Rajkaran ni Rani - 67 in Gujarati Social Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૬૭

રાજકારણની રાણી - ૬૭

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૭

સુજાતાબેન મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે એ વાતથી ધારેશ એટલો બધો ખુશ દેખાઇ રહ્યો હતો કે જાણે તેને નાચવાનું મન થઇ રહ્યું હોય એમ પોતાના શરીરના ઝૂમવા પર કાબૂ મેળવી રહ્યો હતો. તે પોતાની વધારે પડતી ખુશીને પણ જાહેર કરી દેવા માગતો ન હોય એમ હાથને વિજેતાની અદામાં હવામાં વીંઝીંને આગળ બોલવા લાગ્યો:"આખરે સુજાતાબેને પોતાનું ધાર્યું કરીને જ બતાવ્યું. તે સાચું જ કહેતા હતા. પ્રજાને જો સારી સુખ-સુવિધા આપવી હોય તો ધારાસભ્ય પદ કે મંત્રીપદ પૂરતું નથી. એમની અપેક્ષાઓને પૂર્ણ કરવા પોતાને સૌથી મોટું પદ મેળવવું પડે. એમના મનમાં મુખ્યમંત્રીપદનો મોહ નથી કે પોતાની આવડત સિધ્ધ કરવા આ પદ જોઇતું ન હતું. તેમના મનમાં લોકોની સેવાનો આશય રહ્યો છે. એમણે ચૂંટણી જીતતા પહેલાં લોકોના કામો કરવાનું શરૂ કરી દીધું હતું. આવું આજના સ્વાર્થી રાજકારણીઓ કલ્પી શકતા ન હતા. તેમણે પોતાને માટે નહીં પ્રજા માટે મુખ્યમંત્રી પદની ઇચ્છા રાખી છે. એમણે પ્રગટપણે મને પણ પોતાની ઇચ્છા જણાવી ન હતી. મેં એમની વાતો પરથી આ નિષ્કર્ષ કાઢ્યો હતો..."

"ચાલો તમને પણ અભિનંદન! આપણા સુજાતાબેન રાજયની ધુરા સંભાળવા જઇ રહ્યા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ એમના નેક ઇરાદાઓમાં સફળ થાય. આ પદ કાંટાળો તાજ છે. પણ તેઓને ફૂલોની રાહ મળે. આપણી શુભેચ્છાઓ સદા એમની સાથે જ રહી છે..." જનાર્દન પણ ખુશી અનુભવી રહ્યો હતો. પછી એકદમ બોલ્યો:"એક કામ કરીએ, આપણે મીઠાઇ અને ફૂલો મંગાવી રાખીએ..."

જનાર્દનનો વિચાર ધારેશને ગમ્યો. ધારેશે તરત જ હોટલના માણસને બોલાવીને પૈસા આપ્યા અને એક ચિઠ્ઠીમાં વિગતો લખી તાત્કાલિક લઇ આવવાનું કહ્યું.

"હા, એમણે સારા ઇરાદાઓ સાથે મુખ્યમંત્રીપદ મેળવ્યું છે એટલે એ જરૂર સફળ રહેશે. એમણે કહ્યું કે બહુ જલદી તે હોટલ પર આવી રહ્યા છે. બધી જ વાતો રૂબરૂમાં કરશે..." કહીને ધારેશ મોબાઇલમાં સમાચારો પર નજર નાખતા બોલ્યો:"હજુ સુધી કોઇ સમાચાર ચેનલને આ વાતની ખબર પડી ન હતી. જ્યારે ખબર પડશે ત્યારે હલચલ મચી જશે."

"રાજકારણમાં આપણે જાણીએ છીએ ત્યાં સુધી મુખ્યમંત્રીના પદ માટે કેટલું ગોળગોળ ચકડોળ ફર્યું છે. ખુદ રાજેન્દ્રનાથને ખબર નહીં હોય કે તેમના હાથમાંથી બાજી સરકી રહી છે. સુજાતાબેન બહુ આયોજનબધ્ધ રીતે કામ કરી રહ્યા હતા. હાઇકમાન્ડને વિશ્વાસમાં લેવામાં એ સફળ થઇ ગયા લાગે છે. તેમના પર પક્ષે વિશ્વાસ મૂક્યો એ બહુ મોટી વાત છે. આટલા બધા સિનિયર નેતાઓને બાજુ પર રાખીને એક નવા મહિલા પર કળશ ઢોળ્યો એ પક્ષ માટે મોટું પગલું છે. બધાંના વિરોધની પરવા કર્યા વગર એમને મુખ્યમંત્રીપદ માટે પસંદ કર્યા એ ઐતિહાસિક ઘટના છે..." ધારેશ એ વાતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે આ બધું કેવી રીતે બની ગયું હશે!

જનાર્દન એની વાતમાં સૂર પુરાવતાં બોલ્યો:"સુજાતાબેન ખરેખર સામા વહેણમાં તરીને પાર ઉતર્યા છે. બાકી રાજેન્દ્રનાથ સિવાય કોઇની કલ્પના થઇ શકે એમ ન હતી. ખાસ કરીને ત્યારે જ્યારે મતદાનમાં એકપણ મત તેમની વિરુધ્ધ પડ્યો ન હતો. એમ છતાં એમને બદલે બીજી કોઇપણ વ્યક્તિનું નામ આવે તો એ ચમત્કાર જ કહી શકાય..."

બંનેની વાત ચાલતી હતી ત્યારે હોટલનો માણસ મીઠાઇ, ફૂલ અને બીજી વસ્તુઓની થેલી આપી ગયો. જાનર્દન અને ધારેશ સતત ઘડિયાળ પર નજર નાખી રહ્યા હતા. સુજાતાબેનને મોડું થયું છે એવું એમની નજરો કહી રહી હતી.

જનાર્દને મોબાઇલમાં સમાચાર ચેનલો પર નજર નાખવાનું શરૂ કર્યું. સમાચારોમાં રાજેન્દ્રનાથ જ છવાયેલા હતા. તેમની દિલ્હી મુલાકાતનું વિશ્લેષણ ચાલી રહ્યું હતું. એવી અટકળ થઇ રહી હતી કે પીએમ સાથેની રાજેન્દ્રનાથની મુલાકાત મહત્વની બની રહેશે. તેઓ ફરીથી મુખ્યમંત્રી બનતા પહેલાં પીએમનું માર્ગદર્શન મેળવવા ગયા હોવાનું અનુમાન છે. પ્રજાએ થોડી નારાજગી હોવા છતાં એક આશા સાથે 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ને બહુમતિ આપી હોવાથી પક્ષની જવાબદારી વધી ગઇ છે. એક ચેનલ સૂત્રોના હવાલાથી એવા સમાચાર આપી રહી હતી કે પીએમના બુલાવા પર જ રાજેન્દ્રનાથ દિલ્હી પહોંચ્યા છે. એમની વચ્ચેની બેઠક પર રાજયની રાજકીય સ્થિતિ અવલંબે છે. રાજેન્દ્રનાથ પર બધા જ ધારાસભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાના અહેવાલો વચ્ચે તે કેબિનેટ મંત્રીઓના નામ નક્કી કરવા ગયા હોવાનું પણ કહેવાય છે.

જનાર્દનને થયું કે હજુ સમાચાર ચેનલોને સુજાતાબેનના મુખ્યમંત્રીપદના સમાચાર આપવામાં આવ્યા નહીં હોય એટલે તર્ક કર્યા કરે છે. પરંતુ એમના તર્કમાં વજન છે. તે બોલ્યો:"સમાચાર ચેનલો તો હજુ સુજાતાબેન વિશે કંઇ માહિતી આપતી નથી..."

ધારેશ કહે:"કદાચ પીએમ જાતે સુજાતાબેનના નામની જાહેરાત કરવાના હશે..."

"રાજેન્દ્રનાથ દિલ્હી ગયા છે અને સમાચાર ચેનલો જ નહીં રાજકીય વિશ્લેષકો પણ એમને જ મુખ્યમંત્રીપદના મોટા દાવેદાર ગણાવી રહ્યા છે. ક્યાંક સુજાતાબેનના ધ્યાન બહાર રાજેન્દ્રનાથ ત્યાં રાંધી ના આવે તો સારું છે. રાજેન્દ્રનાથ બહુ ચાલાક રાજકારણી છે...સમાચાર ચેનલો તો એવી વાત કરી રહી છે કે રાજેન્દ્રનાથ પીએમના આશીર્વાદ લેવા દિલ્હી ગયા છે. એ આપણી બાજીને પલટી તો નહીં નાખે ને...?" જનાર્દન પોતાની શંકા વ્યક્ત કરતાં બોલ્યો.

"જનાર્દન...ચિંતા કરીશ નહીં. રાજેન્દ્રનાથની બાજી આપણે જ પલટી નાખી છે. તે દિલ્હી પીએમના આશીર્વાદ લેવા નહીં માફી માગવા ગયા છે..." સુજાતાબેન રૂમમાં પ્રવેશતા બોલ્યા.

જનાર્દન ચોંકીને એમના ચહેરા પર રહેલા આત્મવિશ્વાસની ચમકને જોઇ રહ્યો. તે પહેલી વખત સુજાતાબેનને ભાવિ મુખ્યમંત્રી તરીકે જોઇ રહ્યો હતો. સુજાતાબેન રાજેન્દ્રનાથને આટલી મોટી શિકસ્ત કેવી રીતે આપી શક્યા હશે? આ બધું કંઇ રાતોરાત શક્ય નથી. જનાર્દન સુજાતાબેન પાસેથી આખી વાત જાણવા ઉત્સુક થઇ રહ્યો હતો.

ક્રમશઃ