Ascent Descent - 79 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 79

પ્રકરણ - ૭૯

કર્તવ્ય અને મિસ્ટર આર્યન બંને બેઠાં છે. થોડીઘણી ત્યા સુધી કર્તવ્ય બિઝનેસની વાત કરવા લાગ્યો. આજ સુધી એમની વચ્ચે આવી કોઈ તો વાત જ નહોતી થઈ. એટલામાં જ શ્વેતા અને પાયલ આવતાં જ એમણે વાત શરું કરતાં કહ્યું, " પહેલાં તો ખરેખર તારો આભાર...કદાચ તારાં સિવાય હું મારો આ પરિવાર કદી ફરી એકવાર સાથે ન મેળવી શકત. બાકી તો હું અને પાયલ રોજની માફક હીંચકે ઝુલતા એકલતાને સંકોરતા હોત! પણ હવે તું બોલ બેટા શું ચાલે છે? હવે બિઝનેસમાં તો તું એક્કો બની ગયો છે હવે જીવનમાં પણ ઠરીઠામ થવાનું કંઈ વિચાર્યુ કે નહીં. બાકી તારી ઉમરનાં છોકરાઓ તો અત્યારે ફક્ત એશોઆરામ અને પોતાની જિંદગીને માણવામાં જ વ્યસ્ત હોય છે."

"મતલબ અંકલ? કંઈ સમજાયું નહીં."

"લગ્ન વિશે. સોરી, એ ચિંતા કરવાવાળા તારાં માતાપિતા છે પણ આટલાં આપણી વચ્ચેના આ સંબંધો પછી એટલું તો પૂછી શકું એટલો હક છે મને. ભલે મેં જે ભૂતકાળમાં નહોતું કર્યું પણ હવે એનાથી ઘણું પસ્તાયો છું એટલે જ અમૂક યોગ્ય સમયે જીવનમાં સેટલ થઈ જવું જોઇએ એવું મને લાગે છે. યોગ્ય ઉમરે કોઈ સાથે જે તાલમેલ થઈ જાય છે એ પછી અમૂક વર્ષ પછી એ દિલનું જોડાણ થતાં વાર લાગે છે. "

" હા એ તો છે જ અંકલ..."

" તો કોઈ છોકરી પસંદ કરી કે નહીં?"

" પસંદ એટલે...એમાં..." કર્તવ્યનો અવાજ થોડો ખચકાયો.

"ના હોય તો વાંધો નહીં. પણ હું તારી સામે એક પ્રસ્તાવ મૂકુ છું. જો તને પસંદ પડે તો... પણ એક શરત તારી હા કે ના હોય એમાં તને કે મને કોઈ વાંધો નહીં પડે. આપણાં સંબંધો અત્યાર જેવાં જ રહેશે."

" હમમમ..." કર્તવ્યનું મન વિચારમાં પડી ગયું

" હું અમારી દીકરી સલોની માટે તારો હાથ માગું છું."

" શું?" કહેતાં જ જાણે કરંટ લાગ્યો હોય એમ કર્તવ્ય પરસેવે રેબઝેબ થઈ ગયો. એને એક ઝાટકો લાગ્યો હોય એવું સ્પષ્ટ એનાં ચહેરા પરથી લાગી રહ્યું છે.

"એના ચહેરાને જોતા જ શ્વેતા બોલી," કેમ શું થયું બેટા? સલોની તને પસંદ ન પડી? ભણેલી ગણેલી સમજું પણ છે અને હવે તો આ પરિવારની દીકરી પણ...સંસ્કારી અને સમજું પણ છે. એના માટે જોવાનું શરું કરવાનું જ હતુ તો મને થયું કે તારાથી વધારે સારો છોકરો કોણ મળી શકે? "

" એ સારી જ છે પણ..."

મિસ્ટર આર્યન : " સારું કંઈ વાંધો નહીં વિચારીને કહેજે. તારી પાસે સમય છે. તારાં પરિવારજનોએ પસંદ કરેલી કોઈ છોકરી તને પસંદ હોય તો પણ કહી દેજે પણ અત્યારે બધાં ડીનર લઈ લઈએ પહેલાં."

બધાં તો એકબીજાની સામે જોઈને પછી જમવાની તૈયારીમાં લાગી ગયાં. પણ કર્તવ્યનો ચહેરો જાણે વિલાઈ ગયો છે. એના ચહેરા પરની ખુશી ગાયબ થઈ ગઈ.

ડીનર સર્વ થતાં જ આધ્યા અને સલોની પણ આવી ગયાં. બધાની નજર કર્તવ્ય પર છે એને ખબર પડતાં એ સામાન્ય બનવાનો પ્રયત્ન કરવા લાગ્યો. સલોનીના હાવભાવ જરા પણ બદલાયા નહીં મતલબ કે એ ખુશ કે દુ:ખી દેખાઈ નહીં.

શ્વેતા જમતાં જમતાં સલોનીના વખાણ કરી રહી છે. પણ કર્તવ્યનું ધ્યાન તો બીજે જ ક્યાંક છે. આધ્યા એક પોતીકાપણાથી બોલી, " કર્તવ્ય તું કયાં વિચારોમાં ખોવાયેલો છે? જમવાનું ન ભાવ્યુ કે શું? તો બીજું કંઈ બનાવી દઉં."

કર્તવ્ય જાણે કોઈ તંદ્રામાંથી બહાર આવ્યો હોય એમ બોલ્યો," એવું કંઈ નથી આધ્યા. બધું આટલું સરસ તો છે." કહીને ફટાફટ જમવા લાગ્યો. પછી બોલ્યો, " થોડું કામ યાદ આવ્યું છે મારે જવું પડશે."

બધાને ખબર પડી ગઈ કે કર્તવ્ય કદાચ અત્યારે એક રિલેક્સ મૂડમાં આવ્યો હતો સામેથી જ ડિનરનું પણ કહ્યું હતું. પણ સલોની માટેની વાત કર્યા બાદ જ એનો મૂડ બદલાઈ ગયો છે.

એટલે જમવાનું પતતા જ મિસ્ટર આર્યન બોલ્યાં, " શું વાત છે? તારાં મનમાં કંઈ પણ હોય તો સ્પષ્ટ કહી શકે છે. અમને કંઈ જ વાંધો નથી. તને સલોની પસંદ ન હોય તો કોઈ જબરદસ્તી નથી. આમ બહાનું કાઢીને અહીંથી ભાગીશ નહીં. પ્રેમનાં સંબંધો બે જણાની મરજીથી થાય છે. સમય સંજોગો વિપરિત હોઈ શકે પ્રેમ નહીં...જીવનભરનો સંગાથ હોય છે પ્રેમ! એકબીજાને હૂંફ આપે એ પણ પ્રેમ કહેવાય!"

થોડીવાર ચૂપ રહ્યાં બાદ હિંમત કરીને કર્તવ્ય બોલ્યો, " સોરી, સલોની સારી જ છે પણ હું એને હા નહીં પાડી શકું. અંકલ મને આધ્યા ગમે છે. હું એની સાથે લગ્ન કરવા ઈચ્છું છું."

જાણે કોઈને નવાઈ ન લાગી હોય એમ બધાં એની સામે જોવા લાગ્યાં અને થોડીવાર પછી એક સાથે બધાં એની સામે જોઈને હસવા લાગ્યાં. આધ્યાની આખો છલકાઈ ગઈ.

કર્તવ્યને કંઈ સમજાયું નહીં. એ બોલ્યો, " કેમ શું થયું? અંકલ તમે જ કહ્યું જે મનમાં હોય તે કહી દે."

મિસ્ટર આર્યન હસીને બોલ્યા, " બસ અમને ખબર હતી પણ અમારે તારી લાગણીને તારા મોઢે સાંભળવા હતી. એટલા માટે જ સલોનીની વાત કરી કે તું કંઈ બોલે. બીજી એક વાત હતી કે આધ્યાના ભૂતકાળ સાથે તારાં જેવા છોકરાને અમે સામેથી કહી ન શકીએ. આધ્યાને તું પસંદ છે એ વાત અમને ખબર પડી ગઈ હતી અમે એને પૂછ્યું પણ ખરાં પણ છેલ્લે તારી સાથે વાત થઈ એ મુજબ એને એવું હતું કે કદાચ તું એને પસંદ કરે છે પણ કદાચ જીવનસાથી બનાવવા માટે યોગ્ય માનતો નહીં હોય એટલે તે અહીં આવવાનું પણ બંધ કરી દીધું છે.

એણે મને ના કહી હતી સામેથી પૂછવાની પણ એક બાપ તરીકે હું એવું ન કરી શકયો. મેં શ્વેતા અને પાયલે વિચાર્યું ક્યાંક કોઈનાં અહમ કે પછી શરમ કે પછી કોઈ પણ રીતે સાચો સંબંધ ક્યાંક મળ્યાં વિના મુરઝાઈ જાય એના કરતાં પરિણામ જે પણ આવે બસ તને મળીને એકવાર પુછી લેવાનું નક્કી કર્યું."

" મેં આધ્યાને ના પાડી હોત તો?"

"મેં આધ્યાને એ માટે પણ મક્કમ કરી દીધી હતી. આખરે એ મારી દીકરી જ છે. પણ મેં ધાર્યા કરતાં એ વધારે હિંમતવાળી નીકળી. સાથે જ એનો વિશ્વાસ અને પ્રેમ પણ બહું ઉડાણ અને સમજણભર્યા નીકળ્યાં. " શ્વેતા હાશકારો અનુભવતાં બોલી.

"અંકલ સારું થયું. પણ મેં ક્યાંક સલોની માટે હા પાડી દીધી હોત તો?"

"બેટા અમને એટલી તો કદાચ જાણ હતી કે તું સલોની માટે હા નહીં કહે. થોડું જોખમ હતું પણ ભગવાને પણ બધું સરખું કરી દીધું."

" અંકલ, પણ તમને આ સંબંધ મંજૂર છે? અને બીજી વાત કે આધ્યાને પસંદ કરું છું એનું કારણ તમારી પ્રોપર્ટી જરાય નથી કારણ કે કદાચ દુનિયા આ સંબંધને એ કારણ પણ માની શકે કારણ કે આધ્યાના ભૂતકાળ સાથે હું એને અપનાવવા તૈયાર છું એટલે...પણ ભગવાનની કૃપાથી મને સુખ, સંપતિ, પ્રેમાળ માતાપિતા અને પરિવાર બધું જ મળ્યું છે એટલે એવી કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી."

"એ તો બેટા માણસને એકવાર મળીને જ સમજાઈ છે. એની તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આટલાં દિવસો તો ચૂપ રહેવાનું ખાસ કારણ?" હજુ સુધી ચૂપ રહેલી પાયલ બોલી.

" બસ હું આધ્યાને પરિવારની ઘટમાળમાં ઘડાના દેવા માગતો હતો. એ આપણાં પરિવાર મુજબ બધું સમજી શકે એ રીતે તૈયાર કરવા ઈચ્છતો હતો. વળી, એ ભણવાનું પણ ઈચ્છે છે તો કદાચ એના ઓછાં ભણતરને કારણે પણ કોઈ પણ પ્રોબ્લેમ ન થાય. વળી, હું જો આધ્યા સાથે લગ્ન કરું તો એની ખુશીની સંપૂર્ણ જવાબદારી મારી રહે. એને કોઈ પણ કારણે બેઈજ્જત થવું પડે કે એનું કોઈ પણ ખરાબ કહે એ હું ન ચલાવી શકું બસ આજ કારણથી એને ઘડાવી દેવા ઇચ્છતો હતો. પણ મને એવું હતું કે કદાચ હું આધ્યાના ભૂતકાળની બધી જ ખબર હોવા છતાં એનાં માટે સામેથી કહું તો કદાચ તમને એવું થાય કે કદાચ હું તમારી મિલકત માટે કરી રહ્યો છું કારણ કે આજ સુધી તમે મને તમારી લગભગ બધી વાત કરી છે એટલે જ મેં કંઈ સામેથી કહ્યું નહીં."

"હમમમ... પણ એક મહત્વની વાત કહું? શું તને લાગે છે તારાં પરિવારજનો આધ્યાને અપનાવશે?" શ્વેતા થોડી ચિતામાં બોલી.

"ખબર નહીં. પણ પ્રયત્ન જરૂર કરીશ. પણ જો આધ્યા આ સંબંધ વિશે મક્કમ હોય તો હું કંઈ તો કરીશ જ એમને મનાવી લઈશ."

"મને લાગે છે કે હવે બંને એવા મુકામ પર છો કે તમારે બંનેએ એકાંતમાં શાંતિથી વાત કરી લેવી જોઈએ...ફાઈનલ નિર્ણય તમારો રહેશે..." મિસ્ટર આર્યન શાંતિથી બોલ્યાં.

બધાએ આ વાતને સહમતિ દર્શાવતા આધ્યા કર્તવ્યને પોતાના બેડરૂમમાં વાત કરવા લઈ ગઈ...! બહાર બધાં હવે ચોક્કસ કંઈ સારું થવું જોઈએ એવી આશાએ બેસીને વાતો કરવા લાગ્યાં....!

શું કર્તવ્ય એના પરિવારજનોને મળાવી શકશે? વર્ષાબેન ઉત્સવને સોના માટે પરવાનગી આપશે? વાચો નવલકથાનો અંતિમ ભાગ, આરોહ અવરોહ - ૮૦