Ascent Descent - 74 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 74

આરોહ અવરોહ - 74

પ્રકરણ - ૭૪

શ્વેતાએ આધ્યાને સમજાવીને કહ્યું," બેટા જિંદગીની કેટલીક હકીકત એવી હોય છે જે સ્વીકારે જ છુટકો હોય છે. એમાં કોઈનું કંઈ ચાલતું નથી ક્યારેય કેટલીક વસ્તુઓ આપણા દ્વારા થાય છે પાસે સંચાલન જાણે કુદરત પણ આપણને સતાવવા માટે જ થતું હોય એવું જ લાગે. પણ બેટા એક વાત કહું? તું અત્યારે તારાં પોતાનાં જીવન પર ધ્યાન આપ. તારી લાઈફ સેટલ કર. મતલબ જો તારી ઈચ્છા હોય તો તું તારું ભણવાનું આગળ શરું કરી શકે છે... કોલેજનું...પછી મેરેજ વિશે કંઈ વિચાર. તારી લગ્નની ઉમર થઈ ગઈ છે પણ એકાદ બે વર્ષમાં કોઈ વાંધો નહીં આવે. હું એવું ઈચ્છું કે એક સ્ત્રી પોતાના પગભર તો હોવી જ જોઈએ."

"પણ મમ્મી એ કેવી રીતે શક્ય બની શકે? મને ભણવાનું છોડ્યા પછી લગભગ સાડા પાંચ વર્ષ થઈ ગયાં. વળી ન કોઈ ડોક્યુમેન્ટ છે મારી પાસે. હવે એડમિશન કેવી રીતે થશે?"

 

"તારી ઈચ્છા કહે. બાકી બધું જ થશે. થોડો સમય અને મહેનત થશે બાકી અશક્ય નથી."

 

એટલામાં જ કોઈએ દરવાજો નોક કરતા કહ્યું, " અંદર આવી શકીએ?" સામે ઉભેલા આર્યન અને કર્તવ્યને જોઈને બંને ચૂપ થઈ ગયાં. શ્વેતાએ બંનેને અંદર આવવા કહ્યું.

 

આર્યન : " મા દીકરીની વાતો પૂરી થઈ કે નહીં? થોડીવાર થઈ એટલે અમે આવવુ પડ્યું."

 

" સોરી, હું તો તમારા ફેમિલીની વચ્ચે ઘુસી ગયો."

 

શ્વેતાએ કર્તવ્યનો કાન ખેચીને હસીને કહ્યું, " બેટા,તું થોડાં જ સમયમાં પરિવારનો નથી પણ પરિવાર કરતાં વધારે બની ગયો છે. એટલે ઉભો રહે સમજ્યો"

 

પછી શ્વેતા થોડી ગંભીરતાથી બોલી, "એક વાત કહું? આધ્યાને હવે આગળ ભણવું હોય તો શક્ય છે? કદાચ કર્તવ્ય તને ખબર હોય?"

 

" આન્ટી એમાં પુછવાનું હોય? અફકોર્સ શક્ય છે. અંકલના રૂપિયા અને આટલાં માણસો ક્યારે કામ લાગશે?" કર્તવ્યના આ વાક્યથી મિસ્ટર આર્યન એકીટશે એની સામે જોવા લાગ્યાં.

 

"અરે મજાક કરું છું અંકલ. એવું નહીં એની સ્કુલથી માંડીને અત્યાર સુધી બધાં ડોક્યુમેન્ટ મેળવવા પડશે. થોડી બરાબર મથામણ કરવી પડશે. માણસો રોકવા પડશે. ક્યાંક જડ જેવા માણસ હશે ત્યાં થોડાં પૈસા પણ...બાકી એડમિશન તો મળવાનું જ છે એનાં બારમામાં સારા ટકા જ તો છે. આખરે કોલેજવાળાને પણ ઘર ચલાવવાનું જ હોય ને. પણ મારી ઈચ્છા મુજબ એ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે કરે તો વધારે સારું. ખોટુ એ બહારની દુનિયામાં એકદમ આવે ને ક્યાંક કોઈ એવી વસ્તુઓથી એ વધારે હર્ટ થશે તો કદાચ એનું મનોબળ નબળું પડી જાય.

 

શ્વેતા : "એને હવે નબળી નથી પાડવાની મજબૂત બનાવવાની છે. પણ બેટા આટલાં વર્ષો બધું છૂટી ગયેલું અને હવે શીખવાનું એને આપમેળે કેમ ફાવશે?"

 

એટલામાં જ પાયલે અંદર આવતાં કહ્યું, " સોરી, પણ અંદર આવી શકું? આધ્યાને વાંધો ન હોય તો અમૂક સબજેક્ટ તો હું પણ કરાવી શકીશ."

 

કર્તવ્ય : " એ તો ચાલે જ. સાથે એ તો પર્સનલ ટ્યુશન તો રાખી જ શકાય. બાકી કંઈ ન આવડે કહેજે હું તો છું જ" કહીને કર્તવ્ય હસવા લાગ્યો.

 

"તું તો ક્યા સુધી અમારી સાથે રહીશ? તારી પણ લાઈફ છે ને? હવે તો તારું મિશન પણ ઘણું બધું સફળ બની ગયું છે ને?" આધ્યા જાણે કર્તવ્યના મનનો તાગ મેળવતી હોય એમ બોલી.

 

"એટલે હવે તું મને અહીથી મોકલી દેવા જ ઈચ્છે એમને? હમમમ...મને હવે ખબર પડી. સારું તો જતો જ રહીશ. પણ હું તને જોઈ લઈશ..." કહીને હસવા લાગ્યો ત્યાં જ એના ફોનમાં રીગ વાગતાં એ "એક્સક્યુઝ મી" કહીને રૂમની બહાર આવ્યો.

 

એણે ફોન ઉપાડ્યો તો ઈન્સ્પેક્ટર વાઘેલા બોલી રહ્યા છે. એમણે કહ્યું, " મિસ્ટર કર્તવ્ય તમે ખરેખર અમને યોગ્ય સમયે બહું સારી માહિતી આપી હતી. આજે બહું મોટી માહિતી હાથ ધરી છે."

 

કર્તવ્ય : " મતલબ સર, અમને કંઈ સમજાયું નહીં."

 

"તમે જે ૨૫ બિઝનેસમેનની ધરપકડ માટેની વાત કરી હતી એમની વધારે માહિતી નીકળતા ખબર પડી કે એમાનાં કેટલાક તો ડ્રગ્સનો તો કેટલાક તો છોકરીઓને કિડનેપ કરીને એમનાં અંગ વેચીને તગડા પૈસા કમાવવાનું કામ કરે છે."

 

જે એમની શરાબ પીવાની અને બિભત્સ વાતો કરવામાં તો એમને વધારે જેલમાં રાખી ન શકીએ. વળી, એમનાં ગેરકાયદે ચાલતે કોઠાઓ પર અમે રેડ પાડીને કેટલાક તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યાં છે. પણ આ ડ્રગ્સ અને ઓર્ગન સેલિંગ કામમાં સંડોવાયેલા એ ઉજળા શહુકારોને તો અમે જેલમાં જ રાખ્યાં છે. બાકીનાં લોકોને કોઈ પુરાવા હાથ ન લાગતાં અમારે છોડી દેવા પડ્યાં છે. બની શકે કે એ લોકો કદાચ આવાં કામમાં કદાચ નાનો મોટો સપોર્ટ કરનાર જ હોય!

 

"સાહેબ એ તો બહું સરસ કામ થયું. પણ એમાં સંડોવણીમા કોણ છે મોખરે? કોઈ બંનેમાં શામેલ હોય એવું છે ખરું?"

 

એવાં બે જ નામ છે મિસ્ટર અશ્વિન પંચાલ અને મિસ્ટર શ્રીવાસ્તવ ઐયર...!

 

"હમમમ.. સાહેબ મને વિશ્વાસ હતો એ માણસ પર તો... હવે સાહેબ તમે તમારાં નિયમાનુસાર કાર્યવાહી કરી શકો છો. પણ જે લોકો બહાર નીકળ્યા છે એમનું ધ્યાન ચોક્કસ રાખવું પડશે. કામ હોય તો કહેજો." ફોન મૂકાઈ ગયો.

 

કર્તવ્ય ફટાફટ રૂમમાં આવી ગયો. એણે મિસ્ટર આર્યનને આ સમાચાર આપ્યાં. એ ખુશ થઈને બોલ્યાં, " આ તો બહું સારાં સમાચાર છે."

 

"અંકલ, સાચું કહું આ મિશનમાં મને એક પણ કડી ખબર નહોતી. પણ એક તમે આધ્યાની વાત કરી અને પછી પહેલી જ મિટીંગમાં એ દિવસે મિસ્ટર પંચાલના ખિસ્સામાંથી એક કોડવર્ડમા સેટ કરેલુ કાર્ડ મળેલું. એમાંથી મને એનું શકીરાહાઉસનુ કનેક્શન અને પછી એક પછી એક બધી જ માહિતી મળેલી. એની સાથે જ ઘણાં લોકોની માહિતી પણ...એ દિવસે હું સમર્થ સાથે ગયેલો ત્યારે શરીરની સાથે એને જોયેલો એ દિવસથી મને વિશ્વાસ આવી ગયો હતો. બસ એની પાછળ પડેલો અને આજે ખરેખર બધું સફળ થઈ ગયું."

 

"હા સફળ તો ખરેખર સાચાં અર્થમાં તે કરી બતાવ્યું છે બેટા." કહીને મિસ્ટર આર્યને કર્તવ્યનો ખભો થાબડ્યો.

 

" હવે શું કરવાનું છે? કંઈ નક્કી કર્યું કે નહીં?"

 

" શેનું નક્કી?" બધાં એકસાથે બોલી ઉઠ્યાં.

 

" હું ભણીશ એ મેં નક્કી કરી દીધું છે. મારો નિર્ણય યોગ્ય છે ને?"

 

"હાશ! ચલો મેડમ આન્ટીની સાથે આવીને એક નિર્ણય લેતાં તો શીખી ગયાં. ચાલો, તો હવે અંકલ આપણે નીકળીશું ને?"

 

કદાચ કર્તવ્ય દ્રારા જાણી જોઈને બોલાયેલા આ વાક્યથી શ્વેતા થોડી હચમચી ગઈ. એણે માડ માડ પોતાની જાતને સંભાળી.

 

એ ફક્ત એટલું બોલી શકી, " થોડીવાર રોકાઈ જાવને? આધ્યાને તો હજી હું મનભરીને મળી પણ નથી." બધાં જ સમજી રહ્યાં છે કે વર્ષોબાદ કદાચ આધ્યાની સાથે જ આર્યનથી દૂર થવાનું દુઃખ પણ એને ઓછું નથી.

 

આર્યન પાયલની હાજરીમાં કદાચ કંઈ બોલી ન શક્યાં. કર્તવ્યને હવે શું કહેવું સમજાયું નહીં. થોડીવાર રૂમમાં ચુપકીદી છવાયેલી રહી. પછી શ્વેતા બોલી, " આધ્યા થોડાં દિવસ અહીં રહે તો? હું એને રાખી શકું આર્યન?" શ્વેતાએ જાણે વર્ષોબાદ આજે પોતાની દીકરીની ભીખ માગી હોય એમ બોલી.

 

આટલાં સમય બધું જ નીહાળી રહેલી પાયલ બોલી, " એક વાત કહું? જો તમને યોગ્ય લાગે તો...શ્વેતાબેન તમે જ મુંબઈ ચાલો તો અમારી સાથે... આટલો મોટો બંગલો છે...શું નથી આર્યન પાસે આજે? બધું ખાવા ભાસે છે...તો શું તમે ત્યાં ન આવી શકો?"

 

" પણ એ કેવી રીતે શક્ય છે પાયલબેન?"

 

"કેમ શક્ય નથી? સંબંધોની સમજણ જોઈએ. સાથે રહેનારની સમજણ જોઈએ. મને ખબર છે હું આટલાં વર્ષો આર્યન સાથે રહી છું એ મારી સાથે રહ્યાં છે મને પણ એટલો જ પ્રેમ આપ્યો છે જેટલો પ્રેમ એક પત્નીને મળવો જોઇએ. મને કોઈ જ કમી નથી આવવા દીધી. કોઈ દિવસ મને એવું નથી લાગ્યું કે મને આનાથી વધારે સારો જીવનસાથી મળ્યો હોત તો સારું. એમને ખબર પડી કે હું ક્યારેય માતા નહીં બની શકું તો પણ એમણે ક્યારેય મારા તરફ એક અણગમો કે કોઈ એવું વર્તન નથી કર્યું. પણ હંમેશાં એ પણ જોયું છે કે એક સાચું પ્રેમનું સમર્પણ એમણે હંમેશાં તમારાં નામનું કર્યું છે.

વર્ષો પહેલા જે બન્યું એ કદાચ નહોતું થવું જોઇતું પણ હવે વિધાતાની કલમને કોઈ મિટાવી શકતું નથી આપણે માત્ર નિમિત્ત હોઈએ છીએ. પણ આજે પણ એનું દિલ તમારાં માટે ધબકી રહ્યું છે." પાયલના મોઢે આ વાક્યો સાંભળીને બધાં અવાક બની ગયાં. આખરે શ્વેતાને એટલે કે આર્યનના સાચાં પ્રેમને એમની પાસે લાવવો એ એનાં સ્થાન માટે પણ ખતરાથી કમ તો નથી જ એ દરેક જણ સમજી રહ્યાં છે એટલે જાણે બધાં એનાં વિચારને મનોમન સલામ કરવા લાગ્યા...!

શું કરશે હવે શ્વેતા? એનો નિર્ણય શું હશે? આધ્યાનુ જીવન કેવી રીતે બદલાશે? કર્તવ્ય ખરેખર આધ્યાને છોડી દેશે? જાણવા માટે વાચતા રહો, આરોહ અવરોહ - ૭૫

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 months ago

GLAD

GLAD 11 months ago

DR HEMAXI AMBA

DR HEMAXI AMBA 11 months ago

Shefali

Shefali Matrubharti Verified 11 months ago

Hemal nisar

Hemal nisar 11 months ago