Sajan se juth mat bolo - 12 books and stories free download online pdf in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 12

પ્રકરણ- બારમું/૧૨

જેમ કોઈ શરણાઈ વગાડતી વ્યક્તિની સામે ઊભા રહી, ઉંહકારા કરીને ખાટ્ટા આસ્વાદનો આલ્હાદક રસાસ્વાદ માણતાં આંબલી ચૂસો ત્યારે જે હાલત શરણાઈ વગાડતી વ્યક્તિની થાય એવી હાલત અત્યારે રતિઆંધળા થયેલાં ઇકબાલની હતી.

ક્યારનો સપનાની મખમલી ત્વચાનો સ્પર્શ માણવા આતુર ઈકબાલ તેની તરફ હાથ લંબાવતા, સપનાએ હાથ મિલાવ્યા વગર જ પુછ્યું..

‘કીસ ખુશી મેં ?’
‘મેં આપ કે સાથ કામ કરને કે લિયે રાઝી હૂં. આપકી શરતો કે મુતાબિક.’
‘પર કાઝી કી નારાઝગી કા ક્યા કરોગેં ? ફરી ઊંધા કાન પકડાવતાં સપનાએ પૂછ્યું..

એટલે.. સાપ સીડી રમતાં માંડ નવ્વાણું પગથિયે પહોંચેલો ઇકબાલ સપનાના ફેણ જેવા વેણ સાંભળી ઇકબાલનો ગતિમાં આવેલો મનોરથનો ફસડાઈ પડ્યો.

‘અચ્છા ઇકબાલ શેઠ, ઇસ તોડ કા ભી મેરે પાસ મજબૂત જોડ હૈ, પર ઇસકે લિયે મુજે એક દિન ઔર ચાહિયે. ફિર મેં તુમસે સાથ હાથ ભી મિલાઊંગી ઔર... સાથભી.’
ઇકબાલની સંગમ સ્વપ્નની શિથીલતાને સળંગ રાખતાં... બારણું ઉઘાડીને જતાં સપના બોલી...

‘મહેમાન નવાઝી કે લિયે તહ-એ- દિલ સે શુક્રિયા...ઇકબાલ શેઠ, સપના કો અપના બનાના તો કોઈ આપસે શીખે. અચ્છા, ખુદા હાફીઝ ચલતી હૂં...ફિર કોઈ સપના સચ હોતા હુઆ દેખો તો, ઈઝ બંદી કો યાદ લેના. ઔર એક ખાસ બાત...હમ બિલ્લુભૈયા કો નહીં જાનતે. હમ કા મતલબ સમજે.. તુમ ઔર મેં.’
એ પછી આંખ મારીને સપના જતી રહી.. અને ઇકબાલ.. ઉઘાડી આંખે જોયુલું સપનું જોઈ.. આંખો ચોળતાં ચોળતાં વોશરૂમમાં જતો રહ્યો..

વાયરામાંથી વંટોળ, અને વંટોળમાંથી વાવાઝોડું જેવી સપના ઈકબાલને ટાલ ખંજવાળતો કરતી ગઈ.

રૂમની બહાર ઉભેલો, ઈકબાલના આંગળીના ઈશારે નાચતો કઠપુતલી જેવો ગુલામ સપનાને હોટલની બહાર સુધી મૂકી ગયો.

ઠીક હોટલની સામે ટેક્ષી પાર્ક કરી, પુશબેક કરેલી ડ્રાઈવીંગ સીટને ટેકે આંખો મીંચી આરામ ફરમાવી રહેલા મનજીતની મીઠી ઝપકીમાં ત્યારે ખલેલ પડ્યો, જયારે બે કલાક પછી પણ એટલી જ ફ્રેશ લાગતી સપનાએ કારની વિન્ડો પર ટકોરા માર્યા.

આંખો ઉઘાડી, કારનું બારણું ખોલતાં બહાર આવી મોઢું ધોઈ ફ્રેશ થઈને મનજીત બોલ્યો.. ‘

‘કાર મેં બૈઠીયે.’

કારમાં બેસીને સપનાએ સમય જોયો.. રાત્રીના બે વાગ્યા હતાં.
‘અબ મેં ઘર જા રહી હૂં.’ એવો ટૂંકો મેસેજ સપનાએ બિલ્લુભૈયાને સેન્ડ કરી દીધો.

‘બેટી વાપસ ઘર કી ઔર જાના હૈ ના ?’ કાર સ્ટાર્ટ કરતાં મનજીતે પૂછ્યું.
‘જી ચાચા. ઔર હાં, બઢિયા સી ચાઈ પીની હૈ.’
‘જી, ઠીક હૈ.’

રસ્તામાં કાર થંભાવી સપનાને તેના મનપસંદ ટેસ્ટથી પણ ચડીયાતી ચાઈ પીવડાવી પછી આવ્યાં સપના ફ્લેટના પાર્કિગમાં.

‘ચાચા..બહોત.. બહોત.. શુક્રિયા. સૂકૂન કે સાથ બિતાયે હૂએ સફર કે લિયે ઇસસે અચ્છે શબ્દ મેરે પાસ નહીં હૈ.’ એમ કહી તેના પર્સમાંથી પાંચસો પાંચસો રૂપિયાની બે કડકડતી નોટ મનજીત સામે લંબાવતા તેની આંખોમાં ઉતરી આવેલી એક અનોખી ચમક સાથે સપના બોલી..

‘સવારી કા સૂકૂન હી હમારી સચ્ચી કમાઈ હૈ.’ એમ કહી તેના શર્ટના ફ્રન્ટ પોકેટમાંથી બાકીની રકમ સપનાને આપતાં સપના બોલી..

‘રહેને દો ચાચા, યે મેરી આને વાલી અગલી સફર કી પેશગી હૈ, અબ મેં કહીં ભી જાઉંગી તો આપ કી કાર મેં હી જાઉંગી.’

આભારવશ થતાં મનજીત બોલ્યો.. ‘શુક્રિયા, યે મેરી ખુદ કિસ્મતી હોગી;’
‘ગૂડ નાઈટ.’ કહીને સપના કારમાંથી ઉતરીને લીફ્ટ તરફ જવા લાગી.

કારકિર્દીના એક અલગ અનુભવ સાથે મનજીત કારનો વણાંક લઇ ધીમી ગતિ સાથે નીકળી ગયો સોસાયટીની બહાર..

ફ્રેશ થઈને સપના જયારે હળવાં પારદર્શક લાઈટ યેલ્લો કલરનો નાઈટ ડ્રેસ પહેરી બેડ પર પડી ત્યારે...થોડા દહાડા પહેલાં પહાડ જેવા પુરુષત્વના દૈત્યના ડરની કલ્પના માત્રથી ધ્રુજી ઉઠતી સપનાને સમીરના સટીક શબ્દો સાંભરતા મનોમન બોલી ઉઠી...

‘કોઈ ફિલ્મના સેટ જેવા નકલી, ખોખલાં અને પોકળ ભપકાદાર ભયના સામ્રાજ્ય જેવા ઊભાં કરેલા ભાડુતી જંગલરાજમાં જઈને નજીકથી જોઈએ ત્યારે ભાન થાય કે, સાલા કોઈ પારકાના ખભે બંદૂક રાખીને ત્રાડ નાખતો, નામ માત્રનો રાજા અસલમાં તો સિંહનું મોહરું પહેરેલો કોઈ લાલચુ, લોભી અને લુચ્ચા શિયાળની ઔલાદ છે.’

કડવાં નગ્ન સત્યથી પણ શરમજનક અને કેટલું તીક્ષ્ણ, ધારદાર અને લક્ષ્યને આરપાર વીંધીને છેદી નાખતું વિસ્ફોટક વિધાન કર્યું હતું સમીરે...

‘આમ જોવાં જઈએ તો સમ્રગ વિશ્વમાં તનોરંજન માટે ભટકતા આવાં કામરસિક પુરુષોના સામ, દામ ,દંડ અને ભેદ ભર્યા મહાકાય ટાઈટેનીક જહાજ જેવા અભિમાનને ઢાંકણી જેટલાં પાણીમાં ડૂબાડવા માટે વિશિષ્ઠ વર્ગની સ્ત્રીનું છેદ જ કાફી છે.’ સમજી ગઈ ?’

બેડ સામેના ફૂલ લેન્થ મિરરમાં તેની કાયાને જોઈ સ્વ સાથે સંવાદ સાધતા સપના ગણગણવા લાગી..

‘માર દિયા જાયે... કે છોડ દિયા જાયે.. બોલ તેરે સાથ ક્યા સલૂક કિયા જાયે..કૈદ કિયા જાયે કે છોડ દિયા....’

સમય જોયો.. મધ્ય રાત્રીના સાડા ત્રણ થયાં હતા.. ચારેય રૂમમેટ્સમાંથી કોઈ હજુ પરત આવ્યું નહતું ..આંખો મીંચાઈ એ પહેલાં ભયના સામ્રાજ્યમાં ભૂચાલ આવી જાય એવી એક ચતુર ચાલનું ચોકઠું, ચિત્તમાં ચીતરીને સ્વયં સપના સંકડાઈ ગઈ સ્વપ્નના સકંજામાં. એ પછી નિદ્રામાં મનઘડત ભાવીના તુક્કા લડાવતાં એવી આંખો ઘેરાય કે, સવારે આઠ અને પંદર મીનીટ સુધી ક્લાસીસ પર ન પહોંચતા સમીરના સતત સાતેક કોલ્સ આવ્યાં પછી... અચાનક ગહન નિદ્રાની તંદ્રા ભંગ થતાં ભાન થયું કે, મોબાઈલ રણકી રહ્યો છે. બંધ આંખોએ તકીયાની આસપાસ હાથ ફેરવીને મોબાઈલ કાન પર મૂકતાં ઊંઘમાં જ બોલી...

‘હે...લો’
ઐશ્વર્યા રાયને બદલે અમરીષ પૂરી જેવો ઘેરો સ્વર સાંભળતા સમીર સમજી ગયો કે, ગઈ ભેંશ પાણીમાં.

‘અરે, યાર શું ‘હેલો’ ? અહીં આખું ક્લાસીસ હલવા માંડ્યું છે, તું છે ક્યાં ? તને ખબર નથી આજે સ્ટુડન્ટની ટેસ્ટ લેવાની છે ? અહીં પેલો ડ્રમગર્લ જેવો બોસ તારા નામની બૂમો પાડીને તાંડવ નૃત્ય કરે છે. તું કેટલાં સમયમાં અહીં પહોંચે છે, તો એ રીતે આ મૂકરીની આધુનિક ઔલાદને શાંત પાડું ?

એક કિંગસાઈઝ બગાસું ખાતા સપના બોલી... ‘અરે..છોડના યાર, મરને દે ઉસકો.. આજ ક્લાસ પર આને કા કોઈ મૂડ નહીં હૈ..’

એક હાથ માથાં પર મૂકતાં સમીર બોલ્યો.. ‘ઠાર માર્યા, એલી, આ સ્ટુડન્ટના વાલી તો મારશે જ પણ અમને શું ખબર કે તું રાતોરાત સપનામાંથી સુગ્રીવ બનીને વગર ગદાએ અમને ગડદા પાટું ખવડાવીને સૂઝવી નાખીશ ?
ઊંઘ ઉડાડી દે તેવી કોમેન્ટ સાંભળીને ખડખડાટ હસતાં હસતાં સપના રજાઈ હટાવતાં બોલી... ‘સમીરીયા..આ તારી લિંગ પરિવર્તનની વાત સાંભળીને પર ઓલા અમૂક લખોટાનું ભજન યાદ આવી ગયું..’ સાંભળ સાંભળ..

‘ઐસી લાગી લગન.. મીરાં હો ગઈ મગન..’

‘એ ઘન ચક્કર... અમૂક લખોટા નહીં....અનૂપ જલોટા. ચલ, ફોન મૂક, તે તો સવાર સવારમાં...મારી હાલત તળિયા વિનાના લોટા જેવી કરી નાખી.’

ઠીક સમીરની પાછળ ઉભેલાં તેના બોસ સુબોધ બેનરજીની ગુસ્સાથી ઉકળીને બાષ્પીભવન થઇ ગયેલી ધીરજ રાખવાની એનર્જી ખૂટી જતાં રીતસર તાડૂક્યા
‘ક્યા ગયો એ સોપનાનો બચ્ચો.? હું તેનો ખીર કાડી નાકવાનો છું આજે.’
‘ખીર નહીં... ખેર સર, ખેર. હું તેની ખેર કાઢી નાખવાનો છું એમ. બટ, પ્લીઝ સર. કૂલ.. આઈ વીલ ટ્રાય માય બેસ્ટ.’

સપનાની વાત પરથી સમીરને એક વાતનો અંદાજ આવી ગયો કે, હવે સપના સપનું બની ગઈ. જો ઇકબાલ મિર્ચી સાથે હાથ મિલાવ્યો હશે તો,સપનાની હાલત હવે બ્રેક વિનાના વાહન જેવી થઇ જશે. પણ અત્યારે તો સમીરની દશા કફોડી હતી.

સપનાની ઈચ્છા તો હજુ પણ ઊંઘવાની હતી પણ, આંખ ખુલતાં વ્હેત જીભની ચાની ચુસ્કી માટે ટળવવાની ખોડ જન્મજાત હતી, એટલે આળસ મરડીને અનિચ્છાએ બેડ પરથી ઊભી થઈને ગઈ વોશરૂમ તરફ પહેલાં..

બન્ને બેડરૂમ અને હોલમાં નજર કરી તો.. શબનમ હોલમાં, જ્યોતિ તેના અને ડોલી અને રૂબીના તેમના બેડરૂમ્સમાં સાઉન્ડ સ્લીપની મસ્તીમાં મસ્ત થઇ, અસ્ત વ્યસ્ત પડયા હતાં.
ફ્રેશ થયાં બાદ ચાઈનો ફૂલ સાઈઝ મગ ભરીને બેડરૂમમાં પહેલો ઘૂંટ ભરતાં જ આંખો અને દિમાગની બંધ નસો આપોઆપ ઉઘડી ગઈ. એ પછી રાતની ઇકબાલની સાથેની અનફોર્ગેટેબલ મુલાકાતની પહેલાં અને પછીની વાતોનો વાગોળતાં મનોમન હસતાં બોલી...

‘હું જ હતી... ગઈકાલ રાતની સપના ? સપનાની રાત હતી કે, રાતનું સપનું ? બટ, અમેઝિંગ થ્રિલ એન્ડ સસ્પેન્સ. વિચારતી હતી કે, પહેલાં કોનો કોલ આવશે... બિલ્લુનો કે ઈકબાલનો ? ત્યાં જ ડોરબેલ વાગી. એટલે આશ્ચર્ય સાથે હાથમાં ચાઈનો મગ લઇ, ફ્લેટનું મેઈન ડોર ઓપન કરતાં સામે જોયું તો..કપાળ પર ટેકવેલા લેટેસ્ટ ફેશનના સ્ટાઈલીસ ગોગલ્સ, ભૂરકી નાંખતી આકર્ષક ભૂરી આંખો, વાંકડિયા વાળ, મસલ્સમેન જેવા બાવડાં, યેલ્લો કલરનું સ્લીવલેસ સ્કીન ટાઈટ ટી-શર્ટ, અને રેડ જીન્સ પહેરેલાં એક ચીકના હેન્ડસમને જોતા સપનાએ પૂછ્યું..


‘આપ કોને મળવા માંગો છો ? આપનું શુભ નામ ?
એટલે પારદર્શક ગાઉનમાંથી ડોકાતાં સપનાના કામુક દેહલાલિત્ય પર રોડ સાઈડ રોમિયોની અદાથી એક તીરછી નજર ફેરવ્યાં પછી તેની હથેળી તેની લેટેસ્ટ હેયર સ્ટાઈલમાં ફેરવતાં બોલ્યો..

‘કામ મારે શબનમનું છે, અને નામ મારું બબ્બન છે, બબ્બન મારવાડી.’
ત્યાં હોલના સોફા પર અર્ધ જાગૃત અવસ્થામાં ઉંધી પડીને સુતેલી શબનમ આંખો ઉઘડ્યા વગર જ બોલી..

‘સપના, અપના યાર હૈ, આને દે અંદર.’
એટલે બબ્બન અંદર ફ્લેટમાં દાખલ થયો, અને સપના તેના બેડરૂમ તરફ જઈ રહી હતી, ત્યાં ફરી શબનમ બબ્બનને સંબોધતા ઊંઘમાં જ બોલી..
‘તું બેસ હું એક નાની ઝપકી લઈ, થોડીવાર પછી ઉઠું છું.’
એટલે બબ્બન બાલ્કની તરફ ગયો..

‘આપ ચાઈ પીશો ? સપનાએ બબ્બનને પૂછ્યું,
‘ઓ, સ્યોર, મને ચાઈ પીવાં કરતાં તમારી જોડે શેર કરવું વધુ ગમશે.’ બાલ્કનીની રેલીંગનો ટેકો લઇ તેના બંને હાથથી અદફ વાળતાં બબ્બન બોલ્યો..
‘જસ્ટ એ મિનીટ’ એમ કહી સપના બેડરૂમમાં જઈ ચેન્જ કર્યા પછી.. બ્લ્યુ શોર્ટ્સ પર વ્હાઈટ સ્લીવલેસ ટોપ પહેરી કિચનમાં જઈ, બન્ને હાથમાં એક એક ચા નો મગ લઈને, આવી બાલ્કનીમાં આવતાં બબ્બનના હાથમાં મગ આપતાં સપનાની સામું જોઈ બબ્બન બોલ્યો..

‘થેન્ક્સ સપના જી.’
‘તમે મારું નામ....કઈ રીતે..? આટલું બોલ્યાં પછી સપનાને યાદ આવ્યું કે બે મિનીટ પહેલાં જ શબનમ બોલી હતી એટલે આગળ બોલી. ‘હમમમ.. યાદ આવ્યું.’
‘તમને અહીં ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યો છું.’ બબ્બન બોલ્યો..
‘જી હાં, અભી તો હમ દોનો એક દુસરે કી ફિતરત સે અજનબી હૈ, મેં ઔર યે શહેર.’
સપના બોલી..

‘બટ, આઈ સ્વેર રીયલી યુ આર લૂકિંગ સો ગોર્જિયસ.’
ટેસ્ટી ચાના ટેસ્ટ સાથે ફલર્ટ કરતાં બબ્બન બોલ્યો..
એટલે સ્હેજ હસતાં સપના બોલી..
‘સોરી, પણ મને તો સાવ ફિક્કું, લુખ્ખું, કોપી પેસ્ટ અને અઢારમી સદી જેવું લાગ્યું તમારું આ વાક્ય.’
સ્હેજ પણ શરમાયા વિના ગોગલ્સને ટી-શર્ટના બેક સાઈડમાં ભરાવતાં બિન્દાસ બબ્બન બોલ્યો..
‘તમારો પરિચય કોરા કાગઝ જેવો છે, નહીં તો...’
‘નહીં તો શું.... ? સપનાએ પૂછ્યું..
‘કોઈ અજનબી ખૂબસૂરત બલા પહેલી મુલાકાતમાં મારી તારીફથી અસંતુષ્ટ હોય તો....હું જગજાહેર સ્હેજે બીક વિના બેધડક બીગ બી ની માફક કહી જ દઉં છું...
‘પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે.’

સપનાના બાઉન્સર જેવા સવાલ પર હેલીકોપ્ટર શોટ મારીને બબ્બને એવી સિક્સર ફટકારી કે, બેબાક બોલતી સપનાની બોલતી બંધ કરી દીધી. અને સપના શરમાઈ જતાં નજર નીચે ઢાળી દીધી..


ઊંઘમાં પણ ચુપચાપ બન્નેના સંવાદ સાંભળતી શબનમે સપનાને કહ્યું...

‘એલી એય.. તું આ પ્લે બોયના બાપના બ્રાન્ડ એમ્બેસેડની સળી કરવાનું રહેવા દે, આ બેશરમની સામે તો સની લીયોની પણ ઈંગ્લીશનો આંઠડો થઈને પગે લાગી જાય. તું આને ચાળે ન ચડતી નહીં તો, આ કામદેવનો અવતાર મોર બની ને એવી કળા કરશે કે, ઢેલમાંથી ફાટેલા ઢોલ જેવી દશા કરીને તારા બન્ને પગના પંજા ઉત્તર દક્ષિણમાં ફંટાઈ જાય તારી એવી ચાલ કરી નાખશે.’

એ પછી સોફા પરથી ઉભાં થઇ તેની નાઈટી સરખી કરતાં બબ્બનને સંભળાવતા બોલી..

‘અને ઓયે..ઇમરાન હાશમીના ગુરુ, તારી મા એ શું ખાઈને તને પેદા કર્યો’તો કે, સાલા તારી બેટરી ચોવીસ કલાક ફુલ્લી લોડેડ જ હોય છે ? અહીં આવ.’
શરમ શબ્દ પણ જેનું નામ સાંભળીને શરમાઈ જાય એવી ઉઘડા છોગે ઢંગ વગરના અંગનું પ્રદર્શન કરતી રાખી સાવંત અને પૂનમ પાંડે જેવી મોડેલીંગ માર્કેટિંગની મહારાણી પણ ઘૂમટો તાણીને શરમાઈ જાય એવી શબનમની અન્સેન્સરર્ડ શબાબવાણી સાંભળતા સપના તેના બેડરૂમમાં જતી રહી.

સોફામાં બેસેલી શબનમના ખોળામાં માથું મૂકતાં શબનમના ગાલ ખેંચતાં બબ્બન બોલ્યો..
‘અરે.. ઇતના કાયકુ જલતી હૈ જાનેમન ? કિસી લડકી કી તારીફ ન કરો તો ખુદાને ઉસકો બક્સી હુઈ બેહદ ખુબસુરતી કી તૌહીન હોતી હૈ સમજી ?

સોફાની નજીક પડેલી ચિલ્ડ પાણીથી ભરેલી આખી બોટલ બબ્બનના ચહેરા પર ઢોળતાં શબનમ બોલી..

‘એક કામ કર, ઉસકો તેરે ઘર લે જા, પુરા દીન તેરી ગોદી મેં બિઠા કે, ઉસકી તારીફ મેં કસીદે પઢના ઠીક હૈ.’

શબનમે મીઠો ગુસ્સો ઠંડો કરવાં બબ્બન પર ઢોળેલાં ઠંડા પાણીને વ્હાલની વાંછટ સમજી બબ્બન બોલ્યો,
‘શબનમ ભી ઇતની સખ્ત ઔર બેરહેમ હોતી હૈ, યે પહેલી બાર દેખા ?
‘હાં.. હાં.. બેરહેમ હૂં, પર તેરે જીતની બેશરમ નહીં સમજા.’
એમ કહી વોશરૂમમાં જતી રહી.
બબ્બન મારવાડી..
મૂળ રાજસ્થાની, પણ બબ્બનના બાળપણથી રાજસ્થાન છોડીને આ મહાનગરમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાઈને સ્થાઈ થયેલા ધનાઢય દેવીલાલ બંસલનું એક માત્ર ફરજંદ એટલે બબલુ બંસલ, જેને પ્રેમથી સૌ બબ્બન મારવાડીના નામથી ઓળખતા.
દેખાવે જે હદે ફાંકડો હતો તેથી’યે વધુ દિલ ફેંક આશિક, અને ફલર્ટ કરવામાં એટલો માહિર કે, એકવાર બબ્બનના ‘ટચ’માં આવ્યાં પછી ‘અનટચ’ રહેવું, એ કોઈપણ સ્હેજ ખુલ્લા વિચારો ધરાવતી ટીનેજર અથવા વનપ્રવેશ કરી ચુકેલી માનુનીને તેના અસહ્ય, અકથ્ય અવસ્થાની અવદશા અભિશાપ જેવી લાગવા લાગતી.

આજે શબનમને તેની ફેમિલીને મળવા હૈદરાબાદ જવાનું હોવાથી તેની કારમાં શબનમને એરપોર્ટ ડ્રોપ કરવાં માટે બબ્બન ફ્લેટ પર આવ્યો હતો.

આશરે પોણો કલાક પછી, ફ્રેશ થઇ બ્રેકફાસ્ટ લઇ તૈયાર થઇ, લગેજ લઈને શબનમ આવી બેઠકરૂમમાં ત્યાં સપના પણ તૈયાર થઈ, મીની હેન્ડબેગ સાથે તેના બેડરૂમમાંથી બહાર નીકળતાં શબનમે પૂછ્યું.

‘કેમ સપના, આજે જોબ પરથી છુટ્ટી લીધી છે કે શું ?’
‘હાં, હાલ પુરતું તો એવું જ છે. પણ હવે વિચારું છું કે, હંમેશ માટે છુટ્ટી લઇ લઉં.’
સપના બોલી.
‘કેમ, દાઉદ ઈબ્રાહીમે જોબની ઓફર કરી છે કે શું ? હસતાં હસતાં શબનમે પૂછ્યું.

‘હાં, યાર ઓફર તો કરી છે, પણ જોબની નહીં પણ પાર્ટનરશીપની અને તેણે નહીં મેં સામેથી કરી છે, અને એ પણ મારી શરતોને આધીન સમજી.’

એટલે રીતસર સોફા પરથી સ્પ્રિંગની માફક ઉછળતાં બબ્બન બોલ્યો..
‘તો... તો.. આઆ...આ લ્યો મારો મોબાઈલ નંબર. ડ્રાઈવર, દરવાન, માળી, શેફ કે સર્વન્ટ ગમે તે જોબ હશે તો હું કરવાં તૈયાર છું.’
એમ કહેતા તેનું કાર્ડ આપતાં બબ્બન બોલ્યો..

એટલે શબનમ ડોળા કાઢતાં બોલી..
‘જો તારે ઈજ્જતથી બેઈજ્જત થવું હોય તો, બંસલમાંથી બસંતી થઇ જા, બબ્બન. આઈ એમ સ્યોર કે, તારા રવાડે ચડ્યા પછી કદાચ દાઉદ ‘ગે’ ની ગેંગ પણ જોઈન કરે, તો નવાઈ નહીં.’

એ પછી શબનમની કાતર જેવી કોમેન્ટ અને બબ્બનનો ચૂસાયેલા આમ જેવો ચહેરો જોઇને સપના હસી હસીને બેવડી વળી ગઈ.

પછી શબનમે સપનાને પૂછ્યું, ‘ તું કયાંય બહાર જઈ રહી છે ?
‘હાં, રીંગ રોડ પર આવેલી હોટલ રેડીશન બ્લ્યુની સામેના સેટેલાઈટ મોલમાં જવાનું છે. પણ, મને એ લોકેશનનો કોઈ આઈડિયા નથી. કેટલું દુર છે અહીંથી ? સપનાએ લાઈટ પિંક કલરની કુર્તી પરનો તેનો બ્લેક કલરનો દુપટ્ટો સરખો કરતાં પૂછ્યું.

‘એ તો અહીંથી ખાસ્સું દૂર છે, મીનીમમ પંદરેક કિ.મી. તો ખરું જ.’ બબ્બન બોલ્યો.
‘બટ, યાર ડોન્ટ વરી સપના, આ દેવીલાલ બંસલે પરસેવાથી પાડેલા ફળદ્રુપ ટીપાંનું ફરજંદ આપણી સેવામાં હાજર જ છે. એ તને ડ્રોપ કરી જશે.’

‘ઓયે..શબનમ તું પણ હદ કરે છે યાર, તારી શરારતમાં મારાં બાપનાં ટીપાં ક્યાંથી વચ્ચે આવ્યાં ?
એટલે ખડખડાટ હસતાં હસતાં શબનમ બોલી...

‘જ્યાંથી તારા ટીપાં આવે છે સમજ્યો... અને મારા અને સપનાની વચ્ચે તું આવ્યો છે સમજ્યો. મેં ઉપર સે શબનમ હું ઔર પર અંદર સે શોલા યે તું કાફી અચ્છી તરહ સે જાનતા હૈ. ચલ હવે કુલી નંબર ૦૦૭ આ લગેજ ઉપાડ એટલે આપણે ત્રણેવ નીકળીએ.’

એ પછી ત્રણેવ લીફ્ટ મારફતે આવ્યાં, નીચે પાર્કિંગમાં. બબ્બનની ઈનોવા કારમાં લગેજ સાથે ગોઠવાઈને રવાના થયાં એરપોર્ટ તરફ.

‘બબ્બન અને શબનમ ફ્રન્ટ સીટ અને સપના હતી બેક સીટ પર.’
સપના, બબ્બન અને શબનમની અનબિલીવેબલ આઊટ ઓફ લીમીટ વિનોદવૃતિને યાદ કરતાં હસતી હતી, એ જોઈ શબનમેં પૂછ્યું. ‘ કેમ હસવું આવ્યું ?

‘રીઅલી..લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવાં શબ્દપ્રયોગ અને પાર વગરની મસ્તી સાથેની હસ્તી જોઈ રહી છું. આટલું મુક્ત મને ખડખડાટ હું ક્યારેય નથી હસી.’ સપના બોલી.

‘અરે... આ તો કઈ નથી સપના. અમારી ટોળી ભેગી થઇ હોય અને પછી જે માઝા વગરની મસ્તીની મહેફિલ જામે એમાં તારી જેવા કાચાં પોચાનું તો કામ જ નહીં.. રીતસર રડી પડે એ હદની ફીરકી ખેંચાઈ.’

‘હવે સાંભળ, આ બબ્બન બેંગકોકમાં કઈ રીતે બકરો બન્યો હતો, તેની એક મજેદાર વાત કરું..’
‘શબ્બુ, ડાર્લિંગ બધી ઈજ્જત આજે જ ઉતારી નાખીશ ?
એરપોર્ટ તરફ ટર્ન લેતાં બબ્બન બોલ્યો.
‘હાં, કેમ કે, એક વીક હૈદરાબાદ જાઉં છું, તો પુરા વીકનો ક્વોટો આજે જ પૂરો કરી લઉંને હક્કથી.’

‘શું બન્યું હતું બેંગકોકમાં ? સપનાએ પૂછ્યું
‘આ મારો બબલુ, ત્યાંની રસ્તાં પર ઉભેલી કોઈ ગોરી લલચામણી લલનાને લઈને આવ્યો હોટલ પર, શૂટિંગમાં ખુદની જાતને શુરવીર સમજતો લોડેડ ગનથી હજુ લક્ષ્યવેધ માટે વોર્મઅપ કરે તે પહેલાં તો બંને વચ્ચે મહાભારત શરુ થયું. અને પેલી રૂપલલના તો ઇંગ્લીશમાં બારડા પાડતી આવી હોટેલના રીસેપ્શન કાઉન્ટર પર અને પાછળ બબ્બન શિથિલ થયેલાં હથિયાર સુશુપ્ત અવસ્થામાં પકડીને.
પેલીએ મેનેજરને ફરિયાદ કરી કે,
‘આ વગર ટીકીટ જેવો પેસેન્જર મને પેમેન્ટ નથી આપતો.’
મેનેજરે બન્નેને શાંત પાડ્યાં પછી...આખી મેટર જાણી. અંતે..રહસ્ય પરથી પડદો ઉંચકતાં બબ્બન બાહુબલી માંથી બકરી બની ગયો. પેલી અખંડ રહીને ખંડણીની માફક બબ્બન પાસે ખંડિત થવાનો તગડો ચાર્જ લઈને વગર ડીસ્ચાર્જે બબ્બનની બેટરી ઉતારતી ગઈ.

‘કેવું રહસ્ય ? સપનાએ પૂછ્યું.
‘અરે... પેલી હરતી ફરતી મેકઅપની દુકાન જેવી લૈલા સેમીનાર નીકળી’
હસતાં હસતાં શબનમ બોલી..
એટલે સપના કંઈ સમજી નહીં.. એટલે આશ્ચર્ય સાથે પૂછ્યું... ‘સેમીનાર.. એટલે શું ?’
‘અરે... એ ઉપરથી લૈલા હતી... અંદરથી લાલજી નીકળી... સેમીનાર મતલબ... પાંચ અને સાતની વચ્ચેનો, છક્કો. હીજડો નીકળ્યો. લૈલાનો મેકઅપ ઉતારતાંની સાથે જ શૂટિંગનું સુરસુરયું થઈને પેકઅપ થઇ ગયું. એ પોપટી બબ્બનને પોપટ બનાવી ગઈ.’

એ પછી સપનાનો જે હાસ્ય ધોધ છૂટ્યો...તો કયાંય સુધી સીટ પર આડી પાડીને બબ્બનની મનોદશાનું ઈમેજીન કરતાં કરતાં એટલું હસી કે આંસુ સરી પડ્યા, પછી બોલી...

‘બસ, કર શબનમ હવે તો પેટમાં દુખે છે,યાર... ઓહ માય ગોડ.. આઈ કાન્ટ ઈમેજીન કે બબ્બન જેવી વ્યક્તિ કરણ જોહર અને કેટરીના કૈફ વચ્ચેના ભેદ ન પારખી શક્યો હોય.’

એરપોર્ટ પાર્કિંગમાં આવી બ્રેક મારતાં બબ્બન બોલ્યો..
‘સાલા એ પછી તો, એક આખી બોટલ વ્હીસ્કીની ઢીંચી ગયો તોય નશો ન ચડ્યો.’
એટલે ફરી હસતાં હસતાં સપનાએ પૂછ્યું,
‘કેમ ?’
કાર માંથી ઉતરતાં શબનમ બોલી
‘છેદના ખેદમાં.’

એટલે ફરી ખડખડાટ હસતાં.. સપના બોલી.
‘નાઉ..પ્લીઝ.. પ્લીઝ.. સ્ટોપ યાર.. મારા જડબાં દુઃખાવા લાગ્યાં.’
‘છતાં કોઈ ગમે તે કહે મારો બબલુ, નજરથી લક્ષ્મણ અને દ્રષ્ટિથી અર્જુન જેવો છે હો.’
હસતાં હસતાં શબનમ બોલી,

ટર્મિનલમાં એન્ટર થતાં પહેલાં શબનમ અને બબ્બને પાંચ સાત મિનીટ પરસ્પર ઉષ્માભર્યા આલિંગન સાથે લાગણીવશ થઈને એકબીજા પર ચિક્કાર ચાહતથી ચુંબનનું વ્હાલ વરસાવ્યા પછી આંખોમાં નમી સાથે છુટ્ટા પડ્યા અને સપના આ દ્રશ્યના મર્મને સમજ્યા વગર ચુપચાપ જોતી રહી.

એ પછી સપના બબ્બનની સાથે ગોઠવાઈ ફ્રન્ટ સીટ પર, અને બબ્બને કાર રવાના કરી રીંગ રોડ હાઈવે તરફ સપનાને ડ્રોપ કરવા.’
બે મિનીટ પછી સપનાએ પૂછ્યું,
‘સોરી,બબ્બન પણ મને તમારા અને શબનમના રિશ્તાની રસમ ન સમજાઈ. આઈ મીન ટુ આસ્ક કે, આટલી પાર વગરની પરાકાષ્ઠા સાથે વિરુધ્ધ દિશાના બે અંતિમ છેડા જેવા હોવાં છતાં માન્યામાં ન આવે તેટલી નિકટતા તમારાં બંનેમાં જોઈને, હું વિચારી રહી છું કે, એવું ક્યુ સશક્ત પરિબળ તમારા સંબંધને જોડી રાખે છે ?
સ્માઈલ કરતાં બબ્બન બોલ્યો..

‘નરી આંખે ઉડીને વળગે એવી અમારા વચ્ચેની પારદર્શિતા. ગંગાના નીર ગમે તેટલાં મેલા કે છીંછરા હોય છતાં તેને કહેવાય તો ગંગાજળ જ. રોજ સેંકડો લીટર દુષિત પાણી ગંગામાં ઠલવાઈ છે, છતાં ગંગાની પવિત્રતાને ક્યાં દાગ લાગ્યો ? જગતભરના લોકો આસ્થાનું પ્રદર્શન કરી તેના પાપ ધોવા ગંગામાં ડૂબકી લગાવે છે, છતાં ગંગા ક્યાં મૈલી થઇ ? ખુદની શખ્શિયત સશક્ત હોય તો કોઈ તમારું અસ્તિત્વ ન મિટાવી શકે. મદીરામાં તમે કોઈ પણ દ્રાવણ મિક્સ કરો છતાં અંતે પણ કહેવાય તો તે મદિરા જ.’

‘મારી અને શબનમ બન્નેની દુનિયા અલગ છે, છતાંયે અમને જોડી રાખતું સશક્ત પરિબળ છે, એકબીજા પરની અંધ કરતાં પણ આંધળી આસ્તિકતા. બબ્બન મારવાડી કયારે, ક્યાં અને કેટલું પી પી કરે છે એ પણ શબનમને ખબર હોય એટલી આરપારની પારદર્શિતા છે અમારાં વચ્ચે,’

બબ્બનની સામું જોઇને સપના વિચારતી રહી કે, આ દુનિયામાં જેટલાં શબ્દો છે તેના કરતાં અનેકગણી ચડીયાતી સંખ્યામાં તો સંબંધના સ્વરૂપ છે. એ પછી બોલી.

‘સાચ્ચે જ બબ્બન, નજરે જોયા અને સાંભળ્યા પછી પણ તમારો અનન્ય અનુબંધ ઉઘાડી આંખે જોયેલા દીવાસ્વપ્ન જેવો લાગે છે, આઈ રીઅલી ફીલ પ્રાઉડ કે, મને તમારા જેવાં મિત્રોની સંગાથી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું.’

‘સપના, વ્હાલ તો દરેક વ્યક્તિને વ્હાલું લાગે પણ, ભાગ્યે જ મળતાં સાચા મોતી જેવા કોઈ વ્હાલને કોઈ વ્યક્તિ સારો લાગે.’

રોડની ડાબી તરફ કાર થંભાવતા બબ્બન બોલ્યો,
‘લો. આપણે આવી પહોચ્યાં તમે સુચવેલા સ્થળ પર. હવે સવિસ્તાર નહીં પણ ટૂંકમાં સપનાનો પરિચય આપશો ?

એટલે સપનાએ ટૂંકમાં પણ અતિ થી ઇતિ ગઈકાલ રાત સુધીનો પરિચય બબ્બનને કહ્યો. એ પછી બબ્બને પૂછ્યું.

‘પણ તમે અહીં કોને મળવાં આવ્યાં છો ?
‘એ હવે નક્કી કરીશ પણ, આપ કહો મારે કોને મળવું જોઈએ ? બિલ્લુ બનારસી કે ઇકબાલ મીર્ચીને ?
સપનાએ સામે સવાલ કર્યો

‘તેનો ઉત્તર તો તમારાં લક્ષ્ય પર નિર્ધારિત છે, કોઈપણ દ્રવ્યની ખપ, કિંમત અને ગુણવત્તા સામેવાળાની તૃષ્ણા પર આધારિત હોય છે. ગરજે ઘોડાએ પણ ગધેડાને બાપ બનાવવો પડે. પણ તમે પેલા ‘ડોન’ ફિલ્મના બચ્ચન જેવું કરોને, તમારી પિસ્ટલમાં બુલેટ્સ નથી એ આ લોકોને કહેવાની શું જરૂર છે ? ઘણાં લૂંટારા રમકડાની રાયફલથી પણ બેંક લૂંટી લ્યે છે. અને સંકટ સમયની સાંકળ માટે એક નહીં પણ ઇકબાલ મિર્ચી અને બિલ્લુ બનારસી જેવી બે લાઈફલાઈન તો તમારાં હાથવગી છે જ ને.’

‘છેલ્લો સવાલ... તમે મારી જગ્યા એ હો તો શું કરો ? સપનાએ બબ્બનને પૂછ્યું..

સપનાની આંખમાં જોઇને બબ્બન બોલ્યો..
‘શબનમને મળેલા બબ્બન જેવો કોઈ વ્યક્તિ તમારી લાઇફમાં આવે ત્યારે તમને આ પહેલીનો પ્રત્યુતર મળી જશે.’

‘સાચા મોતી જેવો એમ ? પણ તેના માટે તો મરજીવા બનવું પડે.’ સપના બોલી

‘મરજીવા બનવા જીગર જોઈએ, અને તમારી પાસે તો જીસ્મ, જીગર અને જવાની ત્રણેય હથિયાર છે, અને હોશિયાર પણ છો, તો કોઈના હથિયારનો હાથો શા માટે બનો છો ?’
‘સુરક્ષા માટે ?’

એટલે ખડખડાટ હસતાં બબ્બન બોલ્યો..
‘જે સ્વયંની સુરક્ષા માટે ભાડુતી માણસો રાખે છે એ તમારી સુરક્ષા કરશે એમ ?
કોઈ હરાવવો હોય તો દુશ્મનીથી બચવા સુરક્ષાની જરૂર પડે, દોસ્ત બનવા કે બનાવવા માટે તો દિલ જીતવું જ કાફી છે. અને એ તમે ચપટી વગાડીને કરી શકો એમ છો. તમે તેઓની મરજી મુજબના મરજીવા બનશો, અને સાચા મોતી એ લઇ જશે સમજ્યા ?

‘માન ગયે ઉસ્તાદ.’ સપના બોલી
‘શબનમે અમથું નહતું કીધું કે... ‘ આ પ્લેબોયના બ્રાન્ડ એમ્બેસેડરને સળી કરવાનું રહેવા દે જે....’ એ બોલી બબ્બન હસવાં લાગ્યો.
ત્યાં જ સપનાના મોબાઈલની રીંગ વાગતાં તેણે સ્ક્રીન પર નામ વાંચ્યું..

‘બિલ્લુ બનારસી’
-વધુ આવતાં અંકે