Sajan se juth mat bolo - 16 in Gujarati Novel Episodes by Vijay Raval books and stories PDF | સજન સે જૂઠ મત બોલો - 16

સજન સે જૂઠ મત બોલો - 16

પ્રકરણ સોળમું/ ૧૬

‘સરિતાના તળનો અંદાજ આવતાં શાયદ હવે સાહિલને જ ડૂબી જવાનો ડર લાગે છે. સરિતાના સાક્ષાત્કારની ગહન પ્રતિક્ષામાં,સાહિલ.’

બીજી જ પળે સાહિલ તરફથી આવેલો અનપેક્ષિત પ્રત્યુતર જોતાં વ્હેત જ.. બન્ને હાથની મુઠ્ઠી વાળી બન્ને હાથને નીચેની તરફ ખેંચી ધીમી ચીચ્યારી સાથે સપના બોલી..
‘યસ.. લગા.. લગા..લગા... તીર ઠીક નિશાને પે લગા... અબ તું નહીં તેરા પૂરા ખાનદાન ડૂબેગા સાહિલ. દેખ અબ ઇસ અંદર સે તૂફાની ઉપર સે શાંત દિખને વાલી સરિતા કા કમાલ.’
અડધી રાત્રે આંધળા અંદાજના આધારે મારેલું રામબાણ ઠીક લક્ષ્યની લગોલગ લાગતાં હવે સપના મહદ્દઅંશે નિશ્ચિંત હતી. આ સાથે સપનાએ મનોમન બીજા એક દ્રઢ નિર્ણયની ગાંઠ વાળી લીધી કે, જ્યાં સુધી આ પરાક્રમ પર પૂર્ણવિરામ ન આવે ત્યાં સુધી કોઈપણ વાતની સ્હેજે ગંધ સુદ્ધાં કોઈને ન આવવી જોઈએ, બિલ્લુભૈયાને પણ નહીં. મોડી રાત સુધી ઉપર નીચે થતાં કંઇક ગહન મંથનના ગ્રાફના અંતે સાહિલ સરિતાના રહસ્યમય કથાસાગરમાં ડૂબકી લગાવતાં સપના સરી પડી ગાઢ નિદ્રામાં. પણ...

આ તરફ સાહિલની ઊંઘ હરામ થઇ ગઈ. શાતિર દિમાગથી શતરંજની ગહેરી ચાલની માફક સપનાએ ગોઠવેલાં શબ્દ મોહરાએ ચોતરફથી સાહિલને ઉઘાડી ચેલેન્જ સાથે માત આપવાં જાણે કે, સરિતા ઘેરી વળી હોય એવી મનોદશા સાહિલની હતી.

એક, બે, પાંચ સાત વાર, વારંવાર સપનાના સંદેશના શબ્દે શબ્દ વાંચતા સાહિલને એક વાત સચોટ સમજણ સાથે સ્પર્શી ગઈ કે, શાંત પાણી ઊંડા હોય એ વાત સરિતા સાથે સુગંગત છે. અને સરિતાના તળ કરતાં પણ તેના ધારદાર શબ્દોના તર્કનું મર્મ જાણવું અઘરું છતાં દિલચસ્પ છે. પહેલીવાર કોઈ સમાંતર ટક્કરનું મળ્યું છે. કોઇપણ ભોગે આ બલાને એકવાર મળવું તો છે જ. એવું મનોમન નક્કી કર્યા પછી... સાહિલની આંખો ઘેરાઈ છેક મધ્યરાત્રી પછી.

સવારે ઉઠતાં વેંત તરત જ મેસેન્જર ફંફોસતા સાહિલને નિરાસા હાથ લાગી.. નોટ એ સિંગલ મેસેજ ફ્રોમ સરિતા. એટલે મન મનાવીને લાગ્યો નિત્યકર્મમાં.

આશરે અગિયારેક વાગ્યે ફ્રેશ થઈને ઘરેથી શોપિંગનો મૂડ બનાવીને નીકળેલી સપના સૌ પ્રથમ આવી તેના ફ્લેટથી વોકિંગ ડીસ્ટન્સ પર આવેલાં ફેમસ ‘ઇવનિંગ પોસ્ટ’ રેસ્ટોરન્ટમાં કોફી પીવા. આજે અચાનક સપનાને કોફી પીવાનો ચસકો ચડ્યો હતો.
નોર્મલ કોફીનો ઓર્ડર આપીને ટેબલ સામેના ફૂલ લેન્થ મિરરમાં જાતને જોઇ સ્મિત કરતાં સ્વને સવાલ કર્યો. આ રતનપુરની એ સપના છે ? જે ગઈકાલ સુધી ડરી ડરીને આ શહેરમાં ડગ ભરતી હતી ? અને આજે તેનો ટકોરાબંધ આત્મવિશ્વાસ અને આશ્ચર્યચકિત આભા જોઇને એવું ફીલ થતું હતું કે, તે આ શહેરની સામ્રાજ્ઞી છે.

કોફીની ચૂસકી ભરે એ પહેલાં જ મોબાઈલ રણક્યો.. પર્સમાંથી સેલ કાઢીને જોયું તો સ્ક્રીન પર નામ હતું... ‘ બિલ્લુભૈયા.’

‘જય ગંગા મૈયા કી બિલ્લુભૈયા.. હુકમ કીજીયે.’
ગોગલ્સ ઉતારી કપાળ પર હથેળી ફેરવી અસ્ત વ્યસ્ત કેશને સરખા કરતાં સપના બોલી.

‘જય ગંગા મૈયા કી, કે કરે હૈ છોરી ? બિલ્લુએ પૂછ્યું.
‘ટહેલવાનો મૂડ ચડ્યો છે તો.. જસ્ટ બહારે આવી છું.. કોફીનો કપ લઈને બેઠી છું.’
‘ક્યા ખબર, ઇકબાલ કે શિકાર કી ? ફરી બિલ્લુએ પૂછ્યું
‘હમ્મ્મ્મ..કબૂતર કો દાના ડાલા હૈ. આયેગા જરૂર.’ કોફીનો ઘૂંટ ભરતાં સપના બોલી.
‘ઔર જાલ ઉસ વકત ઔર ઐસી ફેંકના કી ઉસમેં સિર્ફ વો અકેલા ફંસે.. તુમ નહીં સમજી.’ તેના કર્લી હેયરમાં હથેળી ફેરવતાં બિલ્લુ બોલ્યો.

‘વો ખુદ અપને આપ ફંસને પર મજબૂર હો જાયેગા..એસા જાલ ફેંકૂગી. બિલ્લુભૈયા.’ સપના બોલી.

‘અચ્છી તરહા જાણું હૂં છોરી, તેરી બાતોં કા અંદાજ કિતના ઝહેરીલા હૈ. સાંપ કા કાટા બચ શકે, સપના કા કાટા નહીં. પર.. ઇકબાલ કો તેવર દિખાને કી ખુજલી મેં કિસી કી જાન પે બન આયે ઇતની આગે ભી મત નિકલ જાઈઓ કી, કિસી કો મુહ દિખાને કે કાબિલ ના રહયો. બિલ્લુ કો ભી બિલ્લુ બણને મેં બીસ સાલ લગે હૈ. ઇતની તેજ મત ઉડા કર. આસમાન તો ક્યા ઝમીન ભી નસીબ નહીં હોગી.’ અંગારપથ જેવી સંઘર્ષ યાત્રાના અનુભવમાંથી પસાર થયેલા બિલ્લુએ કડવી વાસ્તવિકતા સપનાને રેડ સિગ્નલના રૂપમાં કહી સંભળાવી.

અને સપનાને બિલ્લુની સુફિયાણી વાતો ગળ્યાં સીરાની માફક ઝટ ગળે ઉતરી ગઈ. એટલે હળવેકથી બોલી.

‘જી બિલ્લુભૈયા સમજ ગઈ. આપ કી નસીહત કો ગાંઠ માર લૂંગી.’

‘સૂન છોરી, મેરી જિંદગી કા એક પક્કા ઉસૂલ હૈ, કભી કોઈ માસૂમ, મજલૂમ યા બેગુનાહ કે સાથ હુઈ બેઈન્સાફી મેં હરગીઝ બરદાસ્ત નહીં કર શકતા. ચાહે મેરા કરોડો કા ઘાટા ક્યુ ન હો જાયે. ઔર મેં નહીં ચાહતા કી તું ઇસ કાંડ મેં યે ગલતી જાન બૂજ કર કરે. બસ તેરે લિયે ઇતના કાફી હૈ. બાકી તું ફાકી સમજદાર હૈ.’

‘જી, સમજ ગઈ.’ કોફીનો આખરી ઘૂંટ ભરતાં સપના બોલી.
‘અચ્છા,ચલ ફોન રખ્ખું હૂં. જય ગંગા મૈયા કી.’
‘જય ગંગા મૈયા કી.’ આટલું બોલતાં સપનાએ એક ઊંડો શ્વાસ ભર્યા પછી ખ્યાલોમાં ખોવાઈ ગઈ. વિચારવિમર્શના વંટોળ સાથે વીંટળાઈને ખુદને પૂછ્યું...
સમીર, બબ્બન પછી બિલ્લુભૈયા ત્રણેવના તર્કબદ્ધ તાર્કિક સંવાદનો અર્થસભર અનુવાદ અંતે તો કોઈને કોઈ ખતરાના ઈન્ડીકેશનનું સંકેત આપે છે. મતલબ કે, સપનાને સપનામાં પણ સતર્ક રહેવાનું છે. છેલ્લે એવું વિચાર્યું કે, સૌના તર્ક-વિતર્કના સંવાદો તો મારી પ્રકૃતિને ધ્યાનમાં રાખીને લેવાયા છે, પણ સાહિલનો તો કોઈને પરિચય છે જ નહીં... અને કદાચને એવું પણ બને કે અંતે કાગનો વાઘ નિકળે. લેટ્સ સી. એમ વિચારી મનોમંથન પર પૂર્ણવિરામ મૂકી રેસ્ટોરન્ટની બહાર આવી ગઈ.

‘ટેક્ષી.....’
સામે કોર્નર પરના ટેક્ષી સ્ટેન્ડ પર પાર્ક ટેક્ષી તરફ જોઈ સપનાએ હળવેથી બૂમ પાડી.

બે મિનીટ બાદ ટેક્ષી આવતાં ડોર ઓપન કરી બેસતાં સપના બોલી..
‘ચલો ભૈયા ‘સીટી સેન્ટર કોમ્પ્લેક્ષ’ કી ઔર લે લો.’
‘જી મેડમ.’


શોપિંગની સાથે સાથે દિવસભરની બિન્દાસ રખ્ખડપટ્ટી બાદ છેક રાત્રે આઠ વાગ્યે ફ્લેટ પર આવતાં સોફા નજીક શોપિંગ બેગ્સ મૂકી થોડીવાર આંખો મીચીને સોફા પર પડી રહ્યાં બાદ મનપસંદ ફૂડ સ્ટોર મેકડોનાલ્ડમાંથી લીધેલું બર્ગર અને ફ્રેંચ ફ્રાયનું પાર્સલ કિચનમાં મૂકી.. વોર્ડરોબમાંથી હળવો નાઈટ ડ્રેસ લઈને ગઈ વોશરૂમ તરફ.

આશરે ચાળીશ મિનીટ બાદ...હળવી ફૂલ થઈ, ફૂલ સાઈઝ મગમાં પસંદીદા ટેસ્ટની ચાઈ સાથે બર્ગર અને ફ્રેંચ ફ્રાય લઈને બેઠી ટી.વી. સામે પાંચ સાત ચેનલ્સ ફેંદયા પછી ન્યુઝ ચેનલ સેટ કરી, મોબાઈલ લઈને જોયું તો થોડીવાર પહેલાંના ઈકબાલ મિર્ચીના બે મિસ્ડ કોલ્સ હતાં.

બે ચાર બાઇટ્સ મોં માં મુક્યા પછી આરામથી દસ મિનીટ બાદ ઇકબાલને કોલ જોડતાં બોલી..
‘ક્યાંય આગ લાગી છે શું ?
‘અભી તક તો દૂર દૂર તક આગ લગને કા કોઈ અંદેશા ભી નજર નહીં આતા. ઔર તેરા સંદેશા ભી નહીં આયા.’
‘આ ઘેલઘાઘરીનાને સુહાગરાત પહેલાં જ છોકરા પેદા કરી લેવા છે કે શું ? ’
એવું દાંત કચકચાવીને મનોમન બોલ્યા બાદ સપના બોલી.
‘ઇતની જલ્દી આગ લગી તો મેરા ઘર ભી જલ જાયેગા, ઔર ફિર આગ બૂજાની ભી તો મુજે હી હૈ. તુમ તો સિર્ફ દૂર સે તમાશા દેખો કે, રૂપિયો કી ગડ્ડી ઉડાતે હૂએ. થોડા સા સબ્ર કરો ઇકબાલ શેઠ. અભી તક શિકાર કી મુંહ દિખાઈ નહીં હુઈ ઔર તુમ નિકલ પડે પેડે બાંટને. ખુશખબરી કી ઇતની જલ્દી હૈ તો કિસી કો ગોદ લે લો.’

ધમાકા જેવો જવાબ સાંભળીને ઇકબાલને થયું કે, આ તોપ સામે મારી એ.કે. ફિફ્ટી સિકસનું સુરસુર્યું થઇ જશે.. એટલે આ જંગલી બિલાડીને છંછેડવા કરતાં પંપાળવામાં જ મઝા છે. એટલે ખંધુ હસતાં હસતાં બોલ્યો..

‘ઓહ્હ.. સપના, તુ તો બુરા માન ગઈ, મેં તો મજાક કર રહા થા. અચ્છા સૂન, વો લડકે કી જીતની જાનકારી મિલી હૈ, વો મૈને તુજે મેસેજ કિયા હૈ. ફિર દેખ લેના મછલી કો ફાંસ કે વાસ્તે કૌન સા કાંટા ડાલના હૈ.’

‘કાંટા તો ઐસા ડાલૂંગી શેઠ કી, ના તો ઉસકી હલક સે, નીગલતે બનેગા ના તો ઉગલતે.’ ઇકબાલને પોરસ ચડાવતાં સપના બોલી.

‘તેરી બાતોં સે લગતા હૈ એક દિન તું ઈકબાલ શેઠ કો કામ પર રખેગી.’
મસ્કા મારતાં ઇકબાલ બોલ્યો.
‘ક્યું ઇકબાલ શેઠ, આજ કોઈ મિલા નહીં , અબ બચ્ચી કી જાન લોગે ક્યા.’
આંખ મારતાં સપના બોલી.
‘બચ્ચી ? જિસ બચ્ચી કે, ઈશારે પર કયોંકી જાન બિલ્લુભૈયા કી મુઠ્ઠી મેં આ ગઈ હૈ વો બચ્ચી ? ઔર એક બાત તુજ સે પૂછની થી, હમારે ઇસ સૌદે કે બારે મેં બિલ્લુ કો કુછ ભનક તો નહીં પડી ના.’

‘કૌન બિલ્લુ ?’ બોલતાં સપના હસવાં લાગી.
‘બસ તેરી ઇસી અદા કે તો હમ કાયલ હૈ, સપના.’ ઇકબાલ બોલ્યો..
‘એક કોલ આ રહા હૈ.. મેં તુમ કો બાદ મેં કોલ કરતી હૂં.. ઠીક હૈ ?
‘અચ્છા ઠીક હૈ.’
એવું ઇકબાલ બોલતા ઇકબાલની બક બકથી પીછો છોડાવતા કોલનું બહાનું કરી મોઢું બગાડીને કોલ કટ કરી સપના મનોમન બબડી..
‘તને તો હું કાયમ માટે કાયર બનાવી દઈશ મુંગેરીલાલ, બસ તું હવે જોયા કર સપનાના શતરંજની ચાલ.’

સાહિલની કુંડલી જેવો ઇકબાલનો મેસેજ વાંચતા સપનાને સાહિલની રોજબરોજની ગતિવિધિ અને તેના મિત્રોવર્તુળની માહિતી મળી ગઈ. પણ સપનાની અભિમન્યુના કોઠા જેવી વ્યૂહરચના માટે આ જાણકારી નિરર્થક લાગી.

ત્રણ દિવસ પછી...વ્હેલી સવારે આઠ વાગ્યના સમયની આસપાસ

ત્રણ દિવસ લગી ઊંડા શ્વાસની માફક રોકી રાખેલાં સપનાની પરીક્ષા જેવી ગહન પ્રતિક્ષાની પરિસીમા તૂટતાં સાહિલે આત્મ સન્માનને હાંસિયામાં ધકેલતાં ફરી મેસેજ સેન્ડ કર્યો સપનાને.
‘સરિતાના અવિભાજય અંગ જેવો સાહિલ જ તરસ્યો રહે તો સરિતાના અસ્તિત્વનું શું મુલ્ય ? સરિતાની લહેરો, સાહિલ સંગમ માટે તરસે પણ, મારી કોઈ અજાણ ઉણપની ઘોર ઉપેક્ષાથી અપવાદમાં મૂકાતાં સરિતાના સાક્ષાત્કારથી સબબ વિના અળગો રાખવમાં આવ્યો છે. સજા સ્વીકાર્ય, પણ સજાના સમયમર્યાદાની અવધિથી અવગત કરાવજો..’

લગભગ ઉડી ગયેલી ઊંઘ પછી આંખો ચોળતાં બેડ પરથી ઉઠ્યા બાદ ફ્રેશ થઈ મોબાઈલ હાથમાં લેતાં સપનાની નજર પડી સાહિલના મેસેજ પર.
મેસેજનું છેલ્લું વાક્ય પૂરું કરતાંની સાથે જ સપના કયાંય સુધી ખડખડાટ હસતાં હસતાં સોફા પર પડી રહ્યાં પછી બોલી..

‘યે શિકાર તો મેરે વાર સે પહેલે હી ઢેર હો ગયાં. સંગ્રામના શુભારંભ પહેલાં જ શરણાગતિ સ્વીકારી લીધી એવું માની લઉં કે, પછી ચતુર શાહમૃગ ભુલભુલામણી જેવા કોઈ ષડ્યંત્રની પેરવી રચવાની તૈયારીમાં છે. ખુદને પ્રેમદૂત સમજતો હકલો આટલી જલ્દી હલકામાં હારી માની જાય એ વાત હજમ નથી થતી. ચલ જોઈએ ક્યા સુધી પ્રેમદૂત પરિકલ્પનાની પતંગ ચગાવે છે.’

સરિતાના સાક્ષાતકારના સંદેશ માટે ટળવળતાં સાહિલ પર તરસ આવતાં છેક મોડી રાત્રે એકાક્ષરી છતાં જોરદાર ધક્કો લાગે એવો પ્રત્યુત્તર આપતાં સપનાએ મેસેજ કર્યો...

‘નામુમકીન.’
‘અરે... કોઈ ગેઇટ પરથી બૂમ પડે છે.. ઘરમાં સૌ બહેરા થઇ ગયાં છે કે શું..? કે પછી એક દિવસ બધાને લેફ્ટ રાઈટ કરાવું.’
બેઠકરૂમમાં ન્યુઝ પેપર વાંચવાની તલ્લીનતામાં ખલેલ પડતાં આકરાં પાણીના પ્રકૃતિના આદિ ભગીરથ ચૌહાણ રીતસર તાડૂક્યા.

ભગીરથ ચૌહાણ.
મૂળ રતનપૂરના રહેવાસી. મનહરલાલ, અંબાલાલ એ સિવાય રતનપુરની મહદ્દઅંશની વસ્તી ભગીરથના નામથી સારી રીતે પરિચિત હતી, કારણ કે, તે ગામની સહકારી મંડળીમાં હિસાબનીશ તરીકે ફરજ બજવતાં હતાં. પત્ની સંતોક અને એકમાત્ર પુત્ર સૂર્યદેવ જેને બચપણમાં સૌ વ્હાલથી ચિન્ટુ કહીને બોલાવતાં. નાના એવાં પરિવારમાં એક દિવસ અચનાક વાયરા જેવું પરિવર્તન આવ્યુ...

એક ભાંગતી રાતે કોઈને પણ જાણ કર્યા વગર પરિવાર સાથે ભગીરથ આવી પહોંચ્યો મહાનગરમાં તેના દૂરના સાળા ધનંજયને ત્યાં. ભગીરથે અડધી રાત્રે લીધેલાં અણધાર્યા નિર્ણયથી ધાર્મિક વૃતિ અને ભોળા સ્વભાવની સંતોકને તો જાણે કે માથે આભ તૂટી પડ્યું હોય એવી મનોદશા હતી. એ સમયે સૂર્યદેવની ઉંમર હતી માત્ર દસેક વર્ષની. ઉગ્ર મિજાજના ભગીરથ સામે એક દિવસ ડરતાં ડરતાં સંતોકે વિનંતી કરી ધીમા સ્વરમાં ગામ છોડવાનું કારણ પૂછ્યું. પણ... ધમકીના સ્વરૂપમાં ગુસ્સા સાથે ભડભાદર ભગીરથે કહ્યું હતું કે.... ‘ આજ પછી તારા મોઢે રતનપુરનું નામ ન સંભળાવું જોઈએ, નહીં તો મારાથી ભૂંડું કોઈ નહીં થાય બસ આટલું શાનમાં સમજી લે જે. નજરો નજર જોયલા અને સાંભળેલા આ સંવાદ અને સ્થિતિની સમજણ માસૂમ સૂર્યદેવના સમજણ સીમાની બહાર હતી..

વર્ષોથી ગામડા ગામની માયા અને મમતાના વળગણની ગાંઠ કોઈ રહસ્યમય કારણથી લાગણીહીન ભગીરથે એક જાટકે કાપી કાપી નાખતાં, ધીમે ધીમે એ રહસ્યના ગાળિયાની ભીંસથી સંતોકનો જીવ એ હદ સુધી ગૂંગળાવવા લાગ્યો કે, રતનપૂર છોડ્યાના એક વર્ષની અંદર એક રાત્રે ઊંઘમાં જ ઘાતક હ્રદય હુમલામાં સંતોકે પ્રાણ ત્યજી દીધા. જળ વિના તરફડતી મીનની માફક સંતોક અંનત વાટ પકડે છેક ત્યાં સુધી સંતોકની અંતરવ્યથા, વ્યવસાયિક પ્રકૃતિને વરેલાં ભગીરથને ન સ્પર્શી શકી. નામ આગળ સ્વર્ગસ્થ લાગ્યાં પછી થોડા દાહડા બાદ ગઈકાલ સુધી જીવતી જાગતી સંતોક નામની જીવનસંગીનીનું અસ્તિત્વ ભગીરથની સ્મરણ સૂચિમાં પણ નહતું. અને કુમળા માનસના દીકરા સૂર્યદેવને વાત્સલ્યના ખાલીપા અને વળગાળમાંથી છુટકારો અપાવવા ભગીરથને દીકરાને હોસ્ટેલમાં ધકેલી દેવાનું મુનાસીબ લાગ્યું. પણ.. કંઇક અયોગ્ય થયાની કુંઠિત લાગણી સાથે સૂર્યદેવ તેની સમજણ અને સમયના સથવારે તાલમેળ બેસાડતાં તેના અભ્યાસ ક્રમમાં જોતરાઈ ગયો.

કાયમ માટે રતનપુર ગામને ભગીરથે તિલાંજલિ આપી એ વાતને આજે અઢાર વર્ષ વ્હાણા વાય ગયાં. આશરે બે દાયકા પહેલાં આવેલાં ભગીરથે શરૂઆતની સમયગાળો તેના સાળા ધનંજયને ત્યાં અદ્દલ એક શરણાર્થીની તરીકે લાઈફના મેજર ટર્નિંગ પોઈન્ટ સાથે સેકંડ ઇનિંગની શરૂઆત કરી હતી. એ સમયે ધનંજય કન્સ્ટ્રકશન બિઝનેશના નાના મોટા કામ સાથે જોડાયેલો. તેમાં ભગીરથે તેની સંઘરેલી મૂડી સાથે ધનંજયના પાર્ટનર તરીકે ઝુકાવ્યું. ધીમે ધીમે બિલ્ડર લોબી સાથેની તેની રોજિંદી બેઠક દરમિયાન ભગીરથ તેના શાતિર દિમાગથી કન્સ્ટ્રકશન બિઝનેશના શોર્ટ કટ પાસાંના સિક્રેટ હાંસિલ કરી લીધા. વન ટુ કા ફોરની થીયરીમાં માસ્ટર ભગીરથ જોત જોતામાં આજે અઢાર વર્ષમાં રીયલ એસ્ટેટમાં એટલો આગળ નીકળી ગયો કે, ધનંજય આજે તેના પી.એ. તરીકે તેના હાથ નીચે કામ કરતો હતો.

મા, માયા, મમતા અને માવતરના અંનત શૂન્યઅવકાશના ખાલીપાને તેની તાકાત બનાવીને કુમળી વયના સૂર્યદેવે એકલપંડે જાતને એવી ઘડી કે, આગમાં તપ્યા પછી કંચનના જે ચકાચોંધ ચળકાટથી કોઈની પણ આંખો અંજાય જાય એવો નિખાર લઈને આજે અઠ્યાવીસ વર્ષની ઊંમરે સૂર્યદેવ ચૌહાણ શહેરના ગુપ્તચર પોલીસ ડીપાર્ટમેન્ટમાં એક બાહોશ, નીડર અને પ્રમાણિક ઓફિસર તરીકે છેલ્લાં એક વર્ષથી સેવા બજાવી રહ્યો હતો.

અને છેલ્લાં એક વર્ષમાં ભગીરથની હરણફાળ સંપતિ અને સફળતામાં રાતો રાત આવેલો અનેક ગણો ઉછાળો સૂર્યદેવની પદવીને આડકતરી રીતે ધમકીના સ્વરમાં રોકડી કરવાના ભગીરથના કારસ્તાનને આભારી હતો. જેની ગંધ સુદ્ધાં સૂર્યદેવને નહતી. હજુયે સૂર્યદેવને કેશ કરવાં માટે પચાસ કરોડની માસ્ટર કી જેવું ટ્રમ્પ કાર્ડ ભગીરથના ખિસ્સામાં અને ખવીસ જેવી ખોપડીમાં ભમતું હતું.

છેલ્લાં દોઢેક દસકાથી ભગીરથની સેવા કરતો ચાકર બળવંત ઉર્ફે બાલો...શેઠની ત્રાડ જેવી રાડ સંભાળતા ગાર્ડનમાંથી દોડતો આલીશાન ‘ભગીરથ વિલા’ના બેઠક રૂમમાં દાખલ થતાં બોલ્યો..

‘માલિક... ગામડેથી ચીમનભાઈ આવ્યાં છે. ઈને બારે બેહાડું કે, આઈ અંદર લઇ આવું ?’
‘જા.. મોકલ એને અંદર, અને બાથરૂમમાં મારા કપડાં મૂકી દે.’

જન્મજાત ખંધાઈ સાથે ખુશામત જે રીતે ચીમનલાલમાં ખૂનમાં ભળી’તી તેનો નમૂનો પેશ કરતાં લળી લળીને બે હાથ જોડતાં વિશાળ બેઠકરૂમમાં પ્રવેશતાં ચીમનલાલ બોલ્યો..
‘એ ય ને પગે લાગૂ માઈ બાપને.’
આટલું બોલીને ચીમનલાલ ભગીરથના સોફા સામે ભોંય પર ઉભડક બેસી ગયો..

‘ઉપર બેસ.’ ભગીરથ બોલ્યો..
એટલે હળવેથી બેસતાં વ્હેત ચીમનલાલનું અડધું શરીર ઈમ્પોર્ટેડ સોફામાં ઘુસી ગયું.

‘સપના ક્યા છે, ચીમન ?’
સ્હેજ ડોળા મોટા કરી, ભવાં ઊંચા ચડાવી, મૂછો પર તાવ દેતા ભગીરથે પૂછ્યું..

રાતોરાત સપનું થઇ ગયેલી સપનાનું નામ સાંભળતા જ..
ચીમનલાલનું ડાચું કૂતરું કોશ ગળી ગયું હોય એવું થઇ ગયું.


આ તરફ.. સપનાના હલાહળ જાકારા જેવા એકાક્ષરી મેસેજ ‘નામુમકીન’
એ સાહિલની અધીરાઈની આગમાં ઘી હોમવાનું કામ કર્યું. સરિતાની શ્રુધા સાહિલના ગળાનો કાંટો બની ગઈ. જલદ પ્રતીક્ષાનો પારો ભયજનક સપાટી પર આવી ચુક્યો હતો.
બે દિવસ બાદ રાત્રીના આશરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ સાહિલ બિઝનેશ મીટ પૂરી કરી, એકલો તેની બ્લેક કલરની મહિન્દ્રા એસ.યુ.વી. કારમાં મધ્યમ ગતિમાં હાઇવે પરથી તેના ફ્લેટ તરફ જઈ રહ્યો હતો..

સામે ડેસ્કબોર્ડ પર પડેલાં તેના મોબાઈલ પર મેસેન્જર કોલિંગ ટોન સંભાળ્યો..
કારની સ્પીડ સ્હેજ ધીમી કરતાં સેલ ઉઠાવીને સ્ક્રીન પર નામ વાંચીને સેકંડના છઠા ભાગમાં કાર રોડથી નીચે ઉતારી સજ્જડ બ્રેક મારી કાર થંભાવતા કોલ રીસીવ કર્યો...

‘બ્લેક મહિન્દ્રા એસ.યુ.વી. નંબર, એમ.એચ. ટ્વેંટી બી.વાય. નાઈન સિકસ ઝીરો વન. ગૂમ છે, ગુમનામ છે કે, ગુમાન છે, સાહિલ, શું સમજું ? આટલી કરીબથી સરિતા સરી ગઈ છતાં સાહિલને સરિતાની દરકાર સુદ્ધાં નથી.. તો એ સાહિલની પ્રતિક્ષાનું શું પરિમાણ અને મુલાકાતનું શું પરિણામ ? ’

કાનમાં ઘોળાયેલા મધલાળ અને મીઠા માદક સ્વરથી ગણતરીની સેકન્ડમાં સપનાએ સાહિલના હોંશ ઉડાડી દીધા. ઝટ કારમાંથી ઉતરીને ચોતરફ બાઘાની માફક નજર દોડાવા લાગ્યો.. અહીં..અહીં જ કયાંય આસપાસ છે, સરિતા. તપતા રણમાં જેમ કોઈ જળ માટે તરફડે એમ વ્યાકુળ અને બેબાકળા સાહિલની નજરો સરિતાના સગડ શોધવાં ચોતરફ ફરી વળી પણ... હજારોની કારની કતારથી ઉભરાતાં હાઇવે પર સરિતાને શોધવી એ સાહિલ માટે અઘરું નહીં પણ અશક્ય જ હતું...

વધુ આવતાં અંકે..

Rate & Review

Pradyumn

Pradyumn 7 months ago

Vijay

Vijay 8 months ago

Viral

Viral 10 months ago

Pannaben Shah

Pannaben Shah 10 months ago

Parash Dhulia

Parash Dhulia 11 months ago