Hiyan - 14 books and stories free download online pdf in Gujarati

હિયાન - ૧૪

હિયા બધા ઘરવાળાને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તે દુઃખી નથી. તે ખુશ છે એવું બતાવે છે પણ બધા તેની હસી પાછળનું દુઃખ ઓળખી ગયેલા હોય છે. જ્યારથી આયાન એ બીજી છોકરી સાથે લગ્ન કર્યા ત્યારથી હિયા આયાનના ઘરવાળા સાથે જ રહે છે. અને આયાન એની પત્ની સાથે બીજા શહેરમાં જતો રહે છે. અને આ લગ્નને એક વર્ષ થવા આવ્યું હોય છે. હિયા આયાનને મળવા જવા માટે જીદ કરતી હોય છે અને બાકીના ઘરવાળા તેને ન જવા માટે મનાવતા હોય છે.

"પપ્પા મમ્મી હું તમારું કશું નથી સાંભળવાની. હું આજે આયાનના ઘરે જઈ રહી છું. અને સાચું કહું તો તમારે હવે એમને અહીંયા રહેવા માટે બોલાવી લેવા જોઈએ." હિયા કહે છે.

"શું? આ તું શું કહી રહી છે? તને કંઈ ભાન પણ છે?" શાલીનીબેન થોડા ગુસ્સે થતાં કહે છે.

"હા મમ્મી મને ખબર છે કે હું શું કહી રહી છું. તેઓ માતા પિતા બનવાના છે. અને આ સમયે સ્ત્રીને ઘરના મોટા લોકોના સાથની જરૂર હોય છે. કોઈ અનુભવ વ્યક્તિની સંભાળ અને કાળજીની જરૂર હોય છે. અને એમનું તમારા સિવાય કોઈ નથી એટલે તમારે જ આયાનની પત્નીની કાળજી રાખવી પડશે." હિયા જવાબ આપે છે.

"હિયા એ વ્યક્તિ અમારા માટે મરી ગઈ છે. હવે પછી આ ઘરમાં એનું નામ લેવાય નઈ એ ધ્યાન રાખજે." સુનિલભાઈ કહે છે.

"પપ્પા કંઇપણ વસ્તુ બોલવા પહેલા વિચાર કરવાનો કે આપણા બોલાયેલા શબ્દોની ભવિષ્યમાં શું અસર થશે? કદાચ આપણે અત્યારે જે વિચારીએ છીએ તેવું ના પણ હોય. તમે તો મારા કરતા વધારે એને ઓળખો છો ને? શું તમે એને આવા સંસ્કાર આપ્યા હતા? હું તો એને એટલો તો ઓળખી જ ગઈ છું કે આયાન તે દિવસે જે જે શબ્દો બોલેલો તે શબ્દો તેના દિલમાંથી નીકળેલા ના હતા. એની આંખોમાં અલગ વંચાતું હતું અને એના શબ્દો કઈક અલગ બોલતા હતા." આટલું બોલતા હિયા ભૂતકાળમાં પહોંચી જાય છે.

(ભૂતકાળમાં)

હિયા અને આયાનના લગ્નનો દિવસ હોય છે. તેમના લગ્ન એક હોલમાં રાખવામાં આવ્યા હોય છે. આજે એક દુલ્હન પોતાના દુલ્હા સાથે ત્યાંથી વિદાય થવાની હોય છે એટલે આખો હોલ પણ દુલ્હનની જેમ જ સજાવ્યો હોય છે. ફૂલોની સજાવટ, રોશનીની જગજમાટ થી હોલ ખુબજ સુંદર લાગે છે. બધા મહેમાનો પણ આવી ગયા હોય છે. અને તમામ લોકોના ચહેરા પર ખુશી જોવા મળે છે. બધા બસ હવે જાન આવવાની રાહ જોતા હોય છે. પણ આ બધી ખુશીઓ ની વચ્ચે એક વ્યક્તિના મોઢા પર ચિંતા અને ઉદાસીની લકીરો છવાયેલી હોય છે. અને એ બીજું કોઈ નહિ પણ દુલ્હન હિયા પોતે હોય છે. એને આયાનએ વચન આપ્યું હોય છે કે તૈયાર થઈને એ પહેલા હિયાને મળવા આવશે અને આ વેશમાં સૌથી પહેલા તેઓ જ એકબીજાને જોશે. પણ જાન આવવાનો સમય થઈ ગયો હોવા છતાં તે આવ્યો ના હતો. અને તેનો ફોન પણ લાગતો ના હતો.

અહીંયા આયાનના ઘરે પણ બધા ચિંતામાં હતા. આયાન ક્યાં છે કોઈને ખબર હોતી નથી. છેલ્લા બે કલાકથી તેને બધા શોધતા હોય છે પણ તે કશે મળતો નથી. હવે તો લગભગ મુહૂર્તનો સમય પણ વીતી ગયો હોય છે પણ હજી સુધી આયાનના ખબર મળ્યા નથી. સુનિલભાઈ હિયાના મામાને ફોન કરીને જણાવે છે એટલે તેઓ પણ હોલ પરથી બધા મહેમાનોને રવાના કરી આયાનના ઘરે આવે છે. બધા હિયાને પૂછે છે કે એના સાથે કોઈ વાત થઈ હોય તો. પણ હિયાને પણ કશું ખબર હોતી નથી.

બધા આ વાત વિશે ચર્ચા કરતા હોય છે અને ત્યાં જ આયાન દરવાજા પર આવે છે. જેની સાથે એક છોકરી હોય છે. અને બંને ના ગાળામાં હાર હોય છે. બધા તેમને જોઈને ચોંકી જાય છે. પહેલા તો કોઈ કશું બોલતું જ નથી. પછી સુનિલભાઈ જ પૂછે છે.

"આયાન બેટા ક્યાં હતો અત્યાર સુધી? અને આ શું છે બધું? તમે લોકોએ હાર કેમ પહેર્યો છે?"

"પપ્પા અમે લગ્ન કર્યા છે એકબીજા સાથે." આ જવાબ આપે છે.

"શું? તને ભાન પણ પડે છે કે શું કહી રહ્યો છે? આજે આ હિયા સાથે તારા લગ્ન હતાં અને તું બીજી છોકરી સાથે લગ્ન કરી આવ્યો એવું કહે છે." સુનિલભાઈ ગુસ્સામાં કહે છે.

"બેટું, સાચું બોલી દે કે આ બધું તું મજાક કરી રહ્યો છે. પ્લીઝ જલ્દી જલ્દી તૈયાર થઈ જા મુર્હૂત પૂરો થવાનો સમય હજી બાકી છે. હિયા ને જો બિચારી ક્યારની ચિંતામાં છે." ધૃહિ બોલે છે.

"તમને બધાને સત્ય દેખાતું નથી કે પછી અજાણ્યા બનવાનો ઢોંગ કરી રહ્યા છો? એકબીજાના ગળામાં હાર છે, છોકરીના માથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર છે તો પણ તમે હજી તેને પૂછી રહ્યા છો? હવે હિયાનું શું? હવે કોણ એનો હાથ પકડશે? વળી પાછી આટલા વર્ષ એના થવા વાળા સાસરામાં રહ્યા પછી. કોણ વિશ્વાસ કરશે એની પર?" હિયા ની મામી મનમાં જે આવે તે બોલવા લાગે છે.

"બેન તમે શાંતિ રાખો થોડી. આપણે વાતચીત કરીએ છીએ ને." શાલીનીબેન કહે છે.

"શું શાંતિ રાખું? અમારી તો ઈજ્જત તો ગઈ જ ને! એક તો પહેલેથી જ મને આ સંબંધમાં રસ હતો નઇ. એ તો હિયાના મામાએ મારી સાથે જબરદસ્તી કરેલી એટલે. બાકી મને કોઈ રસ ન હતો આવા મોટા ઘરમાં સગપણ કરવાનો. મોટા ઘરના છોકરાઓ બગડેલા અને રખડેલ જ હોય છે."

"મામી એવું ના બોલો. આયાન એવો નથી. એ ખુબજ સમજુ અને સંસ્કારી છે. મને એના પર પૂરેપૂરો વિશ્વાસ છે." હિયા જવાબ આપે છે.

"સંસ્કારી!" એમ કહીને મામી હસવા લાગે છે. "તારી સાથે પ્રેમ કરીને હવે બીજી સાથે લગ્ન કર્યા અને તને સંસ્કારી લાગે છે?"

હિયા તેના મામીને કોઈ જવાબ આપતી નથી અને આયાન પાએ જાય છે. અને આયાનની આંખોમાં જોઈને કહે છે.

"મને તમારી બંને પર વિશ્વાસ છે કે તમે બંને તો મારી સાથે આવું ના જ કરો. કારણકે મારી સૌથી નજીકની કોઈ વ્યક્તિ હોય તો તમે છો. અને હું તમને બંનેને ખૂબ સારી રીતે ઓળખું છું. તો તમે બંને મને દગો આપે એવું હું માનવા તૈયાર નથી. તો હવે મને કહો કે એવી કઈ મજબૂરી હતી કે તમારે બંને એ લગ્ન કરવા પડ્યા." હિયા પૂછે છે.


________________________________________________

(દૂર કોઈ બીજા શહેરમાં)

તે સ્ત્રી અને પુરુષ પતિ પત્ની હોય છે અને તેઓ તેમના આવનારા બેબી વિશે વાતો કરતા કરતા એકબીજા સાથે પ્રેમભર્યો સમય પસાર કરે છે. પછી તે પુરુષ પોતાના કામ માટે બહાર જાય છે. અને તે સ્ત્રી ઘરમાં જ પોતાના કામે લાગે છે. ત્યાં જ તે સ્ત્રી પર એક જણનો કોલ આવે છે.

"બોલો શું ખબર છે?" સ્ત્રી પૂછે છે.

"મેડમ, હિયામેડમ તમારે ત્યાં આવી રહ્યા છે. હમણાં જ અહીંયાથી નીકળ્યા છે."

"તમે પાક્કું કહો છો ને? અને શા માટે આવે છે એવી કોઈ ખબર પડી?"

"હા મેડમ પાક્કું જ છે આ. અને હિયામેડમ શા માટે ત્યાં આવે છે તે તો નથી ખબર પડી પણ આજે ત્યાં ખુબજ મોટી ધમાલ થઈ હતી. પહેલાતો હિયા મેડમ બેભાન થઈ ગયા હતા એટલે ડોકટર આવ્યા હતા અને પછી એમના ભાનમાં આવ્યા પછી ઘરવાળા સાથે એમની ઉગ્ર ચર્ચા થઈ હતી. અને હમણાં જ તેઓ અહીંયાથી નીકળ્યા છે."

"okk. આભાર તમારો માહિતી માટે. બીજી કોઈ ખબર હોય તો જણાવજો."

"અરે મેડમ એમાં આભાર માનવાનો ના હોય. એ જ તો મારું કામ છે."

"okk ચાલો ધ્યાન રાખજો. ખબર ન પડે કોઈને." આટલું કહીને તે સ્ત્રી ફોન મૂકી દે છે અને બીજો કોલ લગાવે છે.

સામે ફોન ઉચકતા જ તે સ્ત્રી ઝડપથી બોલી જાય છે.

"આયાન આજે ઘરે જલ્દી આવી જજે. હિયા અહીંયા આવી રહી છે. લગભગ બે કલાક માં આવી જશે. હું એકલી હોઈશ તો તેનો સામનો કરવો મારા માટે મુશ્કેલ થઈ જશે..."

(ક્રમશઃ)

(મિત્રો તમને વાર્તામાં ઘૂચવણ ઊભી થઈ હોય એવું લાગે કે ના સમજાય એવું લાગે તો મને જણાવજો. હું દરેક પહેલું સરળતા થી સમજાય એ રીતે લખવાનો પ્રયત્ન કરીશ.)