Jivan Sathi - 6 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | જીવન સાથી - 6

Featured Books
Share

જીવન સાથી - 6

આપણે ગયા પ્રકરણમાં જોયું કે,
આન્યા પોતાના ફ્રેન્ડસ સાથે હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂરમાં જવા માટે ખૂબજ ઉત્સુક હતી, હમઉમ્ર અને ફ્રેન્ડસ સાથે ફરવા જવાની મજા જ કંઈક ઓર હોય છે.....

પરંતુ દીકરી મોટી થાય એટલે તેની ચિંતા દરેક માતા-પિતાને સતાવે તેમ વિરેન મહેતાને પણ સતાવી રહી હતી અને પથ્થર દિલના પુરુષને પણ પોતાની દીકરીની વાત આવે એટલે આંખમાંથી ધડ ધડ આંસુ વહેવા લાગે તેમ ડૉ.વિરેન મહેતા થોડા ઈમોશનલ અને દુઃખી થઈ ગયા તેમજ મોનિકા બેનની આંખમાં પણ આંસુ આવી ગયાં. વાતાવરણ થોડું શાંત અને ગંભીર થઈ ગયું પણ આન્યા તેમ ચૂપ રહે તેમ ન હતી એટલે હસતાં હસતાં તરત જ બોલી કે, " પપ્પા, આઈ એમ મેચ્યોર્ડ નાઉ, નોટ અનમેચ્યોર્ડ અને કોની સાથે કઈ રીતે રહેવાય, કઈ રીતે બોલાય, શું કરાય.. શું ન કરાય..આ બધી જ મને ખબર પડે છે..!!

તમે તે બાબતે બેફિકર રહો અને આપણાં ઘરની કે મારી ઈજ્જત જાય તેવું પગલું હું મારા જીવનમાં ક્યારેય નહીં ભરું હું તમને અને મોમને પ્રોમિસ આપું છું." અને આન્યાની આંખમાં પણ આંસુ આવી ગયાં.

ડૉ. વિરેન મહેતા તો દીકરીને ફ્રેન્ડસ સાથે મોકલવા માટે તૈયાર થઈ ગયા પણ આન્યાની મમ્મી મોનિકા બેનનું મન હજી માનતું ન હતું અને તે "ના" જ પાડી રહ્યા હતા.

પરંતુ આન્યા થોડી જીદ્દી અને લાડકોડથી ઉછરેલી તેના માતા-પિતાનું એક માત્ર સંતાન હતી એટલે ધાર્યું કરવાવાળી હતી તેણે મમ્મીને ઈમોશનલ બ્લેકમેઇલ કરીને પણ મનાવે જ છૂટકો કર્યો અને આન્યાનું હોંગકોંગ બેંગકોક જવાનું નક્કી થવાથી મિત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ.

બીજે દિવસથી જ આન્યાનું શોપિંગ તેમજ પેકિંગ શરૂ થઈ ગયું. આન્યા પાસે વન વીકનો સમય હતો. આન્યા યાદ કરી કરીને પોતાની દરેક વસ્તુ બેગમાં મૂકી રહી હતી અને પપ્પા રાત્રે ઘરે આવે એટલે બૂમો પાડતા કે, " આન્યા તું ત્યાં ફરવા માટે જાય છે રહેવા માટે નહીં... જરૂર પૂરતો સામાન જ લઈ જા બેટા વધારે સામાન લઈ જવાથી તારે ત્યાં સામાન સાચવવામાં જ તકલીફ થશે. " અને આન્યા મોં બગાડીને પોતાનો સામાન ઓછો કર્યે જતી હતી.

આમ કરતાં કરતાં આન્યાને જવાનો દિવસ આવી ગયો. મોનિકા બેન અને ડૉ‌. વિરેન મહેતા તેને એરપોર્ટ ઉપર મૂકવા માટે ગયા. કદી પોતાનાથી અળગી નહીં કરેલી આન્યાને પંદર દિવસ આટલે બધે દૂર મોકલવી મોનિકા બેન માટે થોડું મુશ્કેલ હતું.

તેમની આંખમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી અને આન્યા પણ મમ્મીને ભેટીને રડી પડી.ડૉ. વિરેન મહેતાએ બંનેને છૂટા પાડ્યા અને આન્યાને પોતાના ફ્રેન્ડસ સાથે અંદર જવા કહ્યું.

આન્યાની હવાઈ મુસાફરી ચાલુ થઈ ગઈ અને આ બાજુ મોનિકા બેન અને ડૉ‌. વિરેન મહેતા પોતાના ઘરે પરત ફર્યા.

આન્યા હોંગકોંગ પહોંચી એટલે તરત તેનો ફોન આવી ગયો ત્યાંની ધરતી ઉપર પગ મૂકતાં જ આન્યા તેમજ તેના ફ્રેન્ડસે અનેરી શાંતિ તેમજ અદમ્ય ઠંડકનો અનુભવ કર્યો. દરેકના ચહેરા ઉપર પોતાના ફ્રેન્ડ સાથે ફરવા જવાનો આનંદ કંઈક અલગ જ વર્તાઈ રહ્યો હતો.

નક્કી કર્યા મુજબ તેમને લેવા માટે ગાડી આવી ગઈ અને ફાઈવ સ્ટાર હોટલમાં જ્યાં તેમનું રોકાણ હતું ત્યાં ગાડી ડ્રોપ કરી ગઈ હતી.

રોજ વિડિયો કૉલ કરીને આન્યા જ્યાં જ્યાં ફરવા જાય ત્યાં ત્યાં મમ્મીને બધું જ બતાવતી રહેતી હતી અને પપ્પાને પૂછ્યા કરતી હતી કે, "તમારા માટે શું લઈ આવું પપ્પા..?? તમારે શું જોઈએ છે..??"
અને ડૉ. વિરેન મહેતા કહેતા, " બેટા,તારા વગર જરાપણ ગમતું નથી બસ જલ્દીથી પાછી આવી જા બેટા, મારે બસ તું જલ્દીથી આવી જાય તે જ જોઈએ છે. " અને મમ્મી-પપ્પા બંને આન્યાના જલ્દી ઘરે આવવાની રાહ જોતાં બેઠાં હતાં.

પંદર દિવસ તો ક્યાં પૂરા થઈ ગયા તેની કોઈને ખબર જ ન પડી..!! આન્યાએ તેમજ તેના મિત્રોએ ખૂબજ મજા કરી આખીયે ટ્રીપ ખૂબ એન્જોય કરી, ખૂબ ફોટોગ્રાફ પણ લીધાં જિંદગીને જાણે આ પંદર દિવસમાં, જીવી લીધી અને માણી પણ લીધી.

અને હવે ઘરે પાછા વળવાનો સમય આવી ગયો. બધા ફ્લાઇટમાં ગોઠવાઈ ગયા હતા અને ફ્લાઈટ ટેક ઓવર થઈ ગયુ હતું.

પણ અચાનક આ શું થઈ ગયું...?? એક જબરદસ્ત ધડાકા સાથે ફ્લાઈટ ક્રેશ થઈ ગયું. ઑહ નૉ....
ડૉ. વિરેન મહેતા અને મોનિકા બેન સુધી આ સમાચાર પહોંચશે... અને પહોંચશે પછી તેમની શું હાલત થશે...?? આન્યા સહી સલામત તો હશેને...?? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'

દહેગામ

30/5/2021