Lost - 9 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 9

પ્રકરણ ૯

"રાધિ બેટા......" તસ્વીરમાંથી નીકળેલી સ્ત્રીએ પ્રેમથી રાધિકાને બોલાવી, તેણીના અવાજમાં જાણે કે કોઈ જાદુ હોય એમ રાધિકા તેની તરફ ખેંચાઈ.
"તમે કોણ છો? તમેં મારું નામ કેવી રીતે જાણો છો?" રાધિકાના મનનો ડર ઓછો થઇ ગયો હતો.
"હું આ ઘરની માલિકણ આધ્વીકા રાઠોડ છું, અને તારું નામ મેં જ તો તને આપ્યું હતું બેટા." આધ્વીકાએ પ્રેમાળ સ્મિત રેલાવ્યું.

"આધ્વીકા... આ નામ મેં ક્યાંક સાંભળેલું છે, પણ ક્યાં?" રાધિકા ગણગણી અને અચાનકજ કંઈક યાદ આવતા તેં ચમકી,"રાવિકા...... રાવિકાની મમ્મીનું નામ પણ આધ્વીકા જ હતું. તમે રાવિકાના મમ્મી છો?"
"હા, રાવિ મારી દીકરી છે અને તું પણ મારી....." આધ્વીકા તેની વાત પુરી કરે એના પહેલાંજ ધીરે ધીરે ગાયબ થવા લાગી.

"હું? હું તમારી શું?" રાધિકા પુરી વાત જાણવા તત્પર થઇ હતી.
"ચાલી જા..... અહીંથી ચાલી જા..... " હવેલીમાંથી ભયકંર ચીસો નીકળી રહી હતી.
"ના તો મને આ ભયાનક ઘરનો ડર લાગે છે, ના તો આ ભયાનક ચીસોનો." રાધિકાએ રાડ પાડી અને તેને પોતાને પણ નવાઈ લાગી,"મને ડર કેમ નથી લાગી રહ્યો?"
"કેમકે તું એક નીડર સ્ત્રીની દીકરી છે." આધ્વીકા આટલુ બોલીને ગાયબ થઇ ગઈ.

આધ્વીકા ગાયબ થઇ કે તરત દરવાજો ખુલી ગયો, દરવાજો ખુલતાંજ રાધિકા બહાર નીકળી ગઈ.
"આધ્વીકા આંટી રાવિકાના મમ્મી છે, તો રાવિકાને મળવા માટે મારે તેની મમ્મીની તપાસ કરવી પડશે. રાવિકાને મળ્યા પછીજ આ કોયડો ઉકેલાશે હવે..." રાધિકાએ મેઈન ગેટ બંધ કર્યો અને વિસેક ડગલાની દુરી પર આવેલા પાડોશી મકાન તરફ ગઈ.

એ ઘરના દરવાજા આગળ આવી રાધિકાએ ડોરબેલ વગાડી.
"આવું છું." ઘરની અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો અને થોડીવારમાં બારણું ખુલ્યું, ચાલીસેક વર્ષની એક સ્ત્રી રાધિકાને જોઈને યાદ કરવાનો પ્રયત્ન કરી રહી હતી કે આ કોણ છે.
"નમસ્તે માસી! તમારો થોડો સમય લઇ શકું જો તમે કામમાં ન હોવ તો." રાધિકાએ માંડ માંડ આટલી મીઠાશથી વાત કરી હતી, લોકો સાથે પ્રેમ અને શાંતિથી વાત કરવી એ રાધિકા માટે લોઢાના ચણા ચાવવા જેટલી અશક્ય બાબત હતી.
"અરે, આવ આવ." તેં સ્ત્રી બારણું ખુલ્લું મૂકીને ઘરમાં ગઈ, રાધિકા તેની પાછળ પાછળ ગઈ.

"શું કામ હતું બોલ." તેં સ્ત્રીએ પાણીનો ગ્લાસ રાધિકાને આપ્યો.
"સામે જે ઘર છે ને, રાઠોડ હાઉસ. ત્યાં કોણ રહે છે? આધ્વીકા રાઠોડ હાલમાં ક્યાં છે?" રાધિકા સીધી મુદ્દા પર આવી.
"મારું નામ મીના છે, હું અહીં લગન કરીને આવી ત્યારે તો એ ઘર ભર્યુંભાદર્યું અને સુખી સંપન્ન હતું." મીનાબેનએ જૂનો સમય યાદ કર્યો.

"તો હવે બધાં ક્યાં છે?" રાધિકાએ પૂછ્યું.
"એ ઘરમાં તો છેલ્લા ૨૧ વર્ષથી કોઈ નથી રહેતું, એ ઘરમાં જે લોકો રહેતાં એમાંથી અમુકની તો ડેથ થઇ ગઈ છે. છોકરીઓ હતી એ પોતપોતાને સાસરે છે, જીવન બીજે ક્યાંક શિફ્ટ થઇ ગયો છે અને આધ્વીકા...." મીનાબેન ભાવુક થઇ ગયાં હતાં.
રાધિકાએ તેમને પાણી આપ્યું, પાણી પીને મીનાબેન ફરી બોલ્યાં, "આધ્વીકા બઉજ સરસ છોકરી હતી, પણ બઉજ દુઃખદ મોત હતું તેનું."

"મોત? આધ્વીકા રાઠોડ હવે આ દુનિયામાં નથી? રાવિકા અનાથ છે...." રાધિકા અચાનકજ બોલી ઉઠી.
"હા, બિચારી રાવિએ ત્રણ વર્ષની ઉંમરએ માંબાપ પણ ખોયાં અને બેન પણ ખોઈ." મીનાબેનની આંખો એ દિવસો યાદ કરીને ભરાઈ આવી હતી.

"મતલબ?" રાધિકાનું મન બેચેન થઇ ગયું હતું.
"આધ્વીકા અને રાહુલની બે જોડિયા દીકરીઓ હતી, રાવિકા અને રાધિકા. ૨૧ વર્ષ પહેલા આધ્વીકા, રાહુલ અને રાધિકાની ડેથ થઇ ગઈ હતી, પછી જિજ્ઞાસા રાવિકાને લઈને વિદેશમાં વસી ગઈ." મીનાબેનનું ગળું રૂંધાઈ ગયુ હતું, હવે તેઓ આગળ કાંઈજ બોલી શકે એમ ન્હોતાં.

"ધન્યવાદ માસી!" રાધિકા હવે અહીં બેસવાના મૂડમાં ન્હોતી, તેં જેમ બને એમ જલ્દી થી જલ્દી જઈને રાવિકાને મળવા માંગતી હતી.
"શું રાવિ મારી બેન છે? પણ મીનામાસીએ તો કહ્યું હતું કે રાધિકાની ડેથ.... મારા અને રાવિકાની વચ્ચે રહેલી સમાનતાઓ શું સંયોગ માત્ર છે કે કંઈક એવુ છે જે હું અને રાવિકા કે પછી કોઈજ નથી જાણતું?" રાધિકા તેના વિચારોમાં ખોવાયેલી હતી અને લાંબા લાંબા ડગલાં ભરતી આગળ વધી રહી હતી.

"પણ હું રાવિકાને શોધીશ કેમની?" આ વિચાર આવતાજ રાધિકાના પગ આગળ વધતા અટકી ગયા, તેં આમ અચાનકજ ઉભી રઈ તેથી તેની પાછળ આવતી સાયકલ રાધિકાને જોરથી અથડાઈ અને તેં નીચે પડી.
"આંધળો છે કે શું." હાથ ખંખેરતા રાધિકા ઉભી થઇને સામે જોયું, તેની સામે ૬ ફુટનો એક સોહમણો યુવાન ઉભો હતો.

"તમે આમ અચાનક ઉભા રહેશો તો કોઈ પણ ભટકાઈ જાય." એ યુવકએ ખભા ઉછાળ્યા.
"મિસ્ટર...."
"મેહુલ."
"મેહુલ હોય કે ફેહુલ, મારે તારી સાથે કોઈ વાત કરવી જ નથી." રાધિકા પગ પછાડતી ત્યાંથી જતી રહી.
"હાં, તો હું ક્યાં મરી રહ્યો છું તારી સાથે વાત કરવા. ઘમંડી." મેહુલ મોઢું મચડીને નીકળી ગયો.

રાવિકા રાઠોડ હાઉસના મેઈન ગેટની સામે ઉભી હતી, તેની આંખો અપલક આ ઘરને નિહાળી રહી હતી, "મારે અંદર જવુ જોઈએ કે નઈ?"
"તું હજુયે અહીંજ છે?" બજારથી પાછા આવતા મીનાબેનએ થોડીવાર પહેલાં તેમના ઘરે આવેલી છોકરીને જોઈને પૂછ્યું.

"મતલબ? તમે મને ઓળખો છો?" રાવિકાને આશ્ચર્ય થયું.
"અરે સવારે તો તું મને મળવા આવી હતી, આધ્વીકા વિશે પૂછતી હતી અને હવે પૂછે છે કે હું તને કઈ રીતે ઓળખું છું." મીનાબેન તેમના ઘર તરફ આગળ વધ્યા.

"તમે મારી મમ્માને ઓળખતાં હતાં?" રાવિકા મીનાબેનની પાછળ ગઈ.
"તું આધ્વીકાની દીકરી રાવિ છે?" મીનાબેન અચાનક ઊભાં રહી ગયાં.
"હા, તમે મને ઓળખો છો." રાવિકાને આશ્ચર્ય થયું.

"તો સવારે કેમ ના બોલી કે હું રાવિકા છું, મને માફ કરજે બેટા. તારી બેન વિશે તને આવી રીતે જાણવા મળ્યું એ બઉજ દુઃખદ બાબત છે." મીનાબેનએ રાવિકાના ખભા પર હાથ મુક્યો.
"મારી બેન?" રાવિકાને આઘાત લાગ્યો.
"હું જાણું છું કે તને બઉજ ખોટું લાગતું હશે કે કેમ તારા પરિવારએ તને હકીકતથી અજાણ રાખી, મને ખબર હોત કે તું રાવિ છે તો હું તને તારી બેન વિશે કઈ જણાવોત જ નઈ."મીનાબેનએ ઘરમાં જઈને બારણું બંધ કરી દીધું.

"મારી કોઈ બેન પણ છે અને માસીએ મારાથી છુપાવ્યું, મારી બેન વિશે જાણવું મારા માટે જરૂરી નથી?" રાવિકા જમીન ઉપર ફસડાઈ પડી.

ક્રમશ: