Sajan se juth mat bolo - 14 in Gujarati Novel Episodes by Vijay Raval books and stories PDF | સજન સે જૂઠ મત બોલો - 14

સજન સે જૂઠ મત બોલો - 14

પ્રકરણ- ચૌદમું/૧૪

સાહિલ રવજી કોટડીયા.

પચ્ચીસેક વર્ષની નાની ઉંમરમાં ડાયમંડ માર્કેટમાં એક અચ્છા હીરા પારખું તરીકે નાણાં સાથે સાથે સાહિલ સારું એવું નામ કમાયો હતો. શોખ નહીં પણ તેને લીટરલી ગાંડપણ હતું ફિલ્મી દુનિયાનું. અને ખાસ કરીને શાહરૂખનું. શાહરૂખ તો જાણે કે તેનો આરાધ્ય દેવ હોય એમ હદ બહારનું શાહરૂખની લાઈફ સ્ટાઈલનું ફિલ્મી ફીતુર સાહિલના દિમાગ પર હંમેશા સવાર રહેતું. સાહિલ ખુદને રોમાન્સનો બાદશાહ સમજતો પણ, તેની ફલર્ટ કરવાની કળામાં કયાંય છીંછરાપણું નહતું. ફેશનથી લઇને વાતચીત કરવાની અદામાં ઉડીને આંખે વળગે તેવી તેની અલાયદી પસંદગીનું એક નોધપાત્ર સ્તર જાળવી રાખ્યું હતું.

પહેલી નજરે વાંચતા હ્રદયસ્પર્શી લાગ્યો છતાં, સરિતા શ્રોફના મેસેજ બીજી જ પળે નજરઅંદાજ કરીને સાહિલ તેના નિત્યક્રમમાં વળગી ગયો. ખુબસુરત શાયરીને નજરઅંદાજ કરવાનું કારણ હતું, ‘સરિતા શ્રોફ’નું એફ.બી. પીક અને પ્રોફાઈલ સાહિલને ફેક લાગતાં, ફોગટમાં કિંમતી સમય વેડફવા કરતાં કામે વળગવું તેને ઉચિત લાગ્યું.

સાહિલનો પરિવાર શહેરથી આશરે ચાળીસેક કી.મી.ના અંતરે આવેલાં નજીકના ગામડે વસવાટ કરતો. તેના માતા-પિતા, પપ્પાના મોટા ભાઈ અને ત્રણ કાકાનું પરિવાર મળીને કુટંબના કુલ સત્તર સભ્યો એક જ રસોડે જમતા. સાહિલ શાળાનો અભ્યાસ સંપન કરીને તેના એકમાત્ર અનાથ લંગોટિયા મિત્ર મહેન્દ્ર મકવાણા ઉર્ફે મજનુના નામથી ઓળખાતા દોસ્ત સાથે રત્ન કલાકારીની દુનિયામાં તેના કસબ દેખાડવા આવી વસ્યો હતો આ મહાનગરમાં.

દસ વર્ષ પહેલાં શૂન્યથી શરુ કરેલી સંઘર્ષ યાત્રા બાદ આજે હીરાનો ચળકાટ અને ગુણવત્તા જોઈ તેની કિંમત આંકવામાં સાહિલ પાક્કો પારંગત બની ગયો હતો. તેનું કારણ હતું, હીરા બજારમાં દામ કરતાં નામ કમાવવું કઠીન છે, એ વાત સાહિલે તેની પ્રગતિ માટે સફળતાના સૂત્ર તરીકે કંઠસ્થ કરી લીધી હતી. સાહિલે સંપતિ વગર ડાયમંડ માર્કેટમાં તેના નામની આસ્થા જેવી શાખ ઊભી કરી હતી. ત્રણ ત્રણ પેઢીઓથી બીઝનેસ કરતાં માલેતુંજાર હીરા બજારના અવ્વલ દરજ્જાના વેપારીઓ પણ આંખ મીચીને સાહિલના નામ પર કરોડોનો સોદો કરતાં અચકાતાં નહીં.


એ પહેલાંના ત્રણ દિવસ દરમિયાન...

ઇકબાલ મીર્ચી સાથે વાયદો કર્યા પછી...શાતિર દિમાગમાં ષડ્યંત્રનો શુભારંભ કરતાં પહેલાં સપનાએ કોલ કરીને સઘળી વિગતથી બિલ્લુભૈયાને વાકેફ કર્યા હતાં. બે મીનીટના મૌન પછી બિલ્લુએ સપનાને બુલેટ પ્રૂફ જેકેટ જેવું ઠોસ નિશ્ચિંતાનું વચન આપતાં કહ્યું હતું કે, ‘ ફિકર નકો, મૈને મેરે ખાસ આદમી લોગ કો હિદાયત દે રખ્ખી હૈ, તેરે ઔર ઇકબાલ કી હર એક હરકત પર નજર રખને કે લિયે. કુછ ભી ઉન્નીસ બીસ હુઆ તો, તુજે બચાને કે લિયે ઔર ઇકબાલ કો ઉડાને કે લિયે એક પલ કી દેરી નહીં હોગી.

એ પછી....થયો નવા સાજ, શણગાર સાથે સપનાનો પુનર્જન્મ..

ઇકબાલ મિર્ચીએ તેના વિશ્વાસુ શાગિર્દ એવા ખુર્શીદ લાલા હસ્તક બાકીની પચાસ હજારની રકમ, ‘સરિતા શ્રોફ’ સાથેનું નવું નામ. નવા લૂક અને એડ્રેસ સાથેનું આઈ.ડી. કાર્ડ સપનાને તેના નવા નિવાસસ્થાને પહોંચાડી દીધું હતું. નવા લૂક સાથે સપનાને જોતાં કોઈ પરિચિત પણ પહેલી નજરે તેને ઓળખી ન શકે એ હદે સપનાએ તેના ફેઈસ અને હેર સ્ટાઈલને નવા રંગરૂપ આપ્યાં હતાં. નવા અવતારમાં સપનાનો લૂક ગામડાની ભોટ માંથી ગ્લેમરસ દુનિયાની હોટ આઈટેમ જેવો લાગતો હતો.

સપનાએ તેના ફેક એફ.બી. એકાઉન્ટના પ્રોફાઈલ પીકમાં નાક સુધી ઘૂમટો તાણેલી એક એવી સ્ત્રીનું ચિત્ર મુક્યું કતું કે. જેમાં માત્ર તેના રસપ્રચુર રતુંબડા કામુક ચેષ્ઠા કરતાં હોઠ પર ઘેરાં લાલ રંગની લીપ્સ્ટીક એ રીતે ફેરવી હતી જાણે કે તે હોઠની મખમલી મુલાયમતા તસતસતાં ગાઢ ચુંબન માટે તરસતાં અને ટળવળતાં હોય.

છેલ્લાં અડતાળીસ કલાકમાં સપનાએ તેની એફ.બીની વોલ રંગબેરંગી શાયરીથી ચીતરી માર્યા પછી, હજુ મૂછનો દોરો માંડ માંડ ફૂટ્યો હોય એવા પંદર વર્ષના લવર મુછીયાથી માંડીને, માત્ર દાંતના ચોકઠાં, ચશ્માં અને લાકડીનો ટેકો જેની મરણમૂડી હોય અને દેખાવે દેવઆનંદના દાદા જેવા હોય છતાંયે, બોડી મસાજના બંધાણી જેવા બુજુર્ગોએ પણ બુર્જ ખલીફા જેવાં ઊંચાં અરમાન સાથે ‘સરિતા શ્રોફ’ સાથે સુંવાળા સંગાથના સપના જોતાં ઢગલાંબંધ ફ્રેન્ડ રીક્વેસ્ટ ઠાલવી દીધી.

પણ જે મગરમચ્છને ફંસાવવા સપનાએ જાળ નાખી હતી, એ સાહિલ તરફથી કોઈ સંકેત ન મળતાં સપનાને થયું કે, હવે હીરાની ખાણના કહેવાતા કિંગખાન, સાહિલના પંડમાંથી ખાનની ભટકતી આત્માને બહાર કાઢવાં માટે સોનાની જાળ પાણીમાં નાખ્યે જ છુટકો થશે. પણ એ પહેલાં ગહન ચિંતન સાથે ઊંડા વિચારમાં ગરકાવ થતાં વિચાર્યું કે, સાહિલને ભ્રમિત ભૂમધ્ય સાગરના મધ્ય લગી તાણી જઈ, ભૂ પીવડાવી પીવડાવીને અધમૂવો કરતાં પહેલાં એકવાર હનીટ્રેપની હિસ્ટ્રીના અભ્યાસુ પાસે તેના રિસ્ક ફેક્ટર અને દાવપેચ જાણી લઉં તો, સાહિલ, સાહિલ પર જ આસાનીથી દમ તોડી દેશે.

પણ એથી વધુ એક આસાન શોર્ટકટ આઈડિયા સપનાને એ સુજ્યો કે, જો સાહિલના પરિચયની તમામ બારીકીઓથી વાકેફ થઇ જાય તો સાહિલ સાથે નિકટતા સાધવામાં સરળતાં રહેશે. એ ધાંસુ આઈડીયાને અમલમાં મૂકતાં તેણે કોલ લગાવ્યો ઇકબાલ મીર્ચીને.

‘માર સાલે કુ.’ સપના બોલી
ડઘાઈ જવાય એવું સપનાનું વાક્ય સંભાળતા નવાઈ સાથે ઇકબાલ બોલ્યો.
‘કિસ કો મારના હૈ ?’ ક્યા હુઆ.. ?
એટલે ખડખડાટ હસતાં હસતાં સપના બોલી
‘અરે.. ઇકબાલ શેઠ મારના નહીં હૈ. મેં તો તમને મારી અને સારી ભાષામાં ‘હેલ્લો’,
‘નમસ્તે’ કહ્યું.

એટલે ઇકબાલ હસતાં હસતાં બોલ્યો..
‘એલી એય.....માર સાલે કુ, નહીં, ‘અલ-સલામ-અલયકુમ’ તું આ અરબીને અવળી ભાષામાં ઢાળીને કારણ વગર કોઈને મરવી દઈશ. હવે બોલ શું કામ છે ? ટૂંકમાં પતાવ મારે એક અગત્યના કામ માટે નીકળવાનું છે.’

એટલે સપના બોલી...
‘મારે પણ પેલા નકલી નંગ જેવાં શાહમૃગને ઝટ પટાવવો છે. એટલે મને તેના દિનચર્યા સહિતની રજેરજની માહિતી જોઈએ છે, બોલો કેટલો ટાઈમ લાગશે ?

‘અચ્છા ઠીક છે, બે દિવસ રાહ જો.’
કાયમ સપના સાથે મધલાળ પાડવાની તક શોધતાં ઇકબાલે જે ઉકળતી ઉતાવળથી કોલ કટ કર્યો, ત્યારે મનોમન હસતાં સપના વિચારવા લાગી કે, નિશ્ચિત ઇકબાલ પર લઘુ કે ગુરુ કોઈ એક શંકાનું દબાણ આવ્યું હશે.

પછી મનોમન મંથન કરતાં વિચારવા લાગી...

‘બે દિવસ શું કરવાનું ? કોને કોલ કરું ? સમીરને કે બબ્બનને ? કોને મળવું જોઈએ ? કે પછી ત્રણેય સાથે મળીએ ? મળવું તો છે પણ, માત્ર મળવા ખાતર નથી મળવું.
ગહન અને ગંભીર વાર્તાલાપના અંતે કોઈ ઠોસ નિર્ણય લઈ, યોગ્ય દિશા તરફ વળી,
અણધારી ધરી પર ફરતી મનોદશાને સ્થિર કરી શાંત સરિતાની માફક સરતાં રહેવું છે. અંતે વિચાર વલોણું અટકતાં નક્કી કર્યું કે, સમીર અને બબ્બન બન્નેને અલગ અલગ મળવું. જેથી કરીને પરસ્પરના મનભેદ, મતભેદ કે અહમના ટકરાવનો અવકાશ ન રહે.

એટલે સળી કરવાનું શુરાતન સૂજતા સૌ પહેલાં કોલ કર્યો સમીરને..સમય હતો સવારના દસને ચાળીશ મિનીટનો.
‘હેલ્લ્લ્લો...ગૂડ મોર્નિંગ સમીર.. હાઉ આર યુ ?
‘હાઈ, આઈ કોલ યુ બેક, આફટર ફયુ મિનીટ.’ એમ કહી સમીરે કોલ કટ કર્યો..

એટલે સપના સમજી ગઈ કે, સુબોધ બેનરજીના ઢંગધડા વગરના બોધપાઠનો ઉપદેશ સાંભળી, તેની પાઠશાળામાં સમીર ગલત જગ્યા તેની એનર્જી વેસ્ટ કરતો હશે.

સપના હજુ કંઇક આગળ વિચારે ત્યાં જ તેના મોબાઈલની રીંગ વાગી, પણ એ કોલ બબ્બનનો હતો.

‘થીંક ઓફ ડેવિલ એન્ડ ડેવિલ ઈઝ હીઅર... ક્યા બાત હૈ યાર ? ’
ચહેરા પર આવેલી એક અનેરી ખુશીની લહેર સાથે સપના બોલી.

‘ઓહ્હ.. હવે સમજાયું કે આ હેટ્રિક પર હેટ્રિક મારતી હેડકી બંધ કેમ નથી થતી ? પછી યાદ આવ્યું કે, આટલું સળંગ અને સખ્ત સ્મરણ સપના સિવાય કોઈ ન કરી શકે એટલે કન્ફર્મ કરવાં માટે તને કોલ કર્યો અને જો, મારા અંદાજીત અનુમાનનું તીર પણ કેવું લક્ષ્યની આરપાર નીકળ્યું ને.’
બબ્બને તેની સદાબહાર રોમાન્ટિક અંદાજમાં વાર્તાલાપની શરૂઆત કરતાં કહ્યું..

ત્યાં જ સમીરનો કોલ આવતાં સપનાં બોલી...’ પ્લીઝ, બબ્બન જસ્ટ હોલ્ડ ઓન.’
બબ્બનના કોલને હોલ્ડ પર મૂકી.. સપના બોલી..
‘એલા.. કેમ મારો અવાજ સાંભળીને બોર થઇ ગયો છે કે શું ?’ ’

‘બોર નહીં ઠળિયો... ઠળિયો થઇ ગયો છું, આ ઊંધિયા જેવી ભષામાં સુબોધ ખુંટીયાની સંતવાણી સંભાળવામાંથી છુટકારો મળે તો તને સાંભળુંને ? તારો કોલ આવ્યો ત્યારે તેની ચેમ્બરમાં તેની સામે જ બેઠો હતો, અને જો તેને ખબર પડે કે તારો કોલ છે, તો તો... એ દેઢ ફૂટયાના પંડમાં માતાજી આવતાં એવો ધૂણવા માંડે કે, જાણે હમણાં સાંકળે બાંધવો પડશે. તે કોઇપણ જાતની પૂર્વ સૂચના વગર જોબ છોડી દીધી એટલે મને કહે....

‘ઉ.. સોપનાકા બોચા, સુબોધ બેનરજી કો ચૂના ચોપરી ગયો, આમી સોપનાકા સબ ખોના પીના હેરામ કર દેગા.’
એટલે મેં કહ્યું, ‘હેરામ નહીં..સર, હરામ.’
પછી ધીમેકથી તેના કાનમાં મેં કહ્યું કે,
‘સર, હવે તે સપના ચૌધરીએ બિલ્લુ બનારસીની ગેંગ જોઈન કરી લીધી છે.’
આ એક વાક્ય સંભળાતા અલ્મોસ્ટ સુબોધ, બેશુદ્ધ થવાની તૈયારીમાં જ હતો. પછી તેણે હળવેકથી મારા કાનમાં કહ્યું,
‘સાંભરો.. હોવે એ ચોકરીનો નામ ની લેવાનો, સોપનામાં બી નોઈ, અને મોજાકમાં બી નોઈ.. એક મિનીટ હું જરા હલકો થઇને આવો છું.’
એમ કહી કમરેથી નીચે ઉતરી ગયેલું પેન્ટ પકડીને ઝડપથી દોટ મૂકી સીધી વોશરૂમ તરફ.
અને સપના ખડખડાટ હસતી રહી. એ પછી સમીરે પૂછ્યું..
‘હાં, હવે બોલ કેમ યાદ કર્યો એ કહે ?
‘મળવું છે તને, બોલ ક્યારે ફુરસત મળશે ? સપનાએ પૂછ્યું
‘તું કહે ત્યારે, બોલ.’ સમીર બોલ્યો..
‘અરે વાહ.. તું તો બહુ ડાહ્યો ડમરો થઇ ગયો હોં. અચ્છા આઈ વીલ કોલ યુ ઈન હાલ્ફ એન અવર, ઓ.કે.’
‘ઓ.કે.’ સમીર એવું બોલ્યો એટલે બબ્બનના કોલને હોલ્ડ ઓફ કરતાં બોલી..
‘સો સોરી..હાં બોલ બબ્બન,’
‘અલ્યાં, કોઈ બેભાન થઇને ક્લીન બોલ્ડ થઇ જાય ત્યાં સુધી હોલ્ડ પર રખાય ? બબ્બન બોલ્યો.
હસતાં હસતાં સપનાએ જવાબ આપ્યો..
‘જેને પહેલી નજરે જોઇને કોઈ બેધ્યાન થઇ જાય એ બેભાન થાય ? સપનાએ પૂછ્યું.
‘વિરાટ કોહલી થઇ જ ગયો ને.’ બબ્બન બોલ્યો
‘ઓયે.. હોય..એલા તને મારાંમાં અનુષ્કા જેવું શું દેખાયું ? સપના બોલી.
‘તારામાં નહી અનુષ્કામાં, અનુષ્કાના હોઠ તારા જેવાં છે, સમજી ?
‘બબ્બન મને લાગે છે કે, સંજયદત્તનો ગર્લફ્રેન્ડ બનાવવાનો રેકોર્ડ તું બ્રેક કરીશ, સાચું બોલજે... કેટલી ગર્લફ્રેન્ડ છે ? સપનાએ પૂછ્યું
‘ગર્લફ્રેન્ડને માણવાની હોય... ગણવાની ન હોય સમજી.’ બબ્બન બોલ્યો
‘અને હું...? બેડ પરથી ઊભા થતાં સપનાએ પૂછ્યું.
‘તું તો સ્વીત્ઝર્લેન્ડની ડીસેમ્બરના મૌસમ જેવી છો, તને તો મહેસૂસ કરીને મમળાવવાની હોય.’ બબ્બન બોલ્યો..
‘મને લાગે છે બચપણમાં તે હાલરડાંની જગ્યાએ ફલર્ટના ફોક સોંગ સાંભળ્યા હશે.’
આટલુ બોલી સપનાએ ખડખડાટ હસતાં હસતાં પૂછ્યું..
‘બબ્બન, આપણે ક્યારે રૂબરૂ મળી શકીએ.’
‘રાત્રે ફાવશે ? બબ્બને પૂછ્યું..
‘હાં.. સ્યોર.. ક્યાં મળીશું ? સપનાએ પૂછ્યું
‘સમય અને સ્થળ તારે નક્કી કરવાનું.’ બબ્બન બોલ્યો..
‘અચ્છા તો ચલ હું ફાઈનલ કરીને તને કોલ કરું... અને સાંભળ ડીનર સાથે લઈશું.’
સપના બોલી..
‘હાં, પણ બીલ હું નહીં ચૂકવું.’ હસતાં હસતાં બબ્બન બોલ્યો..
‘આઈ નો વેરી વેલ કે, તું દિમાગથી મારવાડી છો, દિલથી નહીં.’
‘અને.. મારું ડીલ ? બબ્બને સળી કરતાં પૂછ્યું..
એક સેંકડ ચુપ રહીને સપના બોલી..
‘બદમાશ, તારું ડીલ તો, પબ્લિક ટેલીફોન બૂથ જેવું છે, સિક્કો નાખીને જેટલું ઝીંકાય એટલું ઝીક્યે જાઓ, સાલા હવે કંઈ સાંભળવું છે તારે ? મારી બહુ સળી ન કરતો નહીં તો સાંભળીશ કયાંક મારા મોઢાની સમજ્યો, ચલ બાય.’ હસતાં હસતાં સપના બોલી..
‘થેન્ક્સ,,બાય.’ કહી ખડખડાટ હસતાં બબ્બને કોલ કટ કર્યો.

પછી ફ્રેશ થઈને સપનાએ કોલ જોડ્યો સમીરને.
‘ક્યાં મળીશું ?’
‘હું તારા ફ્લેટ પર જ આવી જાઉં છું, ત્યાં સુધીમાં લંચ ટાઈમ પણ થઇ જશે. તું એક કામ કર, તારી ચોઈસનું લંચ મેન્યુ સેન્ડ કર, હું પાર્સલ લઈને આવું છું.’

સમીર આવે ત્યાં સુધી સપનાએ ફરી એકવાર ફેસબુક ઓપન કરી સાહિલની વોલ પર જઈ ધ્યાનથી તેની એક એક પોસ્ટ વાંચતા સપનાને એટલો ખ્યાલ તો આવી કે, આ જમરૂખ જેટલો ડફોળ દેખાય છે, એટલો છે તો નહીં જ. મનમાં તરંગી તુક્કા લડાવતાં સપનાએ બે મિનીટ માટે આંખો બંધ કરી, ચિંતન કરતાં વિચાર્યું કે, કૈક એવું નવું કરું કે, બે-થી ચાર ચાલમાં સાહિલની બાજી ઉંધી વળી જાય. અંતે વિચાર્યું કે, ઇકબાલ મિર્ચી, બિલ્લુભૈયા અને મારા વિચારો એક સીધી લીટીમાં આવે ત્યારે જ લક્ષ્ય પર નિશાન સાધીને ટ્રીગર દબાવાય. નહીંતર અંદાજાના આધારે અંધારામાં ઓવર કોન્ફીડન્સમાં રહીને મીસફાયર થયું તો... હની અને મનીના ચક્કરમાં કારણ વગરની તણી કર્યા પછી, સરિતાને ફરી સપના બનતાં વર્ષો વીતી જશે.

સપનાના વિચાર વંટોળ અવળી દિશામાં ફંટાઈ એ પહેલાં ડોરબેલ વાગી.
ડોર ઓપન કરતાં જોયું તો સપના તેની અટકળ પર ખરી ઉતરી, સામે સમીર લંચ બોક્ષ લઈને ઊભો હતો. ન્યુ લૂક સાથેની લેટેસ્ટ હેયર સ્ટાઈલ, બ્લેક કલરનું સ્લીવલેસ ટોપ અને પિંક કલરના શોર્ટમાં સપનાના રંગરૂપમાં પૂર્વ-પશ્ચિમ જેટલું પરિવર્તન જોતાં સ્હેજ ડઘાઈ ગયેલો સમીર સપનાની સળી કરતાં બોલ્યો..

‘ઓયે.. હોયે...ઇકબાલ મિર્ચીએ ક્યા વોશિંગ પાઉડરમાં તને ધોઈ, કે સીધી સુવ્વરમાંથી સસલું થઇ ગઈ ? એ પછી સમીર ખડખડાટ હસ્યો.

ઝીણી આંખો કરી, સ્હેજ ગુસ્સો સાથે સપના બોલી,
‘સમીરીયા, મને એમ થાય છે કે, હવે વગર વોશિંગ પાવડરે તારી ધોલાઈ કરી નાખું.’

સમીરે માથા પર ઉંધી પહેરેલી ટોપી જોઈ સપના આગળ બોલી..
‘આવ આવ...પણ આ કેપ કેમ ઉંધી પહેરી છે ?’
‘શહેરામાં તારા જેવા આવેલાં નવા નિશાળિયા પણ રાતોરાત સમીર શાણા જેવાની ટોપી ફેરવી નાખવામાં માહિર થઇ ગયાં છે, એ જાણીને મેં જાતે જ ટોપી ઉંધી કરી નાખી.’ ડાયનીંગ ટેબલ પર લંચ બોક્ષ મૂકી.. સોફા પર બેસતાં સમીર બોલ્યો.

એટલે ફ્રીઝમાંથી ચિલ્ડ પાણીની બોટલ કાઢી, સમીર તરફ લંબાવતા હસતાં હસતાં તેની પડખે બેસી, મીઠાં ગુસ્સા સાથે સપનાએ પૂછ્યું,

‘હાઈલા, એલા એય સમીર, મેં તારું શું બગાડ્યું લ્યા ? ’

પાણી ગટગટાવતાં સમીર બોલ્યો..
‘માત્ર ગણતરીના દિવસોમાં કૈકની ગણતરી ઉંધી પાડી દીધી એ કંઈ કમ છે ? ગઈકાલ સુધી આ શહેરમાં રોટલા અને ઓટલા માટે ભટકતી એક અજનબી આજે તેના મિજાજથી કૈકના રોટલા અભડાવી શકે એટલી તાકતવર થઇ ગઈ છે એ ચમત્કાર જેવો તેવો નથી સપના. અને રહી વાત મારી ટોપી ફેરવાનો અર્થ, મતલબ તારા જેવી હસ્તી, મારી દોસ્તીના દાયરાથી બહાર જતી રહેશે એ સંદર્ભમાં કહું છું એમ.’

‘હેય.. સમીર કેમ આવું બોલે છે ? તને મારી નિયત પર કોઈ શક છે ? અને તું તો મારી કારકિર્દીના પાયાનો પત્થર છે, તને ભૂલી શકું ? એ વાતમાં દમ નથી.’
કમરથી સ્હેજ ઊંચા તેના કેશને એક હળવાં ઝટકા સાથે ડાબા ખભા પર લાવી આંગળીઓ ફેરવીને સરખાં કરતાં સપના બોલી.

‘પણ, સપના જે રફતારથી તારી તાસીરની કાયાપલટ સાથે ક્રાંતિકારી ઓફબીટ પરિવર્તનનો પવન ફૂંકાયો છે, તે જોતાં હવે તારા વિષે કંઈપણ ભવિષ્ય ભાખવું અશક્ય છે.’ સમીર બોલ્યો..

‘અચ્છા.. આપણી આ હોટ ડીશકશનમાં ડીશીશ ઠંડી પડી જશે, અને કકડીને લાગેલી ભૂખ પણ ભાંગી જશે. એટલે બેટર છે, પહેલે પેટ પૂજા, ફિર કામ દૂજા.’
એમ કહી બંને ડાયનીંગ ટેબલ ફરતે ગોઠવાયાં અને સપનાએ ડીશ સર્વ કરી.

સપનાએ ચોઈસ મુજબનું લાવેલું લંચ બોક્ષ ઓપન કરી, ઓવનમાં સ્હેજ હીટ આપતાં ગરમા ગરમ પંજાબી વ્યંજનની વરાળ સાથે પ્રસરતી મનગમતી સોડમ પરથી સપનાને થયું કે, પસંદીદા સ્વાદ, સમય અને સ્થળ જેવાં અનેરા ત્રિવેણી સંગમના યોગાનુયોગ દરમિયાન ગમતીલા સ્વજનના સાનિધ્યમાં બેસ્ટ ટેસ્ટનો લુફ્ત બમણો થઇ જશે.

‘ઉઉઉ.. વાઉ... આલૂ મટર, રાજમા ચાવલ,દાલ મખની, પાલક પનીર એન્ડ ગાર્લિક નાન, મધમધતી ફોરમ પરથી અંદાજ આવે છે કે, આજે મજો મજો પડી જવાનો છે.’
એવું સપના બોલી..

‘કેમ, કંઈ ખાસ છે, આજે ?’
ચિલ્ડ કોકોકોલાની બોટલ ઓપન કરી ગ્લાસિસ ભરતાં સમીરે પૂછ્યું.

‘હમમમ.. ખાસ એટલા માટે કે, ગમતો સ્વાદ, સમય અને સહજ સંગત બધું જ મનગમતું સમાંતર સપાટી પર છે. અને આવું હું ખાસ્સા સમય પછી ફીલ કરી રહી છું. જાણે કે, એએએ...ક અરસાથી પ્રતિક્ષારત રહેલાં સૂકૂનને મહેસૂસ કરી રહી છું સમીર.’
આટલું બોલતાં સપનાની આંખમાં એક અનેરી ચમક ઉતરી આવી.

સલાડનું બાઈટ મોંમાં મૂકતાં સમીર બોલ્યો..
‘ઇટ્સ ઓલ્સો માય પ્લેઝર, કેમ કે, હું ઉઘાડી આંખે સપનાના સપનાને આકાર લઈને સાકાર થતાં, નિમિત બનીને માણી અને જાણી રહ્યો છું.’

‘હવે બોલ સપના, આ સ્પેશિયલ ઓકેશન જેવી મુલાકાતના માહોલનો મતલબ... આઈ મીન, ચર્ચાનું કેન્દ્રબિંદુ શું છે ?’
મસાલા બટર મિલ્કના ઘૂંટ સાથે પાપડના બાઈટનો લેતાં સપના બોલી..
‘વિચારું છે કે, ઇકબાલ મીર્ચીના શિકારને ટાર્ગેટ બનવાતાં પહેલાં તારી જોડે હનીટ્રેપના હાનિકારક ફેક્ટર પર એકવાર ગહન ચર્ચા કરી લઉં.’

‘હમમમ.. શું બાયોડેટા શું છે, શિકારની ? સમીરે પૂછ્યું.
એટલે સપનાએ મોબાઈલમાં સાહિલનું પીક બતાવ્યા પછી અત્યાર સુધીની માહિતીથી સમીરને અવગત કરાવ્યો.

‘અચ્છા,લેટ્સ ફિનીશ ફર્સ્ટ લંચ, એ પછી આપણે નિરાંતે ડીશકશન કરીએ.’

આશરે ત્રીસથી પાંત્રીસ મિનીટ પછી બાલ્કનીની સામે ગોઠવેલાં સોફા પર બંને બેસતાં સમીર બોલ્યો.
‘સપના તને આટલી નાની ઉંમરમાં જિંદગી જીવી કાઢવાની કેમ આટલી ઉતાવળ છે ? તારું એ ગણિત મને નથી સમજાતું.’

‘જીવી કાઢવાની મતલબ ? તને એવું કંઈ વાત પરથી લાગે છે ? સપનાએ પૂછ્યું.

‘હાસ્તો એવું જ છે ને, યુ નો વેરી વેલ કે, આંખ મીચીને તું જે દિશા તરફ આંધળીદોટ ભરવાં જઈ રહી છે, તે અજાણ્યા માર્ગમાં કંઇક કેટલાયે અણધાર્યા જોખમી વણાંકો છે. તારી દ્રષ્ટિએ તને જે સફળતાનો સુંવાળો અને સુવર્ણ સિંહાસન તદેખાય છે, તે અસ્સલમાં સુષુપ્ત જ્વાળામુખીથી વિશેષ કંઈ નથી. એટલું યાદ રાખજે સપના.’

સ્હેજ સ્મિત સાથે સપનાએ પૂછ્યું..
‘હેય..આ કોણ બોલે છે ? બિલ્લુભૈયાનો શાણો સમીર કે સુબોધ બેનરજીનો કહ્યાગરો સમીર ? આઆ...આ એ સમીર બોલે છે કે, જેણે મને કહ્યું હતું કે, એક દિવસ બિલ્લુભૈયા સપનાને સલામ કરશે ? ’

‘સમીર એક જ છે, એને એ જ છે. સપના પણ હું વખતની નજાકત જોઇને વાત કરું છું. જિંદગી જીવવાની કે જીતવાની રેસમાં તું જે જીદ સાથે ગતિ પકડવા જઈ રહી છે, એ જોતાં મને એવું લાગે છે કે, જો ખરા સમયે બ્રેક નહીં લાગે તો તારી જિંદગી રફતાર પકડતાં પહેલાં તાર તાર થઇ જશે,સમજી.’ સમીર બોલ્યો.

‘સમીર, હવે મને કોઈ જ વાતનો ડર નથી.’ સપના બોલી
‘અને, મને એ જ વાતનો ડર છે.’ સમીર બોલ્યો.
‘હવે હું નિર્ભય છે સમીર.’
‘અને સાથે સાથે નિરંકુશ પણ. સપના મને ડર એ વાતનો છે કે, કાશ કોઈ એવી પળ તારા પર હાવી ન થઇ જાય કે, જેના કારણે તું ખુદને ખોઈ બેસે. જ્યાં સુધી હું તને ઓળખું છું ત્યાં સુધી, એવી કોઈ નબળી ક્ષણે તું તારા અંતરાત્માને મારી ન શકી તો.. ?’ આગળ બોલતા સમીર અટકી જતાં સપના બોલી..

‘કંટીન્યુ સમીર..’

‘સપના, તારી જિંદગી મૌતથી પણ બદ્દતર થઇ જશે. એટલું યાદ રાખજે. આ મૌત સાથે રમત રમવાની મમત છોડી દે. અને... અને આ બધું તું પૈસા માટે કરે છે ? ’
સમીરે પૂછ્યું..

એટલે સ્હેજ સ્મિત સાથે થોડી ક્ષ્રણો સમીર સામું જોઈ રહ્યાં પછી એક ઊંડો શ્વાસ લઇ સોફા પરથી ઊભા થઇ બાલ્કની તરફ જતાં બોલી..

‘ના, સમીર, તું મને જે ગતિમાં જોઈ રહ્યો છે એ જોતા ભવિષ્યમાં હું પૈસાની પથારીમાં આળોટતી હોઈશ એ વાત નક્કી અને ગૌણ છે પણ, પૈસા કરતાં પણ હવે ખુદનો એક અલગ રુઆબદાર રૂતબો બનાવાનો નશો મારા પર સવાર થઇ ગયો છે. પુરુષપ્રધાન સમાજમાં એક એવી ધાકડ જેવી ધડાકાબંધ ઈમેજનો ઈજારો લઈને ફરવું છે કે, કોઈ ચમરબંધી પણ મારી પર તીરછી નજર નાખતાં પહેલાં દસ વાર વિચાર કરે. સપનાને મળવા કે મેળવવા માટે એક આલા દરજ્જાની ઔકાત બનાવવી પડે એવું મુકામ હાંસિલ કરવું છે. મારી સલ્તનતમાં મિલકતથી નહીં પણ મિન્નતથી કામ થાય એવા સપનાનું આયોજન ઘડી રહી છું.’
આટલું બોલતાં સમીર, સપનાની આંખોમાં એક અનેરો તરવરાટ અને જુસ્સો જોઈ રહ્યો હતો.

‘એક અંતિમ સવાલ.’ સમીર બોલ્યો..
‘પૂછ.’ સપના બોલી.
‘સપના.. હજુ તું એક સંપૂર્ણ સ્ત્રી સ્વરૂપ નથી પામી. જે દિવસે તારું સ્ત્રીત્વ જાગશે તે દિવસે તને મારી વાતોના મર્મની ગહનતા સમજાશે. હાલ તારા વિચારો મુઘ્ધાવસ્થા જેવા તરંગી છે, પરિપક્વ નથી. આઈ હોપ કે, ભવિષ્યમાં એ અભિમન્યુના કોઠા જેવી અવસ્થામાંથી તું તારી જાતને સહી સલામત સંભાળીને આબાદ નીકળી શકીશ.’

થોડીવાર ચુપચાપ સમીર સામું જોઈ રહ્યાં પછી સપનાએ પૂછ્યું..
‘સમીર, એવું તે તું શું જોયું મારામાં કે, જે મારી જાણ બહાર છે ? ’

‘એ તને અત્યારે નહીં દેખાય કે સમજાય, કેમ કે તે આંખો પર નહીં અક્કલ પર પટ્ટી બાંધી છે. કોઈ અજાણ્યાં માંસાહારી માટે તું શા માટે માણસાઈ છોડીને કસાઈ બની રહી છે ? અને રહી વાત પુરુષ પ્રકૃતિની, એ તો પરમેશ્વર પણ નથી બદલી શક્યો કે સ્વયં બાકાત રહી શક્યો, તો તું શા માટે સંસારના સર્વશ્રેષ્ઠ વરદાન જેવા સ્ત્રી અવતાર પર લાંછન લાગાવવા તત્પર છે ?
સ્હેજ અકળામણ સાથે મીઠો ગુસ્સો કરતાં સમીર બોલ્યો..
એટલે સમીરની સામું જોઈ.. સપનાએ પૂછ્યું,
‘સમીર એક અંગત સવાલ પૂછું ? ’
હાં, સ્યોર.. વિના સંકોચે કંઈપણ પૂછી શકે છે.’ સમીર બોલ્યો

‘શત્ત પ્રતિશત્ત તારી સ્ત્રી પ્રત્યેની અને ખાસ કરીને મારા માટેના ભારોભાર સન્માન જનક શબ્દોની હું ગર્વ સાથે પ્રસંસા કરું છું, પણ તો પછી રોશની માટે તારો શું અભિપ્રાય છે ? તમારા અનુબંધમાં પણ સ્ત્રી, પુરુષ પ્રત્યેના પરસ્પર સંબંધની એક ગરિમા તો હશે ને ? આખરે તું જે સમજાવી રહ્યો છે, એ વાત તો રોશનીને પણ લાગુ પડે કે નહીં ? ’
એટલે હસતાં હસતાં સોફા પરથી ઊભા થઈને સમીર બોલ્યો.

‘હું સંબંધની વાત કરું છું, સૌદાની નહીં, તું જે કરવાં જઈ રહી છે એ સોદો છે, જેનું કોઈ નામ નથી, રોશની અને મારી વચ્ચેના સંબંધનું પણ કોઈ નામ નથી પણ, મારી અને રોશનીની જિંદગીમાં કોઈ ત્રીજી વ્યક્તિના સ્થાન માટે કયારેય કોઈ અવકાશ નથી. અમારા વચ્ચે જે કંઇપણ સંબંધ છે તે, પરસ્પરના શ્વાસ કરતાં વિશ્વાસ પર વધુ ટક્યો છે. અને દુઃખ તુલસી ક્યારો કરમાઈ જાય તેનું હોય બાવળનું નહીં. સપના મેં તારામાં કશુંક જોયું છે, એટલે તારી જોડે આટલી લમણાંઝીંક કરું છું, સમજી. બાકી તો આ શહેરમાં કંઇક સપના રખડે છે, ચકનાચૂર થઈને.’

સમીરના શબ્દે શબ્દમાં તેના માટેની સચ્ચાઈ સાથે સન્માન સાંભળતા
ગર્વથી ગદ્દ્ગદિત સપના સમીરને ભેટી પડતાં બોલી..
‘અરે.. યાર સુદામા જેવી સપનાને કેશવ જેવો દોસ્ત મળ્યો છે, પછી શાની ફિકર કરવાની ? તું તો મારા જીવનરથનો સારથી છે, એટલે તો હું આટલી બિન્દાસ છું.’
આટલું બોલતા સપનાની આંખોની કોર સ્હેજ ભીની થઇ ગઈ..

‘હવે, બોલ શું કરી શકું તારી માટે ?’ સમીરે પૂછ્યું.
‘હમમમ..બસ હવે કંઈ નહીં. તારી વાતો સાંભળીને ઘણું રીલેક્સ ફીલ કરું છું. હવે એક નક્કર ભરોસો છે કે, કોઈ અસમંજસ ભરી સ્થિતિમાં તું મને ચોક્કસ સંભાળી લઈશ.’

‘બટ આઈ હોપ કે એ સમય, સંજોગ ન આવે. હાથમાં માત્ર બાણ નહીં પણ ખરાં સમયે તાણ સાથે પણછ ખેંચવાનું છાણ પણ હોવું જોઈએ, સમજી લેજે. ચલ હવે હું રજા લઉં ?’ સમીર બોલ્યો..

‘અચ્છા, સમીર તને પ્રોમિસ આપું છું કે, ઓવર કોન્ફિડેન્સમાં રહીને હું એવું કોઈ પગલું નહીં ભરું કે, જેના કારણે પસ્તાવાનો સમય આવે બસ. અને હા, બીજી એક ખાસ વાત આજથી હું મારા જુના ફોન નંબર હંમેશ માટે ડીલીટ કરી દઉં છું. નવા કોન્ટેક્ટ પણ ઓન્લી ફોર ગણ્યાં ગાંઠ્યા પર્સનને જ આપ્યાં છે, કારણ કે હવે મને મારા ભૂતકાળના પડછાયાનો કોઈ અંશ સુદ્ધાં નવી જિંદગી પર ન પડવો જોઈએ એવું હું ઈચ્છું છું.’ એવું સપના બોલી.

છુટ્ટા પડ્યાની વેળાએ સપના સાથે હાથ મીલાવતાં સમીર બોલ્યો..

‘ધેટ્સ વેરી ગૂડ, પણ એક છેલ્લી વાત કરી દઉં. તારું સપનું તૂટશે તો ચાલશે પણ સપના તૂટશે તો હું મારી જાતને માફ નહીં કરી શકું બસ, એટલું યાદ રાખજે. કારણ કે, તારા કોઈપણ વિપરીત પરિણામ માટે અંતે હું જ નિમિત બનીશ.’ આટલું બોલતા સમીરનો સ્વર મહદ્દઅંશે ગળગળો થઇ ગયો હતો, જે વાતની સપનાએ નોંધ લીધી.

‘યકીન કર દોસ્ત, હું તારી લક્ષ્મણરેખા લાંધીને આપણી દોસ્તીના સ્વાભિમાન પર લાંછન નહીં લાગવા દઉં. સપનાને મહારથી બનવું છે પણ સ્વાર્થી નહીં. બિલ્લુભૈયા કરતાં મને તારા માટે કંઇક વિશેષ માન ઉપજે છે, કારણ કે, હું તારી આંખોમાં સપનાના બહેતર જિંદગાનીના સપના જોવાની જીજીવિષા જોઈ રહી છું, સમીર.
અને આવા રૂડા ઋણાનુબંધમાં જોડાવાનું ભાગ્ય સાત જન્મોમાં પણ ભાગ્યેજ કોઈને મળે છે.’
આટલું બોલ્યાં પછી સપનાની આંખે ઝળઝળિયાં આવવાના બાકી હતાં.

છેવટે બંનેને એવું મહેસૂસ થયું કે, વાતાવરણ તંગ બને એ પહેલાં છુટ્ટા પડવું જ બહેતર રહેશે એટલે સમીર મેઈન ડોર તરફ જતાં બોલ્યો..

‘ચલ, બાય એન્ડ ટેક કેર યોર સેલ્ફ.’
અને સપના ગૂડબાયના સંકેત સાથે કયાંય સુધી હથેળી હલાવતી સમીરને જતાં બસ જોયા કરી.

થોડીવાર પછી મોબાઈલમાં મેસેન્જર ટોન વાગતાં સપનાએ જોયું તો સાહિલનો મેસેજ હતો....

‘કીતના ઔર ક્યા સચ હૈ ? સાહિલ કે દોનો છોર કી જુદાઈ કા સબબ સરિતા હોતી હે, યા સાહિલ કે વજૂદ કી ?
દ્રષ્ટિભ્રમ જેવી ગુગલી બોલ પર ચપળ બેટ્સમેન જેમ આંખના પલકારામાં હેલીકોપ્ટર શોટ મારીને બોલને બાઉન્ડ્રી બહાર ફેંકી દે, એવો સિક્સર જેવા સાહિલનો સંદેશો વાંચીને સપના બે ઘડી પહોળી આંખો સાથે દંગ રહી ગઈ..

વધુ આવતાં અંકે.


Rate & Review

Pradyumn

Pradyumn 7 months ago

Vijay

Vijay 8 months ago

Viral

Viral 10 months ago

Pannaben Shah

Pannaben Shah 10 months ago

Balkrishna patel

Balkrishna patel 11 months ago