Kudaratna lekha - jokha - 34 in Gujarati Fiction Stories by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 34

કુદરતના લેખા - જોખા - 34


આગળ જોયું કે મયુર અને સાગરની લાગણીસભર મુલાકાત થાય છે. જેમાં મયુર સાગરના બધા પ્રશ્નોના સહજતાથી જવાબો આપી સાગરને પોતાની સાથે કામ કરવાની ભલામણ કરે છે. હેનીશ અને વિપુલને પણ પોતાની સાથે કામ કરે એ માટે મયુરે તેમને સમજાવવાની જવાબદારી સાગરને સોંપે છે.
હવે આગળ.........

* * * * * * * * * * * * * * *

મયુરની વાત જાણ્યા પછી સાગર વધુ મૂંઝવણમાં મુકાયો. તેને મયુર સાથે કામ કરવામાં કોઈ તકલીફ હતી જ નહિ પરંતુ આજના દિવસે જ તેની શરૂ નોકરી છોડી દેવી પડે એમ હતી એ એના માટે અઘરું હતું કારણ કે તે જ્યાં નોકરી કરી રહ્યો હતો તે ડિપાર્ટમેન્ટ એના ભરોસો જ કંપનીના માલિકે સોંપેલો હતો જો સાગર તે છોડીને જતો રહે તો કંપનીનું કામ ઘણું અટવાઈ શકે તેમ હતું. સાગર તેના માલિકે તેના પર મુકેલા વિશ્વાસ તોડીને જવા નહોતો માંગતો એમ જ તે મયુરની સ્થિતિને પણ સમજી શકતો હતો. સાગર વિટંબણા માં મુકાઈ ગયો કે તે કોને સાથ આપે. મયૂરને પણ તે ના પાડી શકે તેમ નહોતો. મયુર એક તો ખાસ મિત્ર અને એના ઉપકાર પણ સાગર ઉપર ઘણા હતા. તે અત્યારે બધા વિચારોને સાઈડમાં મૂકી આવતીકાલે વિપુલ અને હેનીશ ને પૂછી પોતાનો નિર્ણય લેશે તેવી નક્કી કર્યું.

"પસંદગી કરવી ખૂબ જ કઠિન થઈ પડે છે એ પછી વસ્તુની હોય કે વ્યક્તિની કારણકે આગળ જતા જો કોઈ વિઘ્ન આવે તો આપણે એ પસંદગીના સમયને જ દોષ આપતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કે કાશ મે એ સમયે પેલો નિર્ણય લીધો હોત તો સારું થાત."

* * * * * * * * * * *

બીજા દિવસે હેનીશ અને વિપુલ, મયૂરને મળવા અનાથાશ્રમ આવી ગયા. બધા મિત્રો ઘણા મહિનાઓ પછી મળ્યા હતા. બધાના ચહેરા પર મિત્રોને મળવાનો આનંદ સ્પષ્ટ વર્તાતો હતો.

મયુરે કહ્યું હતું એ પ્રમાણે સાગરે વિપુલ અને હેનીશને મયુર સાથે કામ કરવા માટે પૂછી લીધું. જેમાં હેનીશે કામ કરવાની તૈયારી બતાવી જ્યારે વિપુલ પોતાની સ્કૂલ ખોલવા માંગતો હોવાથી તે મયુર સાથે કામ નહિ કરી શકે તેવું જણાવ્યું.

વિપુલ ની વાત પરથી સાગરને એક મસ્ત પ્લાન સુજ્યો જો એ પ્લાનમાં સફળતા મળે તો તે મયુરની સાથે આજથી જ કામ કરી શકે એમ હતો.

સાગરે કંપનીના માલિકને ફોન કરીને આખી પરિસ્થિતિ વિશે વિગતે વાત કરી. અને સાથે એ પણ કહ્યું કે જ્યાં સુધી આપને કોઈ બીજો માણસ ના મળે ત્યાં સુધી હું વિપુલને મારી જગ્યા પર મુકતો જાવ છું. મારા કારણે હું તમારી કંપનીનું કામ અટકવા નહિ દવ. કંપનીના માલિકે પણ સાગરની નમ્ર વિનંતિ ને માન્ય રાખી. વિપુલને પણ થોડા સમય સુધી ત્યાં નોકરી કરવામાં પ્રોબ્લેમ નહોતો કારણ કે હજુ તેને સ્કૂલ શરૂ કરવાની સરકાર તરફથી પરવાનગી મળી નહોતી. સાગરના પ્લાન પ્રમાણે બધું પાર ઉતરી ગયું હોવાથી સાગરને રાહત થઈ એટલી જ મયૂરને પણ રાહત થઇ.

વિપુલને કંપનીમાં બધું કામ સમજાવીને સાગર અને હેનીશ, મયુર પાસેથી તેના ખેતરની બધી માહિતી મેળવી ગામડે જવા માટે નીકળી જાય છે. સાગર અને હેનીશ પોતાના ગામડે જતા રહ્યા હોવાથી મયુર હવે નિશ્ચિંત હતો. હવે કદાચ ૨૦ થી વધારે પણ અનાથાશ્રમ રોકાવવું પડે તો પણ કોઈ પ્રોબ્લેમ નહોતો.

* * * * *

મયુર, મીનાક્ષી અને કેશુભાઇ આ દિવસોમાં લગ્નની તૈયારીમાં જૂટી ગયા. આ લગ્નનો સૌથી વધારે ઉત્સાહ કેશુભાઈને હતો. ખૂબ જ સાદી રીતે લગ્ન ગોઠવવાના હોવા છતાં નાની નાની બાબતોનું ધ્યાન પણ કેશુભાઈ રાખી રહ્યા હતા. કેશુભાઇની ના હોવા છતાં પણ મયુરે આખા અનાથાશ્રમ ને કલર કરાવી આપ્યો અને બાળકોની રૂમને પણ અવનવા ચિત્રોથી મઢી નાખી. મયુર અને મીનાક્ષીએ પોતાના કપડાંની ખરીદીની સાથે બાળકો માટે પણ કપડાં અને રમકડાં લઈ આપ્યા. બાળકો તો આ બધું જોઈને જ ખુશખુશાલ થઈ ગયા.

આખરે લગ્નને બે દિવસની વાર હતી ત્યારે મયુરે પોતાના જીગરજાન મિત્ર સાગર અને હેનીશને પોતાના ગામ થી આવી જવા કહ્યું અને ભોળાભાઇ ને પણ સાથે લઈ આવવાનું જણાવ્યું. મયુરના લગ્ન આખરે એના મિત્રો વગર તો અશક્ય જ હતા. ભોળાભાઈ ને સાથે લઈ સાગર અને હેનીશ પણ ઉત્સાહભેર પહોંચી ગયા પોતાના મિત્રના લગ્નને માણવા.

મયુરે ભોળાભાઈ ની કેશુભાઈ, વિપુલ અને મીનાક્ષી સાથે ઓળખાણ કરાવી. ભોળાભાઈ તો મીનાક્ષીને જોઈ ને રાજી ના રેડ થઈ ગયા. મીનાક્ષીએ આપણી સંસ્કૃતિને અનુસરતા તેમને પગે લાગી. ભોળાભાઈ એ અખંડ સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપ્યા.

જે અનાથાશ્રમમાં હર હંમેશ નીરૂત્સુક્તા વ્યાપેલી રહેતી ત્યાં આજે હર કોઈ ના ચહેરા પર સ્મિત લહેરાઈ રહ્યું હતું. મયુરના મિત્રો પણ અનાથાશ્રમ ને શણગારવામાં વ્યસ્ત થઈ ગયા. કેશુભાઈ અને ભોળાભાઈ પણ સાજ શણગારમાં મદદ કરી રહ્યા હતા. ત્યારે મયુર અને મીનાક્ષી આ રંગીન માહોલને નિહાળી રહ્યાં હતાં.

"લાગણીના સંબંધો પણ કેવા હોય! અહી હાજર બધા જ વ્યક્તિમાંથી કોઈ એવી વ્યક્તિ નથી કે જે લોહીના સંબંધોથી બંધાયેલ હોય છતાં આ સબંધો લોહીના સબંધો કરતા વધુ મજબૂત છે." બધાને આનંદિત જોતા મીનાક્ષીએ મયૂરને કહ્યું.

"હા, સાચી વાત છે. આ બધા એકાબીજાના પ્રેમના કારણે જ ટકી રહેલા છે. એમાં પણ સૌથી વધારે ધન્યવાદ તો સાગરને દેવો પડે એણે ફક્ત મારા માટે જ એકદિવસ માં નોકરી છોડી દીધી. આપણા એવા સારા નસીબ હશે કે ભગવાને આવા મિત્રો આપ્યા." મયુરે પ્રત્યુતર વાળ્યો.

ત્યાજ મયૂરને કંઇક યાદ આવતા મીનાક્ષીને પ્રશ્ન પૂછતા કહ્યું કે " મારા મિત્રોને તો મે બોલાવી લીધા પરંતુ તારી ખાસ મિત્ર સોનલ કેમ હજુ નથી આવી?"

"એ લોકો કાલે આવશે. આમ પણ હવે સોનલ ઉપર આખા સીવણ ક્લાસ ની જવાબદારી આવી ગઈ છે માટે આજે એ આવી ના શકી." મીનાક્ષીએ જવાબ આવ્યો.

* * * * * * * * *

બીજા દિવસની સવાર અનાથાશ્રમ ની રોનક વધારી રહી હતી. આખા અનાથાશ્રમ ને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. લગ્ન મંડપ પણ ફૂલોથી ખીલી ઉઠ્યો હતો. અનાથાશ્રમ ના પગથિયાં પાસે માણેક થંભ ખોડવામાં આવ્યો છે.

મયુર અત્યાર સુધી આનંદિત હતો પરંતુ અચાનક જ એના ચેહરા પર માયુસી વ્યાપી ગઈ. સાગરની નજર મયુર પર પડતાં તે મયુર પાસે પહોંચી ગયો. ત્યાં પહોંચીને મયૂરને એક રૂમમાં લઈ ગયો.

"યાર આજે તો તારે ખુશ થવું જોઈએ. આજ તું તારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છો. જેને તે પ્રેમ કર્યો એ જ તારી જીવન સંગિની બનવા જઈ રહી છે. અને તારી પસંદગીના કામમાં પણ તે સફળતા મેળવી છે. તો પછી આજે તારા ચહેરા પર માયુસી શા માટે છે?" સાગરે મયૂરને ખુરશી પર બેસાડતા મયુરની ઉદાસીનું કારણ પૂછ્યું.

ત્યાં સુધીમાં તો મયુરની આંખોમાંથી અશ્રુધારા વહેતી થવા લાગી. તે સાગરને ગળે વળગીને રડવા લાગ્યો અને હીબકા ભરતા ભરતાં જ સાગરને કહેવા લાગ્યો કે "કાશ! આ શુભ અવસરને નિહાળવા મારો પરિવાર હયાત હોત! મારા મમ્મીની તો કેટલી મહેચ્છાઓ હતી! એ મારા લગ્ન ધામધૂમથી કરાવવા માંગતા હતા. જો એ લોકો હયાત હોત તો કેટલા ઉત્સાહથી આ લગ્ન કરાવ્યા હોત!"

મયુર હજુ સાગરને વાત કરી રહ્યો હતો ત્યાંજ મીનાક્ષી, કેશુભાઈ, ભોળાભાઈ, વિપુલ અને હેનીશ એ રૂમમાં પહોંશે છે. કેશુભાઇએ મયૂરને સાંત્વના આપતા કહ્યું કે "જો બેટા જે બનવાનું હતું એ બની ગયું. હવે આ શુભ પ્રસંગે આટલો કલ્પાંત ના કર કે એ લોકોની આત્મા દુભાય. એવો એહસાસ કરવાનો પ્રયત્ન કરો કે એ લોકો જ્યાં પણ હશે ત્યાં તમારા લગ્ન જોઈને ખુશી અનુભવતા હશે."

કેશુભાઈ બોલતા અટક્યા ત્યાં જ મીનાક્ષીએ મયૂરને સમજાવતા કહ્યું કે "ભગવાનના એટલા ભાગ્ય સમજ કે તને પરિવાર સાથે આટલો સમય વિતાવવા મળ્યો અમારા ભાગ્યમાં તો એ પણ નહોતું તો વિચાર અમારા ઉપર શું વીતતી હશે!?"

ક્રમશઃ
પ્રમોદ સોલંકી

શું મયુરના લગ્નમાં કોઈ વિઘ્ન આવશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏

Rate & Review

Heena Suchak

Heena Suchak 2 months ago

Kamlesh Vadher

Kamlesh Vadher 2 years ago

Meera Soneji

Meera Soneji Matrubharti Verified 2 years ago

Rachana Shah

Rachana Shah 2 years ago

Kinnari

Kinnari 2 years ago