Rajkaran ni Rani - 63 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૬૩

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૩

શું સુજાતાબેનને મારા કરતાં ધારેશ પર વધારે વિશ્વાસ છે? એવો પ્રશ્ન જનાર્દનના મનમાં થયો. ધારેશને સુજાતાબેનની સૂચના એકાંતમાં વાત કરવાની હશે એટલે જ એ બીજા રૂમમાં જતો રહ્યો. બાકી એ મારી રૂબરૂમાં જ એમની સાથે વાત કરવાનો હતો. નહીંતર એણે મને કહ્યું જ ના હોત કે સુજાતાબેનનો ફોન છે. ધારેશ ભોળો લાગે છે પણ કંઇ કહી શકાય નહીં. એમની અંગત જીવનની ખાનગી વાત હશે? કે પછી રાજકીય હલચલ વિશે કોઇ ગંભીર વાત કરવાની હશે? જેવા પ્રશ્નોથી જનાર્દન પોતે જ ગૂંગળાયો. તે સહેજ લટાર મારવા હોટલના રૂમમાંથી બહાર આવ્યો.

તેણે નીચે નજર નાખી તો કેટલાય લોકો નીચે ગાર્ડનમાં લટાર મારી રહ્યા હતા. હોટલ ઘણી મોટી હતી. સ્વીમીંગ પુલ, સ્પોર્ટ્સ ક્લબ અને બીજી ઘણી સુવિધાઓ હતી. પોતે કે હિમાની આવી હોટલમાં ફરી કદાચ જ આવી શકશે. અત્યારે તો રાજકારણના ચકડોળમાં એવા બેઠા છે કે કશું નક્કર સુજાતાબેન વિશે નક્કી થયા વગર કોઇ આનંદ પણ લઇ શકવાના નથી. જનાર્દન પોતાનું મન બીજા વિચારોમાં વાળવાનો પ્રયત્ન કરતો હતો પણ સફળ થતો ન હતો. ત્યાં દૂરથી ધારેશની બૂમ આવી:"જનાર્દનભાઇ...અહીં આવજોને...."

ધારેશના હાથમાં નહીં પણ શર્ટના ઉપરના ખિસ્સામાં મોબાઇલ હતો એ પરથી સમજી ગયો કે સુજાતાબેન સાથે વાત થઇ ચૂકી છે અને એને કંઇક જણાવવા જ બોલાવી રહ્યો છે.

જનાર્દન રૂમમાં પહોંચ્યો અને ખુરશી પર બેઠો એટલે ધારેશે કહ્યું:"સોરી! મારે અંદરના રૂમમાં જવું પડ્યું. અત્યારે સ્થિતિ એવી છે કે દિવાલોને પણ કાન હોય છે. એટલે કશું જાહેર ના થાય એની કાળજી રાખવી પડે છે. આપણી એક ભૂલ ભારે પડી જાય એમ છે. તમે બહારના નથી પણ તમારી સામે વાત કરવામાં બહારથી કોઇ અચાનક આવી જાય કે ચોરીછૂપી સાંભળી જાય તો બનાવેલી બાજી બગડી શકે. સુજાતાબેનની ખાસ સૂચના રહે છે કે આ સમયમાં સાવધાની રાખવાની. સુજાતાબેન ગયા પછી આપણાને એક મેસેજ જ કરી શક્યા હતા. સમય મળ્યો એટલે ફોન કરીને બધી જાણ કરી છે..."

જનાર્દનને થયું કે સુજાતાબેનના ફોનની વાત શરૂ કરવા માટે આટલી લાંબી પ્રસ્તાવનાની જરૂર ક્યાં હતી? પછી થયું કે ધારેશ રાજકારણનો માણસ નથી. અને મારી સાથેની આ પહેલી મુલાકાત છે. એ મારા વિશે કે હું એના વિશે ઝાઝું જાણતા નથી. ખેર, મૂળ વાત પર આવ્યો છે તો સાંભળીએ શું હલચલ છે. એમ વિચારી મન મનાવીને જનાર્દન બોલ્યો:"સુજાતાબેન, હમણાં પાછા આવે તો છે ને? હિમાનીનો પણ કોઇ ફોન નથી. એનો સંદેશો હતો કે કદાચ મોડું થશે..."

"હા એટલે જ એમનો ફોન હતો કે અમારી રાહ જોશો નહીં અને જમી લેજો." કહી ધારેશ ફરી મોબાઇલમાં નજર નાખવા લાગ્યો. કોઇ મહત્વના સમાચાર નહીં હોય એટલે વાતને આગળ વધારતાં બોલ્યો:"સુજાતાબેન કહેતા હતા કે રાજેન્દ્રનાથને બધાના મત મળી ગયા પછી એ બહુ ઉત્સાહમાં છે. પણ મને તો અભિમાનમાં વધારે દેખાતા હતા. એવો ગણગણાટ સંભળાતો હતો કે તેમણે બધું 'મેનેજ' કરી દીધું લાગે છે. તેમને નારાજ કરવાની કોઇ હિંમત કરી શક્યું નથી. મેં સુજાતાબેનને પૂછ્યું કે તમે પણ મત એમને જ આપી દીધો? શું એ ખરેખર ફરી મુખ્યમંત્રી બનવાને લાયક છે? એમના વિશે તો બહુ ખોટી વાતો બહાર આવી રહી હતી. એવી વ્યક્તિને સમર્થન આપવાની બધાની કઇ મજબૂરી હશે? ત્યારે એમણે મને કહ્યું કે કંઇક એવું જ છે. વહેતી ગંગામાં હાથ ધોવા માટે આમ કર્યું નથી. અમે થોડા ધારાસભ્યો એમની વિરુધ્ધમાં મતદાન કરવા ગયા હોત તો એ મુખ્યમંત્રી બન્યા પછી દાઢમાં દુશ્મની રાખ્યા કરે એમ હતા. એમની એક અલગ ટીમ છે જે એમનો પડ્યો બોલ ઝીલે છે. મેં કહ્યું કે તમે આટલી બધી મહેનત કરી અને પ્રજાને સપનું બતાવ્યું એ રાજેન્દ્રનાથના રાજમાં પૂરું થઇ શકે એવી કોઇ શક્યતા દેખાતી નથી. ત્યારે એ કહે કે આપણે નિરાશ થવાની જરૂર નથી. એમને સમર્થન આપ્યું છે એટલે એમની પણ ફરજ બને છે કે આપણા કામ કરે. પણ સત્તા મળ્યા પછી બધા બધું ભૂલી જાય છે. મેં કહ્યું કે તમારે મોટું ખાતું માગી લેવાનું. પણ એમનું કહેવું હતું કે મોટા ખાતા તો એ પોતાની પાસે જ રાખશે. સામાન્ય ખાતાના મંત્રી બનીને ફક્ત કહેવા પૂરતા મંત્રી બનવાનો કોઇ અર્થ રહેતો નથી. હું કોઇ વિભાગમાં મંત્રી બનવા માગતી નથી. પછી મેં મોડું થવાનું કારણ પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે હવે શંકરલાલજી સાથે એક બેઠક કરવી છે...મને તો ખરેખર રાજીનામું આપવાનું મન થઇ રહ્યું છે..."

ધારેશ શ્વાસ લેવા રોકાયો ત્યારે જનાર્દનને થયું કે સુજાતાબેન કદાચ શંકરલાલજીને ફરિયાદ કરવા જવાના હશે. એમને શંકરલાલજીએ જે વચન આપ્યા હતા એ પૂરા થયા નથી. હવે મન મારીને કામ કરવાનો એમને ઉત્સાહ લાગતો નથી.

ધારેશ પાણીનો ગ્લાસ પૂરો કરીને બોલ્યો:"મેં એમને કહ્યું કે તમારે શા માટે રાજીનામું આપવું જોઇએ? તમે પ્રજાને જે વચન આપ્યા છે એ પૂરા કરવા જોઇએ. જીવનમાં સંઘર્ષથી ડરવું ના જોઇએ. ત્યારે એમણે કહ્યું કે લાકડાની તલવારથી યુધ્ધ લડાતા નથી. આપણી પાસે સત્તા કે શક્તિ ના હોય તો કશું કરી શકીએ નહીં. શંકરલાલજી સાથે હું ખાસ મુલાકાત એટલે જ કરવા માગું છું..."

"ઓહ! તો આ રાજેન્દ્રનાથ તો બહુ પહોંચેલી માયા છે. શંકરલાલજીને પણ અત્યારે તો હરાવી દીધા છે. શંકરલાલજીએ એમની વિરુધ્ધમાં વધારે મતદાન થાય તો હટાવવાનું વિચાર્યું હશે પણ એમાં સફળ થયા નથી..." જનાર્દન વિચાર કરીને બોલ્યો.

"મને તો સુજાતાબેનમાં વિશ્વાસ છે. એ નક્કી એવું કંઇક કરશે કે આપણે કલ્પના પણ કરી નહીં હોય..." ધારેશ બોલતો હતો ત્યારે એના ચહેરા પર ખુશીના ભાવ હતા.

સુજાતાબેનનો આગળનો કોઇ પ્લાન હશે? અને એ વિશે ધારેશ જાણતો હશે? સુજાતાબેન અને શંકરલાલ હવે બાજી હારી ગયા પછી શું કરી શકવાના હતા? શંકરલાલ બહુ બહુ તો સુજાતાબેનને સારું ખાતું આપવા માટે રાજેન્દ્રનાથ પર દબાણ કરી શકે છે. જનાર્દન વધારે આગળનું વિચારવા માગતો ન હતો. કેમકે ધારેશને કલ્પના બહારનું કંઇક થવાનો વિશ્વાસ હતો.

ક્રમશ: