TALASH - 11 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 11

તલાશ - 11

લોકલ એરપોર્ટ પર આવેલી નાનકડી રેસ્ટોરાંની અંદર 12-15 માણસો અલગ અલગ 5-6 ટેબલ પર બેસીને નાસ્તો કરી રહ્યા હતા. ડાબી બાજુના ખૂણામાં આવેલ એક ટેબલ પર 2 વ્યક્તિ બેઠા હતા. અને કંઈક ચર્ચા કરી રહ્યા હતા. એની બરાબર પાછળજ રેસ્ટોરાંનું કિચન હતું. અત્યારે ત્યાં માંડ 2 લોકો અંદર ઓર્ડર મુજબ ખાણું બનાવીને વેઇટરને આપતા હતા. ડાબી બાજુના ખૂણાના ટેબલવાળા લગભગ બધા વેઇટરને નામથી ઓળખતા હતા. કેમ કે છેલ્લા 15-20 દિવસથી એ બંને અહીં લગભગ રોજ કલાકો સુધી બેસીને કંઈક અવનવી ચર્ચા કરતા રહેતા. અત્યારે એમના ટેબલ પર જ્યૂસના ગ્લાસ ભરેલા પડ્યા હતા. હજી એક કલાક પહેલા એમણે અહીં નાસ્તો કર્યો હતો એમને લગભગ એકાદ કલાક પછી અહીં કોઈ મળવા આવવાનું હતું. એટલે ગપ્પા મારતા બેઠા હતા. અને સાંજ પડ્યે લગભગ 800-1000 નો વેપાર કરાવતા હોવાથી રેસ્ટોરાંના મેનેજરને પણ એ લોકો ટાઈમ પાસ કરે એમાં પ્રોબ્લેમ ન હતો વળી લગભગ બધા વેઈટરને ખાસી એવી ટીપ પણ મળતી હતી એટલે બધા એમનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા. અચાનક એ બેમાંથી દરવાજાની સામે બેઠેલા માથે થોડી ટાલ વાળી વ્યક્તિનું ધ્યાન રેસ્ટોરાંમાં પ્રવેશ કરી રહેલા પૃથ્વી અને સરલાબેન પર ગયું. પૃથ્વીએ માથે હૂંડી પહેર્યું હતું પણ એની ઉંચાઈ તરત લોકોની નજરમાં આવી જતી. એ અને સરલાબેન જમણી બાજુ એક ખાલી ટેબલ તરફ ગયા. પૃથ્વીએ પહેલા સૂટકેસ અંદર તરફ કોઈને નડે નહીં તેમ ગોઠવી પછી 2જી ખુરશીમાં બેઠો. જ્યારે સરલાબેન એની સામે ગોઠવાયા.

"હની આ ... આ .. અહીં ક્યાંથી. એને એની સાથે કોણ છે.? એણે ઉતેજીત અવાજે સામે બેઠેલા ને પૂછ્યું.

"કોની વાત કરે છે ઈરાની?" સામે બેઠેલા હનીએ પાછળ જોયા વગર જ કહ્યું.

"એ જ જેની લીડ આપણને ઓલો જીરાવાળો આપવાનો હતો. પણ એ તો એવું કહેતો હતો કે આ તો બેલ્જિયમમાં છે. મને તો આ જીવે છે એ જ નવાઈ લાગે છે. કંઈક કરવું પડશે."

"શું. ઓલો ઉંટ નો ભાઈ એ બેઠો છે મારી પાછળ?" હનીએ ઉતેજીત થઇ ને કહ્યું.

" હા અને હવે મૂંડી નીચી રાખજે એને એમાં ગોળી ધરબી દેતા વાર નથી લાગતી. પણ એની સાથે આ બાઈ કોણ છે. એની વાત સાંભળવી જરૂરી છે." કહીને એણે બૂમ પાડી "મુસ્તાક"

"જી સાબ" કરતો એક વેઈટર દોડતો આવ્યો. એ અહીંયાનો સિનિયર વેઈટર હતો. ઈરાનીએ એનો હાથ પકડીને ઝુકાવ્યો અને એના કાનમાં કહ્યું. "જો મારે સામે જમણી બાજુના ટેબલ પર બેઠેલા લોકોની વાત સાંભળવી છે" કહીને 500 રૂપિયાની એક નોટ એના ખિસ્સામાં મૂકી.

"પણ એ કેવી રીતે શક્ય છે સાહેબ" એણે ધીરેથી પૂછ્યું.જવાબમાં ઈરાની હસ્યો અને પછી હની તરફ ઈશારો કર્યો. મુસ્તાકે જોયું તો હનીએ ખિસ્સામાંથી લગભગ અડધા ઈંચનું એક પાતળું પ્લાસ્ટિકનું કંઈક કાઢીને ટેબલ પર પડેલી નમક -મસાલાની ડબ્બીમાંથી એકની નીચે ચિપકાવી દીધું.

"આ કિચનમાં લઈ જા અને એ લોકો કંઈપણ ખાવાનું ઓર્ડર કરે તો એની સાથે આ ત્યાં મૂકી દેજે પણ એક કામ કર, ત્યાં એ ટેબલ પર પડેલી ડબ્બીઓ એ લોકો ઓર્ડર આપવા બોલાવે ત્યારે ઉઠાવવાનું ભૂલતો નહીં. પૂછે તો કહેજે ખાલી થઈ ગઈ છે ડબ્બી ભરીને લાવું છું."

"ઠીક છે સાહેબ પણ, એમાં કઈ મારા માથે જોખમતો નથી ને?" મુસ્તાકે પૂછ્યું

" ના રે ના. આ તો બહુ જૂનો મિત્ર છે બહુ વારસો પછી દેખાયો એટલે જરા મજાક કરવી છે એની."

"ઓ.કે. "મુસ્તાકે કહ્યું ત્યાં. સરલાબેન નજર ઉંચી કરીને વેઈટર તરફ નજર નાખવા માંડ્યા. મુસ્તાકે એ જોયું અને બીજો વેઈટર પહોંચે એ પહેલા પહોંચી ગયો એક્ચ્યુલમાં એ ટેબલ બીજા વેઇટરના અંડરમાં હતું. મુસ્તાકે એને ઈશારો કરીને રોક્યો અને પોતે ત્યાં પહોંચ્યો.ત્યાં જઈને ટેબલ પર પોતાના ખભા પરનો નેપકીન ફેરવીને એણે પૂછ્યું શું લાવું સાહેબ?

"સરલાબેન તમે શું ખાશો ? " પૃથ્વીએ પૂછ્યું.

"હું તો ફક્ત જ્યુસ પીશ. હમણાં 2 કલાક પહેલા નાસ્તો કર્યો છે. ભૂખ નથી." સરલાબેને જવાબ આપ્યો.

"કંઈક તો ખાઈ લ્યો પછી ત્યાં પહોંચતા મોડું થશે"પૃથ્વીએ કહ્યું અને પછી મુસ્તાક તરફ જોઈને પૂછ્યું. "ઈડલી મળશે ગરમ "

" હા સાહેબ "

" ઓકે, તો 2 પ્લેટ ઈડલી સાથે સંભાર અને નાળિયેર ચટણી અને પછી 2 ડ્રાયફ્રુટ મિલ્કશેક વિથ આઈસ્ક્રીમ અને જરા જલ્દી."

“યસ સર" કહીને મુસ્તાક ઝૂક્યો અને ટેબલ પરથી મસાલાની ડબ્બી ઉઠાવી "આ ખાલી થઈ ગઈ છે ભરીને લઇ આવું." કહીને કિચનમાં ઓર્ડર દેવા ગયો. પાંચ મિનિટ પછી 2 પ્લેટ ઈડલી એણે પૃથ્વીના ટેબલ પર ગોઠવી અને ખીસ્સામાંથી હનીએ આપેલ મસાલાની ડબ્બી કાઢીને ટેબલ પર મૂકી અને કહ્યું. "સર, મિલ્કશેક હમણાં લાવું કે?"

"પાંચ મિનિટ પછી લઇ આવજે" પૃથ્વીએ પોતાના પાઉચમાંથી કંઈક કાઢતા કાઢતા જવાબ આપ્યો.

હનીએ એ અવાજ સાંભળ્યો અને ટેબલ પર માથું ટેકવીને સુસ્તાતો હોય એમ ધ્યાન પૂર્વક સાંભળવા લાગ્યો

"આ લો તમારી જયપુરની ટિકિટ" કહીને પૃથ્વીએ સરલાબેન તરફ એર ટિકિટ લંબાવી."અને આ થોડા રૂપિયા કામ આવશે”.કહીને સો રૂપિયાની નોટનું એક બંડલ આપ્યું.

હનીએ ઊંચું જોયું અને ત્યાં પડેલા પેપર નેપકીન પર જયપુર લખ્યું. અને ઈરાનીને દેખાડ્યું. ઈરાનીએ મુસ્તાકને બોલાવીને પૂછ્યું "હમણાં જયપુરની કોઈ ફ્લાઇટ છે."

"હા સાહેબ દોઢ વાગ્યાની છે. જેટ એરવેઝની" મુસ્તાકે કહ્યું. "થેન્ક્યુ” કહીને ઈરાની ઉભો થયો અને બહાર નીકળીને થોડે દૂર રહેલી જેટ એરવેઝની કેબીન પર પહોંચ્યો અને જયપુરની ફ્લાઈટની એક ટિકિટ કઢાવી લીધા પછી એ પાછો રેસ્ટોરાંમાં આવ્યો. એ દરમિયાન હનીએ કોઈને ફોન કરીને 7-8 માણસોને એરપોર્ટ બહાર મળવા કહ્યું. એ બહુજ ઉતેજીત હતો. આજે લગભગ 2-3 વર્ષે એને ફરીથી મોકો મળવાનો હતો પૃથ્વીને ખતમ કરવાનો, પણ ઓલી બાઈ કોણ હશે એની સાથે એ જાણવા મળે તો પૃથ્વીના આકાઓ સુધી પહોંચી શકાય એટલે જ એણે ઈરાનીને જયપુર લખીને આપ્યું હતું એ ઈરાનીને ઓળખતો હતો. બીજી શું વાત થઇ છે એણે ધ્યાનપૂર્વક સાંભળવા માંડ્યું;

આ બાજુ સરલાબેને ટિકિટમાં નજર નાખી અને આશ્ચર્યથી પૃથ્વી સામે જોયું. પૃથ્વીએ એમની સામે જોઈને પાંપણો નીચી કરી અને કહ્યું "શેખર સાથે વાત થઇ ગઈ છે એ લેવા આવશે તમને" હનીએ બીજા પેપર પર શેખરનું નામ લખ્યું.
"પણ શેખર તો સાવ બેજવાબદાર છે" સરલાબેનની નજર હજી ટિકિટ પર હતી." હું માણસને એક નજરમાં ઓળખી લઉં છું. મને એ કદી જવાબદાર નથી લાગતો. એ ટાઈમે નહીં પહોંચે તો?"

"આવી જશે. ચિંતા ના કરો. સાચવીને જજો અને પછી મને ફોન કરજો"

"ભલે પણ તું સંભાળજે, મને આજે અંદર થી કંઈક ખરાબ વિચારો આવી રહ્યા છે "

"રિલેક્સ કઈ નહિ થાય " પૃથ્વીએ કહ્યું ત્યાં મુસ્તાક મિલ્ક શેક લઈને એમના ટેબલ પર પહોંચ્યો બન્ને મૂંગા થઈ ગયા. સરલાબેને નોટનું બંડલ અને ટિકિટ પોતાના સોલ્ડર પાઉચમાં મૂકી દીધા. પછી બન્ને મિલ્ક શેક પીવા લાગ્યા ત્યારે ઈરાની પાછો રેસ્ટોરાંમાં આવ્યો.

"બીજી કોઈ માહિતી" એણે હનીને પૂછ્યું. જવાબમાં હનીએ કહ્યું "ત્યાં એને લેવા કોક શેખર આવશે અહીં આ ઉંટને સાંભળવા હું છું તુ જા જયપુરમાં હું 2-3 માણસોનું સેટિંગ કરું છું ઉઠાવી લે જે એ બાઈને, અને શેખર સાથે હોય તો એને પણ. જલ્દીથી એની પહેલાજ પહોંચી જા "

"પણ આને હમણાં અહીંયા જ ધરબી દઈએ તો."ઈરાનીએ પૂછ્યું.

"તારો દિમાગ ઠેકાણે છે કે ઓલાને જોઈને પાગલ થઈ ગયો છે? હનીએ કંઈક ગુસ્સાથી કહ્યું. પછી ઉમેર્યું “આપણો પહેલો નિયમ ભૂલી ગયો. ભારતમાં કોઈની નજરમાં ચડવાનું નથી ખાસ કરીને પોલીસ.જ્યારે અહીંયા તો એરપોર્ટ ઓથોરિટી વત્તા પોલીસ બંને છે એને અહીંથી બહાર નીકળવા દે. તારા વતી 2 ગોળી એક્સ્ટ્રા મારીશ બસ પણ જો જે ઓલી બાઈ હાથમાંથી ન છટકે.”

" પછી આજની મિટિંગ?" ઈરાનીએ પૂછ્યું."

"ગોળી માર મીટીંગને અને હા જયપુરમાં તારા હાથમાં પિસ્તોલ મળી જશે. આપણા માણસો લઇ આવશે. તારી પાસેનું રમકડું અહીં મને જ આપતો જા "

"ભલે" કહીને ઈરાનીએ પેન્ટમાં ભરાવલી પિસ્તોલ કાઢીને ટેબલ નીચેથી હનીના હાથમાં આપી પછી પોતાનો થેલો ઉઠાવ્યો અને એરપોર્ટ તરફ ચાલ્યો. ટિકિટ બતાવી અંદર પ્રવેશ્યો. હનીએ ત્યાં બેઠા બેઠા જ કોઈને ફોન કરીને જયપુરમાં 2-3 માણસ એરેન્જ કરવા કહ્યું. ત્યારે સરલાબેન ઉઠ્યા અને પૃથ્વીને "બાય" કહ્યું અને પછી એરપોર્ટ જવા ઉભા થયા.

"ઉભા રહો હું મેઈન ગેટ સુધી મૂકી જાવ છું." પૃથ્વીએ કહ્યું. જવાબમાં સરલાબેને ના કહી અને રેસ્ટોરાંમાંથી ધીમે પગલે એરપોર્ટના મેઈન ગેટ સુધી પહોંચ્યા. પૃથ્વી કંઈક વિચારતો ત્યાં જ બેઠો હતો. સરલાબેન ચાલ્યા ગયા હતા. એની ખાલી ખુરશીની સામે જોતો પૃથ્વી બેઠો હતો. એક્ઝેટ ખુરશી સામે નહીં તેનાથી થોડે ઉપર ત્યાં એક આઈનો હતો એમાં હનીની પીઠ દેખાતી હતી.પૃથ્વી આવ્યો અને ખુરશી પર ગોઠવાયો એ વખતે જ એનું ધ્યાન આયનામાં પડ્યું હતું અને એક વેઈટરને એક કસ્ટમર સાથે ઘુસપુષ કરતા જોઈને એને આશ્ચર્ય થયું હતું. પછી વેઈટર હટ્યો કે તરત એણે ઈરાનીને ઓળખ્યો હતો એની સામે કોઈક બેઠું હતું. એટલે કે એ ચોક્કસ હની જ હશે.પછી જયારે મુસ્તાક ઓર્ડર લેવા અને પછી ઈડલી આપવા આવ્યો અને મસાલાની ડબ્બી બદલાવી એ બધું આમ તો સામાન્ય રીતે ઘણીવાર રેસ્ટોરાંમાં બનતું હોય છે. પણ ઇરાનીની સાથે આ વેઈટરને વાત કરતા જોયો હોવાથી એણે તરત મસાલાની ડબ્બી જોઈ, અને નીચે લાગેલા ઈલે. ચિપ પણ જોઈ એટલે જ એણે ભારપૂર્વક અને જાણી બુઝીને સરલાબેનને કહ્યું હતું "આ લો તમારી જયપુરની ટિકિટ" અને એટલે જ સરલાબેન પણ ટિકિટમાં જોઈને ચોંક્યા હતા કેમ કે ટિકિટ આગ્રાની હતી. એમના શેડ્યુલમાં જયપુર હતું જ નહીં. એમને તો આગ્રા જવાનું હતું પછી ત્યાંથી શેખર એને મથુરા સુધી છોડવાનો હતો ત્યાં મથુરામાં એક વ્યક્તિને મળીને પછી એ સવારે દિલ્હી જવાના હતા.

પૃથ્વી બહાર નીકળે એની રાહ જોતા જોતા હની કંટાળ્યો છેવટે એણે નક્કી કર્યું કે બહાર જઈને વેઇટ કરું. એ ઉભો થયો અને બહાર નીકળ્યો.પૃથ્વીએ એને બહાર જતા જોયો અને મનોમન બોલ્યો. "પાકિસ્તાની મગતરા આ દુનિયામાં આજે તારો આખરી દિવસ છે."

xxx

સિક્યુરિટી ચેકિંગ કરાવી જેટ એરવેઝનો બોર્ડિંગ પાસ લઈને ઈરાની વેઇટિંગ લાઉન્જ માં બેઠો. અને સરલાબેનની રાહ જોવા લાગ્યો.સરલાબેન અંદર આવ્યા અને જેટ એરવેઝની કેબીન પર ગયા અને પોતાનો બોર્ડિંગપાસ બનાવડાવી રહ્યા હતા. જયપુરની ફ્લાઈટનું એનાઉન્સમેન્ટ થતું હતું. ઈરાની ઉભો થયો અને 4 નંબરના ગેટ પરથી જયપુરના પ્લેન તરફ લઇ જતી જેટ એરવેઝની મીની બસમાં ગોઠવાયો.કેટલાક મુસાફરો એમાં હતા. મીની બસ પ્લેન પાસે પહોંચી ઈરાની પ્લેનમાં પોતાની સીટ પર ગોઠવાયો. થોડીવારમાં બીજા કેટલાક મુસાફરો આવ્યા. સરલાબેનને એમાં પણ ન જોઈને ઈરાની મૂંઝાયો. શું કરવું એને સમજાતું ન હતું એટલામાં સીટબેલ્ટ બાંધવાની સૂચના પાયલટ કેબિનમાંથી સંભળાઈ કૈં સૂઝતા એણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને હનીને ફોન જોડવા માંડ્યો અચાનક એરહોસ્ટેસે આવીને એને મોબાઇલ ન વાપરવાની કડક શબ્દોમાં વિનંતી કરી ઈરાની મૂંઝાયો કેમ કે એના ઉપરીઓએ ભારતમાં કાયદા તોડવાની સખ્ખત મનાઈ કરી હતી (ખૂન કરવાની છૂટ હતી.) એણે મોબાઇલ ખીસામાં મુક્યો અને મનોમન પૃથ્વી ને ગાળો દેવા લાગ્યો "બાસ્ટર્ડ" અને ઓલી બાઈ પણ ઓછી નથી હવે એ ક્યાં ગઈ હશે. કોઈ જ કારણ વગર ઈરાનીએ મુંબઈ છોડ્યું હતું.અને જયપુર જવા બેઠો હતો. અચાનક એને યાદ આવ્યું કે જેટનુ સિડ્યુલ એણે જોયું હતું જેટની નેક્સટ ફ્લાઇટ આગ્રાની હતી.આગ્રાની ફ્લાઈટ એની ફ્લાઈટ લેન્ડ થયા પછી અડધો કલાકે લેન્ડ થવાની હતી. એની પાસે જયપુર પહોંચ્યા પછી સરલાબેન ને પકડવા માટે અડધો કલાક હતો.

ક્રમશ: આ હની અને ઈરાની કોણ છે.? શું હની પોતાના સાથીદારો વડે પૃથ્વીને ખતમ કરી નાખશે. કે પછી હની જ ખતમ થઈ જશે.? ઈરાની જયપુર જઈને શું પ્લાન કરશે.? શેખર સરલાબેનને સહીસલામત મથુરા પહોંચાડશે કે સરલાબેનને થતી અમંગળ આશંકાઓ સાચી પડશે? જાણવા માટે વાંચતા રહો તલાશ-12.

Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Jay Dave

Jay Dave Matrubharti Verified 9 months ago

👌👌

Sheetal

Sheetal 1 year ago

Ashok Prajapati
Nilesh Bhesaniya