Jivan Sathi - 1 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 1

" જીવન સાથી " પ્રકરણ-1
નમસ્તે, મારા પ્યારા વાચક મિત્રો
1. પ્રિયાંશી
2. વરસાદી સાંજ
3. જીવન એક સંઘર્ષ
4. સમર્પણ
5. પારિજાતના પુષ્પ
6. ધૂપ-છાઁવ
7. પરી
આ બધીજ મારી નવલકથાઓને આપ સૌએ ભરપૂર પ્રેમ આપ્યો છે તે બદલ હું આપ સૌની દિલથી ખૂબજ આભારી છું.

આજ રોજ આપ સૌની સમક્ષ હું એક નવી નવલકથા મૂકવા જઈ રહી છું. જેનું નામ છે." જીવન સાથી " મને આશા છે કે આપ સૌને તે જરૂરથી પસંદ આવશે. આપ સૌ તે વાંચીને તેના વિશેના પ્રતિભાવ આપતા રહેશો તેવી આપ સૌને વિનંતી છે. આ એક પ્રેમકથા છે.

બરાબર આઠ વાગ્યા છે અને ડૉ.વિરેન મહેતા, શહેરના ખ્યાતનામ ડૉક્ટર પોતાના ક્લિનિક ઉપરથી ઘરે આવે છે અને તેમની પત્ની મોનિકા, જે એક ડાયેટીશીયન છે તે તરત જ તેમને ટકોરે છે કે, "ક્યાં છે તમારી લાડલી..?? ફોન કરો એને સવારની ગઈ છે ઘરેથી પિક્ચર જોવાનું કહીને આઠ વાગ્યા હજી સુધી આવી નથી.

ડૉ.વિરેન મહેતા: આવી જશે હમણાં, આટલી બધી બૂમાબૂમ શું કામ કરે છે..??

મોનિકા: અરે અત્યારે જમાનો ખૂબ ખરાબ છે, ધ્યાન રાખવું જ પડે છોકરીઓનું.

ડૉ.વિરેન મહેતા: હું તને એ જ સમજાવું છું કે અત્યારે જમાનો બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે. આપણાં સમયની વાત જુદી હતી. અત્યારના છોકરા-છોકરીઓ થોડા ફોરવર્ડ જ હોય અને આપણે તેમને સામેથી જ થોડી છૂટછાટ આપવી પડે નહિતો પછી આપણાંથી છૂપાવીને, જુઠ્ઠું બોલીને તેમનું ધાર્યું કરે.

મોનિકા: આમને એમની છોકરીની વાત આવે એટલે ખેંચાઈ જ જાય બસ એને કંઈ નહીં કહેવાનું.

આન્યા, ડૉક્ટર વિરેન મહેતાની એકની એક દીકરી. જે તેમને પોતાના જીવ કરતાં પણ વધારે વ્હાલી. દેખાવમાં એકદમ રૂપાળી, ભૂરી ભટાક, હસે ત્યારે બંને ગાલ ઉપર ખાડા પડે, લેયર કટ સોનેરી ચમકતાં વાળ, લાંબો અને પાતળો બાંધો, બોલવામાં એકદમ ફાસ્ટ પણ મીઠી લાગે તેવી, પપ્પાની ખૂબજ લાડકી અને ભણવામાં ખૂબજ હોંશિયાર. દર વર્ષે પહેલો જ નંબર આવે.

આજે જ તેની બાર સાયન્સની ઍક્ઝામ પૂરી થઈ હતી એટલે ગૃપ સાથે પિક્ચર જોવા જવાનો પ્લાન બનાવ્યો હતો અને તેમાં પપ્પાની સંમતિની મૉર વાગી જાય પછી તો પૂછવું જ શું..??

હજી તો મમ્મી-પપ્પા વચ્ચે દીકરીની વાતની મીઠી ચળભળ ચાલી રહી હતી ત્યાં જ આન્યા હાથમાં પર્સ ઝુલાવતી ઝુલાવતી પોતાના શાનદાર બંગલાના કંમ્પાઉન્ડમાં પ્રવેશી અને ઝાંપો ખૂલવાનો અવાજ આવતાં જ આન્યાની મમ્મી મોનિકા બેન તરત જ બોલ્યા, "લો, આવી ગઈ તમારી લાડલી"

ડૉ. વિરેન મહેતા: હા પણ, એનાં ઘરમાં પગ મૂકતાં ને મૂકતાં જ એની ઉપર તૂટી ન પડતી.

મોનિકા: હું કંઈ નહીં બોલું બસ, તમે જ સમજાવજો તમારી લાડલીને જે સમજાવવું હોય તે..!! (અને મોનિકા બેન નારાજ થઈને અંદર રસોડામાં ચાલ્યા ગયા.)

શોર્ટ રેડ ટી-શર્ટ, બ્લુ હાફ પેન્ટ અને છુટ્ટા વાળમાં આન્યા એક બ્યુટી ક્વીનને પણ શરમાવે તેટલી સુંદર લાગી રહી હતી અને તેના ચહેરા પરની લાલી કહી આપતી હતી કે તે આજે ખૂબજ ખુશ છે અને જેવી ઘરમાં પ્રવેશી કે તરત જ પોતાના પપ્પાને, "માય ડિયર ડેડ, આઈ લવ યુ " કહેતી વળગી પડી અને પોતાના ડેડને પૂછવા લાગી કે, " ડેડ, તમે આજે જલ્દી ઘરે આવી ગયા..?? "

એટલામાં ગુસ્સે થયેલા મોનિકા બેન હાથ લૂછતાં લૂછતાં રસોડામાંથી બહાર આવ્યા અને બોલવા લાગ્યા કે, " એ વહેલા નથી આવ્યા બેન તમે મોડા આવ્યા છો. "

આન્યા શું જવાબ આપે છે મમ્મી મોનિકા બેનના પ્રશ્નનો જાણવા માટે વાંચતાં રહો " જીવન સાથી " પ્રકરણ-2

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/4/2021