇ ચર્ચા કરીશું નહીં... પણ એ કહે કે તને એમના ધારેશ સાથેના પ્રેમ સંબંધની વાત કોણે કહી છે?"
"જનાર્દન, તું જાણીને જ રહેશે એમ લાગે છે!"
"જો તારે નામ ના આપવું હોય તો મને કોઇ વાંધો નથી. એમને મુશ્કેલી ઊભી થાય એવું કોઇ કામ આપણે કરવું નથી..."
"એમને તો કોઇ મુશ્કેલી નહીં થાય. હં...ઠીક છે. એ વ્યક્તિનું નામ હું આપી જ દઉં છું.... એ છે ટીના... જેણે પોતાની જાતનો વિચાર કર્યા વગર સુજાતાબેનને મદદ કરી છે. ટીનાએ બહુ મોટું સાહસ કર્યું હતું. સુજાતાબેન આજે જે કંઇ છે એ તેના કારણે જ છે. અને એ એને નોકરાણી નહીં પરંતુ પોતાની બહેન જેવી માને છે. એમણે ધારેશ સાથેના પ્રેમની વાત એકમાત્ર ટીનાને કરી હતી...."
"તો પછી ટીનાએ તને એ વાત શા માટે કરી? એમની ખાનગી વાત તને કેમ કહી દીધી? એણે સુજાતાબેનનો વિશ્વાસઘાત કર્યો ના કહેવાય?"
"ના, સુજાતાબેને એને આ વાત કરતી વખતે એવી કોઇ બાંહેધરી લીધી ન હતી કે કોઇને કહેતી નહીં. કદાચ એમને વિશ્વાસ હશે કે ટીના કોઇને કહેશે નહીં અને કહેશે તો એની પાછળ કોઇ ચોક્કસ કારણ હશે..."
"મતલબ કે ટીનાએ કોઇ કારણથી તને એ વાત કહી છે?"
"હા..." બોલીને હિમાની ફરી મૂંઝવણમાં મુકાઇ ગઇ કે એ કારણ હમણાં જનાર્દનને કહેવું કે નહીં.
ક્રમશ: