Bhjiyawadi - 12 in Gujarati Love Stories by Pradip Prajapati books and stories PDF | ભજિયાવાળી - 12

ભજિયાવાળી - 12

હૉસ્પિટલચાંદની રાતમાં ટમટમતા તારાઓની નીચે હું અને ગ્રીષ્મા અગાસીએ બેઠા બેઠા વાતો કરતા હતા. ચંદ્રના અજવાળાથી ગ્રીષ્માના કાનની બુટ્ટી ચમકતી હતી. 'હવે ક્યારે પાછો જવાનો છે ?' પોતાના વ્યક્તિને રોકી રાખવાના ભાવ સાથે ગ્રીષ્માએ પૂછ્યું. મેં કહ્યું, 'ખબર નહીં, પણ જલદી જઉં જ પડશે...બધા કામ અધૂરા મૂકીને આવ્યો છું ! ગ્રીષ્માએ કહ્યું, 'ગુડ...પણ કામ અધૂરા મૂકીને ન જતો !' ગ્રીષ્માના આ ફિલોસોફીકલ જવાબનો હું કેમ જવાબ આપું એ ન સમજાયું. આજે ગ્રીષ્માનો મૂડ ઘણો સારો હતો બાકી તો એ વાત જ ન કરે ! 'તારા પણ કંઈ ફ્યુચર પ્લાન્સ્ હશે જ ને ?' મેં પૂછી જ લીધું. ગ્રીષ્મા આંખમાં આંખ નાખી બોલી, 'ફ્યુચર હોય તો પ્લાન હોય ને...' હું મૌન થઈ ગયો. એ ફરી બોલી, 'હું પણ' અને એ ચૂપ થઈ ગઈ અને વાત ફેરવીને કહ્યું, 'તું બોલ તારા શું પ્લાન્સ્ છે ? સાંભળ્યું છે કે તું અમેરિકામાં સેટલ થવાનો છે !' મેં માથું હલાવ્યું અને ડોક નીચી કરીને વિચારવા લાગ્યો. ખબર નહીં કેમ, મનમાં એક પ્રકારની ઉદાસીનતા ઘર કરી રહી હતી.
'બેટા લો આ આઈસ્ક્રીમ' ગ્રીષ્માના મમ્મી ઉપર આવ્યા અને મને અને ગ્રીષ્માને આઈસ્ક્રીમ આપ્યો. મેં કહ્યું, 'વાહ આંટી બટરસ્કોચ !' ગ્રીષ્માના મમ્મી બોલ્યા, 'હા અમારી ગ્રીષ્માને તો બટરસ્કોચ બઉ જ ભાવે.' હું પણ ધીમા અવાજે બોલ્યો, 'મને પણ...!' અમને ડિસ્ટર્બ કર્યા વગર ગ્રીષ્માના મમ્મી નીચે જતા રહ્યાં. ગ્રીષ્મા થોડીવાર ચૂપ જ રહી અને ઊભી થઈને ગામને જોવા લાગી. હું પણ એની બાજુમાં ઊભો રહ્યો. એ બોલી, 'જો ગૌરવ, રાત્રે કેવી શાંતિ છે ! તમારા વિદેશમાં પણ આવી શાંતિ હોય ?' મેં જવાબ આપ્યો, 'ના ના લંડન અને ન્યુયોર્ક જેવા સિટીઝમાં તો આખી રાત લોકો ફરે!' 'એમ..!' ગ્રીષ્મા એ કહ્યું. 'તો તને શાંતિ ગમે કે શોરબકોર?' મેં જવાબ આપ્યો,'એ તો સ્થિતિ પર આધાર રાખે, જેમ કે મને અત્યારે શાંતિ ગમે છે!' ગ્રીષ્મા કંઈ ના બોલી. અમે બંને થોડીવાર મૌન રહ્યાં. હું નિઃશબ્દ થઈ ગયો. હવે ઘરે જવું જોઈએ એવો વિચાર સતત મારા મનના દ્વાર ખખડાવતો હતો પણ હૈયું માનતું જ નહોતું. 'હાથમાં હવે કેવું છે?' ગ્રીષ્માએ કહ્યું. 'હવે સારું છે, પણ ડૉક્ટરે ધ્યાન રાખવા કહ્યું છે.' ગ્રીષ્મા મારા હાથ તરફ જોઈ રહી હતી. 'ગૌરવ, આ તો એ જ કડું છે ને જે રાજકોટમાં હનુમાનજી મંદિરે આપણે લીધું હતું' વરસાદ બાદ જેમ પ્રકૃતિ નવપલ્લવિત થઈ જાય એમ ગ્રીષ્માનો મૂડ બદલાયો. મેં કહ્યું, 'હા એ જ છે !' 'તે હજી સાચવી રાખ્યું છે! મારે તો ક્યારનું ખોવાઈ ગયું.' એ આમ ને આમ વાત કરતી ગઈ ને હું સાંભળતો ગયો. પહેલીવાર ગ્રીષ્માએ આટલી બધી વાત કરી. 'તું કાલે સાંજે ફ્રી છે?' એણે કહ્યું, 'હા..' એણે ફક્ત હા જ પાડી, કેમ એવો સવાલ ન પૂછ્યો! મેં કહ્યું, 'આજે ગિરીશ સરનો ફૉન હતો. એમણે કહ્યું કે વિદેશ આવ્યો છો તો મળી જા. એમ પણ સ્કૂલ પછી એમને મળાયું નથી.' ગ્રીષ્મા બોલી, 'પણ એ તો બાજુના ગામ રહે છે.' 'હા તો બાઇક છે ને!' આટલું કહીને હું અટકી ગયો. એણે કહ્યું, 'સારું હું તને કાલે સવારે કહું, આ દુકાને એટલું કામ હોય છે ને કે...' મેં કહ્યું, 'સારું..તો હવે નીકળીએ, અડધી રાત થઈ ગઈ છે ને કાકી ચિંતા કરતાં હશે.' એણે કહ્યું, 'હા...એવું હોય તો અહીંયાં જ' એ અટકી ગઈ... અને ફરી બોલી, 'સારું...!' હું ગ્રીષ્માના ઘરથી નીકળ્યો અને અડધી રાત્રે ગામની શાંત ગલીઓમાં ચાલતો ચાલતો ઘરે પહોંચ્યો.

લગભગ સવારના 4 વાગ્યા હશે, ને કાકા ફૉન પર વાત કરતાં હતા, 'કેમ કરતાં થ્યું....વધારે લાગ્યું તો નથી ને ?' કાકાની આ વાત સાંભળતા જ હું અગાસીએથી નીચે દોડી આવ્યો. 'શું થયું કાકા? કોનો ફૉન હતો?' કાકાએ હાંફતા કહ્યું, 'તારા ભાઈની ગાડીનો એક્સિડન્ટ થયો સે, તારા ભાભીને થોડુંક પગમાં વાયગુ સે!' કાકી બોલ્યા, 'મેં તો કીધું'તું કે થાકેલા હોઈએ ત્યારે ગાડી નો ચલાવાય! પણ આ તારા ભાભીને કોણ સમજાવે.. માને જ નહીં, રાજકોટ જવાનું જાણે મોડું થાતું'તું!' મેં કહ્યું, 'ભાઈ-ભાભી ક્યાં સે? કાકાએ કહ્યું, 'એ રાજકોટના કોઇક દવાખાને લઈ ગયા સે' મેં ભાઈને કૉલ કર્યો અને કઈ હોસ્પિટલમાં છે એ જાણ્યું. હું ચિરાગને ફૉન કરવા ગયો પણ ભૂલથી ગ્રીષ્માને લાગી ગયો. મેં ફટાફટ કૉલ કટ કર્યો અને ચિરાગને ફૉન કર્યો અને આખી ઘટના જણાવી. ચિરાગ થોડીવારમાં જ એની કાર લઈને આવતો હતો ત્યાં તો ગ્રીષ્માનો કૉલ આવ્યો. ગ્રીષ્મા બોલી, 'શું થયું ગૌરવ, તારો મિસકૉલ હતો. બધું બરાબર તો છે ને?' મેં કહ્યું, 'હા, એ તો ચિરાગને કૉલ કરવો હતો પણ ભૂલથી તને કૉલ લાગી ગયો.' એણે જવાબ આપ્યો, 'ગૌરવ સવારના ચાર થયા છે ને તે અત્યારે ચિરાગને કૉલ કર્યો, સાચું સાચું બોલ શું થયું છે? મેં આખી વાત ગ્રીષ્માને કરી અને એણે સાથે ચાલવાની જીદ પકડી. મેં એને બહુ મનાવી પણ એ માની નઈ. ચિરાગ આવ્યો અને કાકા-કાકીએ પણ સાથે ચાલવાની જીદ પકડી, પણ મેં એમને મનાવી લીધા અને અહીંયાં જ રહેવા કહ્યું. હું અને ચિરાગ ગ્રીષ્માને લઈને રાજકોટ જવા નીકળ્યા. 'ગ્રીષ્મા તું અત્યારે ખોટી હેરાન થાય છે, હું અને ચિરાગ હતા ને, બધું સાંભળી લેત. એણે કંઈ જ જવાબ ન આપ્યો.

સવારના સવા છ વાગ્યે અમે રાજકોટની હોસ્પિટલે પહોંચ્યાં. ભાઈ ખુરશી પર બેઠાં હતા અને ભાભીના પગમાં મોટો પાટો હતો. ભાભી મને જોઈને બોલ્યાં, 'ગૌરવ' અને ત્યારબાદ ગ્રીષ્મા સામે જોયું અને બોલ્યાં, 'તમે લોકો અહીંયાં..' મેં કડક અવાજે ભાભીને કહ્યું, 'શું જરૂર હતી રાજકોટ આવવાની...!' ભાભીએ કહ્યું,'ગૌરવ મને કંઈ જ નથી થયું. ખાલી પગમાં થોડી મોચ આવી છે.' 'હા દેખાય છે કેવી મોચ આવી છે.' મેં જવાબ આપ્યો. ચિરાગ બોલ્યો, 'પણ એક્સિડેન્ટ થયો કેવી રીતે?' 'ગાડી તો ધીમી જ હતી, પણ અચાનક નીલ ગાય આવી ગઈ એટલે મેં હેન્ડ બ્રેક મારી અને ગાડી રસ્તા નીચે ઉતરી ગઈ અને એમાં તારા ભાભી મારા બાજુ પડ્યાં અને એને પગમાં ક્રેક આવી ગઈ.' ભાઈએ જવાબ આપતા કહ્યું. હું ડૉક્ટર સાથે વાત કરતો હતો ત્યારે ગ્રીષ્મા ભાભીના બાજુમાં બેઠી અને બોલી, 'ભાભી દુઃખે છે?' ભાભીએ ખાલી હમ્મ કહી જવાબ આપ્યો. ભાભીને હજી ઓર્થોસર્જન પાસે બતાવવાનું હતું એટલે એ એક્સરે જોઈને જવાબ આપશે. ભાભી અચાનક બેડ પરથી નીચે ઉતરવા લાગ્યા. મેં કહ્યું,'શું થયું ભાભી?' એમણે કહ્યું, 'બાથરૂમ જવું છે.' ત્યારે ગ્રીષ્મા ઊભી થઈ અને બોલી,'હું લઈ જઉં છું.' ગ્રીષ્મા ભાભીને વ્હીલચેર પર બેસાડી બાથરૂમ લઈ ગઈ અને હું અને ચિરાગ નાસ્તો લેવા માટે બહાર ગયા. અડધો કલાકમાં અમે નાસ્તો લઈને આવ્યા અને એ દૃશ્ય જોઈને હું અને ચિરાગ આશ્ચર્યમાં મુકાઈ ગયા. ગ્રીષ્મા અને ભાભી શાંતિથી વાતો કરતાં હતાં અને ભાભીના ચહેરા પર પણ એક પ્રકારની પ્રસન્નતા હતી!

(ક્રમશઃ)

લેખક: પ્રદિપ પ્રજાપતિ