Ascent Descent - 73 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 73

આરોહ અવરોહ - 73

પ્રકરણ - ૭૩

આધ્યા શ્વેતાની દ્રઢતા જોઈને બોલી, " તો હવે હું શું કરું મમ્મી? મને કંઈ સમજાતું નથી."

" મતલબ બેટા?"

"મારે ક્યાં રહેવાનું? તું મને રાખીશ કે પપ્પા જોડે રહેવાનું? પાયલ આન્ટી મને અપનાવશે? કે પછી ફરી એ જ મારી દુનિયા.."

શ્વેતાએ આધ્યાના હોઠ પર હાથ રાખીને એનું બોલવાનું અટકાવવા કહ્યું," હવે એવું કંઈ પણ આગળ બોલીશ નહીં. બેટા, આટલાં વર્ષો તું અટવાઈ છે હવે તને વધારે નહીં અટવાવા દઈએ. અમારી ભૂલની સજા હવે તને તો નહીં જ આપીએ."

" તો એનો મતલબ તું અને પપ્પા હવે સાથે રહેશો એમ ને?"

"ના એવું તો નહીં પણ કંઈ બીજો રસ્તો વિચારીએ. કદાચ એવું વિચારીએ તો પણ પાયલ જેણે પોતાની આખી જિંદગી આર્યનને આપી છે એની જગ્યા હવે કેવી રીતે લઈ શકું હું? એ તો શક્ય નથી પણ કંઈ વિચારું."

"મમ્મી, એક વાત પૂછું? કદાચ અમે આવવાનાં હતાં એ તને ખબર હતી કર્તવ્યના કહેવા મુજબ. પણ એ કેવી રીતે? મેં કર્તવ્યને પૂછ્યું પણ એ કંઈ બોલ્યો નહીં."

 

"લગભગ પંદરેક દિવસ પહેલાં મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલો. મેં ફોન ઉપાડતાં જ એણે પુછ્યું "આપ શ્વેતાજી બોલો?"

 

મેં હા કહેતાં એણે કહ્યું કે આન્ટી મારે તમને મળીને થોડી અગત્યની વાત કરવી છે.

 

પણ હું કોઈને પણ નામઠામ જાણ્યા વિના કેવી રીતે હા કહું? એણે એટલું જ કહ્યું તમારે તમારી દીકરીને મળવું છે? એની સાથે હું તમને મળાવીશ.

 

મને જે રીતે વિશ્વાસથી ખબર હતી ત્યાં સુધી તું આર્યન પાસે જ છે તો તને મળવું એટલું મુશ્કેલ પણ નહોતું. મેં આર્યનને એનાં જીવનથી દૂર થવાનું નક્કી કર્યું હતું એણે તો નહીં. વળી, એની લગ્ન માટે ના હતી મારી સાથે સંબંધ કે પ્રેમ કરવા માટે નહીં... આર્યન મોટો વ્યક્તિ બની ગયો હોવાથી કોઈ પણ રીતે એનો નંબર હું મેળવી જ શકત. એટલે મેં એણે કહ્યું, " હા એ એનાં પિતા પાસે છે. સલામત અને ખુશ છે એને મળવાની શું જરૂર છે." કહીને હું ફોન મુકવા ગઈ ત્યાં જ એણે પોતાની સાચી ઓળખ આપીને કહ્યું, " આન્ટી તમે વિચારો છો એનાથી હકીકત કંઈ અલગ છે. હું તમને મળીને બધું જ જણાવી શકું. તમે કહો તો હું બે દિવસ પછી પુના આવીને મળું. મારે તમને દુઃખી નથી કરવા પણ કદાચ આ સમયે સત્ય જણાવવું પણ જરૂરી છે."

 

આ જાણ્યા પછી બે દિવસ પણ રોકાવાની મારી હિંમત નહોતી. મને લાગ્યું કે કદાચ મારી દીકરી કોઈ મુસીબતમાં હશે તો? મેં એને બીજા જ દિવસે સવારે પુના બોલાવ્યો. મેં બોમ્બે આવવાનું કહ્યું પણ એણે કહ્યું કે આન્ટી તમારે તકલીફ ન થઈ લેવી હું જ અથવા જઈશ. એક શક્યતા મને એવી લાગી કે કદાચ આર્યને કોઈ દ્વારા માહિતી મેળવીને કોઈ મને મળવાની યોજના બનાવી હશે બાકી કર્તવ્યને કેમ ખબર કે હું અહીં છું?

 

ને બીજાં દિવસે જ એ સવારે આવી ગયો. મને એક બીક પણ મનમાં થોડી હતી કારણ કોઈ પર એમ જ વિશ્વાસ કરવો બહું અઘરો છે અત્યારે. એટલે મેં એને મારી ઓફિસમાં જ સીસીટીવીની નજર હેઠળ જ બોલાવેલો. એક બે વિશ્વાસુ લોકોને થોડું ધ્યાન રાખવા પણ કહેલું. એને જોતાં જ મને થયું કે આ વ્યક્તિ ખતરાજનક તો ના જ હોઈ શકે. એણે ફરીવાર પોતાની ઓળખ આપીને વાતની શરૂઆત કરી. સાથે જ એનાં ઓળખકાર્ડ પણ બતાવી દીધાં. એણે ઘણી મહેનત પછી મને શોધી એવું કહ્યું. પછી એણે મને આર્યન અને તારી બધી જ હકીકત કહી. મને પહેલાં થયું કે એ શું કામ આ બધું મને કહે છે. પછી એનાં મિશનથી માંડીને એને બધી જ વાત કરી.

 

એણે કહ્યું કે આન્ટી આ મિશન માટે હું કામ કરું છું. પણ આજે અંકલ કે આધ્યા કોઈને ખબર નથી પણ સંજોગોવશાત જે પણ થયું એમાં કોઈનો કંઈ વાક નથી પણ હવે કદાચ આધ્યા માટે તમને મળવું જરૂરી હતું. એ વખતે એણે જે તારી વાત કરી એ પરથી હું હચમચી ગઈ હતી. જે ઝાટકો આજે લાગત એ પંદરેક દિવસ પહેલા લાગી ગયો હતો. પણ મેં જોયું કે જેટલી વેદના મને હતી એટલી જ વેદના કદાચ એ પોતે છોકરો અને વળી કોઈ પણ સંબંધ વિના અનુભવી રહ્યો હતો. એનાં પર અવિશ્વાસ કરવાનો કોઈ સવાલ જ નહોતો. એણે તારો, આર્યનનો ફોટો પણ બતાવ્યો. સાથે જ એકવાર મ્યુટ કરીને ફક્ત તને બતાવવા વિડીયોકોલ પણ કરેલો જેથી તને ખબર ન પડે.

 

બસ પછી એણે નિર્ણય મારાં પર છોડ્યો કે મારે શું કરવું છે. એણે મળવાનો મને કોઈ ફોર્સ નહોતો કર્યો પણ એક નમ્ર વિનંતી ચોક્કસ કરેલી. આખરે જ્યારે કોઈ માણસથી દૂર જઈએ તો કદાચ વર્ષો નીકળી જાય છે પણ સામે રહીને દૂર રહેવું બહું અઘરું હોય છે. આ બધું જાણ્યા પછી મેં પંદર દિવસ માડ કાઢ્યાં છે એ પણ કર્તવ્યએ યોગ્ય સમય માટે મને રાહ જોવાનું કહેલું એટલે જ...કદાચ એ મને પણ મારાં યોગ્ય નિર્ણય લેવા માટે વિચારવા સમય આપવા માગતો હોઈ શકે!

 

"મમ્મી... હા એ છોકરો એવો જ છે... ખબર નહીં કુદરતે કઈ રીતે બનાવ્યો છે. પણ...હવે શું...એની પણ પોતાની જિંદગી છે....કહેતાં જ આધ્યાની આખો ફરી ભીની થઈ ગઈ.

 

" કેમ? તને કર્તવ્ય ગમે છે? મને એવું લાગે છે."

 

" એવું મને નથી ખબર પડતી મમ્મી...પણ એ એક એવો વ્યક્તિ આવ્યો છે મારાં જીવનમાં જેની હાજરીમાં હું મારી જાતને સૌથી સુરક્ષિત સમજું છું. એ કહે એ કરીને જ રહે...મન મૂકીને વિશ્વાસ કરી શકું છું. મમ્મી તારી સામે ખોટું નહીં કહું પણ મારું મન કોણ જાણે હંમેશા એની નજીક રહેવા જ ઈચ્છે છે. બસ મને એમ જ થાય છે કે હું એની સાથે જ રહું.

 

આને શું કહેવાય મને નથી ખબર... કારણ કે હજુ સુધી જે કામ લોકો પોતાની કે બે વ્યક્તિની મરજીથી બે જણાની ખુશી માટે કરતાં હોય એને મેં ફક્ત એક ચાબૂકની બીક હેઠળ, સામે દેખાતી સજાની દેખાતી સોટી આગળ અને બસ જિંદગી જીવવા ખાતર કર્યુ છે. કોઈ દિવસ આ કામમાં મને ખુશી નથી મળી કે એ વસ્તુ મારી જરૂરિયાત પણ લાગી. પણ કર્તવ્યને મળ્યાં પછી જે લોકો કહે છે પ્રેમમાં આવું થાય તેમ થાય એવું મને અનુભવાઈ રહ્યું છે જ્યારે એણે મારી સાથે એવું કંઈ જ કર્યું પણ નથી. એની નજર પણ કોઈ દિવસ મારાં પ્રત્યે એવી રીતે ડોકાતી જોઈ નથી. હા, ચોક્કસ એણે મારાં માટે એક પ્રેમભરી સતત કાળજી અને લાગણીઓનો ધોધ ચોક્કસ વરસાવ્યો છે. પણ..."

 

" પણ શું?"

 

"એનું વર્તન ગઈ કાલે રાતથી અચાનક બદલાઈ ગયું છે. મારી કેર કરે છે પણ કંઈ કહેતો નથી. કંઈ એવી વાત પણ નથી કરતો. બધાની સાથે અત્યારે નોર્મલ જ છે પણ મારી સાથે એનું વર્તન બદલાયું છે જાણે એ મારાથી દૂર થવા ઈચ્છતો હોય. એને કદાચ હું પસંદ હોઈશ કે નહીં એવું બની શકે? આટલાં દિવસથી હું એવું સમજી રહી હતી કે કદાચ એ પણ મને પસંદ કરે છે પણ અચાનક...કેમ આવું થયું? માંડ માંડ મળેલી ખુશી પાછી દૂર જતી હોય એવું લાગી રહ્યું છે એટલે હવે મને મારી કિસ્મત પર પણ વિશ્વાસ નથી આવી રહ્યો. કે ફરીવાર કદાચ તમે લોકો પણ...! "

 

" બેટા એક તને સાચી અને સ્પષ્ટ વાત કહું છું. જો એ એક અમીર પરિવારનો દેખાવડો, સંસ્કારી, ભણેલોગણેલો, બહું સમજું છોકરો છે. એનાં માટે એકથી અમીર પરિવારની દીકરીઓની લાઈન હશે. તારામાં કોઈ જ કમી નથી. હવે તો તારાં નામની પાછળ મિસ્ટર આર્યનનુ નામ આવશે એટલે ઘણું બધું બદલાઈ જશે. પણ એક વસ્તુ જે તારો ભૂતકાળ છે એ કદાચ હંમેશા તારો પીછો કરશે. કેટલીક ઘટનાઓ એવી હોય છે જીવનમાં જે કદાચ ભૂલ બીજાએ કરી હોય પણ ભોગવવું બીજાએ પડે છે. એવું જ કંઈ તારાં જીવનમાં છે.

એ વ્યક્તિ એવો છે કે દરેક માણસ સાથે એવી લાગણી પ્રેમ વરસાવી શકે છે. એને કદાચ તારાં માટે પ્રેમ હશે તો પણ એક આવું કામ કરી ચૂકેલી છોકરીને પોતાના પરિવારની વહુ તરીકે સ્વીકારવી એ બહું અશક્ય કામ કહી શકાય. એક મા તરીકે હું એવું ક્યારેય નથી ઈચ્છતી કે એ એવું વિચારે. તને તારા ભૂતકાળને કારણે ભવિષ્યમાં પણ ખુશીઓને દૂર કરવી પડે. પણ એને કોઈ પણ રીતે ફોર્સ કરવો પણ અયોગ્ય છે કારણ કે એની જગ્યાએ કદાચ આપણાં પરિવારનો દીકરો હોય તો પણ કદાચ આવું જ વિચારીએ ને."

" તો પછી હવે મારે હંમેશા માટે કર્તવ્યને સપનું સમજીને ભૂલાવી દેવો જ પડશે ને? જેમ તે પપ્પાને ભૂલી દીધાં હતાં?" કહેતાં જ આધ્યા શ્વેતાની ભેટીને ફરીવાર રડી પડી...!

શ્વેતા અને આર્યન આધ્યા માટે શું નિર્ણય કરશે? કર્તવ્ય અને આધ્યાના સંબંધને કંઈ નામ મળશે? ઉત્સવ અને સોનાનાં સંબંધને એનાં પરિવારજનો અપનાવશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૭૪

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 months ago

Reena

Reena 10 months ago

Bc Patel

Bc Patel 10 months ago

Shefali

Shefali Matrubharti Verified 11 months ago

Hemal nisar

Hemal nisar 11 months ago