TALASH - 5 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 5

તલાશ - 5

નાહીને પૃથ્વી બહાર આવ્યો. ડ્રેસિંગ ટેબલ પર પડેલા દાંતિયાથી વાળ સરખા કર્યા . પછી પોતાનું મનપસંદ ઓલ્ડ સ્પાય ડિયો આખા બદન પર સ્પ્રે કરીને એણે કપડાંચૂઝ કર્યા. જીન્સ પર એણે વ્હાઈટ શર્ટ પહેરવાનું નક્કી કર્યું. પછી કંઈક વિચારીને શર્ટ પહેરવાનું માંડી વાળ્યું એની જગ્યાએ બ્રાઉન કલરનું "હૂંડી" પહેર્યું. પછી એના પર "બોસ" પરફયુમ છાંટીને એક વખત આયનામાં જોયું. પછી એને મરુન કલરના શૂઝ પહેર્યા. હાથમાં ઘડિયાળ બાંધી પછી કંઈક યાદ આવતા ગઈ રાત્રે લગભગ 3 વાગ્યે જ્યારે એ આવ્યો હતો, ત્યારે સાથે લાવેલી બેગ ખોલી તેમાંથી એક લીલીપુટ પિસ્તોલ બહાર કાઢો અને ડાબા પગના મોજા માં ભરાવી. આમ તો એ ગન સ્ત્રીઓની ફેવરિટ છે પણ પૃથ્વીને એવો કોઈ છોછ ન હતો ફાઈનલી એક વાર આયનામાં નજર મારી ને એ પોતાના રૂમની બહાર નીકળ્યો. હવે એ તૈયાર હતો ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા.

xxx

જે વખતે પૃથ્વી તૈયાર થઈને બહાર નીકળ્યો એ વખતે જીતુભા મોહિની સાથે વાત કરી રહ્યો હતો.

"કેમ રહસ્યમય એ તો કેટલા સારા છે. સ્વભાવ એકદમ ફ્રેન્ડલી છે. અને ..." મોહિની નું વાક્ય અધૂરું હતું ત્યાં જ જીતુભા બોલી ઉઠ્યો

"સાંભળ" જીતુભાનાં મગજમાં હવે બરાબર તાળો બેસી ગયો હતો. વાત ક્લિયર થઈ ગઈ હતી એણે કહ્યું " આ મેમ જ સોનલના મિસિંગ પાછળ જવાબદાર છે. સૌથી પહેલા એને કોઈ નો ખોટો ફોન આવ્યો કે તેમના હસબન્ડની તબિયત ખરાબ છે વિગેરે પછી તેમણે નક્કી કર્યું કે તેઓ ટ્રેનમાં જશે. એમને ખાતરી હતી કે એમને કોઈ એકલા નહીં જવા દે. એકાદી છોકરી એની સાથે બીજા મેમ મોકલશે. આમેય આખી બસ પછી ફરે તો એમને સોનલને ટ્રેપ માં લેવી હતી એ ન થાત. અને તારા નસીબ સારા કે તું ટ્રીપમાં ન ગઈ હતી નહીં તો અત્યારે જીગ્નાની જગ્યા એ તું હોત. મને તો લાગે છે કે એમણે જ કહ્યું હશે કે સોનલ ને મોકલો. ઓહ્હ ગોડ આ એના હસબન્ડ ની તબિયત ની અફવા સોનલને ફસાવવા માટે હતી. એટલે જ એણે લગભગ 4 કલાક પછી ટ્રિપ વાળા ગ્રૂપને જણાવ્યું કે કોઈકે ખોટો ફોન કર્યો હતો. અને પછી જેવું કલ્યાણ સ્ટેશન આવવાનું થયું કે અચાનક એની તબિયત બગડવા માંડી . વાહ શું ખેલ રચ્યો છે તારી મેમ સરલા દેવીએ સુપર્બ. " જીતુભાએ આખી વાતને 2 વતા 2 બરાબર 4 એમ સમજાવી દીધી.

"ઓહ્હ ગોડ મને તો વિશ્વાસ નથી બેસતો કે સરલા મેમ આવું કરે. પણ તારી વાત મને ધીરે ધીરે સમજાય છે. આવું બની શકે? પણ તે આવું શું કામ કરે? અને જો સોનલ અને જીગ્ના એમની સાથે હોય તો પછી તને આવેલો કોલ જેમાં કહ્યું હતું કે હું તારી બહેન સાથે ધારું એ કરી શકું છું એ કોલ કોણે કર્યો ?"

"ખબર નહીં કદાચ એ વ્યક્તિ એની સાથે સામેલ હોય . અરે હા'' અચાનક જીતુભાને બીજી વાર આવેલો કોલ યાદ આવ્યો જેમાં પેલા ખૂંખાર અવાજવાળા એ કહ્યું હતું કે હું તારી બહેન ને લઈને મુંબઈમાં લટાર મારવા નીકળું છું. યસ એકદમ જ એ બધી ચિંતા ભૂલી ગયો અને રિલેક્સ થઈ ગયો.

" મને એનો બીજી વાર ફોન આવ્યો હતો એ સોનલને લઈને મુંબઈ માં ફરવા નીકળે છે એવો.મને હવે સમજાય છે કે એનો ઈરાદો બીજો જ કૈક છે. " મોહિની તું રિલેક્સ થઈ જા એનો ઈરાદો સોનલને કઈ નુકસાન પહોંચાડવાનો નથી.એ સ્પષ્ટ છે. પણ એને મળવું તો પડશે જ."

"પણ તું એને મળશે ક્યાં " મોહિનીએ ઉચાટમાં પૂછ્યું "એ ક્યાં છે એની તને ક્યાં ખબર છે. "

"સંમુખાનંદ હોલ પર તમારી કોલેજનું ફંક્શન કેટલા વાગે છે. મને ખાતરી છે કે એ મને ત્યાં જ મળશે અને સોનલ પણ ત્યાં જ હશે. એ સરલાદેવીના 'સી ઓફ' ફંક્શન માં જરૂર આવશે " જીતુભાએ સોનલના મિસિંગ નો કેસ ઉકેલી નાખ્યો હતો. "પણ એનો ઈરાદો શું હતો એ સમજવું પડશે અને સરલાદેવી અને ફોન કરનાર એ બન્ને વચ્ચે નું કનેક્શન સમજવું પડશે. મોહિની મારે તારી કોલેજના એ કલ્ચરલ પ્રોગ્રામ માં હાજર રહેવું છે.પાસનું એરેન્જમેન્ટ કરી આપ પ્લીઝ"

"પાસનું તો હું કોઈને કહીને તારા ઘર પર પહોંચાડી દેત પણ ... એક કામ કરું છું અમારા સી એલ ને કહી દઈશ એ તને હોલની બહાર મળશે. પણ તને ખાતરી છે કે એ ત્યાં આવશે સોનલને લઈને. જો જે ક્યાંક એ વ્યક્તિ જેણે તને ફોન કર્યો હતો એ તું ધારે છે એમ મેમની સાથે મળેલો ન હોય તો આપણી સોનલ...ક્યાંક ફસાઈ ન જાય.” મોહિનીએ ચિતાથી કહ્યું.

" એ એ જ છે. તારી સરલામેમ સાથે મળેલો છે. અને એ ચોક્કસ ફંક્શનમાં આવશે જો એ સરલા મેમ આવશે તો. "

"મને મારી ફ્રેન્ડ નો મેસેજ હતો કે સરલા મેમ લગભગ 11 વાગ્યે આવશે અને 12 વાગ્યે જતા રહેશે એમની ફ્લાઇટ છે. 1.30ની "

"ઓકે તો હવે તું રિલેક્સ થઈ જ. અને મસ્ત તૈયાર થઈને ત્યાં સંમુખાનંદ હોલ પર પહોંચ. હું તારા માટે ફૂલનો બુકે અને ચોકલેટ લઈને ત્યાં તારી રાહ જોઈશ."

"એ...એ.. પ્લીઝ એવું કઈ ન કરતો, ઈનફેક્ટ મને ત્યાં મળવા પણ ન આવતો મારી કોઈ ફ્રેન્ડ ને કઈ ખબર નથી.... "

"શું ખબર નથી? બોલ તો જરા..."

"એ.. જ જે તારા મનમાં મારા વિષે અને મારા દિલમાં તારા વિષે છે. એ.. પ્લીઝ, હા સોનલ હાજર હોત તો તું એને બોલાવવાના બહાને મને નજદીકથી જોવા આવી શકત... અને આમેય સોનલ ગુમ થઇ છે ને તને રોમાંસ સૂઝે છે. સોનલની ભાષામાં કહું તો.. 'મૂરખા. સોરી હું નથી કહેતી સોનલ તને ઘણીવાર એવું કહેતી હોય છે... સોરી.."

"હા હા હા..." જીતુભા જોરથી હસી પડ્યો."અરે એમાં સોરી શા માટે? માણસ જેવો હોય એવો જ એને કહેવાય."

"હાશ, "મોહિનીને શાંતિ થઇ. જીતુભાથી વાર્તાલાપ નો એને બહુ મોકો ન મળતો અને મળે તોય એ ટાળતી પણ આજની વાત જુદી હતી સવારમાં જીતુભાને 6 વાગ્યામાં જોયો અને એની સાથે વાત કરી પછીથી એના ધબકારા કાબુમાં ન હતા. વારંવાર એને મન થતું હતું કે જીતુભાને ફોન કરીને વાત કરું પણ સોનલને ગોતવાનું ટેન્શન હતું. અને જીતુભાએ સોંપેલું કામ એણે સુપેરે પાર પડ્યું હતું. એની પાસે મળેલી માહિતી અને જીતુભાએ ભેગી કરેલી માહિતી એકઠી કરીને જીતુભાએ કનકલુઝન કાઢ્યું હતું કે સોનલ સલામત છે. અને અત્યારે લગભગ સવા નવ વાગ્યા છે તો લગભગ દોઢ બે કલાકમાં સોનલ મળશે જ. એકવાર સોનલ સામે આવી જાય પછી બહુ ચિંતા નથી જીતુભા બધાને પહોંચી વળશે." થેન્ક્યુ એણે ફરીથી જીતુભાને કહ્યું.

" થેન્ક્યુ શા માટે ફૂલ અને ચોકલેટ માટે એડવાન્સમાં? જીતુભાએ હસીને મજાક કરી.

"હું જ્યાં બેઠી હોઈશ ત્યાં આવ્યો તો તારા દાંત તોડી નાખીશ. ત્યાં ચિલ્લાઈને બધાને ભેગા કરીશ કે આ છોકરો મારી પાછળ પડ્યો છે. સવાર સવારમાં મારા બિલ્ડિંગમાં ઘુસી ગયો હતો. પછી 9 વાગ્યે ક્યાંકથી નંબર ગોતીને મને ફોન કર્યા કરે છે." મોહિની એ મુસ્કુરાઇને કહ્યું... અને " બાપરે સવા નવ વાગી ગયા છે તું બોલતો નથી ચાલ ફોન મુકું છું. મારે મોડું થાય છે તૈયાર થવાનું " કહીને " સજના હે મુજે સજના કે લિયે" ગણગણતા ફોન કટ કરી નાખ્યો.

XXX

જ્યારે મોહિનીએ ફોન કટ કર્યો એ વખતે એક મોટી ગાડીમાં સોનલ જીગ્ના અને સરલા બેન પાછળની સીટ પર ગોઠવાયા હતા. પૃથ્વી ડ્રાઈવિંગ કરતો હતો એની મંજિલ લગભગ 1 કલાકના રસ્તે હતી. પૃથ્વીએ મનોમન વિચાર્યું લગભગ અડધો કલાકનો સમય છે. ક્યાંક રેસ્ટોરાં માં બેસીને નાસ્તો કરવાનો આમેય જયારે એ તૈયાર થઈને નીચે ઉતર્યો ત્યારે એણે સોનલને 'રૂ-બ-રૂ' પહેલીવાર જોઈ હતી અને એ લગભગ સ્ટેચ્યુ થઈ ગયો હતો. આવી સુંદર છોકરી એણે જીવનમાં પહેલીવાર જોઈ છે એવું એને લાગ્યું. છોકરીઓ ઘણી જોઈ હતી, પણ સોનલની સરખામણી કરવી સાવ જ અશક્ય લાગતી હતી. સરલાબેને આ નોંધ્યું હતું એણે પૃથ્વીને ટપાર્યો હતો. અને બધા ગાડીમાં ગોઠવાયા હતા. જાણે કુદરત આજે પૃથ્વી પર મહેરબાન હતી, અચાનક જ સોનલે કહ્યું. "તમારા કાંતા બેન ને નાસ્તો બનાવતા નથી આવડતું સરલા મેમ?

"એમાં એવું છે ને કે..." સરલા બેન કંઈક બોલવા જતા હતા એ પહેલા જ પૃથ્વી એ ડાબો હાથ ઉંચો કરીને એમને અટકાવ્યા. અને બોલ્યો. "અમારા મહેમાનો ને એકાદ બે આઈટમ ઘરે બને અને એમાં મજા ન આવી તો? તો તો અમારી મહેમાનગતિ લાજે. એટલે કાંતા બેનને મેં જ ના કહી કહી આપણી પાસે હજી અડધો કલાક નો સમય છે. તો થોડીક આગળ જ એક બહુ જ મસ્ત રેસ્ટોરાં છે. ત્યાં બેસીને બધા પેટ ભરી ને નાસ્તો કરી એ. પછી જ આગળ જઇશુ."

" વાઉ જીગ્ના આજે તો રજવાડી સરભરની મજા માણીશું. થેન્ક'સ મિસ્ટર. "

"પૃથ્વી, મારુ નામ પૃથ્વીસિંહ પરમાર છે. હાલમાં રાજસ્થાનમાં આવેલ એક નાનકડી રિયાસત કે જે પહેલા ફ્લોદી તરીકે ઓળખાતી હતી એનો ટીલીટ રાજકુમાર. આ સરલા બેન મારી બહેન છે." સોરી હું રાત્રે બહુ લેટ આવ્યો એટલે આપની મહેમાનગતિ ન કરી શક્યો, પણ અમારા મહેમાનોને રેસ્ટોરાંમાં ભરપેટ નાસ્તો કરાવીશ. તમે અમારી રિયાસત માં અમારા મહેલમાં પધારો ત્યારે તમને રોયલ ટ્રીટમેન્ટની ખાતરી આપું છું પણ હાલમાં તો આ રેસ્ટોરાંથી જ કામ ચલાવવું પડશે."

થોડે દૂર જ એક નાનકડી સુંદર રેસ્ટોરાં પાસે કારપાર્ક કરીને એ બધા અંદર ગોઠવાયા. એ વખતે જ જીતુભાએ પોતાની કાર ઘર તરફ ભગાવી હવે એ મનમાં નિશ્ચિત હતો. ભલે સોનલનો હમણાં કોન્ટેક નથી થતો પણ લગભગ 11 વાગ્યે એ ચોક્કસ સંમુખાનંદ હોલ પર આવશે. એક વાર એને સલામત રીતે ઘરે લઇ જઈને પછી નિરાંતે એની લેફ્ટ-રાઈટ લેવી છે. પાગલ છોકરી 21 વર્ષની થઇ પણ ભાન નથી કે ઘરના લોકો ચિંતા કરતા હશે. ત્યાં જ એના મનમાં વિચાર આવ્યો કે ક્યાંક એનો ફોન છીનવી લીધો હશે તો અથવા એને કોઈકે કેદ કરીને રાખી હશે તો, અથવા.....ઓહ્હ્હ. એણે માથું ધુણાવ્યું અને નવા વિચારોમાં મન પોરવવા વિચાર્યું. અચાનક એને ફીલ થયું કે એને ભૂખ લાગી છે જબરદસ્ત. એને રોડ પર જોયું એ દાદરમાં પહોંચી ગયો હતો એક મદ્રાસી રેસ્ટોરા જોઈ એણે પોતાની કાર સાઈડમાં લીધી, કાર લોક કરીને એ રેસ્ટોરાંમાં પ્રવેશ્યો. લગભગ બધા જ ટેબલ ખાલી હતા. એક ખૂણામાં તે ગોઠવાયો એણે ઓનિયન ઉત્તપ્પા નો ઓર્ડર આપ્યો અને પહેલા એક પ્લેટ મેંદુવડા લઇ આવવા કહ્યું. પછી પોતાનો મોબાઈલ કાઢો અને કોઈને ફોન જોડ્યો.

"હેલો ભારદ્વાજ અંકલ,"

અરે વા સવાર સવારમાં ભાણુભા નો ફોન શું વાત છે. જીતુ તું દિલ્હી આવ્યો છે?

“ના, પણ તમારું કામ પડ્યું છે. મામા દિલ્હીમાં છે.” કહીને એને પરિસ્થિતિ સમજાવી, ભારદ્વાજ દિલ્હીનો નામાંકિત વકીલ હતો મૂળ ગુજરાતનો પણ હાલ દિલ્હીમાં રહેતો હતો. સુરેન્દ્રસિંહનો મિત્ર હતો. તેણે શાંતિથી આખી વાત સાંભળી પછી કહ્યું "તું ટેન્શન ન લે. હું હમણાં જ પોલીસ ચોકી પર જાઉં છું અને લગભગ 1 કલાકમાં તારી વાત સુરેન્દ્ર સાથે કરવું છું."

ફોન કટ કરીને જીતુભાએ આરામથી નાસ્તો કર્યો. પછી પોતાના ઘર તરફ કાર ભગાવી. એણે ઘરે જઈ ન્હાઈ કપડાં બદલીને સંમુખાનંદ હોલ પર પહોંચવાનું નક્કી કર્યું. બિલ્ડિંગમાં કાર પાર્ક કરી એ પોતાની વિંગ તરફ આગળ વધ્યો, પણ એને ખબર ન હતી બિલ્ડિંગમાંથી એક મુસીબત એના તરફથી ધસમસતી આવી રહી હતી.

ક્રમશ:

પૃથ્વી એ જીતુભાને ફોનમાં કહ્યું હતું એ પ્રમાણે સોનલને લઈને મુંબઈમાં ફરવા નીકળ્યો છે. શુ ખરેખર એણે સોનલનું અપહરણ કર્યું છે? પૃથ્વી ને જીતુભાનું એવું શું કામ છે? બિલ્ડિંગમાંથી કઈ નવી મુસીબત જીતુભા તરફ ધસમસતી આવી રહી છે. જાણવા માટે વાંચો તલાશ-6.

Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Jay Dave

Jay Dave Matrubharti Verified 9 months ago

👌

Vanita Patel

Vanita Patel 10 months ago

Sudhirbhai

Sudhirbhai 11 months ago

Parul

Parul 1 year ago