Jivan Sathi - 9 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 9

આન્યા બચી તો જાય છે પણ બેભાન અવસ્થામાં છે તે ભાનમાં ક્યારે આવશે તે નક્કી નથી અને ભાનમાં આવ્યા બાદ તેનો ભૂતકાળ તેને યાદ હશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે.

ડૉક્ટર સાહેબ દિપેનને સમજાવતાં કહે છે કે, "તમારે તેની જવાબદારીમાંથી મુક્ત થવું હોય તો તમે પોલીસમાં કમ્પલેઈન લખાઈ શકો છો અને તેને તમે સરકારી હોસ્પિટલમાં પણ દાખલ કરી શકો છો."

દિપેન કંઈક ઉંડા વિચારમાં ડૂબી જાય છે કે, શું કરવું કંઈ ખબર પડતી નથી ?

ઘણુંબધું વિચાર્યા બાદ તેણે નક્કી કરી લીધું કે, આ છોકરીને મારે કોઈ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવી નથી તેની હું ઘરે જ સારવાર કરાવીશ અને હોસ્પિટલમાં એડમિટ કરવી જ પડશે તો ખાનગી હોસ્પિટલમાં જ કરીશ સરકારી હોસ્પિટલમાં તો નહીં જ કરું.

દિપેન ઈલેક્ટ્રીક એન્જીનિયર હતો, દર પાંચ વર્ષે તેની બદલી થતી રહેતી હતી. છેલ્લા પાંચ વર્ષથી તે આ ડુંગરાળ પ્રદેશમાં એકલો જ રહેતો હતો.

નાનકડું આ ગામ હતું, ગામનું નામ માંગરોળ હતું. નાનકડા આ ગામમાં વારંવાર લાઈટો બંધ થઈ જતી હતી તેથી દિપેનને લાઈટના કામે અડધી રાત્રે પણ બહાર નીકળવું પડતું હતું.

એક રાત્રે તે લાઈટ ચાલુ કરવા માટે પોતાના હાથમાં એક મોટી ટોર્ચ લઈને જઈ રહ્યો હતો અને અચાનક તેની નજર એક છોકરી ઉપર પડી પહેલાં તો તે અહીં આવી માથાથી પગ સુધીની લોહી લુહાણ હાલતમાં કોઈ છોકરીને જોઈને જ ચોંકી ઉઠ્યો અને તેના પગ બે ડગલાં પાછળ હટી ગયા.એક સેકન્ડમાં કંઈ કેટલાય વિચારો તેના માનસપટ પર છવાઈ ગયા કે, કોઈએ આ છોકરીનું ખૂન કરીને તો તેને અહીં નથી ફેંકી દીધી ને ? અને જો એવું જ હોય તો કદાચ આટલામાં જ તેનો ખૂની હોવો જોઈએ અને તો મારે પણ અંહીથી ભાગી જવું જોઈએ.

પણ બીજી જ સેકન્ડે તેને વિચાર આવ્યો કે, છોકરી તો કોઈ સારા ઘરની લાગે છે અને આ ગામની તો નથી જ અને તો પછી તેને અહીં આ રીતે કોણ નાંખી ગયું હશે ? અને પોતાના આ બધાજ પ્રશ્નોના જવાબ મેળવવા માટે તે એક મોટા પહાડની શીલા પાછળ સંતાઈ ગયો અને થોડી વાર સુધી કોઈના આવવાની રાહ જોઈ રહ્યો પરંતુ આ છોકરીની નજીક કોઈ આવતુ જતું દેખાયું જ નહીં એટલે તે આ પથ્થર પાછળથી બહાર નીકળ્યો અને તેણે આ છોકરીને બરાબર જોઈ પછી તે સમજી ગયો કે આ ખૂન નથી કંઈક બીજું લાગે છે અને તે બહાર નીકળ્યો અને લાશ માની બેઠેલો તે આ છોકરીની નજીક ગયો અને તેના શ્વાસોશ્વાસ ચેક કર્યા તો તે જીવતી હતી.

ત્યારબાદ ત્યાં આસપાસ તેને વિમાનના તૂટી ગયેલા અવશેષો નજરે પડ્યા અને તેને આખીયે વાત સમજાઈ ગઈ કે કોઈ મોટી શીલા સાથે અથડાઈને પ્લેન ક્રેશ થયું છે અને આ છોકરી પણ પથ્થરની શીલાઓ સાથે અથડાતી અથડાતી અહીં નીચે આવીને પડી છે.

પછી તેણે આજુબાજુ બધે જ જોયું કે બીજી કોઈ વ્યક્તિ પણ અહીં આસપાસ છે ? પરંતુ ત્યાં આસપાસ બીજું કોઈ નજરે પડ્યું નહીં.

ત્યારબાદ દિપેને આ છોકરીને ભાનમાં લાવવાની કોશિશ કરી પરંતુ તે ભાનમાં આવી નહીં તેનાં માથામાંથી અને આખા શરીર ઉપરથી લોહી વહ્યે જતું હતું એટલે તેને ખભે ઉપાડીને તે પોતાના ઘરે લઈ આવ્યો.

આન્યાને માથામાં ઘા પડ્યો હતો તેની પાટાપીંડી કર્યા બાદ તેને માથામાંથી લોહી નીકળતું બંધ થઈ ગયું હતું અને શરીર ઉપરથી પણ લોહી નીકળતું બંધ થઈ ગયું હતું પણ તે હજુ ભાનમાં આવી ન હતી.

હવે આન્યાને ભાન ક્યારે આવે છે કે નહિ અને આવે છે તો ક્યારે આવે છે ? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
18/6/2021