Dhup-Chhanv - 23 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 23

આપણે પ્રકરણ-22 માં જોયું કે ઈશાન અપેક્ષાની ચિંતા પોતાને શિરે લેતાં અક્ષતને કહે છે કે....
ઈશાન: તું હવે અપેક્ષાની ચિંતા મારી ઉપર છોડી દે, તેને ઓ.કે. કરવાની જવાબદારી મારી..
અક્ષત: ઓકે ડિયર..
ઈશાન: બોલ બીજું કંઈ..
અક્ષત: ના, બસ બીજું કંઈ નહીં, મળીએ પછી.બાય
ઈશાન: ઓ.કે. બાય.
અને બંનેએ ફોન મૂક્યો.
પણ ઈશાનનું મન અપેક્ષાના વિચારોમાં જ અટકેલું હતું. તે વિચારતો હતો કે આટલી હદ સુધીના નાલાયક છોકરાઓ પણ હોઈ શકે છે જે આવી માસુમ છોકરીઓને ફસાવીને પોતાની હવસનો શિકાર બનાવીને પછી છોડી દે છે. ધિક્કાર છે આવા છોકરાઓને...અને વિચારતાં વિચારતાં ક્યારે તેને ઊંઘ આવી ગઈ તેની તેને ખબર જ ન પડી અને સવાર સવારમાં મમ્મીએ દરવાજો ખખડાવ્યો, " ઈશાન, ઉઠ બેટા તારે સ્ટોર ઉપર જવાનું છે પછી લેઈટ થઈ જશે. " ત્યારે તેની આંખ ખુલી અને ફટાફટ ઉભો થઈને તૈયાર થવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે, " અપેક્ષા આજે સ્ટોર ઉપર આવશે તો ખરીને..?? " હવે આગળ....

ઈશાન સમયસર તૈયાર થઈને સ્ટોર ઉપર પહોંચી ગયો અને અપેક્ષાની રાહ જોતો બેઠો હતો એટલામાં અર્ચનાની બ્લેક કલરની ફોર્ડની કાર ઈશાનના સ્ટોર પાસે આવીને ઉભી રહી ગઈ અને અંદરથી બે રૂપાળી યુવતીઓ બહાર નીકળી જેમાં એક હતી અર્ચના અને બીજી હતી અપેક્ષા. બંને એકબીજાને ટક્કર મારે એટલી રૂપાળી લાગી રહી હતી.

અપેક્ષાએ આજે રેડ કલરની સોલ્ડરકટ ટી-શર્ટ અને બ્લુ ફાટેલી પેટર્ન વાળું જીન્સ પેન્ટ પહેર્યું હતું જેમાં તે એક હિરોઈનને પણ શરમાવે તેટલી સુંદર લાગી રહી હતી. પણ તેનાં ચહેરા ઉપરથી જાણે નૂર ઉડી ગયું હોય તેમ તેનો ચહેરો થોડો ફિક્કો પડી ગયો હતો. અને ઈશાન તેનાં ચહેરા પરની આ ફિકાશ દૂર કરવા માંગતો હતો અને તેનાં ચહેરા ઉપર ખુશી લાવવા માંગતો હતો.

અપેક્ષા ઈશાનના સ્ટોરના પગથિયાં ચઢી એટલે ઈશાને તેને પ્રેમથી આવકાર આપ્યો અને તેની સામે એક સુંદર અને નિખાલસ સ્માઈલ આપ્યું.

ઈશાનને હસતો જોઈને અપેક્ષાએ પણ તેની સામે નિખાલસ સ્માઈલ આપ્યું. બંનેને એકબીજાની સામે હસતાં જોઈને અર્ચના પણ મનમાં હસી પડી અને હાથ ઉંચો કરીને " ટેક કેર અપેક્ષા, બાય " એટલું બોલીને ફુલ સ્પીડમાં પોતાની કાર હંકારીને નીકળી ગઈ.

ઈશાને અપેક્ષાને આવકારતાં બોલ્યો,
" વેલકમ અપેક્ષા મેમ " અને તેના કંઈ બોલવાની અપેક્ષાએ તેની સામે જોઈ રહ્યો પરંતુ અપેક્ષા ચૂપ જ હતી તેથી ઈશાન પોતાના મનમાં ને મનમાં બોલ્યો કે, "આ બોલતી ક્યારે થશે..?? અને પછી હસી પડ્યો અને મનમાં વિચારવા લાગ્યો કે, કદાચ મારી અપેક્ષા, અપેક્ષા પાસેથી કંઈક વધારે તો નથીને..??

અને પછી બોલ્યો કે, "અપેક્ષા મેમ આપણે આપણું કાલનું અધુરું કામ પૂરું કરી લઈશું અને અપેક્ષાએ "હા" પાડતાં પોતાનું માથું ધુણાવ્યું.

અને ઈશાન એક પછી એક વસ્તુ અપેક્ષાના હાથમાં આપતો ગયો અને અપેક્ષા તેને સાચવી સાચવીને સુંદર રીતે પોતાની આવડતથી ગોઠવણી કરતી ગઈ.

અપેક્ષા પોતાના કામમાં બિલકુલ મશગૂલ થઈ ગઈ હતી. સ્ટોર ગોઠવવામાં ને ગોઠવવામાં આજે પણ આખો દિવસ પૂરો થઈ ગયો હતો પછી ઈશાને અપેક્ષાને સાંજના ડિનર માટે પૂછ્યું અને પોતાને આજે પીઝા ખાવાની ઈચ્છા છે તો "મેકડોનાલ્ડ" માં ઑર્ડર કરીશું..?? તું મને કંપની આપીશને..?? એમ ઈશાને પ્રેમથી અપેક્ષાની સામે જોઈને તેને પૂછ્યું.

અને વિચારવા લાગ્યો કે, "આ મોંમાંથી કંઈક બોલે તો સારું..!!" પણ અપેક્ષાની વાચા તો જાણે તેની પરિસ્થિતિએ છીનવી જ લીધી હોય તેમ તેણે માથું ધુણાવીને જ "ના" નો જવાબ આપ્યો.

અપેક્ષાએ "ના" નો જવાબ આપ્યો તે ઈશાનને બિલકુલ ન ગમ્યું અને તે ફરીથી અપેક્ષાની સામે જોઈને બોલ્યો કે, "મેડમ તમે નહીં ખાવ તો આજે આપણે પણ ઉપવાસ બસ, અને તમે "હા" પાડો તો જ આપણે ખાવાનું બસ " અને અપેક્ષા ધર્મસંકટમાં આવી ગઈ હોય અને શું કરવું શું જવાબ આપવો..?? તેમ વિચારતી ઈશાનની સામે તાકતી રહી....
અપેક્ષા શું જવાબ આપશે...?? જાણવા માટે વાંચતાં રહો આગળનો ભાગ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ