My 20years journey as Role of an Educator - 30 books and stories free download online pdf in Gujarati

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૦ (૧)

દીકરીના વાલી કે તેના ભાવિ માટે જોખમ કારક ?

ના, ના એ શું સમજે છે શું એમના મનમાં ? હવે તો આ હેનને હું બતાવી જ આપીશ..! આચાર્યની ઓફિસમાં ખૂબ ઊચા અવાજે એક વાલીનો અવાજ સંભળાઇ રહ્યો હતો. આચાર્યશ્રી ખૂબ સારા, હકારાત્મકતા થી ભરપૂર અને ખાસ ત્રણેય (વાલી, વિધ્યાર્થી અને શિક્ષક) પક્ષને સાંભળી, પછી જ તટસ્થ નિર્ણય લેવા વાળા( બહુ ઓછા નેતાઓમાં હોય એ ગુણ ધરાવતા ) એટલે એમને શાંત પાડવા પ્રયત કરી રહ્યા હતા..બે તાસ વચ્ચે હું સ્ટાફરૂમમા પાણી પીવા આવી ને બાજુની આચાર્યની ઓફીસમાથી ઊચો અવાજ સાંભળી જરા ચિંતા થઈ, પણ મને તો સ્વપ્નમાં પણ કલ્પના નહોતી કે એ વાત મારા માટે થઈ રહી છે !!મારી મિત્રને પુછ્યું કે આ શું છે ? કોના વાલી છે ? કયા શિક્ષકની આવી મોટી ભૂલ થઈ ગઈ છે?’ તો મિત્રનો જવાબ મારા માટે વધુ આશ્ચર્યજનક હતો! કહે કે તને નથી ખબર ? આ તો ત્રીજી વખત આવ્યા ! તારો જ પ્રશ્ન છે અગાઉ બે વાર બહેનને રે ને બે વાર શાળામાં પણ મળ્યા ને પાંચ વખત બહેનને ફોન કોલ્સ પણ કરી ચૂક્યા છે!! હવે આજે ગુસ્સે થઈને આવ્યા છે કે બહેને હજુ તને કઈ કીધું કેમ નથી ?’ એ બહેનને કહે છે કે એમણે તારી સામે પગલાં લેવા જોઈએ ..!! તારી પાસે માફી મગાવવી જોઈએ! મને તો નવાઈ લાગી બે વાત ની ...એક એ કે બહેન ને આ ભાઈએ આટલું બધુ કહ્યું ત્યાં સુધી એ મને કેમ કઈ કહેતા નથી કે પૂછતા નથી? ( એ તો વિશ્વાસ જ હતો કે બહેની આદત મુજબ આ વાતની ખરાઈ કરી રહ્યા હોય અને એ પ્રક્રિયામાં સમય લાગી ગયો હોય.. ને બીજું આનંદ પણ થયો કે બહેનને મારામાં રહેલ વિશ્વાસ અકબંધ રહ્યો છે કે મે આવું કઈ ખોટું કર્યું જ નથી)પણ મિત્રની વાત પરથી એ જરૂર ખબર પડી કે બહેન એની રીતે તપાસ કરી રહ્યા હશે એના ભાગ રૂપે એમાં આ શિક્ષક મિત્રને જરૂર કઈક પુછ્યું હશે એટલે જ એને ખબર હતી આ વાતની...

જે હશે એ .. મને અને બહેનને એકબીજા પર પૂરો વિશ્વાસ હતો(ખાસ નોંધ : સારી સંસ્થા કે શાળાની સફળતા માટેનું આ ખૂબ અગત્યનું પાસું છે : શિક્ષક આચાર્ય વચ્ચે વિશ્વાસનું અતૂટ બંધન) એટલે નિશ્ચિંત મને હું તાસમાં જતી રહી, એ વિચારે કે યોગ્ય સમયે બહેન મને જરૂર જણાવશે. બન્યું પણ એવું જ...બહેને બે દિવસ પછી અમને બોલાવી ને આખી માંડીને વાત કરી ...ને વિસ્તૃત ચર્ચા પણ કરી....

વાત જાણે એમ બની હતી કે ગણિત શિક્ષક હોવાને કારણે વર્ગમાં ક્યારેક મારે થોડું કડક વલણ રાખવું પડે,પણ કોઈ એકને નહીં, મારે માટે હોશિયાર ને નબળા દરેક વિધ્યાર્થીઓ માટે મારૂ વલણ સમાન જ રહે કે જે પણ વિધ્યાર્થી ગૃહકાર્ય ન કરી લાવે તે એક વાર પ્રમાણિકતાથી જાતે ઊભા થઈ જાય ને મને કારણ જણાવે. એમણે સાંભળીને હું યોગ્ય કરું. કેટલીક દીકરીઓ કયાં ગણિત પ્રત્યે અરુચિ ધરાવે તો એમને એમની ક્ષમતા મુજબ સમજાવું. ને ક્યારેક વધુ થાય તો એવિ દીકરીઓને મારા તાસ પૂરતી. બેન્ચ છોડી, નીચે બેસવું પડે. બસ મારા દ્વારા એટલી જ સજા ને ક્યારેક પાંચ વાર પ્રમેય કે વ્યાખ્યા લખવાનું, એવી નાની સજા હોય.

આ વખતે પણ કેટલીક દીકરીઓએ છેલ્લા 4 દિવસથી મારૂ આપેલ લેશન નહોતું કર્યું અને મે એ બધી 5 દીકરીઓને નીચે બેસાડી હતી અને એમાં એક આ વાલીની દીકરી પણ સામેલ.. ને એ ભાઇશ્રી સારી પોસ્ટ પર રાજકારણમા હતા.સમાન્ય રીતે સમાજમાં જોવા મળે છે એમ જ, પૈસાદાર વાલીની એકની એક દીકરી, ખૂબ મોએ ચડાવેલી.ચાંદની એના નામ મુજબ ખૂબ રૂપાળી ને સુંદર તરૂણી.. ગણિત પ્રત્યે થોડી અરુચિ ધરાવતી પણ એ ખૂબ લાગણીશીલ છે એવા મારા એક બે વ્યક્તિગત અનુભવોને આધારે મે તારવેલું.જ્યારે એનો નીચે બેસવાનો વારો આવ્યો ત્યારે એના પગમાં કઈક વાગ્યું હશે એ વાત એણે મને નહોતી કહી કે એ નીચે નથી બેસી શકતી.જો મને કહ્યું હોત તો હું કદી પણ એને તકલીફ થાય એવું ન જ કરું. એ સહુ સાથે મારા આચાર્ય ખૂબ સારી રીતે જાણતા હતા અને એ ઉપરાંત એમણે એ વાતની જરૂરી તપાસ પણ કરી લીધી હતી. એટલે મારો વાંક ન હોવાને નાતે એમણે મને કઈ જ ન કહ્યું અને એ વાલીને પોતાની રીતે સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા. તે દરમિયાન વાલી એ વાત માનવા તૈયાર જ નહોતા અને ઉપરાંત એ કે મારી દીકરીને કેમ નીચે બેસાડી?

મૂળ વાત એ કે એમને પોતાના પદની પ્રતિષ્ઠાનો અહમ નડતો હતો,કે મે ફરિયાદ કરી એટલે બહેનને સજા મળવી જ જોઈએ.એટલેથી અટક્તા ભાઇશ્રીએ બહેનના પતિના મિત્ર હોવાના નાતે એમને પણ અનેક ફોન કર્યા !! મને તો આટલું બધુ બની ગયું એ કઈ ખબર જ નહીં આચાર્યની મહાનતા અને સાચા નેતાના લક્ષણ મુજબ બહેન જાણતા હતા કે મારો આમાં કોઈ વાંક ન હતો ને વાલી ખોટો ઇશ્યૂ બનવા હતા.દરમ્યાન બહેને એમની દીકરીને જ બોલાવી વ્યક્તિગત રીતે સાચું કારણ જાણ્યું અને તે સાથે તેને સમજાવવાની કોશિશ કરી, કે બેટા આ ખોટું થઈ રહ્યું છે તો તું જ હવે તારા પાપાને કહે કે આ વાત અહી પૂરી કરી ભૂલી જાય. આ પણ બહેનનો એક ખૂબ સારો ગુણ અને દીકરી પ્રત્યેની મમતા કે આગળ જતાં દીકરીમાં આવો સારો ગુણ કેળવાય ને સાચું બોલે તથા સ્પષ્ટ બને. પણ ચાંદનીએ જે પણ રીતે પિતાને આ વાત કરી હશે ભગવાન જાણે ! કે વાત ઊંધી પડી અને વાલીશ્રીનો ગુસ્સો બેકાબૂ બન્યો અને શાળામાં આવી બહેનને કહેવા લાગ્યા કે તમે તમારા શિક્ષક્ને વધવાને બદલે મારી દીકરીને વઢો છો? શાન કરવાની શિખામણ ન આપો , મારી દીકરી મારી ખૂબ લાડકી છે ને હું એટલો સક્ષમ છુ કે એવો વખત ક્યારે પણ નહીં આવવા દઉં કે મારી દીકરી ને કઈ પણ સહન કરવું પડે!!( કદાચ આ ભાઈ સત્તાના મદમાં અને દીકરી પ્રત્યેના આંધળા પ્રેમમાં એમ સમજી રહ્યા હતા કે સમય એમના હાથની જ વાત છે ને દીકરીનું ભાવિ કુદરત નહીં પણ એ પોતે નક્કી કરશે !!!!)

પણ મારે વાત લખવા પાછળનો હેતુ બે છે એક કે વાલીઓ માટે અને એ પણ દીકરીઓના એવા વાલી કે જે અતિ લાડને કારણે, પોતે જ એમની દીકરીના ખરાબ ભવિષ્યના નિર્માણના અધિકારી બની જાય છે !! ( બહુ જ અનુભવ યુક્ત અને સમજ પૂર્વકનું આ વાક્ય છે! )એની વાત કરવી છે.... કે બાળક તો આ ઉમરમાં કદાચ સારા નરસાનો ભેદ ન જાણતું હોય અને માત્ર સ્વ બચાવ માટે કદાચ વાલી પાસે ખોટું બોલી હોય ઘણા બાળકોની આદત હોય જ છે કે પોતાની ભૂલ છુપાવવા, વાલીને શિક્ષકનો વાંક બતાવે તો સમયે પ્રથમ સાચું જાણી બાળકની ભૂલ થતી હોય તો તેને સુધારવાની કોશિશ કરવાને બદલે એના પર જ આંધળો વિશ્વાસ કરી શિક્ષક પ્રત્યે અવિશ્વાસ કરવો કેટલું વ્યાજબી છે?

સાથે બીજું કારણ, આવા આચાર્યને સલામ સાથે બીજા નેતાઓ માટે પ્રેરણારૂપ બને એટલે અહી આ વાત લખું છુ કે પોતાના શિક્ષકમાં પૂરો વિશ્વાસ હોવાને કારણે આટલા દિવસ મારા બદલે તેઓ(તેમના પતિ પણ) દંપતી આ વાલીશ્રીનો ત્રાસ સહન કરતાં રહ્યા!! ને સાચું સમજાવવાણિ કોશિશ કરતાં રહ્યા ! આખરે એ વાલી શાળામાં આવી પહોચ્યા ને એમના દુરાગ્રહ હતો તો પણ એમની સામે મને ન જ બોલાવી આપી. આજે આ આખી આ વાત મને કરી.એટલે મે એમના આભાર સાથે પ્રેમાળ દંપતીને વંદન કરી ,હવે આ દીકરીને ચાંદની સાથે કઈ રીતે વાત કરવી એ મનોમંથન કરતી ઓફિસની બહાર નીકળી. (ક્રમશ:)