Ascent Descent - 80 - The final part books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 80 - અંતિમ ભાગ

પ્રકરણ - ૮૦

આધ્યાના રૂમમાં પ્રવેશતાં જ આધ્યાએ દરવાજો આડો કર્યો. એ કર્તવ્યની પાસે આવીને બોલી," તું સાચે કહી રહ્યો છે કે તું મને પણ પણ ચાહે છે? તું મારી સાથે લગ્ન કરીશ? ફરી એકવાર કહે ને? મને ભરોસો નથી થતો."

" કેમ વિશ્વાસ નથી તને?"

"વિશ્વાસ તો મારાં કરતાં પણ વધુ તારાં પર છે. પણ કિસ્મત પર વિશ્વાસ નથી થતો. બસ થોડાં જ સમયમાં મારાં જીવનમાં સપનાની જેમ બધું બદલાઈ ગયું છે ક્યાંક કુદરત કોઈ મજાક તો નહીં કરતું હોય ને એવું લાગે છે ક્યારેક. મમ્મી પપ્પાએ મને જન્મ આપ્યો છે પણ જે માણસે મને જિંદગી આપી છે એનાં માટે હું શું કહું મારી પાસે કોઈ શબ્દો નથી. તું મારા માટે ઈશ્વરથી પણ વધારે છે એવું કહું તો ચાલે."

"આવુ ન બોલ. ઈશ્વરથી વધારે થવાની તો કોઈની તાકાત નથી તો હું તો શું? પણ ભરોસો બહું ઉમદા વસ્તુ છે કોઈનો વિશ્વાસ પામવો એ કદાચ સૌથી મોટી તાકાત કહી શકાય. બસ તો ભરોસો રાખ. તારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું." કહીને કર્તવ્યએ આધ્યાનો મુલાયમ હાથ પોતાનાં હાથમાં પકડ્યો. એણે પોતાનાં હોઠોથી એ હાથ ચૂમી લીધો અને આધ્યાને પોતાનાં બે મજબૂત હાથમાં ઉપાડી લીધી. અને એનાં કપાળ પર એક પર પ્રેમભર્યું ચુંબન કર્યું. પછી ક્યાંય સુધી બે જણા એકબીજાનાં એ પ્રેમાળ સ્પર્શને માણતા રહ્યાં."

બંનેનાં એ હોઠો એકબીજાનાં એ સાનિધ્યમાં બીડાઈ ગયાં. ગુલાબી રંગની ફુલોવાળી એ ટીશર્ટમા જાણે આધ્યાના વધી રહેલા શ્વાસોચ્છવાસ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. એ ધબકારા જાણે બંનેને એકમેકમાં ઓગાળીને એકરૂપ કરી રહ્યાં છે....એ સાથે કર્તવ્ય એ આધ્યાને પોતાની મજબૂત બાહોમાં કમરથી કસીને જકડી લીધી. ત્યાં જ કર્તવ્યના મોબાઈલમાં રીગ વાગતાં જ બેય જણા છૂટા પડી ગયાં.

કર્તવ્ય એ ફોન ઉઠાવ્યો અને એ બોલ્યો, " મમ્મી હમણાં જ આવું થોડીવારમાં ઘરે..." કહીને એણે આધ્યાને ગાલ પર ચુંબન કરીને કહ્યું, " ચાલ હવે ઘરે જવું પડશે." શકય હોય તો આજે જ વાત કરું છું... બાય લવ યુ...! " કહીને કર્તવ્ય ફટાફટ ઘરે જવા માટે નીકળી ગયો...!

************

કર્તવ્ય ઘરે આવ્યો તો બધાં હોલમાં બેસીને જાણે એની રાહ જોઈને બેઠાં છે. એને જોતાં જ દીપેનભાઈ હસીને બોલ્યાં, " ભાઈ આજકાલ તમે બહું બહાર રહો છો? કોને મળીને આવ્યાં? અમને પણ કહો જરા... બાકી તારી મમ્મી ખોટી મહેનત ન કરે."

કર્તવ્ય વિચારવા લાગ્યો કે ક્યાંક આ લોકોને કંઈ ખબર તો નથી પડી ગઈ ને? ક્યાંક ઉત્સવે પોતાનું કહેવામાં મારું કંઈ કહી દીધું નથી ને.

એને હા કે ના કંઈ કહેવું કંઈ સમજાયું નહીં. એ ચૂપ રહ્યો.

" હવે એક વાત કહું માનીશ?" શિલ્પાબેન થોડાં હુકમભર્યા સ્વરે બોલ્યાં.

કર્તવ્ય કોઈ ઈમોશનલ કુંડાળામાં ફસાઈ રહ્યો હોય એવું એને લાગ્યું. એ બોલ્યો, " શું છે એ તો કહે?"

"હવે બહું થયું તું બહું છોકરીઓને ના કહી ચુક્યો છે હવે તારી પસંદગી મુજબની એક છોકરી શોધી છે પ્લીઝ હવે ના નહી કહે ને? મને તો શ્લોકા પણ બહું પસંદ હતી આટલી છોકરીઓમાં મને એ જ સૌથી વધુ ગમી હતી પણ કોણ જાણે તમને બંનેને એકબીજામાં શું ન ગમ્યું એ જ સમજાયું નહીં."

કર્તવ્ય એ વિચાર્યું હવે બધું ખેંચવાનો કોઈ મતલબ નથી. એણે સીધું જ કહી દીધું," મમ્મી મને એક છોકરી પસંદ છે. જો તમે કહો તો...."

દીપેનભાઈ બોલ્યાં, " અરે વાહ! હું તો બહું ખુશ થઈ ગયો. આખરે જાતે તો જાતે પણ તે કોઈ છોકરીને પસંદ કરી ખરાં."

"હા પપ્પા. પણ તમે લોકો એને પસંદ કરશો કે નહીં એ ખબર નથી."

"તું પસંદ કરે એટલે કંઈ જોવાનું હોય બેટા? અમને તારાં પર વિશ્વાસ છે." શિલ્પાબેન ખુશ થઈને બોલ્યાં.

" પણ કદાચ આ પસંદમા વાંધો આવી શકે."

"કેમ એવું શું છે?"

" એમ તો કંઈ વાંધો નથી પણ..."

" પણ શું? કોણ છે? કોની દીકરી છે? કોલેજ ફ્રેન્ડ છે."

" બિઝનેસમેન મિસ્ટર આર્યન ચકવર્તીની દીકરી."

"શું? મિસ્ટર આર્યનની દીકરી? જેમની હમેશાં મિડીયા સામે જ જોયાં છે. એ વળી હા કહેતા હશે? અબજોનો માલિક છે એ...કોઈ પણ પિતા પોતાની દીકરીને પોતાનાં સમોવડિયા અથવા તો એનાથી વધારે અમીર પરિવારમાં જાય એવું ઈચ્છે. આપણે અમીર ખરાં પણ એમનાં જેટલાં તો નહીં જ ને."

"એવું થોડું હોય પપ્પા... બધાં એવું જ વિચારે એવું થોડું હોય? એ પોતે જ રાજી હોય તો..."

"તો પછી વાંધો શું છે? મતલબ સુંદર નથી કે શું પ્રોબ્લેમ છે તારાં કહ્યાં મુજબ?"

કર્તવ્ય એ મોબાઈલમાં આધ્યાનો ફોટો બતાવીને કહ્યું, " આ છોકરી છે."

બંને જણાએ આધ્યાનો ફોટો જોઈને કહ્યું , " આટલી સુંદર અને નમણી છે તો પછી શું વાંધો છે. મિસ ઈન્ડિયામાં પણ આવે એવી છે. હજુ સુધી જોયેલી બધી છોકરીઓમાં સૌથી સુંદર દેખાય છે."

" મમ્મી હું તમને એક હકીકત જણાવું છું, હું ધારત તો છુપાવી પણ શકત પણ હું એવું નથી ઈચ્છતો કે કોઈ પણ અસત્ય કે વિશ્વાસઘાત પર પ્રેમ અને લગ્ન જેવો જીવનભરનો સંબંધ બંધાય. કદાચ ક્યાંક એનાં કારણે બધાની ખુશીઓ વિખરાઈ જાય."

દીપેનભાઈ અને શિલ્પાબેન ચિતામાં એકબીજાની સામે જોવા લાગ્યાં કે શું વાત હશે. અને કર્તવ્યએ એનાં મમ્મી પપ્પાને કહી શકાય એ રીતે બધી જ જરૂરી વાત કરી દીધી. કર્તવ્યની બધી જ વાત પૂરી થઈ ગઈ પણ કોઈ કશું જ બોલ્યું નહીં.

કર્તવ્ય : " શું થયું પપ્પા-મમ્મી? કેમ કોઈ કંઈ બોલતું નથી."

"શું કહીએ બેટા કંઈ સમજાતું નથી. ચાલો આ વાત બીજા કોઈને ન કરીએ પણ કોઈને કોઈ દ્વારા ખબર તો પડે જ ને. અને તારાં મિશનને કારણે કદાચ ઘણાં વિરોધીઓ પણ વધી ગયાં છે એ લોકોને જાણે કહાની મેં ટ્વિસ્ટ ની જેમ મજા પડી જશે. આપણા પરિવારની ઈજ્જતનુ શું? સમાજમાં આપણો પરિવાર મોખરે ગણાય છે. લોકો શું કહેશે?" દીપેનભાઈ ચિંતા જતાવતા બોલ્યાં.

"પપ્પા તમે જ તો શીખવ્યું છે કે લોકોનું બહું નહીં વિચારવાનું આપણે આ સાચાં હોઈએ તો ગભરાવાનું નહીં. તો પછી હવે? અને એક સાચી વાત કહું તમે કદાચ નહી માનો પણ શ્લોકા જેવી દેખાય છે એવી નથી આ તો કોઈ છોકરીની ઈજ્જત પર કાદવ ઉછળે નહીં એટલે જ હું ચૂપ રહ્યો."

" મતલબ? એ પણ?"

" આધ્યાએ તો બધું સંજોગો અને મજબુરીને કારણે કર્યું છે પણ શ્લોકા એણે શોખને કારણે હજુ સુધી દસથી વધારે બોયફ્રેન્ડ રાખી ચૂકી છે. મારે હવે ન કહેવું જોઈએ પણ એ દરેક સાથે રિલેશનશિપમાં હતી. અત્યારે પણ એક બોયફ્રેન્ડ છે એને આ બધું એણે પોતે જ મને કહ્યું છે. મેં કંઈ કહ્યું એ પહેલાં જ એણે મને બધું કહીને ના કહી અને ચોક્ખું કહ્યું કે હું તો આવી રીતે કોઈ એક સાથે જીવન વીતાવી જ ન શકું. જે મારાં મુજબ રહે એ જ મારી સાથે રહી શકે. મને એની થોડી તો ખબર જ હતી કારણ કે એ મારાં ફ્રેન્ડ સમર્થની ગર્લફ્રેન્ડ હતી. એને શ્લોકોનું આ બધું ખબર પડતા જ એણે એની સાથે બ્રેક અપ કરી દીધું હતું. મેં ફક્ત એનાં કહેવાથી ના કહી હતી.

હવે તમે જ કહો કે શોખ અને એશોઆરામ ખાતર આ બધું કરનારી દેખાતી સારાં સંસ્કારી અમીર પરિવારની દીકરીઓ તો પણ સારી અને આધ્યા જેવી મજબૂરીમાં કામ કરેલી છોકરી ખરાબ...? તમને કદાચ ખબર નહીં હોય પણ હજુ સુધી મેં જે પણ છોકરીઓ જોઈ છે બધી જ મિનિમમ એક બે બોયફ્રેન્ડ રાખી ચૂકી છે. આજનાં જમાનામાં આ બધું સામાન્ય છે પણ આ તો આધ્યા વિશે સવાલ થયાં એટલે મારે કહેવુ પડ્યું બાકી કોઈની હકીકત બીજા સામે કહું એ તો મારો સ્વભાવ નથી એ તમને પણ ખબર છે."

બંનેનાં મોઢા સિવાઈ ગયાં. હકીકત સ્વીકારવી અઘરી છે પણ કદાચ એ માટે તૈયાર થવું પણ જરૂરી છે એવું લાગતાં દીપેનભાઈ બોલ્યાં, " બેટા સવારે વાત કરીએ...અત્યારે આમ પણ મોડું થઈ ગયું છે." કહીને દીપેનભાઈ અને શિલ્પાબેન પોતાનાં રૂમમાં સૂવા જતા રહ્યાં. કર્તવ્ય પણ પોતાનાં બેડરૂમમાં પહોંચ્યો ત્યાં જ ફોનમાં એક નવા નંબર પરથી ફોન આવતાં એણે ઉપાડ્યો.

" કર્તવ્ય પહોંચી ગયો? મને તો એમ કે સૂઈ ગયો હોઈશ..." આધ્યાનો મીઠડો અવાજ સાંભળીને કર્તવ્યનો ઉતરેલા ચહેરા પર ખુશી છવાઈ ગઈ.

" ના હવે...બસ તારાં માટે બોમ્બ ફોડીને આવ્યો છું...ખબર નહી હવે શું થશે? પણ એ વાત નક્કી છે કે એ લોકો તૈયાર થશે પછી જ તને આ ઘરમાં લાવીશ."

" હમમમ... પણ મને તો મળીશ...રિઅલી મિસ યુ..."

" હમમમ... તું થોડા જ દિવસમાં બધું જ શીખી ગઈ ખરાં...કોઈ કહી ન શકે કે તું આટલા વર્ષો મિસ્ટર આર્યનના પરિવારમાં રહીને ઉછરી નથી."

"હમમમ...બનવું તો પડશે જ ને... તારાં પરિવારમાં આવવાનું પણ છે ને. પછી આન્ટીને તારી સામે મારી ફરિયાદ કરવી ના પડે."

"ના, મમ્મી પપ્પા માનશે તો ખરા જ હું એમને ઓળખું છું ત્યાં સુધી...કદાચ થોડો સમય લાગી શકે..."

"હમમમ... હોપ સો..." બંને જણા ક્યાંય સુધી મીઠી પ્રેમની ગોષ્ઠિ કરતાં રહ્યાં. સોનેરી સપનાં જોતાં બેય સૂઈ ગયા.

**********

રવિવાર હોવાથી દીપેનભાઈના પરિવારમાં શાંતિ દેખાઈ રહી છે. હજુ તો ઉઠીને નાસ્તાની તૈયારી થઈ છે ત્યાં જ સવાર સવારમાં વર્ષાબેન આવ્યાં. એમણે આવીને સીધી ઉત્સવની બધી વાત કરી. એ બોલ્યાં, " હું શું કરું? કંઈ સમજાતું નથી. ખબર નહીં એક પછી એક કોયડાઓ આવ્યાં જ કરે છે. સારું છે તમારે કોઈ આવી તકલીફ નથી. ભાઈ હું તો બહું ચિતામાં આવી ગઈ છું. આવી વાત મારાં દિયર છે એમને પણ કરી શકાય એમ નથી."

થોડીવાર બંને ચૂપ રહ્યાં બાદ શિલ્પાબેન બોલ્યાં, " તો હા પાડી દો. છોકરાઓની ખુશીમાં આપણી ખુશી."

" પણ ભાભી? કર્તવ્ય આવું કંઈ કરે તો તમે હા પાડી શકો?"

" હા... ચોક્કસ...પ્રેક્ટિકલી બનીને વિચારવું પડશે." કહીને દીપેનભાઈએ કર્તવ્ય અને આધ્યાની વાત કરી. વર્ષાબેન જોઈ જ રહ્યાં.

" પણ આધ્યાનુ ફેમિલી બેકગ્રાઉન્ડ હવે બદલાઈ ગયું છે તો કદાચ બહું વાંધો નહીં આવે પણ સોના? એનો તો કોઈ પરિવાર જ નથી તો અનેક સવાલો તો થશે જ ને?"

"એનું કંઈ થશે પણ સંતાનોની ખુશીમાં આપણી ખુશી. કદાચ અત્યારે એવું લાગશે પણ પછી બધું સામાન્ય બની જશે. લોકો તો બોલવાના જ. ગામનાં મોઢે ગરણુ થોડું બંધાય? અમે પણ આ નિર્ણય કરવામાં આખી રાત સૂઈ શક્યાં નથી."

" એ વાત પણ સાચી છે મને એણે કહ્યું કે જો તું અંતરાનુ ભવિષ્ય સારું ઈચ્છે છે તો તારે સોના માટે પરમિશન આપવી જોઈએ. કદાચ એની વાત સાચી છે. પણ હવે તમારી સાથે વાત થયાં પછી હું હળવી બની છું. મને સમજાય છે કે હું પોતે જે પ્રતિષ્ઠિત વ્યક્તિની પત્ની તરીકે રહી છું એણે પણ મારી પીઠ પાછળ આવું કર્યું. અને આપણાં દીકરાઓ તો આપણને કહીને સંબંધ બાંધી રહ્યાં છે. કદાચ મને ઊડે ઊડે હવે સમજાય છે કે કદાચ કોઈને કોઈ બંધન કે મજબૂરી હેઠળ બંધાયેલા સંબંધો જ બેમાંથી એક વ્યક્તિને કોઈ વિકલ્પ શોધવા માટે મજબુર કરતાં હશે."

" કેમ આવું બોલે છે?"

" હા ભાઈ... હું લગ્ન કરીને ગઈ પછી થોડાં સમય પછી મેં મારાં સાસુ સસરાને આ વાત કરતાં સાંભળેલા કે દિલીપની સરખામણીમાં કદાચ હું એટલી દેખાવડી ન હોવાથી એમને ઓછી પસંદ હતી. મને દુઃખ થયેલું. પણ મને દિલીપે મારી સામે કોઈ દિવસ ન જતાવેલુ કે ઓછું આવવા દીધેલું એટલે મેં માની લીધું કે કદાચ હવે એવું નહીં હોય. લગ્ન પછી બધું બદલાઈ ગયું હશે એટલે મેં આ વાત કોઈને કહી નહીં. પણ આખરે આ ઉમરે ખબર પડી કે દિલીપે તો એમનો રસ્તો વર્ષો પહેલાથી એમનો રસ્તો કરી જ દીધો હતો. આથી જ મને એમ થાય છે કે કદાચ આપણે આ સંબંધ માટે ના કહીશું તો આપણા સંતાનો લોકો આધ્યા અને સોના સાથે લગ્ન નહીં કરે...કદાચ આપણાં સંસ્કાર મુજબ એ લોકો બીજે લગ્ન પણ કરશે આધ્યા અને સોનાને ભૂલી જવાનો પ્રયત્ન કરશે પણ ખરેખર સાચાં અર્થમાં એ લોકો ખુશ રહી શકશે?"

"હમમમ... આટલું સમજીએ છીએ તો પછી વાર શેની? ખોટાં છોકરાઓને ચિંતામાં રાખવા." શિલ્પાબેન દીપેનભાઈની સામે જોઈને બોલ્યાં.

દીપેનભાઈએ કર્તવ્ય આવે એટલે વાત કરવાનું વિચાર્યું ત્યાં પણ કદાચ બધી વાતચીત સાંભળીને જ આવ્યો હોવાથી સામેથી જ કર્તવ્ય મનમાં મલકાતો આવ્યો પણ કંઈ બોલ્યો નહીં.

વર્ષાબેન બોલ્યાં , " ચાલો ભાઈ હવે પાર્ટી તો આપો... દીકરાઓ મોટાં થઈ ગયાં હવે..."

શિલ્પાબેન હસીને બોલ્યાં " ચાલો આધ્યા અને સોનાને અમને મળાવ તો ખરા..."

" મમ્મી સાચે જ તમે લોકો માની ગયાં? મને તો એમ કે કદાચ માનશો પણ સમય લાગશે..."

"અમે પણ આ જમાનાનાં પણ પ્રેકિટકલી વિચારનારા માતાપિતા છીએ. સંતાનો ખુશ તો અમે ખુશ.."

"કર્તવ્ય ખુશ થઈને એનાં મમ્મી પપ્પાને ભેટી પડ્યો... બહું જલ્દીથી આધ્યાને મળાવશે એવું કહી દીધું.

*********

કર્તવ્યને થોડાં જ દિવસમાં ફરી પોતાની ઓફિસનો નવો મોટો ઓર્ડર મળી ગયો. સાથે જ એનું મિશન જે એનું સ્વપ્ન હતું એ પૂર્ણ થઈ ગયું. શકીરાહાઉસ આખરે શકીરાની મદદથી એણે એક નવી સ્ત્રી સંસ્થા માટે ગૃહ ઉદ્યોગ કરવા માટે શરું કરવામાં આવ્યું. આ બધાં માટે મિસ્ટર આર્યનનો બહું મોટો ફાળો છે એ જાણીને આખા મુંબઈમાં એમની ચર્ચા થવા લાગી. શકીરાને એ સંસ્થાની જવાબદારી સોંપવામાં આવી. કર્તવ્યને ઘણાં બધાં લોકોને આ બધામાંથી નાની ઉમરે મુક્તિ અપાવવાનો એક ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યો.

થોડાક દિવસમાં જ સારું મુહૂર્ત જોઈને મિસ્ટર આર્યન સામેથી આધ્યા અને સોનાને લઈને કર્તવ્યના ઘરે આવ્યાં. દીપેનભાઈ અને શિલ્પાબેન લોકો મિસ્ટર આર્યન અને સાથે આવેલા શ્વેતાબેન અને પાયલબેનની સાદગી અને સૌમ્યતા અને સમજણ જોઈને દંગ રહી ગયાં.

 

દીપેનભાઈ એ લોકોએ જ્યાં સુધી કોઈને જાણ ન થાય ત્યાં સુધી આ બધી જ હકીકત કોઈને ખબર ન પડે એ રીતે બધું જ ગોઠવી દીધું. આધ્યા અને સોના બધાં પરિવારજનોને ગમી ગયાં. એ સાથે જ મિસ્ટર આર્યને બધાની વચ્ચે કહ્યું કે આધ્યાની સાથે જ સોનાનું કન્યાદાન પણ અમે જ કરીશું. એ પણ અમારી દીકરી જ છે. વર્ષાબેન તમે ત્યારે બેધડક કોઈને પણ કહી શકો છો કે એ પણ મિસ્ટર આર્યનની દીકરી જ છે. એની ઓળખ માટે તમારે ગભરાવવાની કોઈ જરૂર છે. મને ખબર છે આપણાં સમાજમાં કહેવાતાં મોભી પરિવારમાં પરિવારની પ્રતિષ્ઠા અને ઈજ્જતની પરવા હોય એ સ્વાભાવિક છે."

આ થોડાં જ વાક્યોથી વર્ષાબેનની સાથે જ સોનાનો ચિંતાનો ભાર પણ હળવો થઈ ગયો. ખુશી ખુશી બે પરિવારોએ એક નવા સંબંધોમાં બંધાવાની સહર્ષ સ્વીકાર્યું.

**********

લગભગ ચારેક મહિનાનાં સમય પછી રંગેચંગે થયેલી સગાઈ બાદ આધ્યા અને કર્તવ્ય પોતાનાં સગાઈના સુવર્ણકાળને માણી રહ્યાં છે. સાથે જ સોનાને ઉત્સવ સાથેનું જીવન ઉત્સવમય બની ગયું હોય એવું લાગી રહ્યું છે.

આધ્યા લગ્ન બાદ એનું ભણવાનું પણ પૂરું કરશે સાથે જ સોના પોતાનું મનપસંદ રીતે આગળ વધીને એ લોકો એમનાં સ્વપ્ન પૂર્ણ કરી શકે એવા માટે નક્કી થયાં બાદ આખરે આધ્યા અને કર્તવ્યની સાથે ઉત્સવ અને સોના પણ લગ્નના એક પવિત્ર બંધનમાં બંધાઈ ગયાં....!

એક સુમધુર રાત્રિની શીતળતામા ચંદ્રની ઠંડક ભરી ચાંદનીમાં આજે બે દિલ એકબીજા સાથે દુનિયાના બધાં જ વિચારોને બાજુમાં મૂકીને એકબીજાના સાનિધ્યને માણતાં હંમેશા માટે એક થઈ ગયાં...!

કર્તવ્ય બોલ્યો, " આધ્યા દેહ તો મલિન કે શુદ્ધ છે એ આપણાં પર સંજોગો પર આધારિત છે પણ બે દિલ, લાગણીઓ, આપણી આત્મા પવિત્ર છે એ શું આપણા સુખી સંસાર માટે પૂરતું નથી?.... ને આ બે શાહીઠાઠ સાથે થયેલાં લગ્નની ચર્ચા તો ધુમાડાની માફક ચોક્કસ ચર્ચાઈ પણ કદાચ જે લોકો હંમેશા સાચાં અને સત્યનિષ્ઠ પ્રેમના નિર્મળ રસ્તે આગળ વધે છે એ કદાચ દુનિયાનું ભલું કરી શકે પણ એની ટીકાથી ક્યારેય ડરતાં નથી...બસ એ જ રસ્તે કર્તવ્ય અને ઉત્સવ દુનિયાનો સામનો કરતાં પોતાની મંઝીલ તરફ આગળ વધી ગયાં....!

****સંપૂર્ણ***

ડૉ. રિધ્ધી મહેતા "અનોખી"

આ નવલકથા કેવી લાગી આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી જણાવશો... મારાં સહુ વાચકો જેમના પ્રેમથી હું આ સ્ટેજ પર પહોંચી છું. વ્હાલા વાચકો અને સાથે જ માતૃભારતીનો ખુબ ખુબ આભાર....!