Swastik books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક

સ્વસ્તિક એક જાદુઈ અને ચમત્કારિક ચિન્હ છે. બ્રહ્માંડમાં રહેલી સકારાત્મક ઉર્જાને સ્વસ્તિક પોતાની તરફ આકર્ષે છે.

સ્વસ્તિક (સાથિયો) ચિહ્નની કેટલીક જાણવા જેવી વાતો છે જેની જાણકારી આપણું નસીબ બદલી શકે છે.

સ્વસ્તિકને જુદી જુદી વસ્તુઓથી બનાવવામાં આવે છે, જેનાં જુદા જુદા અર્થ હોય છે. ઉદાહરણ તરીકે સિંદુર કે અષ્ટગંધથી બનાવેલો સ્વસ્તિક શુભ ગણાય છે
ભારતીય સંસ્કૃતિમાં પ્રતીકોનું બહુ મોટું મહત્વ છે. પ્રતીકોમાં કોઈને કોઈ રહસ્ય રહેલું હોય છે. જે માણસ એ પ્રતીકોનાં ઊંડાણમાં ઉતરીને તેમને સમજવાનો પ્રયત્ન કરે છે એને જ તેમના રહસ્યની ખબર પડે છે. બાકીના લોકો માટે તો તે માત્ર પ્રતીક જ બની રહે છે.
જો એ પ્રતીકોને સાચી રીતે સમજવામાં આવે તો તેમનાથી ઘણો લાભ મેળવી શકાય છે. સ્વસ્તિક એટલે 'સાથિયો' ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પ્રતીક છે. તેને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં સ્વસ્તિકને જુદી જુદી રીતે અભિવ્યક્ત કરવામાં આવે છે.
સ્વસ્તિકનો સામાન્ય અર્થ આશીર્વાદ આપનાર, આપણું મંગલ કે ભલું કરનાર એવો થાય છે.કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરતી વખતે સ્વસ્તિક બનાવવામાં આવે છે.
સ્વસ્તિક શબ્દ સુ અસ ધાતુથી બન્યો છે. 'સુ' નો અર્થ શુભ અથવા મંગલમય થાય છે. અસનું તાત્પર્ય છે. અસ્તિત્વ તથા સત્તા, આ રીતે સ્વસ્તિકનો અર્થ શુભ ભાવનાથી તરબોળ, કલ્યાણકારી તથા મંગલમય એવો થાય છે.
તેનાથી અશુભ, અમંગળ તથા અનિષ્ટનો ભય રહેતો નથી. સ્વસ્તિક એટલે એક એવી સત્તા જ્યાં ફક્ત કલ્યાણ તથા મંગલની ભાવના જ રહેલી હોય, બીજા માટે શુભ ભાવના રહેલી હોય એટલે જ સ્વસ્તિકને કલ્યાણના પ્રતીકના રૂપમાં નિરૂપિત કરવામાં આવે છે.
અમર કોષમાં સ્વસ્તિકનો અર્થ આશીર્વાદ, મંગલ કે પવિત્રકાર્ય કરવું એવાં બતાવ્યાં છે. બધી દિશાઓમાં બધાનું કલ્યાણ થાય એવી ભાવના સ્વસ્તિકના પ્રતીકમાં રહેલી છે. સ્વસ્તિક દેવતાઓની ચારેય બાજુ રહેતા આભામંડળનું ચિન્હ ગણાય છે. તેથી તેને દેવતાઓની શક્તિ તથા સામર્થ્યનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન કાળમાં આપણે ત્યાં કોઈ પણ સારું કાર્ય કરતાં પહેલા મંગલાચરણ લખવાની પરંપરા હતી.
આ મંગલાચરણ લખવું દરેક જણ માટે શક્ય ન હતું, પરંતુ બધાં આ મંગલા ચરણનું મહત્વ જાણતા હતા તથા તેનો લાભ પણ લેતા હતા, તેથી ઋષિઓએ સ્વસ્તિકના ચિન્હની કલ્પના કરી, જેથી બધાના કાર્યો નિર્વિદને પૂરાં થઈ શકે.
સ્વસ્તિક ભગવાન સૂર્યનું પ્રતીક છે. સૂર્યને બધી દેવશક્તિઓનું કેન્દ્ર માનવામાં આવ્યો છે. સૂર્ય પ્રાણશક્તિનો આધાર છે. સૂર્યના લીધે જ જીવનમાં પ્રાણનો સંચાર તથા નિયમન થાય છે, તેથી સૂર્યને સ્વસ્તિકનું પ્રતીક માનીને જીવચેતનાની વિશેષતાઓ પ્રત્યે શ્રદ્ધાની સહજ અભિવ્યક્તિ કરવામાં આવી. ઋગ્વેદની એક ઋચામાં સ્વસ્તિકની ચાર ભુજાઓને ચાર દિશાઓની ઉપમા આપવામાં આવી છે.
ચારેય દિશાઓમાં બધું શુભ તથા મંગલમય થાય તથા તે હંમેશા આપણું કલ્યાણ કરે એવી ભાવના સાથે સ્વસ્તિકનું સર્જન કરવામાં આવ્યું છે. પુરાણોમાં સ્વસ્તિકને ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર પણ બતાવ્યું છે. એમાં શક્તિ, પ્રગતિ, પ્રેરણા અને સૌંદર્યનો દિવ્ય સમન્વય છે.સ્વસ્તિકને ઓમનું પ્રતીક માનવામાં આવે છે.ઓમજ સૃષ્ટિના સર્જનનું મૂળ છે. એમાં શક્તિ, સામર્થ્ય તથા પ્રાણ રહેલા છે.ઓમ ઇશ્વરના બધાં નામોમાં સર્વશ્રેષ્ઠ છે, તેથી સ્વસ્તિક સર્વાપરી પણ છે. અને શુભ તથા મંગલમય પણ છે.ભારતીય સંસ્કૃતિ ઉપરાંત બૌધ, જૈન તથા શીખ ધર્મોમાં પણ સ્વસ્તિકને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. બૌદ્ધધર્મમાં તેને એક સનાતન તથા શાશ્વત પ્રતીક માનવામાં આવ્યું છે. પ્રાચીન તિબેટમાં પણ તેને એવું જ દર્શાવવામાં આવ્યું છે.

જૈન ધર્મમાં સ્વસ્તિકનું ખૂબ મહત્વ છે. જૈન મંદિરો અને ધાર્મિક ગ્રંથોમાં એને પવિત્ર ગણવામાં આવ્યો છે. ધાર્મિક કાર્યોમાં વેદી પર ચોખાથી સ્વસ્તિક બનાવવો એને મંગળ માનવામાં આવે છે. સ્વસ્તિકને જીવન ચક્રનું પ્રતીક પણ માનવામાં આવે છે.

જાપાન, કોરિયા, ચીન વગેરે દેશોમાં પણ સ્તસ્તિકને શુભ માનવામાં આવે છે. ત્યાં તેને સમસ્ત સૃષ્ટિનું પ્રતીક માનવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રીસમાં પણ સ્વસ્તિકને કલાકૃતિઓ, કપડા તથા સિક્કાઓ પર અંકિત કરવામાં આવ્યો છે. ઇસુની પહેલા છઠ્ઠી શતાબ્દીમાં ગ્રીસમાં ચાંદીના સિક્કાઓ પર સ્વસ્તિકના ચિન્હો જોવા મળ્યા છે.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22/4/2021