TALASH - 9 books and stories free download online pdf in Gujarati

તલાશ - 9

"ઠીક છે તને હું ગોળી નહીં મારુ બસ."

સાંભળતા મનસુખ ની આંખ ચમકી અને મનોમન વિચાર્યું મને મળવા આવનાર લોકો આવી જાય તો પૃથ્વીને ચકમો આપી શકાશે બસ 5-7 મિનિટની જ વાત છે. દરમિયાનમાં પૃથ્વીએ પોતાના ખભે લટકાવેલ પાઉચમાંથી કંઈક કાઢ્યું એક નાનકડી પ્લાસ્ટિકની બોટલ હતી એ ખોલી તેમાંથી એક વ્હાઇટ કલરની ગોળી કાઢીને મનસુખ તરફ લંબાવી કહ્યું " લે આ ખાઈ લે. એકદમ તકલીફ વગરનું મોત બસ. આ ગોળી ગળી જા. એટલે 10 મિનિટમાં તારું હાર્ટ કામ કરતું બંધ થઈ જશે પોસ્ટમોર્ટમમાં પણ કઈ નહીં આવે મેસિવ હાર્ટ એટેક લાગશે લોકોને. આપણે સાથે કામ કર્યું છે એનું ઇનામ બાકી તને ખબર છે હું લોકો ને કેવા કેવા મોત આપું છું. અને ચાલ પછી મને નીચે સુધી મુકવા આવ જેથી સાબિતી રહે કે હું ગયો ત્યાં સુધી તું જીવતો હતો.?" કહીને મનસુખની સૂટકેસ ખોલી એમાં ઉપર જ એક નાનકડી ફાઈલ હતી અને એક માઉઝર ગન હતી. તે પોતાના પાઉચમાં નાખી પછી એક શર્ટ કાઢીને મનસુખ તરફ લંબાવ્યો મનસુખ હજી પેલી ગોળી હાથમાં રાખીને કંઈક વિચરતો હતો.

"લાગે છે કે તને હેડ ઓફિસના ટોર્ચર રૂમમા મરવું છે." કહેતા પૃથ્વીએ બાજુમાં પડેલી પાણીની બોટલ મનસુખ તરફ લંબાવી.

"પૃથ્વી મારા માં-બાપ નો..."

"તું ટાઈમપાસ કરવાની કોશિશ કરે છે મનસુખ તને મળવા આવનાર 2-3 મગતરા તને મદદ કરશે એવું લાગે છે તને? ચલ જલ્દી હવે શર્ટ પહેર." સાંભળીને મનસુખે નિસાસો નાખ્યો પાણીની બોટલ ખોલી. ઘૂંટ ભર્યો પછી ગોળી મોઢામાં મૂકી. પછી વિચાર્યું કે ગોળી ગલોફામાં દબાવી દઉં. પણ સામે પૃથ્વી હજી હાથમાં ગન લઈને ઉભો હતો. ગોળી ગળી લીધા પછી મનસુખે કહ્યું."ચાલ પૃથ્વી અત્યારે તો હું મરી રહ્યો છું પણ તું પણ કંઈ લાંબુ નહીં ખેંચી શકે. જેમ હું જીવતો હતો એ માહિતી તને મળી એમ તું જીવતો છે એ માહિતી મેં કોઈને વેચી દીધી છે. અને એ લોકો પાગલ કૂતરાઓની જેમ તને શોધી રહ્યા છે."

"કદાચ એમને ખબર મળી કે હું જીવતો છું તો પણ એ લોકો મને બેલ્જિયમમાં શોધશે. સમજ્યો. મારા ઇન્ડિયા મુંબઈ આવવાની માહિતી મારા માણસ સિવાય કોઈ પાસે નથી અને જો ગ્રાઉન્ડફ્લોર આવી ગયું રિસેપ્શન પર ફોન પડ્યો હશે તારે મારા વિશે કોઈને માહિતી વેચી ને રૂપિયા કમાઈ લેવા હોય તો હજી તારી પાસે 5 મિનિટ છે. કરીલે રૂપિયા ભેગા. ઉપર ભેગા લઇ જજે સાલા ભુખ્ખડ." કહીને રિસેપ્શનિસ્ટ સામે બંને ઉભા રહ્યા. પછી પૃથ્વી એ કહ્યું ‘ચલો બાય’ કહીને મનસુખને હળવું હગ કર્યું અને હોટલની બહાર નીકળી ગયો

xxx

જે વખતે પૃથ્વી મનસુખને શર્ટ પહેરાવીને ગોળી માટે પાણી આપતો હતો એ વખતે સરલાબેન ના પ્રોગ્રામ વાળા રૂમનું બારણું ખુલ્યું હતું. લગભગ 11-40 વાગ્યા હતા. ધીરે ધીરે બધા એ રૂમમાંથી બહાર આવ્યા સોનલ -મોહિની કંઈક વાત કરી રહ્યા હતા જીગ્નાએ દોડીને હોલમાં પ્રવેશ કર્યો એને જીતુભાનો સીટ નંબર યાદ હતો સ્ટેજથી 3 જી લાઈનમાં ખૂણાની સીટ જીતુભાની હતી એણે જીતુભાનો ખભો દબાવ્યો જીતુભાનું ધ્યાન સ્ટેજ પર હતું. ત્યાં કોઈ યુવતી એક નૃત્યનાટિકા કરી રહી હતી.એક દુખિયારી સ્ત્રીના જીવનના કથનની નૃત્યનાટિકા હતી. એના સમણાંઓ અને એની જિંદગીમાં દુઃખોથી આગ લાગી ગઈ હતી એનો ચિતાર એ નૃત્ય દ્વારા આપી રહી હતી. અચાનક એણે પહેરેલ સાડીનો છેડો ત્યાં પ્રજ્વલિત કરેલા દીવાને અડી ગયો અને સાડીમાં જ્વાળા લાગી ગઈ એ છોકરીનું ધ્યાન નૃત્યમાં હતું જ્યારે પ્રેક્ષકો એવું સમજ્યા કે આ પણ નાટકનો એક ભાગ રૂપે જ સાડી સળગી છે. બેકસ્ટેજવાળાઓ પણ પોતપોતાના માં મશગુલ હતા. જીતુભાએ આ જોયું અને તરતજ એ પોતાની સીટ પરથી ઉભો થયો. બાજુમાં ઉભેલ જીગ્નાના હાથમાંથી જેકેટ છીનવી અને એ સ્ટેજ તરફ ભાગ્યો એક છલાંગમાં એ સ્ટેજ પર પહોંચ્યો. અચાનક કોઈકને સ્ટેજ પર ચડતો જોઈને એ છોકરી બઘવાઈ ગઈ અને એનું ધ્યાન પોતાની સળગતી સાડી પર પડી અને એણે ચીસાચીસ કરી મૂકી એટલામાં જીતુભાએ એની સાડી પકડીને ખેંચી.અને દૂર ફેંકી દીધી હવે એ યુવતી માત્ર એક ટૂંકા બ્લાઉઝ અને ચણિયામાં થરથર કાંપતી ઉભી હતી. જીતુભાએ ઊંધા ફરીને એની તરફ જેકેટ લંબાવ્યું. છોકરીએ એ જેકેટ લઇ અને પહેરી લીધું. પછી જીતુભાને થેંક્યુ કહ્યું. પણ ત્યાં સુધીમાં ત્યાં હોલમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. બધા ઉભા થઈને બહાર નીકળવાના દરવાજા તરફ ભાગ્યા હતા. જીગ્નાએ મનોમન જીતુભાનાં પ્રેઝન્સ ઓફ માઈન્ડ ને શાબાશી આપી.અને બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી પણ બહાર નીકળવાના દરવાજામાં બહુ ભીડ થઈ ગઈ હતી જીતુભા સ્ટેજ પર પૂતળાની જેમ ઉભો હતો બેકસ્ટેજ વાળા હવે આગળ આવ્યા અને જીતુભાનો આભાર વ્યક્ત કરવા લાગ્યા. પણ જીતુભાને એ બધામાં રસ નહતો. એને તો જલ્દી બહાર જવું હતું. સરલાબેનને મળવું હતું પણ હવે એ 10-15 મિનિટ સુધી હોલમાં પેક થઈ ગયો હતો બધા બહાર નીકળે પછીજ એ બહાર નીકળી શકે એમ હતો.

xxx

જયારે જીતુભા સ્ટેજ પર ચડ્યો એ વખતે જ સરલાબેન હોલના પાર્કિંગ લોટમાં પહોંચ્યા. એમણે સોનલ અને મોહિનીને સાથે લીધા હતા કેમ કે સોનલ અને જીગ્નાની સૂટકેસ પૃથ્વીની ગાડીમાં હતી.

"આ જીગ્નાડી અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ?" સોનલે મોહિનીને પૂછ્યું.

"મને શું ખબર હું તો તારી પાછળ હતી" મોહિની એ જવાબ આપ્યો પછી વિચાર્યું કે જીતુભા બહાર હશેજ.એ જો સરલાબેન ને મળે તો કંઈક એના ઈરાદા વિશે જાણી શકાય, કદાચ સરલાબેનના ભાઈ પણ જીતુભાને મળ્યો હોય. એને જીગ્ના પર પૂરો ભરોસો હતો. જીગ્ના આગળ નીકળી ગઈ એટલે એ નિશ્ચિત હતી કે એ જીતુભાને બહાર લઈને ઉભી જ હશે.

એ લોકો ગાડી પાસે પહોંચ્યા ત્યાં જ ગાડીમાંથી એક યમદૂતના ભાઈ જેવો કાળો ઉંચો માણસ બહાર આવ્યો એણે લાલ ટીશર્ટ અને કાળું પેન્ટ પહેર્યું હતું. સરલાબેન તરફ આગળ વધી ને કહ્યું "આવો બહેનબા"

મોહિની એની સામે જોઈ રહી. આ આવો ગુંડા જેવો દેખાતો માણસ સરલાબેનનો ભાઈ છે. આ રાજકુમાર, એણે સોનલને પૂછી લીધું." આ છે રાજકુમાર જેના બંગલામાં તમે રોકાયા હતા?"

સોનલ તો પેલાને આટલો નજીક જોઈને હેબતાઈ ગઈ હતી. મોહિનીના અવાજથી એ ચોંકી ઉઠી અને ધીરેથી કહ્યું."ના રે ના આ તને ક્યાં એંગલથી રાજકુમાર લાગે છે. પૃથ્વીજીતો એકદમ સોહામણા છે એને જોતા જ લાગે કે એ રાજકુમાર હશે. આ તો કોઈક બીજું જ છે."

ત્યાં સરલાબેન બોલ્યા. "અરે ભીખુભાઇ તમે..?

"હા બેનબા, હુકમે મને ફોન કર્યો હતો એમને અચાનક કોઈ કામ માટે જવાનું થયું તો કહેતા હતા કે કદાચ મોડું થશે. હું અહીં બાજુમાં દાદરમાં જ હતો તો એમને કહ્યું કે હું તમને એરપોર્ટ છોડી દઉં. તેઓ તમને એરપોર્ટ પર મળશે."

ઠીક છે ડીકી માંથી આ 2 બહેનોની સૂટકેસ કાઢો અને એમને આપી દો " ભીખુ એ ડીકી ખોલી તેમાંથી સોનલે કીધીએ 2 સૂટકેસ કાઢીને બહાર મૂકી. સરલાબેન કારમાં ગોઠવાયા. મોહિનીએ કહ્યું. " મેમ 5 મિનિટ રોકાઈ જાવને કોઈ તમને મળવા માંગે છે."

"મને હવે મોડું થાય છે. તને તો ખબર છે ને અત્યારે ટ્રાફિક કેટલો બધો હોય. બાય ધ વે કોણ મળવા માંગે છે મને?"

"મેમ મારી સગાઇ જેની સાથે થવાની છે એ, આમ તો એ અહીં જ રાહ જોવાના હતા. કોણ જાણે કેમ દેખાતા નથી." મોહિનીએ કહ્યું અને સોનલ એની સામે વિસ્ફારિત નેત્રો થી જોવા લાગી. સરલાબેન ને પણ નવાઈ લાગી એ કારમાંથી નીચે ઉતર્યા.અને કહ્યું. "ખરી છોકરી છે તું તે મને જણાવ્યું પણ નહીં ક્યારે છે સગાઇ, અને ક્યાં છે એ ?"

"જી સગાઇ તો છેલ્લું સેમેસ્ટર પૂરું થઈ જાય પછી. અને એ આટલામાં જ હોવા જોઈએ કદાચ જીગ્ના એને બોલાવવા જ ગઈ છે." પછી એણે પૂછ્યું " તો મેમ હવે તમે ક્યાં જઈ રહ્યા છો.તમારે સાસરે કે પછી પિયર"

"2 માંથી ક્યાંય નહીં. એક્ચ્યુલી માં એક લગ્નનું ફંક્શન છે દિલ્હીમાં ત્યાં જઈશ. મિસ્ટર જોશી પણ ત્યાં આવશે. પછી 3-4 દિવસ પછી ઘરે."

"ઘરે એટલે.?" મોહિની જાસૂસ બની ને પૂછવા માંડી.

" ઘરે એટલે કેટલાક દિવસ મારા સાસરે અને પછી મારા પપ્પાને ત્યાં. આમ તો સાસરું અને પિયર બાજુબાજુમાં જ છે"

"મેડમ એક વાત પૂછું.?" મોહિની પીછો છોડવાના મૂડમાં ન હતી. "તમારા લવ મેરેજ છે કે એરેન્જ?"

તું એને લવ મેરેજ પણ કહી શકે જોકે બંનેના કુટુંબની એમાં સહમતી હતી., તારું કે, તારા મનનો માણીગર તે પસંદ કર્યો છે કે પછી તારા ફેમિલીએ? "સરલાબેને પૂછ્યું.

"તમારી જેમ જ લવ સાથેસાથ ફેમિલી ની સહમતી.એવું જ કંઈક ". મોહિની હવે ખુલ્લીને બોલી. પ્રેમનો એકરાર એણે પહેલીવાર કર્યો હતો. ત્યાંજ અચાનક હોલમાંથી ભાગેલા લોકોના ટોળા આવવા લાગ્યા. કોઈ બોલતું હતું કે સ્ટેજ પર આગ લાગી ગઈ છે, કોઈ કહેતું હતું કે ઓલી ડાન્સ કરતી હતી એ છોકરી સળગી ગઈ કોઈ કહે પેલા યુવાને એને જાનના જોખમે બચાવી લીધી.અચાનક ભીખુ સામે આવ્યો અને કહ્યું. "બહેનબા આપણે જલ્દી નીકળીએ તો સારું. જો આ બધી ગાડીઓ વાળા એક સાથે બહાર નીકળશે તો અહીં જ ટ્રાફિકમાં સલવાઇ જશું." સરલાબેન પરિસ્થિતિ સમજ્યા અને ફરીથી કારમાં બેઠા. એણે મોહિનીને કહ્યું. કે ચાલ હું હવે નીકળીશ. નહીં તો ટ્રાફિકમાં અટવાઈ જઈશ તો મારી ફ્લાઇટ ચૂકી જઈશ. પણ તું સોનલનો અભિપ્રાય ચોક્કસ લેજે. એનીને મારી ચોઈસ મળતી આવે છે. હું તને થોડા દિવસ પછી નિરાંતે ફોન કરીશ. અને મારુ એડ્રેસ મોકલીશ. મને એનો ફોટો મોકલજે." કહીને કારની બારી બંધ કરી.

"અરે એ સોનલનોજ ભાઈ છે" મોહિનીએ કહ્યું પણ એ પહેલા કાર સ્ટાર્ટ થઇ ગઈ હતી.આ બાજુ સોનલ ભડકી. "કેમ તે એવું કહ્યું કે તારી જેની સાથે સગાઈ થવાની છે એ આવી રહ્યો છે? ક્યાં છે એ? મારે એને જોવો છે, પણ જીતુડાએ મારો ફોન કટ કેમ કર્યો શુ એની પાસે તારો નંબર નથી. અને તને કોને કહ્યું એ અહીં આવે છે.મારે બધા જ જવાબ જોઈએ છે."

"જવાબ તો મારેય તારી પાસેથી ઘણા લેવાના છે. હા એ અહીંયા જ છે એટલામાં જ ક્યાંક. પણ એ સામે આવે એ પહેલા એટલું વિચારી રાખ ડફર કે તે એને રાત્રે દાદર બોલાવીને પછી ક્યાંક બીજે ઉતરી ગઈ મૂરખની જેમ એ તો ઠીક છે. પણ પછી ત્યાં પહોંચીને ફોન કેમ ન કર્યો.?"

"અરે યાર મેં કહ્યું ને કે સરલાબેનના ભાઈના એટલે કે પૃથ્વીજીના ઘરે અમારું ભવ્ય સ્વાગત થયું કે હું ભૂલી જ ગઈ. અને મારા મોબાઈલનું ચાર્જર ખરાબ થઇ ગયું છે એટલે ફોન પણ ચાર્જ ન કરી શકી. પણ અરે તને કેમ ખબર પડી કે મેં રાત્રે જીતુડાને દાદર બોલાવ્યો હતો. બોલ બોલ તને ક્યાંથી ખબર પડી? અને આજે અહીં જીતુને કોને બોલાવ્યો છે. હું તો ટ્રીપમાં હતી એટલે અહીંનો પાસ તો મેં આપ્યો નથી તો એ કેવી રીતે અહીંયા આવ્યો. બોલ?" મોઢું ફુંગરાવીને સોનલે કહ્યું

xxx

"ટ્રીન ટ્રીન" મોબાઈલની ઘંટડી એ અબ્દુલનું ધ્યાન ખેંચ્યું.પોતાનો રેડિયોનું રીપેરીંગ પડતું મૂકી એણે ત્યાં પડેલા 2 મોબાઈલમાં જોયું એની પત્ની સલમાનો ફોન વાગતો હતો અને ડિસ્પ્લેમાં અમીચંદ શેઠ એમ લખ્યું હતું "આ સાલાને અત્યારે શું કામ પડ્યું" બબડતા અબ્દુલે મોબાઈલ હાથમાં લઈને રસોડા તરફ ચાલ્યો ત્યાં સલમા લોટ બાંધતી હતી. "તારા શેઠનો ફોન છે. વળી આજે બહાર જવાનું છે? કેટલા દિવસ? એણે પૂછ્યું.

"મને શું ખબર" સલમાએ કહ્યું. સલમાના 2 હાથ લોટવાળા હતા એટલે અબ્દુલે ફોનમાં સ્પીકર ચાલુ કર્યું. ફોન લગભગ 15000 રૂપિયાનો હતો. જયારે સલમાનો પગાર માંડ 2000 હતો આ ફોન અમીચંદેજ સલમાને આપ્યો હતો. અને શુ કામ આપ્યો હતો એ પણ અબ્દુલને ખબર હતી. જયારે અબ્દુલ સાદો નોકિયા નો ફોન વાપરતો એક મામૂલી ટેક્સી ડ્રાઈવર હતો. "હેલ્લો સંભાળ સલમા તારી આજુબાજુ તો કોઈ નથીને? સ્પીકરમાં આવતા અવાજથી અબ્દુલને ગુસ્સો આવતો હતો, એણે રસોડાની બહાર જવા પગ ઉપાડ્યો. સલમાએ ઇશારાથી એને રોક્યો અને ફોન માં જવાબ આપ્યો "બોલો શેઠજી ઘરમાં કોઈ નથી હું એકલી જ છું."

"સાંભળ તારા ગમાર પતિને કૈક પટ્ટી પઢાવી દે. આપણે 3 દિવસ મોજ કરવા જવું છે. આજે રાત્રે ગીતામંદિર બસ ડેપો પર આવી જજે."

"અરે પણ શેઠજી. અચાનક. હું મારા વરને શું કહીશ? અને મારો છોકરો દોઢજ વર્ષનો છે સાવ રેઢો કેવી રીતે મૂકી શકું? ના બાબા ના 3 દિવસ મુશ્કિલ થશે સાંજ સુધીની વાત હોય તો કંઈક ચક્કર ચલાવું."

"ચૂપ રહે રાં.. કહ્યું એટલું કર સાડા નવ વાગ્યે ગીતામંદિર ડેપો પર પવન ટ્રાવેલ્સ ની મુંબઈ જતી બસમાં 29 નંબરની સીટ પર બેસી જજે. હું ત્યાં કદાચ થોડો આગળ પાછળ આવીશ. ખબર છે ને મારી પત્નીની."

"પણ છેક મુંબઈ અહીં? અહીં નજીકનું ક્યાંકનું ગોઠવો.અને સવાર સુધીનું. કાલે મારે તમારી ઓફિસમાં નોકરી એ હાજરી પણ આપવી પડશે ને?"

"તારી જીભડી બહુ ચાલે છે. સલમા. વિચાર્યું હતું કે મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાં તારી સાથે મોજ કરીશ. પણ તારી આ જીભડીની ગુસ્તાખીની સજા બનશે તો આજે જ ક્યાંક મેળ કરીને આપીશ યાદ રાખજે. તને કહેલું એ કામ પૂરું થઈ ગયું છે પાર્સલ મુંબઈ પહોંચાડી જવાબ લઈને આવવાનું છે. 2-3 દિવસ થશે. અને તારી 7 દિવસની રજા મંજુર કરી છે. આમેય મુંબઈથી આવ્યા પછી 2-3 દિવસ તું ઓફિસ જવા લાયક નહીં રહે." વિકૃત અટ્ટહાસ્ય કરતા અમીચંદે કહ્યું. સાંભળીને અબ્દુલ અંદરથી સળગી ઉઠ્યો.

"તમે મોજ કે પ્રેમ ઓછો કરો છો અને સજા જ વધુ આપો છો. જોઉં હું કોશિશ કરું."

"કોશિશ નહીં આવવું જ પડશે" કહીને અમિચંદે ફોન કટ કરી નાખ્યો. સલમાએ અબ્દુલ સામે જોયું એની આંખોમાંથી અંગાર વરસતા હતા. એ જોઈને સલમાએ એક હાશકારો અનુભવ્યો. "હવે?" અબ્દુલે પૂછ્યું.

"તે એક વાક્ય સાંભળ્યું. અમિચંદે કહ્યુંકે કામ પૂરું થઇ ગયું છે." સ્મિત કરતા સલમાએ કહ્યું. અચાનક અબ્દૂલના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. અને એ બોલ્યો. "મકસુદ ક્યાં છે.?" મકસુદ અબ્દુલનો નાનો ભાઈ હતો.

"એ શેરીમાં ક્રિકેટ રમતો હશે. તમે તૈયાર છો ને? બધું ચેક કરી લ્યો. અને રેસ્ટોરાંમાંથી કંઈક જમવાનું મંગાવી લો. હું ઉપર વાત કરું છું. કહીને સલમાએ લોટ બાંધવાનું પડતું મુકી હાથ ધોઈ રૂમમાં પોતાના ડ્રેસિંગ ટેબલના ખાનામાંથી એક સાવ સાદો ફોન કાઢ્યો અને કોઈને ફોન જોડ્યો સામે ફોન ઉંચકાયો એટલે કહ્યું. "મોહનલાલ અમદાવાદથી સલમા બોલું છું."

xxx

જે વખતે સલમા મોહનલાલ સાથે વાત કરતી હતી એ જ વખતે મોહિની અને સોનલ વાતો કરતા હોલની બહાર ઉભા હતા.તો એ વખતે કારમાં બેઠેલા સરલાબેન ચિંતામાં હતા પૃથ્વી બરાબરતો હશે ને? એ સમયસર આવી તો જશે ને? કંઈક અમંગળ વિચાર સરલાબેનને આવતા હતા. મનોમન ભગવાનને પ્રાર્થના કરતા હતા કે "હે પ્રભુ કઈ મુસીબત ન આવે તો સારું." પણ ભગવાન એમની પ્રાર્થના સાંભળવાના મૂડમાં ન હતા.

ક્રમશ:

શું હવે પૃથ્વી અને સરલાબેન પર કંઈક મુસીબત આવવાની છે. સોનલને કિડનેપ કરવાની ધમકી દેનાર અને મામાને મુસીબતમાં મુકનાર કોણ છે એની તલાશ જીતુભા કરી શકશે? કોણ છે આ સલમા અબ્દુલ અને મોહનલાલ? પૃથ્વી જીતુભાને છોડી દેશે, કે કોઈ નવો દાવ ખેલશે? જાણવા માટે વાંચો તલાશ-10

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર