The only unfortunate country - Haiti books and stories free download online pdf in Gujarati

એકક કમનસીબ દેશ - હૈતિ

આજે વાત કરવી છે કેરેબિયન ટાપુઓ પર આવેલા એક કમનસીબ દેશ હૈતિની. લગભગ એક કરોડ પંદર લાખ જેટલી વસ્તો ધરાવતો આ દેશ હૈતિ; માત્ર 27560 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જ સમેટાઈ જાય છે. દુનિયાના નકશામાં શોધ્યો ન મળો એવો આ ટચુકડો દેશ ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વચ્ચે આવેલા કેરેબિયન ટાપુઓમાં સ્પેનીઓલા દ્વીપ પર સ્થિત છે. તો ચાલો શરૂઆતથી જ શરૂ કરીએ.

તારીખ 3 ઑગસ્ટ 1492 ના રોજ ઇટાલીયન નાવિક ક્રિસ્ટોફર કોલંબસ ત્રણ જહાજોના કાફલા સાથે નવા જળમાર્ગો શોધવા નીકળ્યો. કેરેબિયનન ટાપુઓ પાસે પહોંચીને એને થયું કે એને ભારત મળી ગયું. પણ એવું નહોંતું. એટલે પછી આ ટાપુઓને એણે વેસ્ટ ઇન્ડિઝ નામ આપી દીધું. અહીં આવીને એણે એક દ્વીપ પર ધામા નાંખ્યા. જે પાછળથી સ્પેનીઓલા નામથી ઓળખાયો અને જ્યાં આજે હૈતિ અને ડોમિનિયન રિપબ્લિક નામના બે દેશ આવેલા છે. એ સમયે અહીં સિબની (Ciboney) નામની આદિજાતીના લોકો રહેતા હતા. તેઓ તાઈનો ભાષા બોલતા હોવાથી તાઈનો (Taino) તરીકે પણ ઓળખાય છે. એ લોકો એકંદરે શાંત પ્રકૃતિના હતા. એમણે ના તો હજુ સુધી હથિયારો બનાવ્યા હતા કે ના એ ચલાવતા શીખ્યા હતા! સમ્રાજ્યવાદની લડાઈથી ખદબતી દુનિયાથી બિલકુલ અજાણ આ સભ્યતાની દુનિયા આ દ્વીપમાં જ સમેટાઈ જતી! કોલંબસ આ સભ્યતાની શાંત જિંદગીઓમાં ઝંઝાવાત બનીને આવ્યો!
કોલંબસ હથિયારો અને સૈનિકોના બળે આ જગ્યા પર કબજો જમાવીને કોલોનીઓ બનાવવા લાગ્યો. સ્પેને એને આ દ્વીપનો ગવર્નર બનાવી દીધો. ઈ.સ. 1499 સુધી આ પદ પર રહીને એણે આ દ્વીપ લૂંટ્યો અને લોકો પર અત્યાચાર વરસાવ્યા! અહીં એને સોનાની ખાણો મળી આવી. એ ખાણોમાં અહીંના લોકોને મજુરી કરાવતો. 14 વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યક્તિએ દરરોજ નક્કી કરેલા જથ્થામાં સોનુ ખાણમાંથી કાઢી આપવાનું રહેતું. આ નક્કી કરેલો જથ્થો એટલો વધારે હતો કે લોકો તનતોડ મહેનત કરે ત્યારે જઈને માંડ એટલું સોનુ આપી શકે! આ પળોજણમાં લોકોને પોતાનું ખેતીકામ કરવાનો સમય પણ ન બચતો! આથી અનાજની અછત સર્જાઈ અને લોકો ભૂખમરાથી મરવા લાગ્યા! જે બચી ગયા એ પણ આ જુલમથી કંટાળીને આત્મહત્યા કરવા લાગ્યા! સ્રીઓ પર બળાત્કાર થવા, નિર્વસ્ત્ર કરીને એની પરેડ કાઢવી, ગુલામ બનાવીને ગળામાં સાંકળ બાંધવી! આ બધું ત્યાં સામાન્ય હતું! ગળામાં સાંકળ બાંધેલ કોઈ ગુલામ ભૂખથી મૃત્યુ પામે તો સાંકળ ખોલવાની પણ તસ્દી નહીં લેવાની! સીધું ગળું જ કાપી નાંખવામાં આવતું! તો આઠ-દસ વર્ષની છોકરીઓને વેચવામાં પણ આવતી! કોલંબસના આગમન સમયે જેમની સંખ્યા ત્રેણેક લાખ જેટલી હતી એ ચાર-પાંચ વર્ષમાં તો બે લાખ જેટલી જ રહી! આખરે મજુરી કરવા માટે આફ્રિકાથી અહીં ગુલામો લાવવાનું શરૂ થયું. લગભગ પાંચેક દાયકામાં તો મૂળનિવાસીઓ માત્ર 500 જેવા જ બચ્યા હશે! જે કોલંબસને દુનિયા 'ધ ગ્રેટ ખોજી' તરીકે ઓળખે છે એ કોલંબસનો મહોરા પાછળનો ભયાનક કાળો ચહેરો આ ગુલામોએ જોયો છે. ગુલામોની આ દયનીય સ્થિતિનો ઇતિહાસ જાણ્યા બાદ ભાગ્યે જ કોઈ એને 'ધ ગ્રેટ' કહી શકે!

આખી દુનિયામાં સામ્રાજ્યવાદ પાંગરી રહ્યો હતો. બધા બળવાન દેશો કોઈને કોઈ દેશ પર કબજો જવાવવાની વેતરણમાં હતા. એવામાં હૈતિ પર દુનિયાની નજર ન પડે તો જ નવાઈ! આ જગ્યા પર ડચ, ફ્રેન્ચ અને અંગ્રેજોનો કોળો ફરી રહ્યો હતો. આખરે પહેલાંથી અડિંગો જમાવીને બેઠેલું સ્પેન લડાઈ ઝઘડાથી બચવા આ દ્વીપના પૂર્વ ભાગમાં સમેટાઈ ગયું. જ્યાં આજે ડોમિનિયન રિપબ્લિક દેશ છે. હવે, રાજ કરવા માટે ખાલી થયેલા હૈતિ તરફના ભાગમાં પોતાનો કબજો જમાવવા ડચ, ફ્રેન્ચ અને અંગ્રોજો વચ્ચે લડાઈઓ શરૂ થઈ. જેમાં ફ્રાન્સ બાજી મારી ગયું અને સ્પેનનું પાડોશી બની ગયું. સ્પેન સાથે પણ દુશ્મનાવટ ચાલી, યુદ્ધો પણ થયા. પણ આખરે કજીયાનું મોં કાળું સમજીને ઈ.સ. 1657 માં બન્ને વચ્ચે સમાધાન થયું. દ્વીપનો પૂર્વ ભાગ જે પહેલાંથી જ સ્પેન પાસે હતો એ એના ભાગમાં આવ્યો અને પૂર્વ તરફનો હૈતિ તરફનો ભાગ ફ્રાન્સના ભાગે આવ્યો. આ સમજુતીએ જ આગળ જતાં ડોમિનિકન રિબ્લિક અને હૈતિ નામના બે દેશોને જન્મ આપ્યો. જે ગુલામગીરીના પાયા કોલંબસે નાંખેલા એને ફ્રાન્સે આગળ વધારી અને એનું કોમર્સિયલાઇજેશન કર્યું. ફ્રાન્સે અહીં ખેતી આધારિત અર્થવ્યવસ્થા વિકસાવી. આફ્રિકામાંથી લવાયેલા ગુલામો પાસે શેરડી, કપાસ, કોફી અને તમાકુ જેવા પાકોની ખેતી કરાવવા લાગ્યું. આ બધી વસ્તુઓ જહાજોમાં ભરાઈને ફ્રાન્સમાં ઠલવાતી ગઈ. ફ્રાન્સ માટે આ દેશ પૈસા છાપવાનું એક છાપખાનું જ હતું! ગુલામો ઓછા પડે તો આફ્રીકામાંથી આયાત કરી લેવાના. ધીમેધીમે આ ગુલામોનું ખરીદ-વેચાણ પણ ફ્રાન્સ માટે આવકનું એક સાધન બની ગયું. એ રીતે ગુલામીપ્રથાની આ વરવી વાસ્તવિકતાએ ફાન્સની અર્થવ્યવસ્થાને વેગ આપવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો.

આખરે એ સમય પણ આવી જ ગયો કે જેણે હૈતિને ગુલામીપ્રથાની ઝંઝીરોમાંથી મુક્ત કર્યું. ઈ.સ. 1801 માં ટૉસન્ટ લૉવાર્ટર (Toussaint louverture) નામના એક ગુલામે બગાવત કરીને ગુલામીપ્રથાનો અંત આણ્યો. આ વ્યક્તિ બ્લેક નેપોલિયન તરીકે પણ ઓળખાય છે. પણ એક દેશ તરીકે હૈતિ હજુ પણ ફ્રાન્સનું ગુલામ જ હતું. ઈ.સ. 1804 માં ક્રાંતિની જ્વાળાઓ ભભુકી ઊઠી અને ગુલામોના નેતા જીન-જેક ડેસાલાઇન્સે (Jean-Jacques Dessalines) દેશને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કર્યો. પણ શું ખરેખર હૈતિ મુક્ત થયું હતું ખરું? એનો જવાબ આપવો મુશ્કેલ છે! 1 જાન્યુઆરી 1804 ના રોજ હૈતિ દુનિયાનો સૌપ્રથમ બ્લેક રિપબ્લિક તો બન્યો પણ હૈતિના બદ્નસીબને આ આઝાદી માફક ન આવી. હૈતિને કદાચ રાજકીય અસ્થિરતા આઝાદી સાથે જ મુફ્તમાં મળી હતી! હૈતિમાં રાજકીય અસ્થિરતાનો આ સિલસિલો આજ સુધી આટલા વર્ષે પણ અકબંધ રહ્યો છે! આઝાદીના બે વર્ષ પછી જીન-જેકની હત્યા થઈ ગઈ! થોડો સમય અસ્થિરતામાં વીત્યો ત્યાં ઈ.સ. 1815 માં અમેરિકાએ હૈતિ પર કબજો કર્યો. અહીં ફરી એક વખત હૈતિ અર્ધ ગુલામીમાં સપડાયો. સરકાર તો હૈતિની જ હતી પણ સત્તાની દોરી અમેરિકાના હાથમાં રહી. ઈ.સ. 1825 માં એક ઐતિહાસિક ઘટના ઘટી. જે આજ સુધીના ઇતિહાસમાં છડેચોક થયેલી સૌથી મોટી લૂંટ તરીકે ઓળખાઈ! હૈતિની આઝાદીથી સોનાના ઇંડા આપતી મરધી છીનવાઈ જતાં ફ્રાન્સના પેટમાં રેડાયેલા તેલે આ મહાલૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આખરે વીસ વર્ષે એણે મરધી મેળવ્યા વગર એ સોનાનું ઇંડું મેળવવાનો રસ્તો પણ શોધી જ લીધો. મૂળ તો એને પણ રોટલાથી મતલબ હતો ટપાકાથી નહીં! ચાલો માંડીને વાત કરીએ.

ઈ.સ. 1825 નો એપ્રિલ મહિનાનો ચાલી રહ્યો છે. ફ્રાન્સના રાજા ચાર્લ્સ દશમે જાહેર કર્યું કે, હૈતિને આપેલી આઝાદીથી ફ્રાન્સને મોટું આર્થિક નુકશાન થયું છે. ગુલામીપ્રથા બંધ થતાં ફ્રાન્સને મળતું મહેસૂલ બંધ થઈ ગયું છે. તો હૈતિએ આ નુકશાન ભરપાઈ કરવું પડશે. આ નુકશાનીની ભરપાઈ પેટે એમણે દોઢ લાખ કરોડનો દંડ ભરવો પડશે! (આજે નેતાઓની મહેરબાનીથી આ આંકડાઓ નાના લાગે, પણ એ સમયે આ રકમ કંઈ નાનીસૂની નહોતી!) આ તો ચોરી ઉપર શિરજોરી જેવો ઘાટ થયો! પોતે ગુજારેલા અત્યાચારો બદલ માંફી માંગવાના બદલે દંડ વસૂલવાની વાત કરે છે. ખેર, ચાર્લ્સ દશમે સૈનિકોની એક ફોજ મોકલીને આ સંદેશો (ધમકી) હૈતિ સમક્ષ રજુ કર્યો. સાથે કહેવામાં આવ્યું કે દંડ ન ભરવો હોય તો યુદ્ધ લડવું પડશે! હવે, હૈતિ તો યુદ્ધ લડવાની સ્થિતિમાં બિલકુલ નહોતું. આખરે એમણે હપ્તાવાર આ રકમ ચૂકવવાનું કબુલ કર્યું. પણ ગરીબ દેશ હૈતિ પાસે આટલી રકમ આવે ક્યાંથી? લુચ્ચા ફ્રાન્સે એની પણ એક તરકીબ સુચવી, અમારી બેંકો પાસેથી લોન લઈને હપ્તા ભરો! લગભગ સવાસો વર્ષ સુધી હૈતિ ખેતમજુરની જેમ હપ્તા ચૂકવતું રહ્યું અને ફ્રાન્સના શાહુકારી ચોપડાના વ્યાજના પાના લંબાતા જ રહ્યા! સવાસો વર્ષે હૈતિએ મૂળ રકમથી પણ લગભગ બે ગણી રકમ તો વ્યાજ પેટે જ ચૂકવી દીધી! તો પણ દેણું તો મોં ફાડીને ઊભુંને ઊભું જ રહ્યું! એટલે જ તો ઇતિહાસકારો આ ઘટનાને આજ સુધીના ઇતિહાસની સૌથી મોટી લૂંટ તરીકે ઓળખાવે છે!

ઈ.સ. 1825 પછી પણ હૈતિની રાજકીય સ્થિતિ ડામાડોળ જ રહી. એક પછી એક તાનાશાહ પ્રકૃતિના નેતાઓ આવતા ગયા. બળવો કરીને કોઈ નવો નેતા સત્તા પર આવી પણ જાય તો એ પણ તાનાશાહ બની જતો! ઇ.સ. 1957 માં હૈતિના ઇતિહાસનો સૌથી ખતરનાક તાનાશાહ સત્તા પર આવ્યો. ફ્રાન્સકો ડુવાલિએ (Francois Duvalier) નામનો આ વ્યક્તિ પાપા ડોક તરીકે પણ કુખ્યાત છે. વિરોધીઓને જેલમાં પુરવા અને એની હત્યાઓ કરવી એ પાપા ડોક માટે સામાન્ય વાત હતી. ઈ.સ. 1967 માં એણે પોતાને હૈતિનો આજીવન રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધો. ઈ.સ. 1971 માં એનું મૃત્યુ થયું અને એનો પુત્ર બેબી ડોક સત્તામાં આવ્યો. દિકરો તો બાપ કરતાં પણ ચાર ચાસણી ચડે એવો નીકળ્યો! એની તાનાશાહીથી ત્રસ્ત હૈતિના લોકો દરિયાઈ માર્ગે ફ્લોરિડા તરફ પલાયન થવા લાગ્યા. આખરે ઈ.સ. 1986 માં આર્મીના લેફ્ટનન્ટ જનરલ હેનરી નામ્ફીના નેતૃત્વમાં (Henri namphy) જબરદસ્ત બળવો થયો અને બેબી ડોક ફ્રાન્સ ભાગી ગયો. ઈ.સ. 1988 માં ફરી પાછો તખ્તાપલટ થયો અને સત્તાની કમાન જનરલ એવરિલના (General Avril) હાથમાં આવી. ચૂંટણીઓમાં ગોટાળા અને તખ્તાપલટનો સિલસિલો અવિરત ચાલુ જ હતો. એવામાં ઈ.સ. 1990 માં હૈતિના ઇતિહાસમાં પ્રથમ વખત ગોટાળામૂક્ત ચૂંટણી યોજાઈ! પણ આ વખતે પણ બીજા જ વર્ષે તખ્તાપલટ થઈ ગયો! આ બધામાં વચ્ચે અમેરિકાએ પણ હસ્તક્ષેપ કરી જોયો, પણ હૈતિના ઇતિહાસમાં ચૂંટણીઓમાં ગોટાળા, તખ્તાપલટ અને તાનાશાહીનો સિલસિલો ચાલુ જ રહ્યો. હમણાં થોડા સમય પહેલાં હૈતિના રાષ્ટ્રપતિ મોઇસની હત્યા થઈ. આ ઘટના હૈતિની રાજકીય અસ્થિરતાની પરંપરા આજે પણ સાબૂત હોવાની સાક્ષી પૂરે છે!

આ દ્વીપ ભુકંપ પ્રભાવીત ક્ષેત્રમાં આવેલો હોવાથી હૈતિમાં અવારનવાર ભુકંપ અને સુનામી પણ કાળો કેર વર્તાવતા રહે છે. ઈ.સ. 2010 માં અહીં આજ સુધીના ઇતિહાસના સૌથી ભયાનક ભુકંપે તબાહી મચાવી! જેમાં ત્રણેક લાખ લોકો મૃત્યુ પામ્યા. સરકાર દ્વારા આ આંકડાઓ બતાવવામાં પણ ગોટાળાના આરોપો લાગ્યા હતા તો વિદેશોમાંથી આવેલી મદદના ફંડમાં પણ ભ્રષ્ટાચાર થયાના આરોપો લાગ્યા હતા! ઈ.સ. 2010 માં આવેલા એ ભુકંપની અસરોમાંથી હૈતિ આજ સુધી બેઠું નથી થઈ શક્યું. રાજનૈતિક અસ્થિરતા અને કુદરતી આફતોની સાથેસાથે હૈતિ ગૅંગવૉર, ભ્રષ્ટાચાર, ગરીબી, રોગચાળો અને નિરક્ષરતા સામે પણ ઝઝૂમી રહ્યો છે! એક અનુમાન મુજબ હૈતિના 60 ટકા વિસ્તારમાં તો આ અલગઅલગ ક્રિમિનલ ગૅંગોનું જ સાશન ચાલે છે! તો હાલમાં હૈતિમાં સાક્ષરતાનું પ્રમાણ પણ માત્ર 60 થી 65 ટકા જેટલું જ છે. અકંદરે અહીંના લોકો આળસુ છે. 60 ટકા જનતા ગરીબી રેખાની નીચે જીવે છે. કેટલાક લોકો બે ટંકનું ભોજન પણ માંડ કરીને રળી શકે છે તો કેટલાકને એક ટંકથી જ સંતોષ માની લેવો પડે છે! આવા અભાવમાં પણ અહીંના લોકો જુગાર રમવામાં અવ્વલ છે! એક નિશ્ચિત આવકના અભાવના લીધે લોકો લોટરી અને જુગાર પર વધારે વિશ્વાસ કરવા લાગે છે. તો આ પ્રજા કાળાજાદુ અને ટોનાટોટકામાં પણ એટલો જ વિશ્વાસ ધરાવે છે. પોતાને લોટરી લાગે અને નસીબ ખુલી જાય એટલે કાળી શક્તિઓને મનાવવા માટે જાતજાતના ટોનાટોટકા કરતાં રહે છે! એમ કહીં શકાય કે અહીંના લોકો મહેનત સિવાય બધું જ કરે છે. શિક્ષણનો અભાવ અને અજ્ઞાનતા કોઈ દેશને કેટલી હદ સુધી દુર્ગતિ તરફ દોરી જાય છે એનું જીવતુંજાગતું ઉદાહરણ છે હૈતિ!


- ભગીરથ ચાવડા.
bhagirath1bd1@gmail.com