Sajan se juth mat bolo - 15 books and stories free download online pdf in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 15

પ્રકરણ-પંદરમું/૧૫

સમીરના ગુઢાર્થ જેવા સંવાદોને વાગોળે એ પહેલાં સાહિલનો અનપેક્ષિત અને આકસ્મિક આવેલો નહેલે પે દહેલા જેવો મેસેજ વાંચીને સપનાની મતિ મનોમંથનના માર્ગે ચડી ગઈ.

એક...બે.. ત્રણ.. કંઇક કેટલીયે વાર સાહિલનો મેસેજ સપના વાંચતી રહી. બે વાત સપનાના શાંત દિમાગને દસ્તક દેતી રહી, એક તો અચાનક આવેલો સાહિલનો મેસેજ અને ખાસ તો મેસેજના મર્મની ગહેરાઈ. આટલી વાત પરથી સપનાના શાતિર દિમાગે એટલો અંદાજ લાગવ્યો કે, સાહિલ માત્ર ઈન્ટેલીજન્ટ નથી પણ કાફી ઈન્ટેલીજન્ટ છે. એક લીટીના સંદેશમાં તેણે ઘણું બધું કહી પણ દીધું અને પૂછી પણ લીધું.

બે મિનીટ આંખો બંધ કરીને સપનાએ એવું વિચાર્યું કે, જો હવે હું તેના મેસેજનો એક ઘા ને બે કટકા જેવો જડબાતોડ જવાબ આપું તો... આ સરિતા માટે સાહિલની હદને ક્યા કદમાં રાખવી એ તેના ડાબા હાથનો ખેલ સાબિત થશે. ખુદને રોમાન્સના રાજા સમજતા રોમીયોને ઘુંટણીયે પાડવા શસ્ત્ર નહી પણ સુમન જ કાફી છે. આ ખાન માટે જ્યાં ખંજન પર્યાપ્ત છે તો ખંજર શા ખપનું ?




આ તરફ ગામડે રતનપુર..

પરમ મિત્ર મનહરલાલની જિંદગીમાં આવેલાં અણધાર્યા ચક્રવાતી તોફાનથી સપનાના શાંત સરિતા જેવા સંસારમાં આવેલાં ઉત્તર- દક્ષિણ જેવા ધરખમ ઉથલપાથલને કારણે અંબાલાલ સતત ચિંતિત રહ્યા કરતાં. ઘડીકમાં અકારણ સંકેલાઈ ગયેલી મનહરલાલની જીવનલીલા બાદ અચનાક સપનાનું ગામ છોડીને રહેવાની ઘટના અંબાલાલને કોઈ રહસ્ય કથાથી કમ નહતી.

આંખના પલકારામાં લાખનું રાખ થઇ ગયું. ખાસ્સાં દિવસોની પ્રતીક્ષા પછી છેલ્લાં બે દિવસ પહેલાં સપનાની ભાળ મેળવવા અંબાલાલે ઘણાં પ્રયાસો કર્યા પણ સદંતર નિષ્ફળતા હાથ લાગી. સપનાનો કોઈ પત્તો મળતો નહતો અને આ તરફ ચીમનલાલના પણ કોઈ સગડનું અનુસંધાન નહતું જડતું. અંબાલાલે દીકરી ઇન્દુને પણ સગડ પૂછ્યા પણ સરળતાથી સપનાનું કોઈ પગેરું મળતું નહતું. પણ ગડમથલની અંતે ઉદ્દભવેલી શંકાના આધાર પરથી અંબાલાલને ગુત્થીની બંધબેસતી એક કડીથી એટલો અંદાજ આવતો હતો કે, સપનાનું ગામ છોડીને જવું અને ચીમનલાલનું અચાનક ગાયબ થઇ જવું, આ બંને ઘટના વચ્ચે જરૂર કોઈ રહસ્ય છુપાયેલું છે. બન્ને માંથી કોઈનું પગેરું ન મળવા છતાં અંબાલાલે તેના લાગતાં વળગતાં સંપર્કના આધારે સપનાની શોધખોળના પ્રયત્નો સળંગ રાખ્યાં હતાં

આ તરફ સાંજ ઢળતાં સુધીમાં સપનાએ સાહિલને કેવો અને ક્યારે જવાબ આપવો એ માનસિક વ્યાયામ કર્યા પછી બબ્બનને કોલ કરીને રાત્રીના નવ વાગ્યાની આસપાસ ઘરે આવવાનો સંદેશ આપી દીધો હતો.
ઠીક નવ અને પાંચ મિનીટ પર ડોરબેલ વાગી…
ડોર ઓપન કરતાં સામે બબબ્નને વિચિત્ર વેશભૂષામાં જોતાં હસતાં હસતાં સપનાએ પૂછ્યું..
‘અલ્યા આ શું ? શૂઝ, પેન્ટ, ટી-શર્ટ, હેટ બધું જ રેડ, કોઈ સર્કસ કંપની જોઈન કરવાનો છે કે શું ?
સ્લીવલેસ અને ઘૂંટણથી એક વ્હેત ઊંચા બ્લેક કલરના વન પીસના પરિધાનમાં થોડી ક્ષણો સુધી સપનાના ધરમૂળથી બદલાયેલા રંગરૂપને જોઈ રહ્યાં પછી અંદર પ્રવેશતાં બબ્બન બોલ્યો.
‘અરે ના, એ તો તે મારી જે ઓળખ આપી તેનો પરિચય આપવા આ ગેટઅપમાં આવ્યો છું.’
‘મેં તને વળી કંઈ ઓળખ આપી ? ’ આશ્ચર્ય સાથે સપનાએ પૂછ્યું.
‘પબ્લિક ટેલીફોન બૂથની’ બબ્બન આટલું બોલતાં બંને ખડખડાટ હસવાં લાગ્યાં પછી સપના બોલી..
‘ઓહ...માય ગોડ, બબ્બન યુ આર રીયલી સો ક્રેઝી યાર. ખરેખર ગઝબ છે, તું તો. આવ આવ વેલકમ બેસ.’ સોફા તરફ ઈશારો કરતાં સપના બોલી..
‘અચ્છા, સપના તને તકલીફ ન હોય તો હું સ્મોક કરી શકું ?
‘અરે.. બિન્દાસ, તેમાં મને શું તકલીફ થવાની ?
વિન્ડોના કર્ટન ખોલતાં સપનાએ પૂછ્યું
‘અરે કદાચ તને પણ પીવાની ઈચ્છા થઇ જાય તો, એ તકલીફ એમ ?
હસતાં હસતાં બબ્બન બોલ્યો..
‘ઈમ્પોસ્સીબલ બબ્બન, સપનાને કોઈ વ્યસન વ્યથિત કરી જાય, એ વાતમાં દમ નથી સમજ્યો. હવે બોલ શું લઈશ, કોલ્ડ ડ્રીંક્સ યા સમથીંગ હોટ ?’ સપનાએ પૂછ્યું
‘હોટ.. ? હોટમાં શું પીવડાવીશ ? બબ્બને પૂછ્યું..
‘તું બીલીવ નહીં કરે એ પીવડાવીશ બોલ.’ સોફામાં બેસતાં સપના બોલી.
‘ઓહ્હ.. કુછ નહીં પર, કાફી બદલે બદલે સે નજર આ રહે હૈ સરકાર મેરે. તારી તારીફ-એ-કાબિલ તબદીલ થયેલી તાસીર જોતાં હવે કોઈપણ અંદાજો લગાવવો આસાન તો નથી જ. તું કંઈપણ કરી શકે એમ છે. સપના તું તો મીરાંમાંથી મંદાકિની બની ગઈ યાર... શહેરમાં આગ લગાડવાનો ઈરાદો છે કે શું ? ’

‘બસ બસ હવે..ડોન્ટ બી ઓવર સ્માર્ટ. એક મિનીટ..’
એમ કહી સપના કિચન તરફ ગઈ..
બબ્બને તેની પસંદીદા માલબોરો સિગરેટના પેકેટમાંથી એક સિગરેટ કાઢી, હોઠ વચ્ચે દબાવી, સળગાવી, એક ઊંડો કશ મારી ધુમ્રસેર છોડતા રૂમમાં સિગરેટની સ્મેલ પ્રસરી ગઈ..
હજુ સપના કિચનમાંથી બહાર આવીને તેના હાથમાંનો ગ્લાસ સોફા નજીકની ટીપોઈ પર મૂકે એ પહેલાં જ બબ્બન અતિ આશ્ચર્ય સાથે બોલ્યો..

‘હેય....આઈ કાન્ટ બોલીવ ધીઝ...આ તો મારું ઓલ ટાઈમ ફેવરીટ ડ્રિક્સ છે, વોડકા ગ્રીન એપ્પલ. બટ હાઉ યુ નો ધીઝ સપના.’

‘હાઈ... માય સેલ્ફ મીસ. સરિતા શ્રોફ. વ્હોટ કેન આઈ ડૂ ફોર યુ, સર.’ અલગ અંદાજમાં બબ્બન તરફ આંખ મારી હસતાં હસતાં સોફા પર બેસતાં સપના બોલી.

‘સિર્ફ સરિતા નહીં, ગાંડીતુર સરિતા કહે. આ શ્રોફે તો સોપો પાડી દીધો. લાગે છે કે, શહેરમાં આગ લગાડવાનું રીહર્સલ કરવાં મને બોલાવ્યો છે કે શું ?
અચરજ સાથે બબ્બને પૂછ્યું.
‘ચલ ચલ હવે રીહર્સલ વાળા. આ તો નવા નામકરણ વિધિનું સેલિબ્રેશન કરવાનું મન થયું એટલે તને અને માત્ર તને જ ઇન્વાઇટ કર્યો છે, અને એ પણ તારી એક્લોતી શબનમની પરમીશન લઈને સમજ્યો.’

‘ઓહ્હ.. હવે મને આ વોડકાનું રહસ્ય સમજાયું. મારી કુંડલી કાઢ્યા પછી ઇન્વાઇટ કર્યો છે એમ ને ? ’ વોડકાનો ઘૂંટ ભરતાં બબ્બન બોલ્યો..

‘તારુ અનલોક પ્રોફાઈલ જેવું થોબડાનું ચોપડું જોયા પછી શું કુંડળી કાઢવાની ? તું માત્ર બિન્દાસ બોલ બચ્ચન છો એટલું જ. અને સાચું કહું બબ્બન, તે દિવસે એરપોર્ટ પર શબનમ સાથે વિતાવેલી તારી અંતિમ પળો એ મને તારો શ્રેષ્ઠ અને પારદર્શક પરિચય આપી દીધો હતો. અને એટલે જ એ પહેલી, ટૂંકી અને યાદગાર મુલાકાત બાદ આજની સાંજ મેં તારી જોડે વિતાવવાનું પસંદ કર્યું છે.’

‘બટ ફોર યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન..હું શબનમને જાણ કરીને જ આવ્યો છું.’
‘કેમ, ફાટે છે શબનમથી ? ખડખડાડ હસતાં સપનાએ પૂછ્યું.
‘હમમમ.. ફાટવાના સંદર્ભમાં કહું તો, શબનમ સાથે સભાનતાથી સંબંધમાં જોડાયા પછી હું કોઈ એવી લક્ષ્મણરેખા નથી ઓળંગ્યો કે, જેના કારણે હું શબનમ સાથે આંખ મિલાવીને વાત ન શકું. આ વાત પરસ્પરના પરીનિષ્ઠાની પરાકાષ્ઠાના પરિસીમાની પ્રતીતિ કરાવે છે. એવું હું કોલર ઊંચું કરીને કહી શકું.’

બબ્બનના સચોટ જવાબથી તાળીઓ પાડતા સપના બોલી..
‘હું તારી દોસ્ત છું, એ વાત પર તો મને પણ પ્રાઉડ ફીલ થાય છે. અચનાક જ કેટકેટલાં કાલ્પનિક કહાનીના પાત્રો જેવા છતાં જીવંત કેરેક્ટર સાથે ખુબ જ ટૂંકા સમયગાળામાં અનાયસે મારો ભેટો થઇ ગયો. તું, શબનમ, પેલી ત્રણ રૂમ મેટ્સ, સમીર, બિલ્લુભૈયા અને ઇકબાલ મિર્ચી જેવી એકબીજાથી વિપરીત પ્રકૃતિની જીવતી જાગતી હસ્તી, જેના વિષે હું કયારેય કલ્પના પણ ન કરી શકું ? ગઈકાલ સુધી સાવ અજાણ્યાં લાગતાં લોકો સામે આજે મારે બિન્દાસ કંઈપણ બોલવાનો ઘરોબો છે. આઈ કાન્ટ બીલીવ ધીઝ.’

‘પણ, સપના રાતોરાત અચનાક તું આ એકતાકપૂરની ગાય જેવી તુલસીમાંથી તૃણમલ કોંગ્રેસની મમતા જેવી વાઘણ કેમ બની ગઈ ? આ દોમ દોમ સાહ્યબી, નવા નામ, કામ અને જામ કોને આભારી છે ? કે પછી વિધાઉટ બોલીવૂડ ડાયરેક્ટ હોલીવૂડમાં એટ્રી મારવી છે ? તું અંધારામાં છે કે, સૌને અંધારામાં રાખવા માંગે છે ?

‘અરે..કૂલ યાર. એવું જ હોત તો તને અહીં ઇન્વાઇટ જ શા માટે કરું ? કહું છું બબ્બન બાબા, બધું જ કહું છું. હવે સાંભળ..’

એ પછી સપનાએ બબ્બન સાથેની પહેલી મુલાકાત બાદ છુટ્ટા પડ્યા પછીની કથનીનો આરંભ કરતાં છેક અત્યાર સુધીની સંપૂર્ણ વીતકકથાની ટૂંકમાં રજૂઆત કર્યા બાદ પૂછ્યું..

‘હવે બોલ.. આમાં મેં તને શું અંધારામાં રાખ્યો એ કહે ? અને તને બોલવાનું ખાસ કારણ એ, તે કહ્યું એમ હું એ જાણવા માંગું છે કે, હું તો અંધારામાં નથી ને ? મારે એ જાણવું છે.’

વોડકાના અંતિમ ઘૂંટ સાથે ફરી એક સિગરેટ સળગાવતાં બબ્બન બોલ્યો..
‘ફર્સ્ટ ઓફ સપના તું મને એ કહે કે, તારો ગોલ શું છે ? એકઝેટલી તું કઈ દિશા તરફ જવાં માંગે છે, અને તારે શું હાંસિલ કરવું છે ? અને તારા દિમાગમાં આ હનીટ્રેપના બુખારનું ફીતુર સવાર થયું કઈ રીતે ?’

બબ્બનની સામું જોઈ સપના બોલી..

‘જન્મથી લોહીના ઘટકે હલકી મનોવૃતિના કીડા લઈને પેદા થયેલા પુરુષજાતની એક ખાસ કોમનો ટૂંકા સમયગાળા દરમિયાન, અચનાક વીજળી ત્રાટકે એવાં તિત્સ્કૃત ઘાતકી અત્યાચારથી રગેરગમાં ફરતી ધૃણાની ધૂણીને શાંત કરવાં માટે, અનયાસે ભેટો થયેલા બિલ્લુભૈયાની નિસ્વાર્થ છત્રછાયા અને હુંફાળી હૈયાધારણથી પંડમાં ભભૂકતી પ્રતિશોધની જ્વાળાને સાચી દિશાનું સંકેત આપતું એક ઈંજન મળી ગયું.
અને વાત વાતમાં વટ સાથે શુરાતન ચડતાં મુલાકાત થઇ અડધા આંટાના ઇકબાલ મિર્ચી સાથે. એ પછી બિલ્લુભૈયાની ભ્રમણા ભાંગીને ભુક્કો કરી એટલે હવે આ મિશન મારા કરતાં બિલ્લુભૈયા માટે વધુ મહત્વનું છે.’

‘સપના, તારા, બિલ્લુભૈયા અને ઇકબાલ મિર્ચી સાથેના તને પારદર્શક લાગતાં સંવાદ સત્સંગમાં તે કોઈ ખાસ વાતની નોંધ લીધી ?
સોફા પરથી ઊભા થતાં બબ્બને પૂછ્યું..

‘કઈ વાત ? હું આટલી આસાનીથી તેમની જોડે કેમ ભળી ગઈ એમ ?’
અચરજ સાથે સપનાએ પૂછ્યું
‘હા, પણ તું નહીં, એ તારી જોડી ભળી ગયાં, આશ્ચર્ય એ વાતનું છે, ડીયર સમજી.’

‘એ કઈ રીતે ? એ અંધારી આલમના અવ્વલ દરજ્જાના આકાઓને મારી જોડે ભળવાની શી જરૂર ? ગરજ મને છે, તેઓને નહીં, એટલે હું ભળી એમ કહેવાય, એ ભળ્યા એમ નહીં.’ કુતુહલ સાથે સપનાએ પૂછ્યું

‘હવે મને લાગે છે કે, તું ખરેખર અંધારામાં છે, સપના.’ સિગારેટનો આખરી કસ ખેંચતા બબ્બન બોલ્યો
‘બની શકે, કેમ કે, જ્યાંથી લોકોના દિમાગના સોચવાની સીમાનો અંત આવે, ત્યાંથી મારવાડી સોચવાનું શરુ કરે. મને મારી હરણફાળ સફળતા પર શંકા હતી જ. અને એ ક્લીયર કરવાં જ મેં તને બોલાવ્યો છે, હવે બોલ હું ક્યાં થાપ ખાઈ ગઈ ? ગંભીરતાથી સપનાએ પૂછ્યું
‘કહું, પણ એ પહેલાં વોડકાનો એક પેગ ફરી રીપીટ કરવો પડશે.’
‘ઓ સ્યોર..જસ્ટ એ મિનીટ,’ એમ કહી સપના કિચનમાંથી વોડકાની પૂરી બોટલ ઉઠાવી લાવી, તેમાંથી ખાલી ગ્લાસ ભરી બબ્બન તરફ લંબાવતા બોલી..
‘નાઉ લેટ્સ કમ ઓન ચીયર્સ..’

એક ઘૂંટ ભર્યા પછી ત્રીજી સિગારેટ સળગાવતાં બબ્બન બોલ્યો.
‘સાવ સીધી અને આંખે ઉડીને વળગે તેવી વાત છે. તારી દ્રષ્ટિએ જે અંધારી આલમના બેતાજ બાદશાહને તું સુપર પાવર સમજે છે, તેઓની પાસે શસ્ત્ર છે પણ, તારી પાસે શસ્ત્રથી પણ ચડીયાતું હથિયાર છે, શાસ્ત્ર. જે તેઓની પાસે નથી. તું જે કરી શકે, એ બિલ્લુ અને ઈકબાલ ભેગા થઈને પણ નહીં કરી શકે. હવે સમજાય છે, કે ઇકબાલ તારી આગળ કેમ પૂંછડી પટપટાવીને લાળ ટપકાવે છે ? કેમ કે તેના શસ્ત્ર બુત્ઠા છે, અને તારું શાસ્ત્ર ધારધાર અને...’
આગળ બોલતાં બબ્બન થંભી ગયો એટલે સપનાએ પૂછ્યું..

‘અને...’

‘અને તારું કાતિલ શબાબ. સપના યુ હેવ બ્યુટી વિથ બ્રેઈન સમજી. એ તારું સૌથી તાકતવર પરિબળ છે, અને બીજો સ્ટ્રોંગ પ્લસ પોઈન્ટ છે, તું બેબાક અને બેખોફ છે. જે આવી દુનિયાની એન્ટ્રી માટે અનિવાર્ય છે. પણ તારી અને ઈકબાલ વચ્ચે શું ડીલ થઇ, એ કહીશ મને ?

‘બટ બબ્બન ડીનર કરતાં કરતાં ચર્ચા કરીએ તો બેટર રહેશે.’
સોફા પરથી ઊભાં થતાં સપના બોલી.

‘ના, ચર્ચા કરતાં કરતાં ડીનર કરીએ તો વધુ બેટર રહેશે.’
બબ્બન એવું બોલતાં બંને ખડખડાટ હસવાં લાગ્યાં.

શબનમ પાસેથી માહિતી મેળવીને સપનાએ બબ્બનની પસંદીદા મેન્યુ તેના આવતાં પહેલાં જ ફૂડ સ્ટોર પરથી ઓર્ડર કરીને મંગાવી લીધું હતું. બબ્બનની ચોઈસ હતી ચાઇનીઝ અને સપનાની પંજાબી.

વોડકાના ઘૂંટ પહેલાં મંચુરિયનનું બાઈટ લેતાં બબ્બને પૂછ્યું.
‘હા, હવે બોલ તું ક્યાં કન્ફૂઝ છે ? ’
‘હવે સૌથી પહેલાં મારા અને ઇકબાલ મિર્ચી વચ્ચે જે ચર્ચા થઇ એ તને કહું. એ પછી મારી આગળની તને વ્યૂહરચના જણાવું.’

એમ કહી સપનાએ તેના અને ઇકબાલ મિર્ચી વચ્ચે સાહિલને લઈને જે ટર્મ એન્ડ કંડીશન પર ડીશકશન થઇ તે સપનાએ કહી સંભળાવી.
‘હમમમ..મારી વાત હું પછી કહીશ, પણ સૌ પહેલાં મને એ કહે કે, તારો ગેમ પ્લાન શું છે ?’ ચોપસ્ટિક ઉઠાવતાં બબ્બને પૂછ્યું.

‘હું એ ગડમથલમાં છું કે, મારી વ્યૂહરચનામાં ઇકબાલને કેટલો શામિલ કરું ? અથવા કરું કે ના કરું ? અને કદાચને કંઇક આડું વેતરાયું તો..લાસ્ટ મોમેન્ટ પર મને કોણ કવર કરે ? વ્હોટસ ધ યોર પોઈન્ટ ઓફ વ્યુ બબ્બન ?
સપનાએ તેની અસમંજસની અસલિયત બબ્બન સામે રજુ કરી..

‘આઈ થીંક સપના તારે ઇકબાલને તારી ચાલમાં વન પર્સન્ટ પણ ઇન્વોલ્વ ન કરવો જોઈએ. કારણ કે, એવું કરવાથી તું ફસાઈ જઈશ. અને તારી ઈકબાલ સાથે એવી ક્યાં શરત છે કે, આ કામ તારે કોઈપણ ભોગે પૂરું કરવાનું જ છે, એમ આઈ રાઈટ ? તું પણ ઇકબાલને અંધારામાં રાખી શકે તેમ છે ને ? ક્યાં. કેમ. કઈ રીતે અને કયારે શું કરવાનું છે, એ ફાઈનલ ડીસીશન તારે જ લેવાનું હોય. નહીં તો આ ચક્રવ્યુહમાંથી તું લાઈફ ટાઈમ બહાર નહીં નીકળી શકે. કેમ કે બિલ્લુની તો મને ખબર નથી પણ ઇકબાલ માટે તું માત્ર એક નામથી વિશેષ કંઈ જ નથી. અને તારી નજરમાં હનીટ્રેપમાં શિકારની શું વ્યાખ્યા છે ? ’
હનીટ્રેપ ષડ્યંત્રના એક એક પાસાની બારીકાઇ સમજાવતાં બબ્બન બોલ્યો..

‘શિકાર એટલે... માલદાર પાર્ટી.’ સપના બોલી

‘યુ આર ટોટલી રોંગ.. એવું કોને કહ્યું ? માલદારની સાથે સાથે જે ભોગીનો રોગી હોય અસ્સલમાં તે હનીટ્રેપનો સાચો શિકાર. તે શું નામ કહ્યું, એ શિકારનું...... હા, યાદ આવ્યું...સાહિલ, તને વિશ્વાસ છે કે, એ વિશ્વામિત્ર તારી મેનકા જેવી મોહમાયાની માયાઝાળમાં ફસાઈ જ જશે ? કદાચ એવું પણ બને કે, તારા હથકંડા તેના અનુભવ સામે ટૂંકા પડે અથવા... તારું હોટ તેને કોલ્ડ પણ લાગે, એ શક્યતાને પણ નજરઅંદાજ ન કરી શકાય. અથવા તેની ફિતરત મુજબ તારું સર્વશ્રેષ્ઠ સાહિલ માટે ગૌણ પણ સાબિત થાય.’

વિચારમગ્ન થતાં સપના બોલી..
‘હાં, યાર બાત મેં દમ હૈ, આવું તો મેં વિચાર્યું જ નહતું. આ તો કોકડું ઉકેલવાને બદલે વધુ ગૂંચવાઈ ગયું હોય એવું લાગે છે. તો હવે શું કરું ? ’
‘કંઈ નહીં યાર, અત્યારે તો ઇકબાલના પૈસે તાકડધિન્ના કરવાના અને પછી ધીમેકથી કહી દેવાનું... બાત બની નહીં, બસ, ખાયા પિયા કુછ નહીં ગિલાસ તોડા બારહ આના.’ એ પછી બન્ને હસ્યાં

‘સપના તું રામાયણની કથાથી ખુબ સારી રીતે વાકેફ હોઈશ. શ્રવણના આકસ્મિક મૃત્યુ માટે કોણ નિમિત બન્યું હતું ? અંદાજાના આધારે અતિવિશ્વાસે શિકાર સમજીને રાજા દશરથે છોડેલા બાણથી જ ને ? પછી... પછીની કહાની જગ મશહુર છે. આઈ થીંક તારા માટે આટલી હિન્ટ કાફી છે.’
ડીનર ફિનીશ કરી ઊભા થતાં બબ્બન બોલ્યો..
‘ઈકબાલ નહીં પણ તારા માટે મિશન સકસેસ ફૂલ થાય એવી એક શક્યતા ખરી.’ બબ્બન બોલ્યો..
‘શું ?’
‘સાહિલ તારા પ્રેમમાં પડી જાય તો ? હસતાં હસતાં બબ્બને જબાબ આપ્યો..

‘અરે... યાર તો તો મિશન સકસેસ ફૂલ નહીં..મિશનનું સુરસુર્યું થઇ જાય. અને હું એ રાજ માટે સિમરન બનું એમ ? જવા દે જવા દે.. એ વાતમાં દમ નથી.’
કિચન તરફ જતાં સપના બોલી..

‘શબનમ પણ જયારે લગ્ન માટે જિદ્દ કરે ત્યારે હું પણ એમ જ કહું છું કે, જયારે જોઈએ ત્યારે દૂધ વેંચાતું મળતું હોય તો ઘરે ભેંશ બાંધવાની શી જરૂર છે ?
બબ્બન ખુબ હસ્યો પછી સપના બોલી..

‘તારી અને શબનમની વાત અલગ છે યાર, સાહિલ જેવા તો કંઇક હાલતાં ચાલતાં મારા પ્રેમમાં પડી જાય તો શું બધા સાથે હું રિશ્તો જોડી લઉં.. આર યુ મેડ ?

‘ફાઈનલી એક વાત યાદ રાખજે... ઇકબાલથી ચેતીને ચાલજે. તારી સેઈફ સાઈડ રાખીને જ દરેક મેટર ઇકબાલને પાસ ઓન કરજે. અને કંઈ પણ ડાઉડફૂલ સિચ્યુએશનનું ઇન્ડીકેશન મળે તો મને એની ટાઈમ કોલ કરી શકે છે.’

એ પછી છેક રાતના અગિયાર વાગ્યા સુધી બંને વચ્ચે મજાક મશ્કરીનો દૌર ચાલ્યો..
અને અગિયાર અને દસ મિનીટે બબ્બન રવાના થયો તેના ઘર તરફ.. અને સપના ફ્રેશ થઈને હળવું ગાઉન પહેરી ભારેખમ વિચારમંથન સાથે આડી પડી બેડ પર.

થોડીક ક્ષણો આંખો મીંચીને પડી રહ્યાં બાદ વીજળીના ચમકારા જેવો એક વિચાર સ્ફૂર્યો કે, સાહિલના પ્રકરણમાં કોઈ ત્રીજો વિકલ્પ જ કારગત નીવડી શકે તેમ છે. અને એ ત્રીજા વિકલ્પના ધૂંધળા ચિત્રને કલ્પનાના કેનવાસ પર ચીતર્યા પછી સૌ કોઈ દંગ રહી જાય એવાં ચિત્ર-વિચિત્ર રંગો ભરવાનું સપનાએ શરુ કર્યું.

સપનાને સટીક અને સરળ લાગતાં આ ત્રીજા વિકલ્પનો જન્મદાતા હતો બબ્બને વિનોદવૃત્તિમાં કરલો સંવાદ.... ‘સાહિલ તારા પ્રેમમાં પડી જાય તો ?’

ગંભીરતાથી આ સંવાદના અનુસંધાન સાથે સ્વને સાંધતા સપના મનોમન બોલી..
જો.. દિલ્લગી, દિલ કી લગીનું સ્વરૂપ ધારણ કરે તો...કદાચને વાત વણસી પણ જાય. પણ સાહિલના સંદેશ પરથી તેના આઈ.ક્યુ.નો અંદાજ આંકતા મનોમંથનના અંતે સપના મંદ મંદ મુસ્કાન સાથે એટલું બોલી...
‘ચલો કુછ તૂફાની કરતે હૈ.’

કયાંય સુધી આંખો બંધ કરી વિચારવમળમાં વીંટળાતી સપનાએ જયારે આંખો ઉઘાડીને સમય જોયો તો.. બાર વાગીને પિસ્તાળીસ મિનીટ થઇ હતી. અચનાક બેડ પરથી ઉભી થઇ.. વોશબેશીન તરફ જઈ, મોં પર ત્રણથી ચાર ઠંડા પાણીની છાલક મારીને ઊંઘથી ઘેરાયેલી આંખોમાંથી નિદ્રાને નીતારી નાખ્યા પછી હળવેથી મોં લૂછી મોબાઈલ લઇ, લંબાવ્યું સોફા પર.

‘સરિતાના આકાર અને સ્વરૂપનું સૌજન્ય અને સબબ છે, સાહિલ. સાહિલની અનુપસ્થિતિ વગર સરિતાનું શું અસ્તિત્વ ? સરિતા તો સહજ સરતી રહે તેના ઉદ્દગમ સ્થળેથી. તેને સાહિલનો શું પરિચય ? સાહિલ ખુદ સરિતાનું વજૂદ છે. અને એ જ સનાતન સત્ય છે. સરિતાની ઉછળતી લહેરમાં ઉઠતાં સ્પંદનનો સંદેશ પહોચાડે એક છોરથી બીજા છોર સુધી. જે લહેરોએ સરિતાને સુંદરતા બક્ષી છે.. એ લહેરો સરિતા સમર્પિત કરે છે સાહિલને. અસ્તિત્વ વિહીન થઈને.’

જેની સાત પેઢીમાં કોઈએ પ્રેમના અઢી અક્ષર નથી વાંચ્યા એ પ્રેમદૂત સાહિલે અડધી રાત્રે સપનાનો આ પ્રેમગ્રંથને આંટી મારે એવો સંદેશ વાંચતા બીજી જ પળે તેના દિમાગમાંથી કિંગ ઓફ રોમાન્સનું ભૂત ઉતરી ગયું.

મનોમન બોલ્યો આ એક સરિતા સો સિમરન પર ભારે પડે એવી છે.. તરત જ રીપ્લાઈ મેસેજ ટાઈપ કરીને સપનાને સેન્ડ કર્યો..

‘સરિતાના તળનો અંદાજ આવતાં શાયદ હવે સાહિલને જ ડૂબી જવાનો ડર લાગે છે. સરિતાના સાક્ષાત્કારની ગહન પ્રતિક્ષામાં,સાહિલ. ’

વધુ આવતાં અંકે..