TALASH - 2 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 2

તલાશ - 2

તલાશ 2

ટ્રીન ટ્રીન વાગતી મોબાઈલની રિંગે જીતુભા નીંદર માં ખલેલ પહોંચાડી દીવાલમાં લટકતી ઘડિયાળમાં જોયું તો સવા પાંચ થયા હતા. અત્યારે કોણ હશે. કદાચ સોનલ. વિચારતા એણે મોબાઈલ સ્ક્રીન પર જોયું પ્રાઇવેટ એમ સ્ક્રીન પર લખેલું હતું... ઓહ્હ્હ. જીતુભા એ ફોને ઉચક્યો. અને કહ્યું "હેલ્લો "

" જાસૂસ તારી નીંદર ઉડી ગઈ, ભલભલાની નીંદર મારા ફોનથી ઉડી જાય છે." એક ઘૂંટાયેલો અવાજ એના કાને પડ્યો. અચાનક જીતુભાને લાગ્યું કે એના કાનમાં સેંકડો તમરા બોલી રહ્યા છે. એની રહી સહી નીંદર ઉડી ગઈ.

" કોણ બોલે છે." એણે રાડ પાડી.

"ધીરે બેટા, ધીરે બોલવાનું. ખાસ તો જયારે મારી સાથે વાત કરતો હો." ખુંખાર અવાજથી જીતુભાના કાનની સાથે આખું શરીર કાંપી ઉઠ્યું. "ઓફ્ફ વ્હાઈટ કલરની કૉન્ટૅસા ક્લાસિક નંબર એમએચ 01- 46.. જાસૂસીની દુકાન, મામા સાથે રહે છે. માં અત્યારે બનારસમાં ગુજરાતી ધર્મશાળામાં, મામા દિલ્હીની સનરાઈઝ હોટેલના રુમ નંબર 302 માં, તું અત્યારે ઘરે તો.... મિસિંગ..... હા. હા. હા. " સામેથી બોલનારના અટ્ટહાસ્યની સાથે જ જીતુભાનાં પેટમાં પતંગિયાઓએ ઉડવાનું શરું કરી દીધું, તે સમજી ગયો કે સામેવાળો શું કહેવા માંગે છે. સોનલ. સોનલ મિસિંગ છે નક્કી એ કંઈક મુશીબતમા છે. ઓહ્હ્હ નો. ફોનમાં હજી ખુંખાર માણસનું અટ્ટહાસ્ય ગુંજતું હતું.

"કોણ છે તું. શું જોઈએ છે તને. જો સોનલને કાઈ નુકસાન પહોચાડ્યું છે. તો યાદ રાખજે તારા ટુકડે ટુકડા કરી નાખીને કુતરાઓને ખવરાવીશ" ગુસ્સામાં એણે બરાડો પડ્યો.

"ધીરે ધીરે હમણાં જ કહ્યું તને કે મારી સાથે મોટા અવાજે વાત નહીં કરવાની." ખુંખાર અવાજે હસતા હસતા સામેવાળાએ કહ્યું. " જો આમ તો હું તારી બહેન સાથે ગમ્મે તે કરી શકું છું. પણ હાલમાં તો એ આરામથી મારી બાજુના રૂમમાં સૂતી છે. ચાલ તુ મોટો જાસૂસ છે તો તને એક ચેલેન્જ આપું છું 4 કલાકમાં તું મને કે તારી બહેનને ગોતી કાઢ તો હું તને ખરો જાસૂસ માનું, બાકી તો આજકાલ કોઈ પણ જાસૂસનું પાટિયું મારીને દુકાન ખોલી નાખે છે. જો તું 10 વાગ્યા સુધીમાં અમને ગોતવામાં નિષ્ફળ જાય તો 11 વાગ્યે હું તને ફરીથી ફોન કરીશ. ગુડબાય એન્ડ બેસ્ટ ઓફ લક" કહીને ખુંખાર અવાજે હસતા હસતા ફોન કટ્ટ કરી નાખ્યો .

xxx

"કોણ છે આ હલકટ..." વિચારતા એણે બાથરૂમ માં જઈ દૈનિક ક્રિયાઓ ઝડપથી પુરી કરી. "આને ક્યાં ગોતવો.". કપડાં પહેરતા પહેરતા એને વિચાર્યું. પછી કારની ચાવી લઇ એણે ફ્લેટને લોક કર્યો ત્યારે 6 વાગવામાં. દશ મિનિટ બાકી હતી. પ્રાઇવેટ નંબર કઢાવવો બહુ અઘરો હતો... તો હવે સોનલ વિષે કોણ માહિતી આપી શકે. અચાનક એને મોહિનીનો ખ્યાલ આવ્યો એના પપ્પાને ખબર જ હશે, ફોન કરવા કરતાં રૂબરૂ જ જઈને પૂછી લઉં વિચારતા એણે કાર સ્ટાર્ટ કરી. અચાનક એને ગઈ રાત્રે સોનલે કરેલો છેલ્લો કોલ યાદ આવ્યો.. ઓહ્હ મૂર્ખા પોતાની જાતને એણે કહ્યું કાર ફરીથી ઉભી રાખી એણે હેમંતને ફોન જોડ્યો. હેમંત એનો મિત્ર હતો અને વડાલામાં પોલિશ સબ ઇન્સપેકટર હતો. "હેમંત જો એક નંબર તને એસએમએસ કરું છું. મને આ ફોન કોનો છે એનું નામ સરનામું જોઈએ છે. વધારેમાં વધારે 20 મિનિટમાં"

"પણ ..." ઉંઘરેટા અવાજથી હેમંત કહી બીજું બોલે એ પહેલા જ જીતુભા એ કહ્યું "બહુ જ અર્જન્ટ છે દોસ્ત સોનલને...."

“શું થયું સોનલને, હું હમણાંજ ચેક કરુ છું કઈ આડાઅવળા ફોન કરતો હોય તો એની ખેર નથી"

" એવું કઈ નથી હું તને પછી બધું સમજવું છું અત્યારે તો આટલું કામ કરી આપ" કહી જવાબની રાહ જોયા વગર જીતુભા એ ફોન કટ્ કરીને કાર મોહિનીના ઘર બાજુ ભગાવી. દશ મિનિટમાં એ ત્યાં પહોંચ્યો. કાર સોસાયટીની બહાર પાર્ક કરી એ ગાર્ડનમાં થઈને મોહિનીની વિંગ તરફ જતો હતો ત્યાં એણે જોયું કે મોહિની ગાર્ડનમાં બીજા કેટલાક લોકો સાથે યોગા કરતી હતી. મોહિનીનું ધ્યાન પણ જીતુભા તરફ પડ્યું અને એને લાગ્યું કે જાણે આ સંસારમાં એના અને જીતુભા સિવાય બીજું કોઈ નથી, સુમધુર સ્વરે વાયોલિન વાગી રહ્યું છે અને હિંમતવાલ ફિલ્મના જિતેન્દ્રની જેમ જીતુભા એની તરફ "તાથેયા તાથેયા હો " કરીને આવી રહ્યો છે. મોહિની ગ્રૂપમાંથી હળવેકથી ઉભી થઇ અને જીતુભાને એક ખૂણા બાજુ ઈશારો કર્યો.

xxx

"શુ વાત છે. આજે સવાર સવાર માં અહીંયા?" મોહિની એ મલક્તાં મલક્તાં પૂછ્યું."

“એ બધું છોડ તું કહે તું ઘરે ક્યારે આવી? અને સોનલ ક્યાં છે?" જીતુભાએ લોકોનું બહુ ધ્યાન ન ખેંચાય એટલે તેની નજીક સરકતા ધીમા અવાજે પૂછ્યું.

"એ એ એ.. મિસ્ટર જરા ધીરે ધીરે. અને શું મતલબ છે કે હું ક્યારે ઘરે આવી. એવું પૂછવાનો અધિકાર તમને કોણે આપ્યો, બાય ધ વે હું મારા ઘરમાં જ છું. છેલ્લા 3 દિવસથી. અને જો હું ભૂલતી ન હોઉં તો સોનલતો તારી બહેન છે. એ ક્યાં છે એ તને ખબર હોવી જોઈએ." મોહિની એ બનાવટી ગુસ્સો દેખાડતા કહ્યું.

"મોહિની પ્લીઝ, અત્યારે મજાકનો સમય નથી." કહીને જીતુભા એ ટૂંકમાં પરિસ્થિતિ સમજાવી અને મોહિનીને શા માટે ટ્રીપમાં નથી ગઈ એ કારણ પૂછ્યું. મોહિની એ જણાવ્યું કે એના મામાનું ફેમિલી વર્ષો પછી બ્રિટનથી અહીં મુંબઈમાં આવ્યું છે અને 2-3 દિવસ પછી આખા ભારત દર્શન માટે નીકળી જવાનું હતું . એટલે એમની સાથે રોકાવા માટે એણે ટ્રીપ કેન્સલ કરી હતી. જીતુભાએ એને ટ્રીપમાં ગયેલ બાકીના લોકો ક્યાં છે એ એના ગ્રુપમાં પૂછવાની અને પછી પોતાને જણાવવાની સૂચના આપી અને ત્યાંથી વિદાય લીધી.

"ચિંતા ન કરતો આપણી સોનલ બહુજ બહાદુર અને હોશિયાર છે. એને કઈ નહિ થાય " મોહિનીએ "આપણી" શબ્દ પર ભાર દીધો હતો એ જીતુભાએ અનુભવ્યું. મોહિની એ હિંમત બંધાવી અને પછી પોતાના ઘર તરફ વળી. જીતુભાએ કાર સ્ટાર્ટ કરી અને મોહિતને ફોન જોડવા માટે મોબાઈલ ઉઠાવ્યો ત્યાં જ મોહિતનો એસએમએસ આવ્યો. કાર બંધ કરીને જીતુભાએ એસએમએસ વાંચ્યો.

"શાકરચંદ મુરજી શાહ" ભંગારવાળા , અને પછી મુલુન્ડ ઈસ્ટનું એડ્રેસ હતું. કોઈક ઇન્ડસ્ટ્રિયલ એરિયાનું. નામ વાંચતા જ ઓલો ગઈ કાલે રાત્રે દાદર પ્લેટફોર્મ પર ગુજરાતના વેપારી જેવો લાગતો પ્રૌઢ ચહેરો જીતુભાની નજર સામે આવી ગયો. અને એને કાર ભગાવી. બરાબર પોણા કલાકે એ સરનામાં પર પહોંચ્યો રસ્તામાંથી એણે મોહિતને આ શાકરચંદ વિષે વધારે માહિતી મેળવવાની ગોઠવણ કરવા કહ્યું.

xxx

"સાકરચંદ એન્ડ કુ. ભંગારના હોલ સેલ વેપારી.” બોર્ડ વાંચી ને એણે કાર પાર્ક કરી. લગભગ 1500 ચોરસફૂટના ગોડાઉનમાં ચારે બાજુ ભંગાર વેરાયેલો હતો 2-3 જણા એ ભંગારને અલગ અલગ કરીને ગોઠવતા હતા મુખ્ય દરવાજાની ડાબી બાજુ એક કેબીન બનાવેલી હતી. જીતુભાએ 2-3 મિનિટ આખા ગોડાઉન નું નિરીક્ષણ કર્યું અને પછી પેલી કેબીન બાજુ ચાલવાનું શરુ કર્યું. પેલા 2-3 જણા ભંગાર અલગ કરતા હતા એમાંથી એક હટ્ટોકટ્ટો મજબૂત લગભગ 40 ની ઉંમરનો દેખાતો માણસ આગળ આવ્યો અને જીતુભાને અટકાવી પૂછ્યું "બોલો સાહેબ શું કામ છે?"

"મારે શાકરચંદ શેઠ શાકરચંદ ને મળવું છે."

" ક્યાંથી આવો છો અને શુ કામ હતું?" પેલા એ લગભગ ઘૂરકતા કહ્યું અને પછી ઉમેર્યું "ભંગાર લેવો છે કે વેચવો છે?"

જીતુભાએ કહ્યું કે "મારે એમનું અંગત કામ છે."

"ઓહ્હ મને એમ કે તમે મોટા હોલસેલર છો. અને માલ (ભંગાર) માટે આવ્યા છો. ખેર તમે 10 મિનિટ રાહ જુઓ શેઠ હમણાં કેબિનમાં પૂજા કરે છે. રઘુ સાહેબને એક ખુરશી આપ. સાહેબ ચા પીશો ને?." કહી એક માણસને ચાનું કહેવા મોકલ્યો. બીજો (રઘુ )એક લોખંડ ની ખુરશી લઇ ને આવ્યો. ઓ બાપરે 10 મિનિટ જીતુભા એ ઘડિયાળમાં જોયું 7.25 થઇ હતી હજી પેલા પ્રાઇવેટ નંબરવાળાનો કાઈ પત્તો ન હતો. 10 વાગ્યા પહેલા એને ગોતવો જ પડશે. કૈક વિચારી એને "એક મિનિટમાં આવું છું" કહીને બહાર નીકળ્યો પેલો હટ્ટોકટ્ટો "શું થયું સાહેબ" કરતો ફરીથી ઉભો થયો. "અરે મારો મોબાઇલ ગાડીમાં રહી ગયો કોઈકનો અગત્યનો ફોન આવવાનો છે" કહી જીતુભા ગોડાઉનની બહાર જ્યાં કાર પાર્ક કરી હતી ત્યાં પહોંચ્યો. મોબાઇલ એના પેન્ટના ખિસ્સામાંજ હતો એની આદત હતી મોબાઇલ પેન્ટના ખિસ્સામાં રાખવાની જેથી જરૂર પડે ત્યારે મોબાઇલ ગાડીમાં રહી ગયોનું બહાનું કરી શકાય. કાર ખોલીને એણે અંદર બેસી ફરીથી મોહિતને ફોન લગાવ્યો અને પોતાનો ફોન સર્વેલન્સ માં રખાવવાનું કહ્યું.

" મારે પરમિશન લેવી પડશે. મારા સાહેબની પણ હું કૈક કરું છું પણ વાત તો કર આ બધું શું છે?”

“સાંજે ફ્રી થઇશ તો તને ઘરે મળવા આવીશ ત્યારે બધી વાત અત્યારે તો મારો ફોનને સર્વેલન્સમાં મુકાવ અને એના પર જે ફોન આવે એ બધાની ડિટેઇલ કઢાવ. ખાસ તો મારા ઘરના સિવાયના તમામની." કહીને જીતુભાએ ફોને કટ કર્યો અને ફોન હાથમાં લઈને કારમાંથી બહાર આવ્યો.ત્યાંજ ગોડાઉન ના દરવાજામાં પેલો હટ્ટોકટ્ટો દેખાયો

"સાહેબ ક્યાં વ્ય ગયા તા. ચા આવવાની તૈયારી છે અને શેઠ કેબિનમાં તમારી રાહ જુએ છે. તમારે કૈક અંગત કામ હતુંને"

"હા. પણ મેં કહ્યું હતું એમ જેવો મેં ફોન કારમાંથી ઉપાડ્યો ત્યાંજ અગત્યનો ફોન આવ્યો એટલે 2 મિનિટ વાત કરવા ઉભો રહી ગયો. ચાલો ક્યાં છે. શેઠ સાકળચંદ" કહેતા જીતુભાએ કેબિનનો દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો પેલો હટ્ટોકટ્ટો પણ એની પાછળ પાછળ કેબિનમાં ઘુસ્યો.

"શાકળચંદ નહીં સાકરચંદ છે મારુ નામ"

કેબીનના દરવાજાની બરાબર સામેની દીવાલ પર લક્ષ્મીજી અને બીજા 1-2 ભગવાનના મઢેલા ફોટો હતા જેને તાજાજ હાર ચડાવેલા હતા. અડધી સળગેલી અગરબત્તીમાંથી મોગરા અને ગુલાબની સુગંધ રેલાતી હતી ઍ દીવાલની નીચે એક આલીશાન ખુરશી પર બેઠેલો લગભગ 60ની આસપાસનો કૈક કાળો પણ કલીન સેવ્ડ વેપારી જેવો લાગતો એક શખ્સ બેઠો હતો. બેઠી દડીનો બાંધો પણ શરીર ગંઠાયેલું હતું સ્વચ્છ કુર્તો અને ધોતી પહેરી હતી અને માથે પેલા ગુજરાતના નાના શહેરના વેપારીઓ પહેરે એવી ટોપી હતી. પણ ગઈ કાલે ટોપી મેલી દેખાતી હતી કદાચ આજે બીજી પહેરી હશે. જીતુભાને ખાતરી થઇ ગઈ કે એ સાચી જગ્યા એ આવ્યો છે અહીંથી સોનલની કૈક માહિતી મળશે. શેઠની ખુરશી પછી ટેબલ હતું અને દરવાજા તરફ 2 ખુરશી મુકેલી હતી શાકરચંદે જીતુભાને એક ખુરશી પર બેસવા ઈશારો કર્યો "તું એક કામ કર શંકર આ ભાઈ માટે ઓલી સ્પેશિયલ ચા મંગાવ." કહીને સાકરચંદ ફરીથી હસ્યો. "એમાં એવું છેને સાહેબ કે માણસમાં નામ એવા ગુણ હોવા જોઈએ એટલે જ મારી જબાનમાંથી હમ્મેશા મીઠા બોલ જ નીકળે છે હા હા હા" કરીને ફરીથી તેણે અટ્ટહાસ્ય કર્યું. અને શંકર (હટ્ટાકટ્ટા )ને અચકાતો જોઈને ફરીથી કહ્યું "તું જા આ ભાઈ મારા ઓળખીતા છે. ચા જલ્દીથી મોકલજે. શંકરે એક નજર જીતુભા પર મારી. એને અંતરમાંથી પ્રેરણા થતી હતી કે આ યુવાન કૈક જોખમી છે. સાવચેત રહેવું પડશે પણ શેઠના 2 વખત ના આદેશને તે અવગણી ન શક્યો અને કેબિનની બહાર નીકળ્યો.

ક્રમશ:

કોણ છે એ બ્લેકમેલર? શું ઈરાદો છે એનો? મોહિત કઈ નવી માહિતી આપશે? સાકરચંદ કઈ મદદ કરશે કે પછી જીતુભાને ફસાવશે? જીતુભા 10 વાગ્યા પહેલા બ્લેક્મેલરને ગોતી કાઢશે કે પછી સોનલ પર કઈ આફત આવશે? જાણવા માટે વાંચો તલાશ -3

Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Jay Dave

Jay Dave Matrubharti Verified 9 months ago

👌👌

Vanita Patel

Vanita Patel 10 months ago

Neepa

Neepa 1 year ago

Sheetal

Sheetal 1 year ago